TOP NEWS: ગુજરાતમાં ભારે વરસાદથી 21 હજારનું સ્થળાંતર, આજે ક્યાં પડશે ભારે વરસાદ?

પ્રકાશિત

દક્ષિણ ગુજરાતમાં છેલ્લા અમુક દિવસોથી વરસી રહેલા વરસાદને લીધે 21 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

'ડીએનએ' અખબાર અનુસાર સૌથી વધુ પ્રભાવિત પ્રદેશમાં સુરત, તાપી, ડાંગ, ભરૂચ, નવસારી અને વડોદરા જિલ્લાનો સમાવેશ થાય છે.

હવામાન વિભાગે કહ્યું છે કે ભારે વરસાદને કારણે આ જિલ્લાઓની નદીઓમાં પૂર આવ્યાં છે.

બીજી તરફ ડાંગ જિલ્લામાં છેલ્લા 12 કલાકમાં 11 ઇંચ વરસાદ વરસ્યો છે.

દક્ષિણ ગુજરાતના નવ તાલુકામાં ભારે વરસાદ પડ્યો છે અને કેટલાક વિસ્તારોમાં હજી વરસાદ ચાલુ છે.

ગુજરાતમાં અત્યાર સુધી સરેરાશ 61.55 ટકા વરસાદ પડ્યો હોવાની માહિતી 'દિવ્યભાસ્કર' અખબારનો અહેવાલ જણાવે છે.

આગામી દિવસોમાં ભરૂચ, સુરત, છોટા ઉદેપુર, નર્મદા તાપી અને દમણ જિલ્લામાં અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

આ સિવાય મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ હવળા વરસાદ પડવાની આગાહી છે.

રાજસ્થાન : મૉબ લિંચિંગ બદલ આજીવન કેદ

રાજસ્થાન વિધાનસભાએ ઍન્ટિ મૉબ લિંચિંગ બિલ પર મંજૂરીની મહોર મારી દીધી છે.

બિલમાં જોગવાઈ છે કે મૉબ લિંચિંગમાં જો પીડિતનું મૃત્યુ થાય તો આરોપીને આજીવન કેદની સજા અને પાંચ લાખ રૂપિયાનો દંડ થશે.

'ધ હિંદુ' અખબારના અહેવાલ અનુસાર રાજ્યની કૉંગ્રેસ સરકારે વિધાનસભામાં 'ધ રાજસ્થાન પ્રૉટેક્શન ફ્રોમ લિંચિંગ બિલ 2019' રજૂ કર્યું હતું.

રાજ્યમાં વિરોધપક્ષની ભૂમિકમાં રહેલા ભાજપે બિલને સિલેક્ટ કમિટિને મોકલવાની રજૂઆત કરી હતી.

પરંતુ ભારે વિરોધ બાદ પણ મૌખિક મતદાન બાદ વિધાનસભામાં બિલને પાસ થયું હતું.

યુએસ પરમાણુ મિસાઇલ બનાવશે તો અમે પણ બનાવીશું - પુતિન

સમાચાર એજન્સી 'રોયટર્સ'ના અહેવાલ અનુસાર રશિયાના પ્રમુખ વ્લામિદીર પુતિને કહ્યું છે કે રશિયાના અને અમેરિકા વચ્ચેની હથિયાર સંધિના અંત બાદ જો અમેરિકા પરમાણુ મિસાઇલ બનાવશે તો અમે પણ એવું જ કરીશું.

ઉલ્લેખનીય છે કે અમેરિકા ઔપચારિક રીતે 'ઇન્ટરમીડિયેટ ન્યુક્લિયર ફોર્સિસ' (આઈએનએફ) સંધિમાંથી ખસી ગયું છે. અમેરિકાનો આરોપ હતો કે રશિયા સંધિના નિયોમનું ઉલ્લંઘન કરતું હતું.

પુતિને સોમવારે સંરક્ષણ મંત્રાલય અને રશિયાની ઇન્ટેલિજન્સ સર્વિસને અમેરિકા પર નજર રાખવાનો આદેશ આપ્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો