IPL : ટાઈ, સુપર ઓવર અને મૅચની પલટાતી બાજીની કહાણી

    • લેેખક, તુષાર ત્રિવેદી
    • પદ, વરિષ્ઠ ખેલ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 2 મિનિટ

રવિવારે દિલ્હી કૅપિટલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે દુબઈમાં રમાયેલી મૅચમાં વારંવાર પાસાં પલટાતાં રહ્યાં અને અંતે મૅચ ટાઈમાં પરિણમી હતી.

વિજેતા નક્કી કરવા માટે સુપર ઓવરની મદદ લેવાઈ પરંતુ ટાઈ જેટલી રોમાંચક રમત બાદ સુપર ઓવરમાં ફિયાસ્કો થયો. અંતે દિલ્હીએ મૅચ જીતી લીધી હતી.

સુપર ઓવરમાં દક્ષિણ આફ્રિકન બૉલર કગિસો રબાડાએ માત્ર બે જ રન આપ્યા અને લોકેશ રાહુલ તથા નિકોલસ પૂરનને આઉટ કરી દીધા.

આમ દિલ્હીને માત્ર ત્રણ જ રન કરવાના હતા. એક રન વાઇડથી આવ્યો અને બીજા બે રન ઋષભ પંતે લેગ સાઇડમાં ફટકારીને લઈ લીધા.

બસ સુપર ઓવર અને રોમાંચનો અકાળે અંત. દિલ્હીનો વિજય.

જ્યારે સુપર ઓવર નાખવાની જરૂર પડી

આઈપીએલ સાથે સુપર ઓવરનો રોમાંચ શરૂથી જ જોડાયેલો છે.

રવિવારની મૅચ આઈપીએલના ઇતિહાસમાં દસમી એવી મૅચ હતી કે જેમાં ટાઈ પડી હતી.

રબાડા અને બુમરાહની કમાલ

આઈપીએલમાં રવિવારે કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ સુપર ઓવરમાં માત્ર બે જ રન કરી શકી હતી.

જે આઈપીએલની કોઈ પણ સુપર ઓવરનો સૌથી ઓછો સ્કોર હતો.

2015માં રાજસ્થાન રૉયલ્સે (બૉલર મિશેલ જ્હોન્સન) અને 2017માં ગુજરાત લાયન્સે (બૉલર જસપ્રીત બુમરાહ) માત્ર છ-છ રન આપ્યા હતા.

કગિસો રબાડાએ આ સાથે આઈપીએલમાં બીજી વખત સુપર ઓવર ફેંકી હતી.

જસપ્રીત બુમરાહ પણ આ રીતે બે વખત સુપર ઓવર ફેંકી ચૂક્યા છે.

આ સિવાય કામરાન ખાન, થિરોન, ડેલ સ્ટેઇન, રવિ રામપૌલ, જેમ્સ ફૉકનર અને મિશેલ જ્હોન્સને એક-એક સુપર ઓવર ફેંકી છે.

દિલ્હી બીજી વાર સુપર ઓવરમાં જીત્યું હતું. યોગાનુયોગે કગિસો રબાડાએ આ બંને ટાઈ મેચમાં સુપર ઓવર ફેંકી હતી.

સુપર ઓવર પહેલાં શું-શું થયું?

મૅચમાં દિલ્હીએ પ્રથમ બેટિંગ કરી અને 20 ઓવરમાં 157 રનનો સ્કોર નોંધાવ્યો હતો. જે એક સમયે અશક્ય લાગતો હતો.

17 ઓવરને અંતે દિલ્હીનો સ્કોર માંડ 100 હતો પરંતુ માર્ક્સ સ્ટોઇનિસે છેલ્લી ત્રણ ઓવરમાં 57 રન ઉમેરી આપ્યા.

આ જ રીતે કિંગ્સ ઇલેવન પંજાબની હાલત પણ સાર ન હતી. 16મી ઓવરમાં તેણે છઠ્ઠી વિકેટ ગુમાવી ત્યારે સ્કોર 101 હતો.

અહીંથી છેલ્લી સાડા ત્રણ ઓવરમાં મયંક અગ્રવાલે તેની તાકાતનો પરચો આપ્યો અને ટીમને 157ના સ્કોર સુધી પહોંચાડી દીધી હતી. રબડા, અશ્વિન અને સ્ટોઇનિસે બે-બે વિકેટ લીધી હતી.

જોકે આ દરમિયાન રવિચંદ્રન અશ્વિન ઘાયલ થયા, તેમણે એક ઓવરમાં માત્ર બે રન આપીને બે વિકેટ તો લીધી પણ ત્યાર બાદ તેમના ખભે ગંભીર ઈજા પહોંચી. તેઓ આગામી મૅચોમાં રમશે કે કેમ તે અંગે શંકા છે.

બીજી તરફ કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી રમતાં મોહમ્મદ શમીએ ચુસ્ત બૉલિંગ કરી હતી.

તેમણે ચાર ઓવરમાં માત્ર 15 જ રન આપ્યા હતા અને ત્રણ વિકેટ ખેરવી દીધી હતી.

તો વેસ્ટ ઇન્ડિઝના શેલ્ડન કોટ્રેલે પણ ધારદાર બૉલિંગ કરીને 24 રન આપીને બે વિકેટ લીધી હતી.

આઇપીએલમાં હવે દિલ્હીની ટીમ 25મીએ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમશે તો એ અગાઉ કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ 24મીએ રૉયલ ચૅલેન્જર્સ બેંગલુરુ સામે ટકરાશે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો