ભારત કેવી રીતે 'આત્મનિર્ભરતા'થી વિશ્વનો સૌથી મોટો ખાદ્ય તેલ આયાતકાર બન્યો?

    • લેેખક, જાસ્મિન નિહલાણી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 2 મિનિટ

ગયા મહિને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીયોને ખાદ્ય તેલનો વપરાશ 10% સુધી ઘટાડવા અપીલ કરી હતી.

પશ્ચિમ એશિયા સંકટ વચ્ચે વિદેશી હૂંડિયામણ બચાવવા માટેના એક વ્યાપક આહવાનના ભાગરૂપે આ અપીલ કરવામાં આવી હતી. પીએમ મોદીએ નાગરિકોને ઈંધણનો ઉપયોગ ઘટાડવા, સોનું ખરીદવાનું ટાળવા અને બિન-આવશ્યક વિદેશયાત્રા મર્યાદિત કરવા પણ કહ્યું હતું.

માર્ચ 2026માં પૂરા થતા નાણાકીય વર્ષમાં ભારતે ખાદ્ય તેલની આયાત પર લગભગ 19.5 બિલિયન ડૉલર ખર્ચ કર્યા છે.

2025-26માં ભારત વૈશ્વિક વનસ્પતિ તેલની આયાતનો લગભગ પાંચમો ભાગ હતો, જેનાથી તે વિશ્વનો સૌથી મોટો આયાતકાર દેશ બની ગયો.

યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઑફ એગ્રીકલ્ચર (યુએસડીએ)ના આંકડાઓ અનુસાર, ભારતથી યુરોપિયન યુનિયન, ચીન અને યુનાઇટેડ સ્ટેટ્સ ઘણા પાછળ હતા.

પરંતુ હંમેશાં આવું નહોતું.

1994-95માં આયાતી ખાદ્ય તેલ પર ભારતની નિર્ભરતા 5% જેટલી ઓછી હતી.

કૃષિ મંત્રાલયના આંકડા દર્શાવે છે કે 2024-25 સુધીમાં ભારત તેની ખાદ્ય તેલ વપરાશની 56% જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે આયાત પર આધાર રાખતું હતું.

2024માં પ્રકાશિત નીતિ આયોગના અહેવાલ મુજબ, ભારતે 1990ના દાયકાની શરૂઆતમાં ખાદ્ય તેલ ઉત્પાદનમાં 'આત્મનિર્ભરતા' હાંસલ કરી દીધી હતી.

પરંતુ 1990ના દાયકાના મધ્ય ભાગથી, સસ્તી આયાત અને ઝડપી આર્થિક વૃદ્ધિને કારણે માગમાં વધારો થયો. ખાદ્ય તેલનો માથાદીઠ વપરાશ વધ્યો અને ભારત સ્થાનિક માગને પહોંચી વળવા માટે આયાત પર વધુ ને વધુ નિર્ભર બન્યું.

ચાર્ટ બતાવે છે તેમ, આ આયાત નિર્ભરતા સતત વધી, 2004-05માં 38 ટકાથી 2015-16માં 63 ટકાની ઊંચી સપાટીએ પહોંચી અને 2024-25માં ઘટીને 56% થઈ ગઈ.

નીતિ આયોગના અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ખાદ્ય તેલ માટે ભારતની આયાત પરની નિર્ભરતા 'દેશના ફૉરેન એક્સ્ચેન્જ પર નકારાત્મક અસર કરી રહી છે.'

ભારત કયા તેલની આયાત કરી રહ્યું છે?

ભારતમાં વાવેતર વિસ્તારમાં 14.3% તેલીબિયાંનો હિસ્સો છે અને દેશ એરંડા, કુસુમ, તલ, નાઇજર, મગફળી અને રેપસીડ-સરસવનો મુખ્ય ઉત્પાદક છે.

પરંતુ ભારતના ખાદ્ય તેલ આયાત બાસ્કેટમાં મોટા ભાગે ત્રણ તેલનો સમાવેશ થાય છે: પામ તેલ, સોયાબીન તેલ અને સૂર્યમુખી તેલ.

ખાદ્ય તેલની આયાતમાં એકલા પામ તેલનો હિસ્સો 57% છે, જ્યારે સોયાબીન તેલ અને સૂર્યમુખી તેલ અનુક્રમે 29% અને 14% છે.

ભારતના ખાદ્ય તેલનો વપરાશ કેવી રીતે બદલાયો?

છેલ્લા બે દાયકામાં ભારતમાં ખાદ્ય તેલના વપરાશની પદ્ધતિમાં પણ નોંધપાત્ર ફેરફાર થયો છે.

સૉલવન્ટ એક્સટ્રેક્ટર્સ ઍસોસિયેશન ઑફ ઇન્ડિયાના ડેટા અનુસાર, 2001-02માં પામ તેલ પહેલાંથી જ સૌથી વધુ વપરાશમાં લેવાતું ખાદ્ય તેલ હતું, જે કુલ વપરાશના 29% હતું. 2022-23 સુધીમાં તેનો હિસ્સો વધીને 37.6% થઈ ગયો હતો.

ભારતમાં પામ તેલના સૌથી મોટા ગ્રાહકોમાં હોટલ, રેસ્ટોરાં અને કેટરિંગનો સમાવેશ થાય છે.

નાસ્તો, તૈયાર ખાદ્ય ઉત્પાદનો, બેકરી વસ્તુઓ અને કન્ફેક્શનરી જેવા પૅકેજ્ડ અને પ્રોસેસ્ડ ફૂડના વિકાસ સાથે પામ તેલની માગમાં વધારો થયો.

આ જ સમયગાળા દરમિયાન, ભારતમાં એક સમયે સૌથી ઓછા વપરાશમાં આવતા ખાદ્ય તેલ (3.1%) પૈકીના એક સૂર્યમુખી તેલનો હિસ્સો 2022-23 સુધીમાં 11.6% સુધી વધ્યો.

પરંતુ મગફળીના તેલનો વપરાશ 2001-02માં 12%થી ઘટીને 2022-23માં 3% થયો, જ્યારે સરસવના તેલનો વપરાશ 17%થી ઘટીને 13.6% થયો.

ભારતનાં તેલીબિયાં ઉત્પાદનમાં તફાવત

ભારતમાં અન્ન ઉત્પાદન (અનાજ) પછી તેલીબિયાં બીજા ક્રમે સૌથી વધુ વવાતો પાક છે. વિશ્વમાં તેલીબિયાંના કુલ વાવેતર વિસ્તારમાં ભારત 15થી 20% હિસ્સો ધરાવે છે. તેમ છતાં, ઉત્પાદકતાની બાબતમાં તે વિશ્વના અન્ય મુખ્ય ઉત્પાદક દેશો કરતાં પાછળ છે.

નીતિ આયોગના ડેટા દર્શાવે છે કે ભારતમાં સૌથી વધુ ઉગાડવામાં આવતા તેલીબિયાં સોયાબીનનું ઉત્પાદન 2020-2022માં પ્રતિ હેક્ટર 1 ટન હતું.

તેની સરખામણીમાં વિશ્વના અગ્રણી સોયાબીન ઉત્પાદકોમાંના એક યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રતિ હેક્ટર 3.4 ટન ઉત્પાદન થયું હતું.

અન્ય તેલીબિયાંમાં પણ આ તફાવત જોવા મળે છે. ભારતમાં રેપસીડનું ઉત્પાદન પ્રતિ હેક્ટર 1.5 ટન છે, જ્યારે જર્મનીમાં તે 3.7 ટન અને ફ્રાન્સમાં તે 3.3 ટન છે.

મગફળી માટે ભારતમાં તે 1.8 ટન પ્રતિ હેક્ટર છે, જ્યારે અમેરિકામાં તે 4.5 ટન અને ચીનમાં તે 3.9 ટન પ્રતિ હેક્ટર છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન