અઝરબૈજાને એક સેકન્ડ માટે પણ યુદ્ધવિરામ માન્યું નથી : આર્મેનિયા

પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ

આર્મેનિયાના રાષ્ટ્રપતિએ કહ્યું કે અઝરબૈજાનની સાથે નાર્ગોનો-કારાબાખમાં ચાલી રહેલા સંઘર્ષમાં તેમની સેનાને ઘણું નુકસાન થયું છે.

ટેલિવિઝન પર એક સંબોધન દરમિયાન રાષ્ટ્રપતિ નિકોલ પાશિન્યાને કહ્યું કે આર્મેનિયાના અઝેરીસમાં નુકસાન થયું છે.

પાશિન્યાને અઝરબૈજાન પર યુદ્ધવિરામના ઉલ્લંઘનનો આરોપ લગાવતાં કહ્યું, "અઝરબૈજાને એક સેકન્ડ માટે પણ યુદ્ધવિરામ માન્ય રાખ્યું નથી અને હજી એ હુમલા કરે છે."

"એનો અર્થ એવો થયો કે અઝરબૈજાન આખા વિસ્તાર પર કબજો જમાવવાની તેની નીતિનો અમલ કરી રહ્યું છે."

આ ક્ષેત્રમાં થયેલા નુકસાન અંગે પાશિન્યાને કહ્યું કે તેઓ તેમના 'વીરોની શહાદત પર શોક' વ્યક્ત કરે છે.

અભિનેત્રી પાયલ ઘોષે રિચા ચઢ્ઢાની માફી કેમ માગવી પડી?

ફિલ્મ નિર્માતા અને નિર્દેશક અનુરાગ કશ્યપ પર યૌનશોષણનો આરોપ મૂકનારાં અભિનેત્રી પાયલ ઘોષે રિચા ચઢ્ઢા સામે કરેલું 'આપત્તિજનક અને બદનામ કરનાર નિવેદન' પાછું ખેચ્યું છે.

અનુરાગ કશ્યપ પર યૌનશોષણનો આરોપ લગાવતી વખતે પાયલ ઘોષે કરેલી ટિપ્પણી અંગે અભિનેત્રી રિચા ચઢ્ઢાએ માનહાનિનો 1.1 કરોડનો દાવો માંડ્યો હતો.

ન્યૂઝ એજન્સી એએનઆઈ મુજબ બંને પક્ષે સમજૂતી પછી માનહાનિનો કેસ પાછો ખેંચ્યો છે.

ધ ઇન્ડિયન એક્સ્પ્રેસના અહેવાલ મુજબ પાયલ ઘોષે પોતાનાં નિવેદનો પાછા લીધાં છે અને માફી માગી છે.

બૉમ્બે હાઈકોર્ટે બંને પક્ષોને વિવાદના સમાધાન માટે 'સમજૂતીની શરતો' રજૂ કરવા માટે બે દિવસનો સમય આપ્યો હતો.

હાઈકોર્ટે કહ્યું કે જો બંને પક્ષ તૈયાર હોય તો શ્રેષ્ઠ રહેશે કે તેઓ વાતચીત કરીને શરતો વિશે જણાવે.

અભિનેત્રી પાયલ ઘોષે અદાલતને કહ્યું હતું કે તેઓ રિચા ચઢ્ઢા પાસે માફી માગવા માટે અને નિવેદન પાછું લેવા તૈયાર છે.

પાયલ ઘોષે ટિપ્પણી કરી હતી કે અનુરાગ કશ્યપે કહ્યું હતું કે રિચા ચઢ્ઢા, હુમા કુરૈશી અને માહી ગિલ ફિલ્મો મેળવવા માટે તેમને 'સેક્સ્યુઅલ ફૅવર્સ' આપે છે.

સુશાંતસિંહ રાજપૂત કેસ : એનસીબીએ 15 ફોન તપાસ માટે ગુજરાત મોકલ્યા

સુશાંતસિંહ રાજપુતના કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)એ જપ્ત કરેલાં ફોનને ગાંધીનગર ખાતે આવેલી ડિરેક્ટરેટ ફોરેન્સિક સાયન્સમાં મોકલવામાં આવ્યા છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર સિનિયર અધિકારીએ પોતાનું નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે એજન્સીને ફોનમાં રહેલો તમામ પ્રકારનો ડેટા જોઈએ છે. જેમાં કૉન્ટેક્ટ લિસ્ટ, મેસેજ, સોશિયલ મીડિયાની ચર્ચાઓ અને મીડિયા ફાઇલનો સમાવેશ થાય છે. બની શકે કે તેનાથી તપાસકર્તાઓને નવા ફૅક્ટ્સ રજૂ કરવામાં મદદ મળે અથવા આરોપી વિશેની નવી માહિતી મળે.

અધિકારીએ કોના ફોનને અહીં મોકલવામાં આવ્યા છે તેની માહિતી આપી ન હતી.

અહેવાલ અનુસાર મુંબઈમાં રહેલાં એનસીબીના અધિકારીઓએ ટાંક્યુ હતું કે વિસ્તારથી તપાસ કરવા માટે દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર અને રકુલ પ્રીત સિંઘે પોતાના ફોન 'વોલિયટરી સરન્ડર' કરી દીધા હતા.

આ ઉપરાંત દીપિક પાદુકોણનાં મૅનેજર, ડિઝાઇનર સિમોન ખંભાતા અને સુશાંતના ટેલેન્ટ મૅનેજર જયા શાહનાં ફોન પણ જપ્ત કરવામાં આવ્યા હતા.

અલાહાબાદ હાઈકોર્ટે હાથરસ કેસમાં પીડિતાનો બળાત્કાર ન થયો હોવાના પોલીસના દાવા પર પ્રશ્ન ઉઠાવ્યો હતો.

ઇન્ડિયન એક્સપ્રેસ ડોટ કૉમના એક અહેવાલ અનુસાર અલાહાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચે કેસની સુનાવણીમાં નોંધ્યું હતું કે, “પીડિતાના અંતિમ સંસ્કારમાં ઉતાવળ પીડિતા અને તેમના પરિવારના માનવાધિકારોનો ભંગ થયાનો પ્રાથમિક પુરાવો રજૂ કરે છે.”

સોમવારે જસ્ટિસ પંકજ મિથલ અને રાજન રોયની ખંડપીઠે કાયદો અને વ્યવસ્થાના ADG પ્રશાંત કુમાર અને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ અવનિશ કુમાર અવસ્થી સહિત ટોચના અધિકારીઓની ભૂમિકા સામે સવાલ ઉઠાવ્યા હતા.

હાથરસમાં કથિત રીતે ગૅંગ રેપ અને હત્યાની ઘટનાને લીધે દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે.

નોંધનીય છે કે ફોરેન્સિક રિપોર્ટનો હવાલો આપી અમુક દિવસ અગાઉ કાયદો અને વ્યવસ્થાના ADG પ્રશાંત કુમારે કહ્યું હતું કે, “FSL રિપોર્ટમાં વિસરા સૅમ્પલમાં વીર્ય મળી આવ્યું નહોતું. પોસ્ટમૉર્ટમ રિપોર્ટ અનુસાર હુમલાના કારણે થયેલી ઈજાના કારણે પીડિતાનું મૃત્યુ નીપજ્યું હતું. આધિકારીક નિવેદનો છતાં મીડિયામાં ખોટી માહિતી પ્રસારિત કરાઈ રહી છે.”

આ વાતની ટીકાત્મક નોંધ લેતા હાઈકોર્ટે કહ્યું હતું કે, “શું કેસ સાથે પ્રત્યક્ષપણે જોડાયેલી ન હોય તેવી વ્યક્તિ દ્વારા કેસના પુરાવા અંગે નિવેદન આપવું યોગ્ય છે? જ્યારે ઘટનાની તપાસ બાકી છે તેવા સંજોગોમાં શું રેપ જેવા ગુનાઓમાં તપાસનો ભાગ હોય તેવી વ્યક્તિ દ્વારા અમુક ગુનો આચરાયો હતો કે નહીં તેવા નિષ્કર્ષ પર આવી જવું વાજબી છે?”

હાઈકોર્ટે જીવન જીવવાના અધિકારનો સુપ્રીમ કોર્ટનો આદેશ ટાંકી મધરાતે અંતિમ સંસ્કારને માનવઅધિકાર વિરુદ્ધ ગણાવ્યું છે. અદાલતે સરકારને આવા સંજોગોમાં અંતિમક્રિયા માટે નિયમ ઘડવા પણ કહ્યું છે.

ઉલ્લેખનીય છે કે પીડિત પરિવાર વતી વકીલ સીમા કુશવાહાએ કેસને ઉત્તર પ્રદેશની બહાર ખસેડવાની, પરિવારને સુરક્ષાની અને જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી વિગતો સાર્વજનિક નહીં કરવાની માગ કરી છે.

ગુજરાત : સતત સાતમા દિવસે કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાયો

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર મંગળવારે રાજ્યમાં કોરોનાના 1158 કેસો નોંધાયા હતા. આ સાથે જ ગુજરાતમાં કોરોનાના કેસોનો કુલ આંક વંધીને 1.53 લાખ થઈ જવા પામ્યો હતો.

સરકારનું કહેવું છે કે રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત સાત દિવસથી ઘટાડો નોંધાઈ રહ્યો છે. તેમજ સતત ત્રીજા દિવસે 1200 કરતાં ઓછા કેસો નોંધાયા છે.

નવા કેસોની વાત કરીએ તો સુરતમાં 248, અમદાવાદમાં 177, વડોદરામાં 124, રાજકોટમાં 109 અને જામનગરમાં 100 નવા કેસો નોંધાયા છે.

આ સાથે જ અમદાવાદમાં કોરોનાના કેસોની સંખ્યા 39,372, સુરતમાં 32,596, વડોદરામાં 13,729 અને રાજકોટમાં 11 હજારને પાર પહોંચી ગઈ છે.

મંગળવારે ગુજરાતમાં 10 કોરોના પૉઝિટિવના મૃત્યુ સાથે રાજ્યનો કુલ મૃત્યુઆંક 3587 થઈ જવા પામ્યો હતો.

અમદાવાદ : ચીકનગુનિયા કેસોમાં 113 ટકાનો વધારો

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ મુજબ અમદાવાદમાં આ વર્ષે વર્ષ 2019ની સરખામણીએ 113 ટકાનો વધારો નોંધાયો છે. જ્યારે મલેરિયા અને ડેન્ગ્યુના કેસોમાં અનુક્રમે 92 ટકા અને 87 ટકાનો ઘટાડો નોંધાયો છે.

શહેરમાં વધી રહેલા ચીકનગુનિયાના કેસોના વધારા અંગે અધિકારીઓ હજુ કારણોની તપાસ કરશે.

આ અંગે વાત કરતાં અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના મેડિકલ ઑફિસર ભાવિન સોલંકીએ કહ્યું હતું કે, “ડેન્ગ્યુ અને ચીકનગુનિયા બંને એડિસ મચ્છરના કારણે થતી બીમારીઓ છે. જો મચ્છરોનું પ્રમાણ વધ્યું હોય તો બંને રોગોના કેસોમાં વધારો જોવા મળ્યો હોઈ શકે. અમે આ અંગે તપાસ કરી રહ્યા છીએ. તેમજ જે વિસ્તારોમાં ચીકનગુનિયાના કેસો વધુ નોંધાયો છે તેમની સ્કૅનિંગની કામગીરી ચાલુ છે.”

નોંધનીય છે કે ઑગસ્ટ મહિનાથી મચ્છરજન્ય રોગોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ઑક્ટોબર માસની શરૂઆતના દસ દિવસોમાં દરરોજ સરેરાશ દસ છ કેસો નોંધાયા હતા. જ્યારે સપ્ટેમ્બર માસમાં સરેરાશ ચાર દર્દીઓ સામે આવ્યા હતા.

અધિકારીઓના મત પ્રમાણે ડેન્ગ્યુના કુલ કેસોમાં ભલે ઘટાડો નોંધાયો હોય પરંતુ હાલ તેમાં ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યો છે.

સંસદ પર સાયબર હુમલા માટે નોર્વેએ રશિયાને જવાબદાર ઠેરવ્યું

ઑગસ્ટ માસમાં નોર્વેની સંસદની ઈમેઇલ સિસ્ટમ પર થયેલા સાયબર હુમલા માટે તેમણે રશિયાને જવાબદાર ઠેરવ્યું છે.

નોર્વેનાં વિદેશમંત્રી એરિક્સન સોરિડે આ ઘટનાને દેશની ‘સૌથી મહત્ત્વપૂર્ણ લોકતાંત્રિક સંસ્થા’ પર અસર કરતી ગંભીર ઘટના ગણાવી હતી.

જોકે, રશિયાએ આરોપોને ‘ગંભીર અને જાણીજોઈને ઉશ્કેરણી કરનાર’ ગણાવી નકારી કાઢ્યા હતા.

નોર્વેનાં વિદેશમંત્રીએ એક નિવેદનમાં કહ્યું હતું કે, “નોર્વેની સિક્યૉરિટી અને ઇન્ટેલિજન્સ સર્વિસ રાષ્ટ્રીય સ્તરે આ બાબત અંગે પગલાં લઈ રહી છે.”

તેના જવાબમાં ઓસ્લો ખાતેના રશિયાના દૂતાવાસે નોર્વેની આ જાહેરાતને ‘અસ્વીકાર્ય’ ગણાવી હતી અને કહ્યું હતું કે તેના સમર્થનમાં કોઈ પુરાવા રજૂ નથી કરાયા.

રશિયાના દૂતાવાસે નિવેદન જારી કરી જણાવ્યું હતું કે, “રશિયાના ઇન્ટરનેટ રિસોર્સિસ વિરુદ્ધ પણ દર વર્ષે લાખોની સંખ્યામાં સાયબર હુમલા થાય છે. પરંતુ આ હુમલાઓને કારણે જે દેશમાંથી આ હુમલાઓ થઈ રહ્યા છે ત્યાંના તંત્રને જવાબદાર ઠેરવવાનો હક અમને હાંસલ થઈ જતો નથી.”

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો