રાહુલ ગાંધીના ‘ઠકાઠક, ખટાખટ, ટકાટક’ પર નરેન્દ્ર મોદીએ સાધ્યું નિશાન - ઇલેક્શન અપડેટ

પ્રકાશિત

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના પુણેમાં એક રેલીને સંબોધિત કરતા કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે.

રેલીને સંબોધતા નરેન્દ્ર મોદીએ કહ્યું, “કૉંગ્રેસના શહેઝાદાને પૂછો કે ગરીબી કેવી રીતે દૂર થાય છે – તો તેઓ કહે છે ખટાખટ….ખટાખટ. કૉંગ્રેસના શહેઝાદાને પૂછો કે વિકાસ કેવી રીતે થાય છે – તો તેઓ કહે છે 'ઠકાઠક... ઠકાઠક '. કૉંગ્રેસના શહેઝાદાને પૂછો કે શું વિકસિત ભારત બનાવવાની કોઈ યોજના છે તો તેઓ કહે છે ટકાટક...ટકાટક."

હકીકતમાં રાહુલ ગાંધીએ તેમના ચૂંટણીભાષણોમાં કહ્યું છે કે જો ‘ઇન્ડિયા’ ગઠબંધનની સરકાર સત્તામાં આવશે, તો તેમની સરકાર ભારતના યુવાનોના ખાતામાં એક લાખ રૂપિયા ટકાટક જમા કરશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં કહ્યું કે ભારત યુવા પ્રતિભા અને ટૅક્નોલૉજી પર આધાર રાખીને આગળ વધી રહ્યું છે.

પીએમ મોદીએ કહ્યું કે ભારતના યુવાનોએ માત્ર દસ વર્ષમાં 1.25 લાખથી વધુ સ્ટાર્ટઅપ બનાવ્યા છે.

વડા પ્રધાન મોદીએ વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના વચનનો પણ પુનરોચ્ચાર કર્યો હતો.

તેમણે કહ્યું, “મારા દિલમાં છે કે ભારતના મધ્યમ વર્ગ અને ઉચ્ચવર્ગીય પરિવારો સાથે જે સરકારની નાનીમોટી લડાઈ છે તે સંપૂર્ણપણે બંધ થવી જોઈએ. સરકારે તેમના જીવનમાંથી બહાર નીકળી જવું જોઈએ. સરકારની આદત બની ગઈ છે કે દરેક વાતમાં ટાંગ અડાડવી. હું સરકારને તેમાંથી બહાર કાઢવા માંગું છું. જ્યારે પણ ગરીબને જરૂર પડે ત્યારે સરકાર 24 કલાક હાજર રહે તેવી વ્યવસ્થા ઉભી કરવા માંગું છું.”

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર પુનરોચ્ચાર કર્યો હતો કે કૉંગ્રેસની નજર લોકોની સંપત્તિ પર છે.

પાટણમાં રાહુલ ગાંધીએ કહ્યું, “આ ચૂંટણીમાં મુદ્દો એ જ છે કે ભારતનું બંધારણ અને લોકશાહી બચશે કે નહીં”

કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પ્રચારનો આરંભ કરતા પાટણમાં આજે જનસભાને સંબોધી હતી. પાટણના ઉમેદવાર ચંદનજી ઠાકોર અને બનાસકાંઠાના ઉમેદવાર ગેનીબહેન ઠાકોરના સમર્થનમાં સભાને સંબોધવા માટે તેઓ ગુજરાત આવ્યા હતા.

આ પહેલાં કૉંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ પણ વલસાડના ધરમપુરમાં સભાને સંબોધી હતી.

રાહુલ ગાંધીએ આ સભામાં મુખ્યત્ત્વે બંધારણ અને લોકશાહી પરના ખતરા અંગે વાત કરી હતી અને કહ્યું હતે કે, “બંધારણ જ ગરીબોની રક્ષા કરે છે, વંચિત સમુદાયોની રક્ષા કરે છે અને ખેડૂતોની રક્ષા કરે છે.”

તેમણે સભામાં કહ્યું હતું કે ભારતમાં સૌથી મોટા મુદ્દાઓ બેરોજગારી, મોંઘવારી અને ભાગીદારી છે.

રામમંદિરના મુદ્દે તેમણે સવાલો ઉઠાવતા કહ્યું હતું કે, “આપણે સૌએ રામમંદિરનું ઉદ્ધાટન જોયું. શું ત્યાં તમે કોઈ ગરીબ ખેડૂતને જોયો? શું તમને કોઈ મજૂર દેખાયો? આપણા દેશના રાષ્ટ્રપતિ આદિવાસી છે. નવી સંસદનું ઉદ્ધાટન થયું, રામમંદિરનું ઉદ્ધાટન થયું પરંતુ તેમને ક્યાંય જવા દેવામાં ન આવ્યા એ શરમની વાત છે. તેઓ આદિવાસી છે એટલે તેમની સાથે આવું વર્તન કરવામાં આવ્યું.

રાહુલ ગાંધીએ મહાલક્ષ્મી યોજનાનું વચન આપ્યું હતું અને આ યોજના હેઠળ દેશના કરોડો ગરીબ પરિવારોની મહિલાઓને દર વર્ષે એક લાખ રૂપિયા આપવાની વાત કરી હતી. દરેક ગ્રેજ્યુએટ યુવાનને તેમણે એપ્રેન્ટિસશિપના માધ્યમથી પહેલી નોકરી આપવાનું વચન આપ્યું હતું.

પ્રજ્વલ રેવન્ના કથિત સેક્સ વીડિયો મામલે કૉંગ્રેસે વડાપ્રધાન મોદીને સવાલ પૂછ્યા

કર્ણાટકની હાસન બેઠક પરથી હાલના સાંસદ અને વર્તમાન ઉમેદવાર પ્રજ્વલ રેવન્નાના કથિત સેક્સ વીડિયોને લઈને કૉંગ્રેસે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે.

પ્રજ્વલ રેવન્ના એ પૂર્વ વડા પ્રધાન એચડી દેવગૌડાના પૌત્ર છે. તેમના પિતા પણ કર્ણાટકમાં ધારાસભ્ય છે. અનેક કથિત સેક્સ વીડિયો વાયરલ થયા બાદ પ્રજ્વલ રેવન્ના જર્મની ચાલ્યા ગયા છે.

દરમિયાન કર્ણાટક સરકારે આ મામલાની તપાસ માટે એસઆઈટીની રચના કરી છે.

કૉંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે એક પત્રકાર પરિષદમાં પ્રજ્વલ રેવન્ના સાથેના સંબંધોને લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે.

સુપ્રિયા શ્રીનેતે કહ્યું, "ઘણી વખત જ્યારે તમે કેટલીક વાર્તાઓ સાંભળો છો, ત્યારે તમને લાગે છે કે આ કોઈ અતિશય ખરાબ ફિલ્મનું દૃશ્ય ચાલી રહ્યું છે. પરંતુ પછી તમને ખ્યાલ આવે છે કે આ વાસ્તવિક છે અને તમને આવા લોકો, આવા સમાજ અને નેતાઓ પ્રત્યે ઘૃણા થવા લાગે છે. જે લોકો આવા લોકોને પ્રોત્સાહન આપે છે તેમના પ્રત્યે પણ ઘૃણા થાય છે."

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે પ્રજ્વલ રેવન્નાનો ફોટો બતાવતા સુપ્રિયા શ્રીનેતે કહ્યું, “આ 14 એપ્રિલનો ફોટો છે, પ્રજ્વલ રેવન્ના એચડી દેવગૌડાના પૌત્ર છે અને મોદીના વિસ્તૃત પરિવારનો એક ભાગ છે. બે અઠવાડિયા પહેલા, જ્યારે મોદી મૈસૂરમાં તેમની સાથે સ્ટેજ શેર કરી રહ્યા હતા, ત્યારે તેમણે તેમની પીઠ થપથપાવી હતી અને તેમના માટે મત માંગ્યા હતા.”

સુપ્રિયાએ કહ્યું, “આ નેતા હવે દેશમાંથી ફરાર થઈ ગયો છે. શું નરેન્દ્ર મોદી તેમના જાતીય દુષ્કર્મોથી વાકેફ હતા કે અજાણ હતા?

સુપ્રિયાએ આરોપ લગાવ્યો, “નરેન્દ્ર મોદી તેના તમામ દુષ્કર્મો વિશે જાણતા હતા, તેઓ જાણતા હતા કે તેના હજારો પોર્ન વીડિયો છે અને તેણે મહિલાઓ સાથે ઘૃણાસ્પદ કૃત્યો કર્યા છે તથા સેંકડો મહિલાઓની જિંદગી બરબાદ કરી છે. જ્યારે નરેન્દ્ર મોદી 14 એપ્રિલે રેવન્ના સાથે મુલાકાત કરી રહ્યા હતા, ત્યારે તેઓ બધું જ જાણતા હતા.”

કર્ણાટકના પૂર્વ મુખ્ય મંત્રી અને રેવન્નાના કાકા એચડી કુમારસ્વામીએ કહ્યું છે કે જાતીય સતામણીના આ આરોપો માત્ર પરિવાર માટે જ નહીં પરંતુ સમગ્ર સમાજ માટે શરમજનક છે.

શિવમોગ્ગામાં પત્રકારો સાથે વાત કરતા કુમારસ્વામીએ કહ્યું, "જો આ મામલો અમારી સમક્ષ પહેલાં લાવવામાં આવ્યો હોત, તો આ શરમજનક પરિસ્થિતિ ટાળી શકાઈ હોત."

કુમારસ્વામીએ કહ્યું છે કે જનતા દળ સેક્યુલર પણ રેવન્ના સામે કાર્યવાહી કરશે.

તેમણે કહ્યું, “રાજ્ય સરકારે એસઆઈટીની રચના કરી છે, એફઆઈઆર નોંધવામાં આવી છે. નિષ્પક્ષ તપાસ થવા દો. ગુના કરનારાઓને કાયદા મુજબ સજા થવી જોઈએ.”

રેવન્નાએ આ વીડિયોને નકલી ગણાવીને તેના ચૂંટણી એજન્ટ મારફતે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે, આ મુદ્દા પર વિવાદ વધ્યા પછી, તેમના તરફથી કોઈ ટિપ્પણી આવી નથી.

અમિત શાહનો કથિત એડિટેડ વીડિયો શૅર કરવા બદલ તેલંગાણાના મુખ્ય મંત્રી રેવંત રેડ્ડીને સમન્સ પાઠવાયો

દિલ્હી પોલીસે તેલંગાણાના મુખ્ય મંત્રી રેવંત રેડ્ડીને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો એડિટેડ વીડિયો શૅર કરવાના મામલે સમન્સ પાઠવ્યું છે. કૉંગ્રેસના નેતા રેવંત રેડ્ડીને 1 મેના રોજ તેમના ફોન સાથે દિલ્હી પોલીસના સાઇબર યુનિટ સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.

રેવંત રેડ્ડીએ સોશિયલ મીડિયા વેબસાઈટ ઍક્સ પર અમિત શાહનો એડિટેડ વીડિયો શેર કર્યો હતો.

દિલ્હી પોલીસે આ મામલે ઘણા લોકો સામે કેસ નોંધ્યો છે.

ગૃહ મંત્રાલયે અમિત શાહના એડિટેડ વીડિયોને શેર કરવા અંગે ફરિયાદ નોંધાવી હતી.

રૅલીમાં આપેલા અમિત શાહનાં ભાષણનાં વીડિયોના અંશો સોશિયલ મીડિયા પર શૅર કરવામાં આવી રહ્યા છે.

કથિત રીતે એડિટ કરાયેલા આ વીડિયોમાં અમિત શાહ એમ કહેતા સાંભળવા મળે છે કે, 'ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે તો એસસી-એસટી અને ઓબીસી માટે જે ગેરબંધારણીય અનામત છે તેને અમે ખતમ કરીશું.'

અન્ય એક વીડિયોમાં અમિત શાહ કહેતા સાંભળવા મળે છે કે, 'અમે ગેરબંધારણીય મુસ્લિમ આરક્ષણ ખતમ કરીશું, આ અધિકાર તેલંગાણાના એસસી-એસટી અને ઓબીસીનો છે અને તેમને આ અધિકાર મળશે અને અમે મુસ્લિમ આરક્ષણ ખતમ કરીશું.'

આ વીડિયો સોશિયલ મીડિયા પર અન્ય ઘણા એકાઉન્ટ્સ દ્વારા શેર કરવામાં આવ્યો છે.

તાજેતરમાં જ આસામ પોલીસે આ કથિત રીતે એડિટેડ વીડિયો શેર કરવાના મામલે એક કૉંગ્રેસ કાર્યકર્તાની ધરપકડ પણ કરી છે.

ઇંદોરથી કૉંગ્રેસના ઉમેદવારે નામ પાછું ખેંચી લીધું, સુરતની થઈ છે ચર્ચા

મધ્ય પ્રદેશ ભાજપે સોશિયલ મીડિયા વેબસાઇટ ઍક્સ પર ટ્વીટ કરીને કહ્યું કે ઇંદોર લોકસભા સીટથી કૉંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિ બમે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે.

તો મધ્ય પ્રદેશના મંત્રી અને ભાજપ નેતા કૈલાસ વિજયવર્ગીયે ટ્વીટ કરીને કહ્યું કે અક્ષય કાંતિ બમ ભાજપમાં સામેલ થઈ ગયા છે.

કૈલાસ વિજયવર્ગીયે એક ગાડીમાં અક્ષય કાંતિ બમ સાથે સેલ્ફી લઈને ટ્વીટ કર્યું છે.

તેમણે ટ્વીટમાં લખ્યું, "ઇંદોરથી કૉંગ્રેસના લોકસભાના ઉમેદવાર અક્ષય કાંતિ બમનું વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, મુખ્ય મંત્રી મોહન યાદવ અને પ્રદેશ અધ્યક્ષ વીડી શર્માના નેતૃત્વમાં ભાજપમાં સ્વાગત છે."

મીડિયા રિપોર્ટ અનુસાર, કૉંગ્રેસના ઉમેદવારે નામ પાછું લીધા બાદ ભાજપના ઉમેદવાર શંકર લાલવાણીનો રસ્તો સરળ થઈ ગયો છે.

આ અહેવાલ સામે આવ્યા બાદ ગુજરાતની સુરત લોકસભા સીટની પણ ચર્ચા થઈ રહી છે, ગત દિવસોમાં સુરતમાં કૉંગ્રેસના ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફૉર્મ રદ થતા ભાજપના ઉમેદવારને બિનહરીફ વિજેતા જાહેર કરાયા હતા.

મધ્ય પ્રદેશની ઇંદોર સીટ પર 13 મેના રોજ મતદાન થવાનું છે. ઇંદોરમાં અલગઅલગ પાર્ટીઓ અને અપક્ષો મળીને કુલ 23 ઉમેદવારો મેદાનમાં છે. આજે નામ પાછું લેવાનો અંતિમ દિવસ છે.

પીએમ મોદી પોતાના પર લાગેલા 'ધ્રુવીકરણ'ના આરોપ પર શું બોલ્યા?

દેશમાં ચૂંટણીનો માહોલ છે અને બે તબક્કાનું મતદાન પૂરું થઈ ગયું છે. દરમિયાન સત્તારૂઢ પાર્ટી અને વિપક્ષના નેતાઓ તમામ અખબારો અને ટીવી ચેનલોમાં ઇન્ટરવ્યૂ આપી રહ્યા છે.

એ જ રીતે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અંગ્રેજી અખબાર ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાને એક ઇન્ટરવ્યૂમાં 'ધ્રુવીકરણવાળા નિવેદન'ના આરોપને ફગાવી દીધા છે.

તેમણે કહ્યું કે "કૉંગ્રેસે ધર્મના આધારે અનામત આપવા માટે કાયદો બનાવીને બંધારણનું ઉલ્લંઘન કર્યું છે, એ ધ્રુવીકરણ નથી?"

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં પીએમ મોદી પોતાના તાજેતરમાં આપેલા નિવેદન પર અડગ રહ્યા હતા, જેમાં તેમણે કહ્યું હતું કે પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહે કહ્યું હતું કે દેશનાં સંસાધનો પર પહેલો હક અલ્પસંખ્યકોનો છે.

જોકે પીએમ મોદીએ મનમોહનસિંહના જે 18 વર્ષ જૂના ભાષણનો ઉલ્લેખ કર્યો, તેમાં મનમોહનસિંહે મુસલમાનોને પહેલો હક આપવાની વાત નહોતી કહી.

મનમોહનસિંહે 2006માં કહ્યું હતું, "અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓને પુનર્જીવિત કરવાની જરૂર છે. આપણે નવી યોજનાઓ લાવીને એ સુનિશ્ચિત કરવું પડશે કે અલ્પસંખ્યકો અને ખાસ કરીને મુસલમાનોનું પણ ઉત્થાન થઈ શકે, વિકાસનો ફાયદો મળી શકે. આ બધાનો સંસાધનો પર પહેલો દાવો હોવો જોઈએ."

પીએમ મોદીએ કહ્યું કે તેઓ યુનિફૉર્મ સિવિલ કોડ લાવવા માટે પ્રતિબદ્ધ છે.

તેમણે કહ્યું, "અલગઅલગ સમુદાયો માટે અલગઅલગ કાયદો સમાજ માટે હાનિકારક છે. અમે એવો દેશ ન ઇચ્છી શકીએ જ્યાં એક સમાજ બંધારણની મદદથી વિકાસ કરતો હોય અને બીજો સમાજ તૃષ્ટિકરણના કારણે પહેલેથી જ સમયમાં અટકેલો હોય. અમે યુસીસીને હકીકત બનાવવા માટે જે પણ કરવાનું હોય, અમારાથી થાય એ અમે કરીશું."

તેમણે એ પણ કહ્યું કે તેઓ 'એક દેશ, એક ચૂંટણી'ની દિશામાં આગળ વધશે.

પીએમ મોદીએ ત્રીજી વાર જીતીને વડા પ્રધાન બનવાને લઈને વિશ્વાસ વ્યક્ત કર્યો અને કહ્યું કે તેઓ આ વખતે "400 સીટ સાથે સત્તામાં આવશે, જેથી વિપક્ષના એ બધા પ્રયાસો સંપૂર્ણ બરબાદ કરી શકે, જેના હેઠળ તેઓ એસસી, એસટી અને ઓબીસીના અધિકારોને છીનવીને પોતાની વોટબૅન્કને આપવા માગે છે."