You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
IPL 2020 : 'કોલકાતા નાઇટ રાઇડર્સે રાતોરાત કૅપ્ટન બદલ્યા પણ નસીબ ન બદલાયું'
- લેેખક, તુષાર ત્રિવેદી
- પદ, વરિષ્ઠ ખેલ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 4 મિનિટ
ઓપનર ક્વિન્ટન ડી કોકની શાનદાર બેટિંગ થકી મુંબઈ ઇન્ડિયન્સે IPLની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં શુક્રવારે કોલકાતા નાઇટ રાઇડર્સ સામે આઠ વિકેટથી શાનદાર વિજય હાંસલ કર્યો.
આ સાથે મુંબઈની ટીમ પૉઇન્ટ ટેબલમાં ફરીથી મોખરે પહોંચી ગઈ છે. હાલમાં તેમના 12 પૉઇન્ટ છે. જ્યારે દિલ્હીની ટીમ પણ 12 પૉઇન્ટ ધરાવે છે, પરંતુ નેટ રનરેટને આધારે તે બીજા ક્રમે છે.
કોલકાતા નાઇટ રાઇડર્સે આ મૅચથી સુકાની બદલ્યા પણ તેઓ નસીબ બદલી શક્યા નહીં.
મુંબઈ સામેની અબુધાબી ખાતેની મૅચ અગાઉ દિનેશ કાર્તિકે કપ્તાની છોડી દીધી હતી અને તેમણે જ આ સ્થાન માટે ઇંગ્લૅન્ડની વર્લ્ડ ચૅમ્પિયન ટીમના સુકાની મોર્ગનને ઑફર કરી હતી.
આમ આ મૅચમાં મોર્ગને કોલકાતા નાઇટ રાઇડર્સની આગેવાની લીધી હતી.
ડી કોક અને રોહિત શર્માએ બાજી પલટી
મોર્ગનને આ મૅચમાં એકમાત્ર સફળતા મળી હતી અને તે પણ ટૉસ જીતવામાં.
કોલકાતા નાઇટ રાઇડર્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો પરંતુ તેમના બૅટ્સમૅન તેનો લાભ ઉઠાવી શક્યા ન હતા.
કોલકાત નાઇટ રાઇડર્સે 20 ઓવરને અંતે પાંચ વિકેટે 148 રન નોંધાવ્યા હતા, જેના જવાબમાં મુંબઈએ આસાનીથી ટાર્ગેટ વટાવી દીધો હતો. મુંબઈએ 16.5 ઓવરમાં બે વિકેટે રન ફટકારી દીધા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મૅચ જીતવા માટે મુંબઈ સામે 149 રનનો લક્ષ્યાંક હતો, રોહિત શર્મા અને ડી કોકે આ લક્ષ્યને વધુ આસાન બનાવી દીધો હતો. બંનેએ 10.3 ઓવરમાં જ 94 રન ઉમેરી દીધા હતા.
રોહિત શર્મા 36 બૉલમાં 35 રન ફટકારીને આઉટ થયા ત્યારે ટીમનો વિજય નિશ્ચિત થઈ ગયો હતો.
ડી કોકે જે રીતે બૅટિંગ કરી હતી તેના પરથી ખ્યાલ આવી જતો હતો કે અબુધાબીની પિચની તેમની ઉપર કોઈ અસર પડી નથી.
તેઓ પેટ કમિન્સ અન ક્રિસ ગ્રીનને આસાનીથી રમ્યા હતા તો આન્દ્રે રસલ, વરુણ ચક્રવર્તી કે પ્રસિદ્ધ ક્રિષ્ણા પણ તેમની ઉપર કોઈ અસર જમાવી શક્યા ન હતા.
ડી કોક અત્યંત આસાનીથી બેટિંગ કરતા રહ્યા હતા. તેમણે ટીમને છેક વિજય સુધી પહોંચાડી દીધી હતી.
વિકેટકીપિંગ કરીને સીધા જ બેટિંગમાં ઊતરેલા ડી કોકે 44 બૉલની ઇનિંગ્સમાં ત્રણ સિક્સર અને નવ આકર્ષક ચોગ્ગા સાથે અણનમ 78 રન ફટકાર્યા હતા.
કોલકાતાના બૅટ્સમૅનોએ કર્યા નિરાશ
સૂર્યકુમાર યાદવ દસ જ રન કરી શક્યા પરંતુ હાર્દિક પંડ્યા નાનકડી પણ આકર્ષક ઇનિંગ રમ્યા હતા. તેમણે એક સિક્સ અને ત્રણ ચોગ્ગા સાથે 11 બૉલમાં 21 રન ફટકાર્યા હતા.
બીજી તરફ કોલકાતા માટે મોખરાના બૅટ્સમૅન ખાસ કંઈ કરી શક્યા ન હતા.
શુભમન ગિલે 21 રન ફટકાર્યા પરંતુ રાહુલ ત્રિપાઠી સાત, નીતિશ રાણા પાંચ, પૂર્વ સુકાની દિનેશ કાર્તિક ચાર અને આન્દ્રે રસલ માત્ર 12 રન કરી શક્યા હતા.
મોર્ગને 39 રન ફટકાર્યા હતા પરંતુ કોલકાતાની ઇનિંગ્સની સર્વશ્રેષ્ઠ બેટિંગ પેટ કમિન્સે કરી.
આ સિઝનના સૌથી મોંઘા ખેલાડી પેટ કમિન્સને તેમની બૉલિંગ માટે પસંદ કરાયા છે પણ તેમણે 36 બૉલમાં 53 રન ફટકાર્યા, જેમાં બે સિક્સનો સમાવેશ થતો હતો.
તેમની બેટિંગને કારણે જ કોલકાતાની ટીમ 148 રનના સ્કોર સુધી પહોંચી શકી હતી.
મુંબઈ માટે રાહુલ ચહરે બે વિકેટ લીધી હતી જ્યારે બોલ્ટ, કોલ્ટર-નાઇલ અને બુમરાહે એક-એક વિકેટ ખેરવી હતી.
લાંબી સિક્સ પર વધારે રન આપવાની રાહુલની માગ
લોકેશ રાહુલે એક ટીવી કાર્યક્રમમાં એવું સૂચન કર્યું હતું કે જો કોઈ બૅટ્સમૅન 100 મીટર કરતાં લાંબી સિક્સર ફટકારે તો છ નહીં પણ વધારે રન આપવા જોઈએ.
ગુરુવારે રમાયેલી કિંગ્સ ઇલેવન પંજાબ અને રૉયલ ચૅલેન્જર્સ બૅંગલોર વચ્ચેની મૅચ અગાઉ ટીવી સાથેની વાતચીતમાં રાહુલ અને વિરાટ કોહલી વાત કરી રહ્યા હતા.
આ દરમિયાન રાહુલે એવું સૂચન કર્યું હતું કે જો કોઈ બૅટ્સમૅન 100 મીટર કરતાં લાંબી સિક્સરફટકારે તો તેને છથી વધારે રન આપવાની જોગવાઈ ICC કે IPLએ કરવી જોઈએ.
રાહુલ અને કોહલીએ ઇન્સ્ટાગ્રામ લાઇવ પર આ ચર્ચા કરી હતી.
બની શકે કે આ સૂચન તેમણે હળવાશમાં કર્યું હોય પરંતુ મહાન ક્રિકેટર અને છ બૉલમાં છ સિક્સ ફટકારનારા પ્રથમ ક્રિકેટર ગેરી સોબર્સ આ સૂચન સાથે સહમત નથી.
સોબર્સે જણાવ્યું હતું કે “આ માગણી અયોગ્ય છે કેમ કે ભવિષ્યમાં કોઈ એવી માગ કરશે કે તેમણે વધારે આક્રમકતાથી બૉલ બાઉન્ડરી બહાર મોકલ્યો હતો, તેથી ચારને બદલે વધારે રન આપવા જોઈએ."
તેમણે ઉમેર્યું કે આ માટે મોટાં મેદાનો અને સ્ટેડિયમની જરૂર પડે, તેના માટે અલગ પ્રકારનાં બૅટ જોઈએ અને લાંબી સિકસર વાગી શકે તે માટે પિચ પણ એવી હોવી જરૂરી છે.
બૅંગ્લોર માટે કોહલી 200 મૅચ રમ્યા
કિંગ્સ ઇલેવન પંજાબ સામેની ગુરુવારની મૅચમાં રૉયલ ચૅલેન્જર્સ બૅંગલોરના કૅપ્ટન વિરાટ કોહલી મેદાનમાં ઊતર્યા તે સાથે જ તેમણે એક નવો રેકૉર્ડ સર્જી દીધો હતો.
ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ગુરુવારે આ બંને ટીમ વચ્ચે રમાયેલી મૅચમાં કિંગ્સ ઇલેવન પંજાબની ટીમે આઠ વિકેટથી વિજય હાંસલ કર્યો હતો.
વિરાટ કોહલીની આ 200મી મૅચ હતી. તેઓ કોઈ પણ એક જ ટીમ માટે 200 ટી20 મૅચ રમનારા પ્રથમ ખેલાડી બની ગયા હતા.
કોહલીએ આ 200 મૅચમાંથી 185 મૅચ IPL માટે રમી છે, તો 15 મૅચ તેઓ બૅંગલોર માટે જ પણ ચૅમ્પિયન્સ લીગ ટી20 ટુર્નામેન્ટમાં રમ્યા હતા. આ સાથે વિરાટ કોહલી રૉયલ ચૅલેન્જર્સ બૅંગલોર માટે 6000થી વધારે રન કરી ચૂક્યા છે.
વિરાટ કોહલી એક કૅપ્ટન તરીકે 118 મૅચ રમ્યા છે, જ્યારે તેમણે પોતાની કારકિર્દીમાં કુલ 289 ટી20 મૅચ રમેલી છે. આ 289 મૅચમાં તેમણે 9204 રન કરેલા છે. જેમાં પાંચ સદીનો સમાવેશ થાય છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો