ગંદા અને ડબલ મીનિંગ જોક્સ પર આપણે કેમ જોરજોરથી હસવા લાગીએ છીએ?

    • લેેખક, મૃદુલિકા ઝા
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 8 મિનિટ

હિમાંશુ જાંગડાની બિરયાનીને બદલે સેક્સુઅલ ફેવર માગવાની વાત અંગે ઊઠેલો વિવાદ હજુ શાંત પણ નહોતો થયો ત્યાં જ વધુ એક વિવાદ સામે આવ્યો. આ મામલો પણ કૉમેડિયન પ્રણીત મોરેના શો સાથે જોડાયેલો છે, જ્યાં હિમાંશુએ વિવાદાસ્પદ વાતો કરી હતી.

લેટેસ્ટ વિવાદના કેન્દ્રમાં એક મેડિકલ વિદ્યાર્થિની સેજલ પવાર છે. તેઓ મુંબઈમાં એમબીબીએસ થર્ડ યરનાં વિદ્યાર્થિની છે. લગભગ ત્રણ માસ જૂના આ શોમાં હોસ્ટ પ્રણીત મોરે ક્રાઉડ વર્ક દરમિયાન સેજલ સાથે વાત કરે છે. તેઓ તેમને એનાટૉમી (શરીરરચનાશાસ્ત્ર) અને પોસ્ટમૉર્ટમ અંગે સવાલ કરી રહ્યા હતા.

સેજલ મૃતદેહોની મેડિકલ તપાસ કેવી રીતે થાય છે એ જણાવે છે. આ દરમિયાન તેઓ કહે છે કે ડૉક્ટર ઘણી વાર મૃત પુરુષોનાં જનનાંગો અંગે મજાક કરે છે.

જ્યારે તેઓ આ વાત કરી રહ્યાં હતાં ત્યારે પણ પ્રણીતે તેમને ન રોક્યાં, બલકે હસતાં હસતાં તેમને ઉશ્કેરતા રહ્યા. આ વીડિયો ક્લિપ એ સમયે વાઇરલ નહોતી થઈ, પરંતુ હિમાંશુના પ્રકરણ બાદ એ ઝડપથી લોકો સુધી પહોંચી.

સોશિયલ મીડિયા પર સેજલ પવારની આ ટિપ્પણી અંગે યૂઝર સવાલ કરવા લાગ્યા કે તેઓ તો મેડિકલ પ્રોફેશન સાથે સંકળાયેલાં છે. જો તેઓ મૃતદેહોનું સન્માન નથી કરતાં, તો દર્દીઓ સાથે કેવો વ્યવહાર કરતાં હશે.

એટલે સુધી કે ઘણા યૂઝર તેમને મેડિકલ કૉલેજમાંથી કાઢી મૂકવા સુધીની પણ માગ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એવી વાત થઈ રહી છે કે મેડિકલ વિદ્યાર્થીઓ માટે પોતાનું શરીર દાન કરનારા મૃતકોની ગરિમા સુધ્ધાંનુંય ધ્યાન નથી રખાઈ રહ્યું.

આ દરમિયાન,મુંબઈમાં સેજલ જ્યાં ભણી રહ્યાં તે કેઇએમ હૉસ્પિટલનું તંત્ર પણ સક્રિય થઈ ગયું છે. હૉસ્પિટલની જ બે સભ્યોવાળી સમિતિ વીડિયો ક્લિપની સમીક્ષા કરી રહી છે અને સેજલને રજા પર મોકલી દેવામાં આવ્યાં છે.

મર્યાદા કોણ નક્કી કરશે - દર્શક, કાયદો કે કૉમેડિયન?

હિમાંશુ અને પ્રણીત પોતાની કથિત મજાક માટે પહેલાંથી જ માફી માગી ચૂક્યા છે. હાલમાં જ ક્લિપ વાઇરલ થયા બાદ સેજલ પવારે પણ એક વીડિયો જાહેર કરીને માફી માગી.

તેમણે કહ્યું, "હું પ્રથમ વખત કૉમેડી શોમાં ગઈ હતી. મેં ત્યાં વાતો કરી હતી, ગીત પણ ગાયું હતું, પરંતુ એ કૉમેન્ટ વાઇરલ થઈ ગઈ. હું માનું છું કે મેં ખૂબ ખોટી વાત કરી હતી. જો એનાથી કોઈની ભાવનાઓને ઠેસ પહોંચી હોય તો હું માફી માગું છું. આગળ ક્યારેય આવું નહીં થાય."

હવે મહારાષ્ટ્ર સાઇબર સેલે પ્રણીત મોરે, હિમાંશુ જાંગડા અને સેજલ પવાર વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરી છે.

એએનઆઇમાં છપાયેલા એક રિપોર્ટ અનુસાર, તેમના પર ભારતીય ન્યાય સંહિતાની કલમ 75(1)(iv), 75(3), 294 અને 353(2)ની સાથોસાથ આઇટી ઍક્ટની કલ 67 લગાવાઈ છે.

સાઇબર પોલીસનું કહેવું છે કે યૂટ્યૂબ, ઇન્સ્ટાગ્રામ અને બીજાં સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર વાઇરલ થઈ રહેલા આ કન્ટેન્ટમાં મહિલાઓ અને મૃતકો સાથે સંકળાયેલી આપત્તિજનક કૉમેન્ટ્સ કરાઈ.

આરોપ છે કે કૉમેડિયન પ્રણીત મોરે દ્વારા હોસ્ટ કરાયેલા પ્રોગ્રામ્સની ક્લિપ રેકૉર્ડ કરાઈ અને તેને સોશિયલ મીડિયા પર ફેલાવાઈ જેથી કૉમર્શિયલ લાભ થઈ શકે.

પ્રણીત મોરેના શો સાથે સંકળાયેલી બે વાઇરલ ક્લિપ્સ પર કાર્યવાહી બાદ ચર્ચા હવે માત્ર હિમાશુ જાંગડા કે સેજલ પવાર સુધી જ સીમિત નથી રહી ગઈ.

એવો પણ સવાલ ઊઠી રહ્યો છે કે કૉમેડીના નામે અશ્લીલ અને આપત્તિજનક કન્ટેન્ટ સામાન્ય થતું જઈ રહ્યું છે અને જો આવી સ્થિતિ હોય તો તેની મર્યાદા કોણ નક્કી કરશે - દર્શક, કાયદો કે કૉમેડિયન?

'સામાન્યપણે હ્યૂમર એક પ્રકારનું પાવરપ્લે જ હોય છે'

બીબીસીએ આ અંગે મિરાંડા હાઉસ કૉલેજ, દિલ્હી યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રનાં પ્રોફેસર રીમા ભાટિયા સાથે વાત કરી.

તેઓ કહે છે, "સામાન્યપણે હ્યૂમર એક પ્રકારનું પાવરપ્લે હોય છે. એટલે કે આપણે સામાન્યપણે એ જ લોકો કે કૉમ્યુનિટી અંગે મજાક કરીએ છીએ, જેમના વિશે આપણે માનીએ છીએ કે આપણે તેમનાથી સારા કે વધુ તાકતવર છીએ. પરંપરાગત રીતે આવી જ રીતે મજાક થતી રહી છે, જેમ કે, પત્ની અંગેની જોક્સ, જેમાં પત્નીને ઊતરતી મનાઈ અને એ હાસ્યનું કેન્દ્ર રહી."

"તેની ઊલટી પ્રતિક્રિયા પણ આવે છે, એટલે કે જેમને દબાવવામાં આવ્યા છે, તેઓ પલટવાર કરે છે. મેડિકલ વિદ્યાર્થિનીની વાત સાંભળો તો એવું જ લાગે છે કે જાણે એ એવું કહેવા માગી રહી છે કે જુઓ, અમે મહિલાઓ પણ પુરુષો પર જોક્સ કરીએ છીએ. જોકે, નૈતિક દૃષ્ટિએ બંને પક્ષ ખોટા છે."

ભારત જ નહીં, લગભગ આખી દુનિયામં આપત્તિજનક કન્ટેન્ટ કૉમેડીની માફક પીરસાઈ રહ્યું છે.

બ્રિટિશ કૉમેડિયન રિકી ગેર્વિસ પોતાના ડાર્ક હ્યૂમર માટે ઓળખાય છે. પરંતુ 2009ના વર્ષમાં તેમણે રેપને જ કૉમેડીનો વિષય બનાવી દીધો.

એક વિવાદાસ્પદ જોકમાં ગેર્વિસ એક કાલ્પનિક ડ્રિંક ડ્રાઇવિંગનો ઉલ્લેખ કરે છે, જે દરમિયાન તેઓ એક વૃદ્ધાનો રેપ કરે છે, આ વૃદ્ધા અલ્ઝાઇમર બીમારી સામે ઝઝૂમી રહ્યાં હતાં. કૉમેડિયનની મજાક આ વાક્ય સાથે ખતમ થાય છે, "કારણ કે ભાગ્યથી તેને અલ્ઝાઇમર હતું, તેથી એ ભરોસાપાત્ર સાક્ષી નહોતી."

આ મજાકમાં દારૂ પીને ગાડી ચલાવવાથી માંડીને રેપ અને બીમારી સુધીનો ઉપયોગ કરાયો. વિવાદ વધતાં ગેર્વિસે પોતાનો બચાવ કર્યો હતો, તેમણે કહેલું કે તેમણે માત્ર વ્યંગ્ય કર્યું હતું.

લોકો અશ્લીલ કે બૉલ્ડ પંચલાઇન પર ઝાઝું હસે છે?

બીબીસી સાથે વાત કરતાં મધ્ય પ્રદેશના ઇંદૌરના સિનિયર મનોચિકિત્સક ડૉક્ટર ઉજ્જવલ સરદેસાઈ કહે છે કે, "ઘણી વાર આપણે એવી વાતો પર, જેને આપણે ખોટી માનીએ છીએ, નારાજ થવાને સ્થાને હસીને પ્રતિક્રિયા આપીએ છીએ. મનોવિજ્ઞાનમાં આને રિઍક્શન ફૉર્મેશન કહેવાય છે. આ એક પ્રકારનું ડિફેન્સ મિકૅનિઝ્મ છે. આવું ત્યારે થાય છે, જ્યારે આપણે કોઈ પણ કારણસર સીધો વિરોધ નથી કરવા માગતા."

"ઘણી વાર ઑડિયન્સને એવો પણ ડર લાગતો હોય છે કે કથિત કૉમેડી પર ભડકી જવું તેમને ઓછા કૂલ હોવા તરીકે રજૂ કરી શકે છે. આ જ કારણે જેઓ સંમત ન હોય એવા લોકો પણ અશ્લીલ મજાક પર હસે છે."

સામાન્યપણે એવું દેખાય છે કે અમુક કૉમેડી શોમાં અચાનક કોઈ દ્વિઅર્થી વાત આવી જાય તો રૂમ કે હૉલમાં હસવાનો અવાજ વધી જાય છે.

આની પાછળ પણ મનોવિજ્ઞાન છે. અમેરિકન બિહેવિયરલ સાયન્ટિસ્ટ એ પીટર મૅકગ્રાએ હસવાના મનોવિજ્ઞાન પર એક અભ્યાસ કર્યો હતો. 'બિનાઇન વાયલેશન - મેકિંગ ઇમમૉરલ બિહેવિયલ ફની' નામથી આ અભ્યાસ પીયર-રિવ્યૂડ જર્નલ સાઇકૉલૉજિકલ સાયન્સમાં છપાયો હતો.

તેના પ્રમાણે, લોકો સામાન્યપણે એ વાતો પર હસે છે, જેના વિશે સામાન્યપણે ખૂલીને વાત નથી કરાતી. યૌન સંબંધ અને શરીર કંઈક એવા જ વિષય છે. એટલે કે જે બાબતને સમાજ સંવેદનશીલ માને છે, એ કૉમેડીમાં આવી જાય તો લોકોને વધુ મજેદાર લાગે છે.

આના માટે એક આધિકારિક ટર્મ પણ ખરી - બિનાઇન વાયલેશન થિયરી. તેના પ્રમાણે, આપણને હાસ્ય ત્યારે જ આવે છે જ્યારે કોઈ બાબત કે ઘટના કોઈ નિયમને તોડતી દેખાય.

એટલે કે, જો કોઈ વ્યક્તિ પડી જાય અને નુકસાન વધુ ગંભીર ન હોય તો આસપાસના લોકો ખૂબ હસવા લાગે છે.

પરંતુ દરેક વ્યક્તિ કેમ નથી હસતી?

એક જ મજાક સાંભલીને એક વ્યક્તિ જોરજોરથી હસી પડે છે, જ્યારે બીજી વ્યક્તિ નારાજ થઈ શકે છે. ખરેખર, કૉમેડીની સમજ ઉંમર, ઉછેર અને વ્યક્તિગત અનુભવ સાથે સંબંધ છે. બની સકે કે જે કૉમેડી કૉલેજના એક વિદ્યાર્થીને હસાવે, એ જ તેના પરિવારમાં મોટાને ખરાબ લાગે.

પ્રોફેસર રીમા ભાટિયા કહે છે, "ભણતર, અનુભવ એમ ઘણી બાબતો આપણા વિચાર બદલે છે. આ જ કારણે દરેક પેઢી સાથે અમુક બાબતને મજાક માનવા ન માનવાના વિચાર પણ બદલાય છે. ઉદાહરણ તરીકે, 'જોરુ કા ગુલામ' એટલે કે પત્નીનો દાસ ટર્મ પહેલાં હ્યૂમર માનવામાં આવતી હતી, આજે ઘણા ઓછા લોકો હશે, જેઓ આવી વાત કરે."

મજાકની આડસમાં ઘણી આપત્તિજનક વાતોને સામાન્ય બનાવાઈ રહી છે. જો લિંગ કે ધર્મ અંગે વારંવાર આપત્તિજનક વાતો કૉમેડીની શિકલમાં પીરસવામાં આવે તો કેટલાક લોકો તેને ગંભીર માની શકે છે.

પ્રણીત મોરેના શોની ક્લિપ્સ વાઇરલ થયા બાદ પણ આ જ સવાલ ઊઠ્યો. યૂઝર માની રહ્યા છે કે જો મહિલાઓ વિરુદ્ધ હિંસા કે કન્સેન્ટ (પરવાનગી) જેવા વિષયો પર વારંવાર મજાક થાય તો તેનાથી આ મુદ્દાની ગંભીરતા ઘટી શકે છે.

પરંતુ શું આનાથી પ્રત્યક્ષપણે ગુનાખોરી વધે છે ખરી?

અત્યાર સુધી એ વાતના કોઈ નક્કર પુરાવા નથી કે જે સાબિત કરતા હોય કે કૉમેડી શો જોવાથી કોઈ વ્યક્તિ ગુનાખોરી કરવા લાગે. પરંતુ ચિંતા એ માહોલ અંગે છે, જે ખોટી બાબતોને સામાન્ય બનાવી રહી છે.

આનાથી સમાજના વિચારો વધુ પૂર્વાગ્રહવાળા બની શકે છે, ખાસ કરીને ત્યારે જ્યારે મહિલાઓ વિરુદ્ધ હિંસા વધી છે.

રાષ્ટ્રીય અપરાધ રેકૉર્ડ બ્યૂરો (એનસીઆરબી)ના ડેટા પ્રમાણે, વર્ષ 2021થી વર્ષ 2023 વચ્ચે મહિલાઓ અને બાળકો વિરુદ્ધ બનેલા ગુનામાં સતત વધારો થયો છે.

આ દરમિયાન મહિલાઓ વિરુદ્ધ ગુનાખોરીના મામલા લગભગ 4.28 લાખથી વધીને 4.48 લાખ થઈ ગયા, જ્યારે બાળકોના વિરુદ્ધ ગુનાખોરીના મામલા 1.49 લાખથી વધીને 1.77 લાખની નિકટ પહોંચી ગયા.

એટલે કે જે સમૂહ પહેલાંથી જ જોખમગ્રસ્ત છે, તેની સાથે થઈ રહેલી ગુનાખોરી પર હસવું એ તેના પરનો ખતરો વધારી શકે છે.

પરંતુ એવું નથી કે માત્ર એક જ જેન્ડર નિશાના પર છે.

મહિલાઓનાં કપડાં, શરીર, ઉંમર, લગ્ન કે સંબંધો પર ઘણી વાર જોક્સ સાંભળવા મળે છે. પરંતુ પુરુષો પણ તેનાથી બચેલા નથી. તેમને ઊંચાઈ, ટાલ, કમાણી, નોકરી, પ્રેમમાં નિષ્ફળતા, એટલે સુધી કે કહેવાતા પુરુષત્વ પર ઘણી મજાક ચાલે છે.

એક પુરુષે કેવા હોવું જોઈએ, કેટલું કમાવવું જોઈએ, કેટલું મજબૂત હોવું જોઈએ, વગેરે બાબતો અંગે પણ ઘણા પ્રકારની મજાક કરાય છે. જેઓ આના પર ખરા નથી ઊતરતા, તેઓ ઘણી વાર મજાકનો શિકાર બની જાય છે.

એટલે કે કૉમેડીની દુનિયામાં મહિલાઓ અને પુરુષો, બંને સાથે સંકળાયેલા સ્ટીરિયોટાઇપ્સનો ઉપયોગ કરાઈ રહ્યો છે. એક મેડિકલ પ્રોફેશનલ એવાં સેજલની મજાક પણ મૃત પુરુષોના જનનાંગો સાથે સંકળાયેલી હતી.

દરેક ડબલ મીનિંગ મજાક કાયદાની નજરમાં અશ્લીલ હોય છે?

જ્યારે પણ કોઈ કૉમેડી શો, ફિલ્મ, વેબ સિરીઝ કે સોશિયલમ મીડિયા વીડિયો અંગે વિવાદ થાય છે ત્યારે વારંવાર અશ્લીલતાનો ઉલ્લેખ સાંભળવા મળે છે. પરંતુ જે તે નિવેદન કે મજાકને ક્યારે અશ્લીલ માની શકાય કે જેથી કાર્યવાહી થઈ શકે?

તેનો જવાબ એટલો સીધો નથી, જેટલો પ્રથમ નજરે લાગે છે.

આ અંગે બીબીસી સાથેની વાતચીતમાં સુપ્રીમ કોર્ટનાં વકીલ સીમા કુશવાહાએ કહ્યું, "કૉમેડીમાં ઉપયોગમાં લેવાયેલી અશ્લીલ ભાષા અંગે કોઈ અલગ કાયદો નથી. આવા મામલામાં કન્ટેન્ટના સંદર્ભ અને તેની અસર જોવામાં આવે છે. જો કન્ટેન્ટ ડિજિટલ પ્લૅટફૉર્મ પર હોય તો આઇટી ઍક્ટ અને બીજી કાયદાકીય કલમો લાગી શકે છે."

તેઓ કહે છે કે બંધારણના અનુચ્છેદ 51A(e)માં સ્પષ્ટપણે કહેવાયું છે કે મહિલાઓનું સન્માન કરવું જોઈએ, પરંતુ આ મૂળભૂત ફરજ છે, જે ન માનો તો સજા માટે કોઈ અલગ કાયદો નથી.

લેટેસ્ટ વિવાદને જોઈને એવું લાગે છે કે પોલીસે સાંકેતિકપણે એફઆઇઆર કરી છે. હિમાંશુના મામલામાં જો કથિત ડેટ પણ સામે આવીને ફરિયાદ કરે તો સજા થઈ શકે છે, નહીંતર કેસ ખારિજ થવાની શક્યતા વધુ છે.

જોકે, અહીં એ વાત પણ છે કે નૈતિક અને કાયદાકીય જવાબદારી હંમેશાં એક જેવી ન હોય. કોઈ વાત નૈતિકપણે આપત્તિજનક હોઈ શકે છે, પરંતુ દરેક મામલામાં તેને અપરાધ સાબિત કરવું સરળ નથી હોતું.

ખરેખર તો ભારતીય કાયદામાં અશ્લીલતાની કોઈ એક કે બિલકુલ સ્પષ્ટ પરિભાષા નથી. સામાન્ય રીતે અલગ અલગ કોર્ટો અલગ અલગ મામલામાં નક્કી કરે છે કે કઈ સામગ્રી અશ્લીલ માની શકાય અને કઈ નહીં.

કાયદો સામાન્યપણે જુએ છે કે શું કોઈ કન્ટેન્ટ એવું છે, જે યૌન ઉત્તેજના પેદા કરવાના ઇરાદા સાથે બનાવાયું છે, અને શું તેની સમાજ પર ખરાબર અસર પડી શકે છે. એક જ શબ્દ અલગ સ્થિતિમાં અલગ રીતે જોઈ શકાય છે.

ફિલ્મો અને ઓટીટી પ્લૅટફૉર્મ પર ગાળોના ઉપયોગ અંગે ઘણી વાર ચર્ચા થાય છે. પરંતુ કોર્ટો બધી સામગ્રી પર રોક નથી લગાવી દેતી. યૌન ચર્ચા અશ્લીલ નથી, પરંતુ ખોટું એ છે કે કયા ઇરાદા સાથે તેના પર વાત થઈ.

આવા મામલામાં સંદર્ભની તપાસ કરાયા બાદ ભારતીય ન્યાય સંહિતા અને આઇટી ઍક્ટ અંદર્ગત ઘણી કલમો લગાવાય છે, જેવું કે આ લેટેસ્ટ મામલામાં પણ બન્યું છે.

જો મજાક કોઈ ધર્મ, જાતિ કે સમુદાય વિરુદ્ધ નફરત ફેલાવનારી માનવામાં આવે તો અશ્લીલતાથી અલગ ઘણી અન્ય ગુનાહિત કલમો પણ લાગી શકે છે.

સેજલ અને હિમાંશુના મામલામાં કાયદાકીય પ્રક્રિયા આગળ શું વળાંક લે છે, એ હજુ સ્પષ્ટ નથી. પરંતુ આ વિવાદથી ફરી એક વાર એ સવાલ પેદા થયો છે કે કૉમેડીના નામે દરેક સબ્જેક્ટને સ્પર્શવાની સ્વતંત્રતા મળી જોઈએ કે પછી કાયદા અને સમાજે આ અંગે કોઈ ઍક્શન લેવું જોઈએ.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન