કોરોના વાઇરસ: સરકારની સિનેમાઘરો ખોલવા પરવાનગી પણ માલિકો અવઢવમાં

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી
  • પ્રકાશિત

અનલૉક-5 અંતર્ગત કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે 15 ઑક્ટોબરથી મલ્ટિપ્લેક્સ અને સિંગલ સ્ક્રીન થિયેટર ખોલી શકાશે. માર્ચ મહિનામાં લૉકડાઉન લાગુ થયું ત્યારથી થિયેટર્સ બંધ હતાં.

ઉલ્લેખનીય છે કે વિશ્વ આરોગ્ય સંસ્થા સહિત નિષ્ણાતો બંધિયાર જગ્યાઓએ વધારે લોકોનાં એકત્રિત થવા પર ચેતવણી આપેલી છે. જોકે, સરકારે નવી ગાઇડલાઇનમાં શરતો સાથે સિનેમાઘરોને ખોલવાની પરવાનગી આપી છે.

જોકે બીજી તરફ ગુજરાત મલ્ટિપ્લેક્સ ઍસોસિયેશને જણાવ્યું છે કે રાજ્યમાં મલ્ટિપ્લેક્સ અને થિયેટર શુક્રવાર પહેલાં નહીં ખૂલે અને શુક્રવારથી પણ તમામ થિયેટર્સ ખૂલવાનાં નથી.

માર્ચ મહિનાથી થિયેટર્સ બંધ હોવાથી માલિકો ખોટ જતી હોવાની રાવ ખાતા હતા, તો બીજી તરફ એક વર્ગ થિયેટરમાં ફિલ્મો જોવા માટે આતુર છે.

આમ છતાં ગુજરાતનાં સિનેમાઘરોના માલિકોનો મોટો હિસ્સો થિયેટર્સ ખોલવા માટે તૈયાર નથી.

માત્ર 25 ટકા થિયેટર્સ ખૂલશે

ઍસોસિયેશન પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતના 175 જેટલાં મલ્ટિપ્લેક્સ અને 80 સિંગલ સ્ક્રીન થિયેટર છે, જે પૈકી માંડ 25 ટકા સિનેમાઘર ખોલવા માટે માલિકો તૈયાર થયા છે.

ગુજરાત મલ્ટિપ્લેક્સ ઍસોસિયેશનના ઉપપ્રમુખ અજય બગડાઈએ બીબીસી ગુજરાતીના ઋષિ બેનરજી સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે સિનેમાઘરોના માલિક હજી રાહ જોવા માગે છે.

બગડાઈ કકહે છે, "નજીકના ભવિષ્યમાં નવી ફિલ્મ રિલીઝ થઈ નથી રહી, તો શું જૂની ફિલ્મો બતાવવી? જૂની ફિલ્મો જોવા માટે પૈસા ખર્ચીને કોણ આવે? આવા અનેક સવાલો માલિકો અમને પૂછે છે."

"એટલે મલ્ટિપ્લેક્સ તથા સિંગલ સ્ક્રીન થિયેટર્સના માલિકો થોડો સમય રાહ જોવા માગે છે."

અજય બગડાઈ રાજકોટમાં મલ્ટિપ્લેક્સ ધરાવે છે, તેઓ વધુ એક કારણ આપતાં કહે છે કે "અન્ય માલિકો એવું પણ ધારે છે કે નવેમ્બરમાં દિવાળીના તહેવાર વખતે ખોલીશું તો કદાચ વધારે બિઝનેસ મળી શકશે."

ગુજરાતમાં દિવાળી દરમિયાન રજાઓ હોય છે, જેને ધ્યાને રાખીને નવેમ્બરના પ્રથમ અઠવાડિયામાં થિયેટર્સ ખોલવાની આશા માલિકો રાખતાં હોવાનું બગડાઈ જણાવે છે.

'15-16 લાખનું નુકસાન થઈ રહ્યું છે'

અત્યારની પરિસ્થિતિમાં માત્ર મલ્ટિપ્લેક્સના માલિકો જ બિઝનેસ શરૂ કરવા માગે છે.

બાગડિયા કહે છે કે જો મલ્ટિપ્લેક્સમાં ત્રણ સ્ક્રીન હોય તો મહિને 15-16 લાખ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. આ ઉપરાંત વીજળી બિલ અને સ્ટાફને પગાર આપવો પડે છે.

તેઓ કહે છે કે હવે મલ્ટિપ્લેક્સ અને થિયેટર ખૂલી રહ્યા છે તો આ નુકસાનમાં થોડો કાપ મૂકી શકાશે.

અમદાવાદ સ્થિત વાઇડ ઍંગલ મલ્ટિપ્લેક્સના માલિક રાકેશ પટેલે થિયેટર ખોલવાની તૈયારી બતાવી છે.

તેમનું કહેવું છે કે તેમના મલ્ટિપ્લેક્સમાં સુપરહિટ હિંદી ફિલ્મો બતાવવામાં આવશે.

કોઈ નવી ફિલ્મ રજૂ ન થવાની હોવાથી મલ્ટિપ્લેક્સ અને સિંગલ થિયેટરોએ જૂની હિટ ફિલ્મો બતાવવી પડશે.

બાગડિયાના કહેવા પ્રમાણે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં ઘણી મલ્ટિપ્લેક્સ છે, જેમણે પણ આ પ્રમાણે જ જૂની હિંદી, ગુજરાતી ફિલ્મો બતાવવાનું આયોજન કર્યું છે.

ગુજરાત મલ્ટિપ્લેક્સ એસોસિએશન મુજબ મલ્ટિપ્લેક્સ ખૂલશે તો પણ બધી સ્કીન શરૂ નહીં કરાય, 3 સ્ક્રીન હોય તો એક અથવા બે સ્ક્રીન શરૂ કરાશે.

આ સાથે ચાર શૉની જગ્યાએ માત્ર બે જ શૉ રજૂ કરવામાં આવશે.

રાકેશ પટેલ બીબીસી સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારા સાથે વાત કરતાં કહે છે કે આ એટલા માટે કે એક શૉ પછી થિયેટરને કોવિડ પ્રૉટોકલ મુજબ સાફ કરીશું અને સૅનેટાઇઝ કરીશું. આ ઉપરાંત વૉશરૂમ અને કૅન્ટીન પણ સાફ કરીને સૅનેટાઇઝ કરીશું. આ બધું કરવામાં સમય લાગશે અને એટલા માટે અત્યારે બે શૉ હશે.

બગડાઈનું કહેવું છે કે જો પરિસ્થિતિમાં સુધારો જોવા મળશે તો વધુ સ્ક્રીન શરૂ કરવાનું વિચારીશું અને શૉ પણ કદાચ વધારી શકીએ.

ઑનલાઇન બુકિંગનો આગ્રહ

રાકેશ પટેલ જણાવે છે કે અમે આગ્રહ રાખીએ છીએ કે દર્શકો ઑનલાઇન ટિકિટ બુક કરે, જેથી થિયેટરમાં સંક્રમણની કોઈ શક્યતા ન રહે.

તેમનું કહેવું છે કે કોવિડ પ્રૉટોકોલનું સંપૂર્ણ રીતે પાલન કરીને વ્યક્તિને પ્રવેશ આપવામાં આવશે.

સરકારની માર્ગદર્શિકા મુજબ થિયેટરમાં માત્ર 50 દર્શકોને બેસાડવામાં આવશે અને જો કોઈને ખાવાની વસ્તુ ઑર્ડર કરવી હોય તો માત્ર ઑનલાઇન ઑર્ડર કરી શકશે. પૅક થઈ શકે તેવી ફૂડ આઇટમનો લોકો ઑર્ડર કરી શકશે.

તેઓ વધુમાં જણાવે છે કે થિયેટરની અંદર પ્રવેશ આપતી વખતે અને બહાર જતી વખતે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવવામાં આવશે.

સરકારની માર્ગદર્શિકા પ્રમાણે શું છે નિયમ?

  • દર્શકોએ ફરજિયાત માસ્ક પહેરવો પડશે.
  • ડિજિટલ માધ્યમથી ટિકિટ બુક કરવા પર ભાર મુકાશે.
  • થિયેટરમાં માત્ર ઑનલાઇન ફૂડ ઓર્ડર કરી શકાશે.
  • થિયેટરમાં પ્રવેશ કરતી વખતે અને બહાર નીકળતી વખતે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય એની તકેદારી રાખવી.
  • સિનેમાહૉલમાં માત્ર 50 ટકા દર્શકોને બેસાડી શકાશે.
  • થર્મલ સ્કૅનિંગ કરાશે
  • સૅનેટાઇઝરની વ્યવસ્થા રાખવાની રહેશે
  • દર્શકોએ ફોનમાં આરોગ્ય સેતુ ઍપ ડાઉનલૉડ કરવાની રહેશે.
  • ઍસિમ્પટોમૅટિક લોકોને જ પ્રવેશ આપવામાં આવશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો