You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસ રસી : સ્વદેશી વૅક્સિન 15 ઑગસ્ટ સુધી તૈયાર થઈ જશે?
- લેેખક, મયંક ભાગવત, દીપ્તિ બથીની
- પદ, બીબીસી મરાઠી/બીબીસી તેલુગુ
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 5 મિનિટ
આઈસીએમઆરે આશા જગાવી કે ભારતમાં બની રહેલી કોરોના વૅક્સિન 15 ઑગસ્ટ સુધીમાં લૉન્ચ થઈ જવી જોઈએ. આ પરિષદે એ વૅક્સિનના ટ્રાયલ સાથે જોડાયેલી સંસ્થાઓને પત્ર લખીને આ વાત કહી.
આ સ્વદેશી વૅક્સિનને આઈસીએમઆર અને હૈદરાબાદની ભારત બાયૉટેક કંપનીએ મળીને તૈયાર કરી રહી છે.
આઈસીએમઆરનું કહેવું છે કે એક વખત ક્લિનિકલ ટ્રાયલ પૂર્ણ થઈ જાય તો 15 ઑગસ્ટ એટલે ભારતના સ્વતંત્ર દિવસે આ વૅક્સિનને સામાન્ય લોકો માટે લૉન્ચ કરવામાં આવી શકે છે.
ક્લિનિકલ ટ્રાયલ માટે ભારતની 12 સંસ્થાઓની પસંદગી કરવામાં આવી છે.
આઈસીએમઆરના ડિરેક્ટર ડૉક્ટર બલરામ ભાર્ગવે બે જુલાઈએ આ 12 સંસ્થાઓને પત્ર લખીને કહ્યું કે તેમને સાત જુલાઈ સુધી ક્લિનિકલ ટ્રાયલની પરવાનગી લઈ લેવી જોઈએ.
જોકે આ મામલે વિવાદ સર્જાયા બાદ શનિવારે આઈસીએમઆર દ્વારા આ મામલે સ્પષ્ટતા કરવામાં આવી છે.
ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચે શનિવારે એક નિવેદનમાં કહ્યું કે ICMRના ડીજી ડૉ. બલરામ ભાર્ગવ તરફથી લખવામાં આવેલો પત્ર 'બિનજરૂરી રેડ ટેપને દૂર કરવા' અને 'ભાગ લેનારાઓની પસંદગીમાં ઝડપ'ના હેતુસર લખાયો હતો.
અઠવાડિયાની શરૂઆતમાં પત્રમાં ડૉક્ટર ભાર્ગવે લખ્યું હતું, "કોરોનાને રોકવા માટે આઈસીએમઆર દ્વારા બનાવવામાં આવેલી વૅક્સિનની ફાસ્ટ-ટ્રેક ટ્રાયલ માટે ભારત બાયૉટેક કંપનીની સાથે એક કરાર કરવામાં આવ્યો છે. કોરોના વાઇરસથી એક સ્ટ્રેન કાઢીને આ વૅક્સિન બનાવવામાં આવી છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"ક્લિનિકલ ટ્રાયલ પછી આઈસીએમઆર 15 ઑગસ્ટ સુધી લોકોને આ વૅક્સિન મળી રહે તેવું કરવા ઇચ્છે છે. ભારત બાયૉટેક પણ યુદ્ધના ધોરણે કામ કરી રહ્યું છે. પરંતુ આ વૅક્સિનની સફળતા એ સંસ્થાઓના સહયોગ પર નિર્ભર છે, જેમને ક્લિનિકલ ટ્રાયલ માટે પસંદ કરવામાં આવી છે."
જ્યાં ટ્રાયલ થશે
ભારતમાં પહેલી વખત કોરોનાની વૅક્સિન બનાવવાના પ્રયત્નોમાં ક્લિનિકલ ટ્રાયલ માટે પસંદ કરવામાં આવેલી 12 સંસ્થાઓ આ મુજબ છે:
- કિંગ જ્યૉર્જ હૉસ્પિટલ, વિશાખાપટ્ટનમ
- બીડી શર્મા પીજીઆઈએમએસ, યુનિવર્સિટી ઑફ હેલ્થ સાયન્સ, રોહતક
- એઇમ્સ, નવી દિલ્હી
- એઇમ્સ, પટણા
- જીવનરેખા હૉસ્પિટલ, બેલગાંવ, કર્ણાટક
- ગિલ્લુર્કર મલ્ટી સ્પેશિયાલિટી હૉસ્પિટલ, નાગપુર, મહારાષ્ટ્ર
- રાણા હૉસ્પિટલ, ગોરખપુર
- એસઆરએ મેડિકલ કૉલેજ હૉસ્પિટલ ઍન્ડ રિસર્ચસેન્ટર, ચેંગલપટ્ટુ, તામિલનાડુ
- નિઝામ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ, હૈદરાબાદ, તેલંગણા
- ડૉક્ટર ગંગાધર સાહુ, ભુવનેશ્વર, ઓરિસ્સા
- પ્રખર હૉસ્પિટલ, ઉત્તર પ્રદેશ
- ડૉક્ટર સાગર રેડકર, ગોવા
શું કહે છે નિષ્ણાત?
મહારાષ્ટ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલી કોરોના ટાસ્ક ફોર્સના સભ્ય ડૉક્ટર શશાંક જોષી કહે છે, "આટલા ઓછા સમયમાં વૅક્સિન બનાવવી લગભગ અસંભવ છે. સામાન્ય રીતે એક વૅક્સિન બનાવવામાં બે વર્ષ લાગે છે. જો તેને ફાસ્ટટ્રેક પર પણ પ્રયત્નો કરીએ તો ઓછામાં ઓછા 12 થી 18 મહિના લાગશે. તે પહેલાં વૅક્સિન બનાવી લેવી અસંભવ છે."
ડૉક્ટર જોશી કહે છે, "વૅક્સિન બનાવવા માટે કેટલાક નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે. હ્યુમન ટ્રાયલ દરમિયાન આપણે કેટલીક જરૂરી વસ્તુઓને નજરઅંદાજ કરી શકતા નથી."
"આ બાબતોને નજરઅંદાજ કરીને કોઈ વૅક્સિન બનાવી શકાતી નથી. આના માટે આઈસીએમઆરે એક બહારની સંસ્થા તરફથી ઑડિટ કરાવવું જોઈએ."
ઇન્ડિયન કૉલેજ ઑફ ફિઝિશિયનની સાથે જોડાયેલા ડૉક્ટર શશાંક જોષી આઈસીએમઆરના પત્રને જોઈને પરેશાન છે.
તેઓ કહે છે, "આઈસીએમઆરનો 15 ઑગસ્ટ સુધી સામાન્ય લોકો માટે કોરોનાની વૅક્સિન બનાવવાનો નિર્ણય ઘણો ચોંકાવનારો છે."
"આવું કરતા લોકોની સુરક્ષા અને વૅક્સિનની ક્ષમતા વિશે ઊંડું સંશોધન થવું જોઈએ. મને આશા છે કે આઈસીએમઆરે આ નિર્ણયની જાહેરાત પહેલાં આવશ્યક સુરક્ષાના માપદંડોનું સંપૂર્ણ ધ્યાન રાખ્યું હશે."
"જો આ તમામ વસ્તુઓને ધ્યાનમાં રાખીને વૅક્સિન બનાવવામાં આવી રહી હોય તો આપણે તેનું સ્વાગત કરવું જોઈએ."
આરોગ્યનિષ્ણાત અને ઇન્ટરનેશનલ ઍસોસિયેશન ઑફ બાયૉઍથિક્સના પૂર્વ અધ્યક્ષ ડૉક્ટર અનંત ભાન પણ આઈસીએમઆરની યોજનાથી પરેશાન છે.
તેઓ કહે છે, "વૅક્સિનની ક્લિનિકલ ટ્રાયલ માટે સાત જુલાઈ સુધી રજિસ્ટર કરી શકે છે,એમને હજી પ્રી ક્લિનિકલ ટ્રાયલ ડેવલપમૅન્ટ સ્ટેજ પૂર્ણ નથી કર્યો."
"આ વૅક્સિનને બજારમાં 15 ઑગસ્ટ સુધી કેવી રીતે લૉન્ચ કરી શકાય? શું એક મહિનાથી પણ ઓછા સમયમાં વૅક્સિન સાથે જોડાયેલા ટેસ્ટ પૂર્ણ કરી શકાય?"
"શું તેમણે પહેલાંથી જ વૅક્સિનની ગુણવત્તા અંગે વલણ નક્કી કરી લીધું છે. "
તેઓ બીજા સવાલો કરતાં કહે છે, "વૅક્સિનની ક્લિનિક્લ ટ્રાયલ માટે જે સંસ્થાઓની પસંદગી કરવામાં આવી છે, તેનો આધાર કયો હતો? શું આ હૉસ્પિટલ આ ટેસ્ટ માટે યોગ્ય છે? કયા લિસ્ટમાંથી તેમની પસંદગી કરવામાં આવી છે?"
"શું આ હૉસ્પિટલની પસંદગી આઈસીએમઆરએ કરી કે પછી ભારત બાયૉટેક કંપનીએ? કોરોના એક મહામારી છે. આને ધ્યાનમાં રાખતાં શું આ હૉસ્પિટલની પસંદગી કરવી યોગ્ય છે?"
તેઓ આગળ કહે છે, "આઈસીએમઆરે બે જુલાઈએ પત્ર લખ્યો છે અને આ સંસ્થાઓ સાથે સાત જુલાઈ સુધી તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કરવા માટે કહ્યું છે. આનો અર્થ એ કે માત્ર પાંચ દિવસ છે."
"શું પાંચ દિવસમાં લોકો ટેસ્ટ માટે તૈયાર થઈ જશે? શું ઍથિક્સ કમિટી આની પરવાનગી આપી દેશે?"
ભારત બાયૉટેકની તૈયારી
આઈસીએમઆરના પત્રના કેટલાક કલાકો પહેલાં બીબીસી તેલુગુના સંવાદદાતા દીપ્તિ બથિનિએ ભારત બાયૉટેકના મૅનેજિંગ ડિરેક્ટર ચિત્રા એલા સાથે વાત કરી.
વાતચીત દરમિયાન સુચિત્રા એલાનું કહેવું હતું, "હ્યુમન ક્લિનિક્લ ટ્રાયલના પહેલા ફેઝમાં એક હજાર લોકોને પસંદ કરવામાં આવશે, આના માટે તમામ આંતરરાષ્ટ્રીય ગાઇડલાઇન્સનું પાલન કરવામાં આવશે."
"વૉલન્ટિયર્સની પસંદગી પર ધ્યાન રાખવામાં આવશે. દેશભરમાંથી તે લોકોની ટ્રાયલ માટે પસંદગી કરવામાં આવશે જે કોવિડ ફ્રી હોય. તે લોકો પર શું પ્રતિક્રિયા આવી તેને જાણવામાં ઓછામાં ઓછા ત્રીસ દિવસનો સમય લાગશે."
તેમણે આગળ કહ્યું, "અમને ખ્યાલ નથી કે ભૌગોલિક સ્થિતિની પણ અસર થશે. એટલા માટે અમે આખા ભારતમાંથી લોકોની પસંદગી કરી છે."
"અમે લોકો એ વાતને સુનિશ્ચિત કરવા માગીએ છીએ કે આની સારી પ્રતિક્રિયા આવે. પહેલાં ફેઝના આંકડાઓને એકઠા કરવામાં 45 થી 60 દિવસ લાગશે."
"લોહીનું સૅમ્પલ લીધા પછી ટેસ્ટની સાઇકલને ઓછી કરી શકાતી નથી. ટેસ્ટનાં પરિણામોને અમારા સુધી પહોંચવામાં 15 દિવસ લાગશે."
સુચિત્રા એલાએ કહ્યું, "પહેલા ફેઝનાં પરિણામોને આધારે બીજા ફેઝની પરવાનગી મળશે. જો પહેલા ફેઝના આંકડા સારા હશે તો અમે લોકો બીજા ફેઝમાં જઈ શકીશું."
"અમે લોકો બીજા ફેઝમાં તૈયાર રહેવા માટે પહેલાંથી જ કામ કરી રહ્યા છીએ. જાનવરો પર કરેલાં પરિક્ષણોના આંકડા સારા છે. તેમાં કંઈક સારાં સંકેતો મળ્યાં છે. અમને સંપૂર્ણ આશા છે કે હ્યુમન ટ્રાયલના આંકડા પણ સારા આવશે."
"ટ્રાયલ દરમિયાન દરેક આગળનાં પગલાં પર મળતાં આંકડાના આધારે અમને આશા છે કે આગામી ત્રણથી છ મહિનામાં અમારે મોટા પ્રમાણમાં વૅક્સિન બનાવવા સ્વીકાર્ય યોગ્ય આંકડાઓને મેળવવા પડશે."
પરંતુ આઈસીએમઆરે લખેલા પત્ર વિશે તેમણે કાંઈ કહેવાની ના પાડી દીધી છે.
કેવી રીતે થશે ક્લિનિક્લ ટ્રાયલ?
ક્લિનિકલ ટ્રાયલની પ્રક્રિયા માટે નાગપુર સ્થિત ગિલ્લુર્કર મલ્ટી-સ્પેશિયાલિટી હૉસ્પિટલના ડૉક્ટર ચંદ્રશેખર ગિલ્લુર્કરની પસંદગી કરવામાં આવી છે.
બીબીસી મરાઠી સાથે વાત કરતાં તેમણે કહ્યું, "ભારતમાં બની રહેલી કોરોના વૅક્સિનની હ્યુમન ટ્રાયલ થવાની છે. એના માટે દેશભરની 12 સંસ્થાઓને પસંદ કરવામાં આવી છે. દવાના પરીક્ષણ માટે પોતાની મરજીથી આવનારા લોકોને પસંદ કરવામાં આવશે."
"તેમને હ્યુમન ટ્રાયલ વિશે તમામ વસ્તુઓ બતાવવામાં આવશે અને તેમની સહમતિ પછી તેમને ટ્રાયલમાં સામેલ કરવામાં આવશે. તેમના જાણકારો અને બીજા લોકોનો સંપર્ક પણ કરવામાં આવશે."
ઉલ્લેખનીય છે કે આઈસીએમઆરના જે પત્ર મામલે આખો વિવાદ સર્જાયો છે, એ અંગે આઈસીએમઆર દ્વારા સ્પષ્ટતા કરી દેવામાં આવી છે.
ડૉક્ટર ગિલ્લુર્કર કહે છે, "આ સુનિશ્ચિત કરવામાં આવશે કે હ્યૂમન ટ્રાયલ માટે પસંદ કરવામાં આવેલા લોકો સ્વસ્થ હોય. 18 થી 55 વર્ષની ઉંમરના લોકોને ટ્રાયલ માટે પસંદ કરવામાં આવશે."
"આ ટેસ્ટમાં એ લોકો જ સામેલ થશે જેમનામાં કોરોનાના કોઈ લક્ષ્ણ નહીં મળે અને જેમનામાં કોરોના-ઍન્ટિબૉડી નહીં હોય. આ વૅક્સિનનો ત્યારે જ ઉપયોગ કરાશે જ્યારે એ નક્કી કરવામાં આવશે જ્યારે પસંદગી પામેલા વ્યક્તિને હૃદયની કોઈ બિમારી નથી, કિડનીની કોઈ સમસ્યા નથી, લિવર અથવા કોઈ બીજી બિમારી નથી."
ડૉક્ટર ગિલ્લુર્કરના કહેવા પ્રમાણે પહેલા ફેઝ અને બીજા ફેઝ માટે 100 લોકોની પસંદગી કરવામાં આવશે. એ જોવામાં આવશે કે પસંદ કરાયેલાં લોકો પર વૅક્સિનની સાઇડ ઇફેક્ટ તો નથી થઈ રહી ને. બીજા ફૅઝમાં તેને 14 દિવસ વૅક્સિન આપવામાં આવશે.
"આનાથી એ તપાસ થશે કે તે લોકોમાં કોઈ ઍન્ટિબોડીઝ બની રહ્યા છે કે નહીં અને તેમની ઇમ્યુનિટી પણ ચેક કરવામાં આવશે. આ પછી 28માં અને 50માં દિવસે ફરી તપાસ થશે. વૅક્સિન આપ્યા પહેલાં અને પછી આ લોકોના અનેક પ્રકારના ટેસ્ટ કરવામાં આવશે."
વૅક્સિનનું નામ શું છે?
હૈદરાબાદ સ્થિત ભારત બાયૉટેક કંપની દ્વારા બનાવવામાં આવી રહેલી કોરોના વૅક્સિનનું નામ છે - 'Covaxin'
ભારત બાયોટૅક કંપનીએ ટ્વિટર દ્વારા આ સ્વદેશી વૅક્સિનના હ્યૂમન ટ્રાયલ વિશે 29 જૂને જાણકારી આપી હતી.
ભારત બાયોટૅક કંપનીના ચૅરમૅને કહ્યું કે ભારત બાયૉટૅકે નેશનલ ઇન્સ્ટિટયૂટ ઑફ વાઇરોલોજી અને આઈસીએમઆના સંયુક્ત પ્રયાસથી વૅક્સિન બનાવી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો