TOP NEWS : દુબઈ ઍરપૉર્ટનો રનવે પાણીમાં ડૂબ્યો, 300 ભારતીય ફસાયા

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

દુબઈના અલ મકતૂમ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર શનિવારે ઓછામાં ઓછા 300 ભારતીયો ફસાયા છે.

આ મુસાફરો 12 કલાકથી વધુ સમયથી મુશ્કેલીનો સામનો કરી રહ્યા હોવાનો દાવો કરાઈ રહ્યો છે.

દુબઈમાં ભારે વરસાદને કારણે હવાઈસેવા પર પણ અસર પડી છે અને તેને કારણે મુસાફરોની મુશ્કેલી પણ વધી છે.

દુબઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ દુનિયાનું સૌથી વ્યસ્ત ઍરપૉર્ટ છે. શનિવારે ભારે વરસાદને કારણે ઘણી ફ્લાઇટો પણ રદ કરી દેવાઈ હતી.

સમાચાર એજન્સી રૉયટર્સ અનુસાર ઘણી ફ્લાઇટ તો 12થી 14 કલાક મોડી પડી છે.

સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા એક વીડિયોમાં મકતૂમ ઍરપૉર્ટનો રનવે પાણીમાં ડૂબેલો જોવા મળે છે.

જેએનયુ હુમલામાં 37ની ઓળખ

જેએનયુ કૅમ્પસમાં પાંચ જાન્યુઆરીએ થયેલા હુમલાની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે કહ્યું કે વૉટ્સઍપ ગ્રૂપમાંથી તેઓએ 37 લોકોની ઓળખ કરી છે.

તપાસટીમના જણાવ્યા પ્રમાણે તેઓએ કથિત રીતે શિક્ષકો અને વિદ્યાર્થીઓ પર હુમલો કરનારા 'વૉટ્સઍપ ગ્રૂપ યુનિટી અગેન્સ્ટ લેફ્ટ' ના 60 સભ્યોમાંથી 37ની ઓળખ કરી લીધી છે.

એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આ સમૂહના માધ્યમથી જેએનયુ કૅમ્પસમાં હુમલાને અંજામ આપવામાં આવ્યો હતો.

તપાસટીમે એ પણ જણાવ્યું કે 37 લોકોની ઓળખ થઈ છે, તેમાં 12 લોકોએ કોઈ પણ રાજકીય મોરચા કે સમૂહને મળ્યા હોવાનો ઇન્કાર કર્યો છે.

ટીમ હવે આ લોકોને પૂછપરછ કરવા કે નિવેદન માટે બોલાવી શકે છે.

'વિદ્યાર્થીઓએ ક્લાસને બદલે રસ્તે'

ભારતીય ટીમના પૂર્વ કૅપ્ટન સુનીલ ગાવસ્કરે 26મા લાલબહાદુર શાસ્ત્રી સ્મૃતિ વ્યાખ્યાનમાં દેશની વર્તમાન સ્થિતિ અંગે પોતાની વાત મૂકી છે.

દેશની હાલતને લઈને ગાવસ્કરે કહ્યું કે ''દેશમાં ઊથલપાથલ છે. આપણા કેટલાક વિદ્યાર્થીઓ રસ્તા પર ઊતરી આવ્યા છે. જોકે તેઓએ તેમના ક્લાસમાં હોવું જોઈએ. રસ્તા પર ઊતરવાને કારણે કેટલાકને હૉસ્પિટલ જવું પડ્યું.''

તેમણે એમ પણ કહ્યું કે જોકે એક મોટો વર્ગ હજુ પણ ક્લાસમાં છે. તેઓ પોતાનું ભવિષ્ય બનાવવામાં અને દેશને આગળ લઈ જવાના પ્રયાસમાં છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં નાગરિકતા સંશોધન, એનઆરસીને લઈને દિલ્હી સહિત અનેક સ્થળોએ વિરોધનો સૂર જોવા મળી રહ્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો