TOP NEWS: ન્યાયક્ષેત્રે વધી રહેલા લોકપ્રિયતાવાદથી જોખમ : જસ્ટિસ રંજન ગોગોઈ

પ્રકાશિત

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈએ મંગળવારે કહ્યું છે કે સ્વતંત્ર ન્યાયપાલિકાના માર્ગમાં વધી રહેલા લોકપ્રિયતાવાદનું જોખમ છે.

ગોગોઈએ ન્યાયપાલિકાને કહ્યું કે બંધારણીય મૂલ્યોને બચાવવા માટે લોકપ્રિયતાવાદી શક્તિઓ સામે અડીખમ થવાની જરૂર છે.

શંઘાઈ કૉર્પોરેશન ઑર્ગેનાઇઝેશન (એસસીઓ) રાષ્ટ્રોના મુખ્ય ન્યાયાધીશો તેમજ જજોને સંબોધિત કરતી વખતે જસ્ટીસ ગોગોઈએ કહ્યું કે લોકપ્રિયતાવાદના વધી રહેલા ચલણને પગલે જજોને નીમ્ન દર્શાવાય છે.

તેમણે એવું પણ કહ્યું કે જેમને પ્રજાઓ નથી ચૂંટ્યા તેઓ નિર્વાચિત બહુમતીના નિર્ણયને ફેરવી રહ્યા છે.

જસ્ટીસ ગોગોઈએ કહ્યું, "કેટલાક ટીકાકારોનું કહેવું છે કે આવી સ્થિતિમાં કેસોની સુનાવણી દરમિયાન એવો તર્ક આપવો જોઈએ કે બિન-ચૂંટાયેલા જજો પાસે બંધારણની બહુમતી છે, તેથી તેઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓને બંધારણના રસ્તે લઈ આવશે."

રાજ્યસભાની પેટાચૂંટણીમાં અલગ મતદાન મુદ્દે આજે સુપ્રીમમાં સુનવણી

'ગુજરાત સમાચાર'ના અહેવાલ અનુસાર ગુજરાત કૉંગ્રેસ દ્વારા રાજ્યસભાની પેટાચૂંટણીમાં અલગઅલગ મતદાન યોજવાના નિર્ણય સામે કરાયેલી અરજીની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે.

આ અરજી ગુજરાતમાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ કરી છે. જસ્ટિસ દીપક ગુપ્તા અને જસ્ટિસ સૂર્યકાન્તની બૅન્ચ સમક્ષ આ અરજીની સુનાવણી હાથ ધરાશે.

ધાનાણીનો આક્ષેપ છે કે ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલી બન્ને બેઠકોની પેટાચૂંટણી માટે અલગ મતદાન યોજવાનો ચૂંટણીપંચનો નિર્ણય ગેરબંધારણીય છે.

અખબારે ધાનાણીને ટાંકીને એવું પણ જણાવ્યું છે કે કેન્દ્રની ભાજપ સરકાર રાજકીય હેતુઓ પાર પાડવા માટે ચૂંટણીપંચનો દુરૂપયોગ કરી રહી છે.

ધાનાણીની રજૂઆત છે કે રિપ્રેઝન્ટેશન ઑફ પીપલ્સ ઍક્ટ એટલે કે લોકપ્રતિનિધિત્વ ધારામાં પક્ષોના પ્રમાણસરના પ્રતિનિધિત્વની વ્યવસ્થા પર ભાર મૂકવામાં આવ્યો છે.

ત્યારે જો બન્ને બેઠકોની પેટાચૂંટણી માટે અલગ-અલગ મતદાન યોજવામાં આવે તો ભાજપના વિજયની પ્રબળ શક્યતા છે અને આવી પરિસ્થિતિમાં પ્રમાણસરના પ્રતિનિધિત્વની વ્યવસ્થાની જોગવાઈ જોખમાઈ શકે છે.

વડા પ્રધાન મોદીએ આજે બોલાવી સર્વદળીય બેઠક, મમતા હાજર નહીં રહે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સર્વદળીય બેઠક બોલાવી છે. જેમાં તેઓ 'એક દેશ, એક ચૂંટણી'ના મુદ્દે ચર્ચા કરશે.

વડા પ્રધાન છેલ્લા કેટલાય સમયથી લોકસભાની ચૂંટણી અને દેશની તમામ વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજવાની માગ કરી રહ્યા છે.

જોકે, રાજકીય પક્ષો આ મુદ્દે અલગઅલગ મત ધરાવે છે. ત્યારે વડા પ્રધાને બોલાવેલી આ બેઠક મહત્ત્વની બની રહે છે.

પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજી આ બેઠકમાં સામેલ નહીં રહે.

ચીનમાં શક્તિશાળી ભૂંકપમાં 12 લોકોનાં મૃત્યુ

પશ્ચિમ ચીનના સિચુઆન પ્રાંતમાં આવેલા ભૂંકપમાં 12 લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે 100થી વધુ લોકોને ઈજા પહોંચી છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર સોમવારે મોડી રાતે 6.0 મૅગ્નિટ્યુડની તિવ્રતા ધરાવતો ભૂકંપ આવ્યો હતો.

અને બાદમાં પણ ભૂંકપના કેટલાય આંચકા નોંધાયા હતા.

ભૂકંપને પગલે 4000 કરતાં વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો