You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ટી-20 વિશ્વકપ : Aus v Afg મૅચમાં અમ્પાયરની એ ભૂલ જેની સોશિયલ મીડિયા પર ટીકા થઈ રહી છે
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
- પ્રકાશિત
- ટી-20 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાન વિ. ઑસ્ટ્રેલિયાની મૅચમાં અમ્પાયરની ભૂલની સોશિયલ મીડિયા પર ટીકા થઈ રહી છે
- ઑસ્ટ્રેલિયા માટે આ મૅચ જીતવી જરૂરી હતું
- ઑસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાનને હરાવી દીધું પરંતુ અમ્પાયરની ભૂલની મૅચ પર અસર પડી શકી હોત.
ઑસ્ટ્રેલિયામાં ચાલી રહેલ ટી-20 વિશ્વકપની મૅચો દિવસે ને દિવસે વધુ રોમાંચક બનતી જઈ રહી છે.
શુક્રવારે યોજાયેલ ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ અફઘાનિસ્તાનની મૅચમાં પણ આવા જ રોમાંચક અનુભવ દર્શકોને થયા હતા.
ઑસ્ટ્રેલિયા માટે ‘કરો યા મરો’ની પરિસ્થિતિવાળી આ મૅચમાં કંઈક એવું બન્યું કે તે અચાનક સોશિયલ મીડિયા અને ક્રિકેટચાહકોનાં વર્તુળોમાં ચર્ચાવા લાગ્યું.
આ મૅચ તો ઑસ્ટ્રેલિયા જીતી ગયું, પરંતુ સોશિયલ મીડિયા યુઝરોએ અમ્પાયરની આ ભૂલ પકડી લીધી અને તેના પર હવે ભારે ચર્ચા થઈ રહી છે.
આ મૅચમાં ઑસ્ટ્રેલિયાએ પ્રથમ બૅટિંગ કરીને અફઘાનિસ્તાનને 168 રનનું લક્ષ્ય આપ્યું હતું.
જેના જવાબમાં અફઘાનિસ્તાન સાત વિકેટે 164 રન જ કરી શક્યું હતું.
નોંધનીય છે કે ઑસ્ટ્રેલિયા હાલ વર્લ્ડકપના ગ્રૂપ 1માંથી સેમિફાઇનલમાં ક્વૉલિફાય કરવા માટે પ્રયાસ કરી રહ્યું છે. ઓછા માર્જિનથી જીત મેળવી હોવાના કારણે ઑસ્ટ્રેલિયા હવે શનિવારની ઇંગ્લૅન્ડ અને શ્રીલંકાની મૅચ પર આધાર રાખી રહ્યું છે.
જો ઇંગ્લૅન્ડ આ મૅચ જીતશે તો તેઓ સેમિફાઇનલ માટે ક્વૉલિફાય કરશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ આ મૅચ જેટલી મહત્ત્વપૂર્ણ હતી તેટલી જ વિવાદમાં પણ આવી છે.
શું હતી અમ્પાયરની ભૂલ?
પ્રથમ બૅટિંગ કરવા ઊતરેલ ઑસ્ટ્રેલિયાની ટીમના ખેલાડી મિચેલ માર્શ અને ડેવિડ વૉર્નર મેદાને હતા.
આ દરમિયાન ચોથી ઓવરમાં બંને ખેલાડીઓ એક સાથે મળીને માત્ર પાંચ બૉલનો જ સામનો કર્યો હતો.
પ્રથમ બે બૉલમાં બંને બૅટરોએ એક-એક રન લીધો હતો.
ત્રીજા બૉલે મિચેલ માર્શે બાઉન્ડ્રી ફટકારી હતી. તે બાદ માર્શે ચોથા બૉલે અફઘાનિસ્તાનની ખરાબ ફિલ્ડિંગનો લાભ લઈને ત્રણ રન લેવામાં સફળતા મેળવી.
જ્યારે પાંચમો બૉલ ખાલી ગયો હતો.
આપણે જાણીએ છીએ કે એક ઓવરમાં છ બૉલ હોય છે પરંતુ આ ઓવરમાં અમ્પાયરે એ વાતની નોંધ જ ન લીધી અને ઓવરમાં માત્ર પાંચ જ બૉલ ફેંકાયા અને તે પૂરી જાહેર કરી દેવાઈ.
આ ઓવર અફઘાનિસ્તાનના બૉલર નવીન-ઉલ-હકે નાખી હતી.
ન્યૂઝીલૅન્ડ પહેલાંથી આ ગ્રૂપમાંથી સેમિફાઇનલમાં પ્રવેશી ચૂક્યું છે.
સેમિફાઇનલમાં જગ્યા મેળવવા માટે હવે ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયા વચ્ચે જંગ જામ્યો છે.
બંને દેશોની ટીમો વચ્ચે નેટ રનરેટના આધારે સેમિફાઇનલમાં સ્થાન મેળવવાની સ્પર્ધા છે. આવી ક્ષણે જ્યારે સ્પર્ધાનો સામનો કરતી ટીમને એક બૉલ પણ ગુમાવવો પડે તો તેની ચર્ચા થવી તે સ્વાભાવિક છે.
સોશિયલ મીડિયા પર ચર્ચા
લૅકલાન મકાર્ડી નામના એક યૂઝરે ઑસ્ટ્રેલિયા માટેની આ મહત્ત્વપૂર્ણ મૅચમાં અમ્પાયરની ભૂલની નોંધ લીધી અને ટ્વિટર પર લખ્યું કે, “મેં આ ફરીથી જોયું, આ અજબ છે. અહીં ચોથા ઓવરનો પાંચમો બૉલ ચર્ચામાં છે. ઑસ્ટ્રેલિયા બે રન લીધા અને તે પછી ઓવરથ્રોમાં એક રન લીધો. પરંતુ નોંધાયા ચોથા બૉલમાં બે રન અને પાંચમા બૉલે ત્રણ રન. પરંતુ ઓવર તો માત્ર પાંચ બૉલની જ થઈ ગઈ.”
ડેનિયલ ચેર્ની નામના એક યૂઝરે લખ્યું કે, “અજીબ લાગે છે કારણ કે એકેય વખત બ્રૉડકાસ્ટમાં પાંચ બૉલવાળી ઓવર નખાઈ હોવાની વાતની ચર્ચા નહોતી થઈ.”
એડમ વ્હાઇટ નામના એક યુઝરે ટ્વિટર પર લખ્યું કે, “આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક ઓવરમાં પાંચ બૉલ નખાય તેવું કઈ રીતે શક્ય બની શકે? આ બિલકુલ અસ્વીકાર્ય છે. અહીં માત્ર એ જ વાત યોગ્ય રહેશે કે અફઘાનિસ્તાનને પણ ચોથી ઓવરમાં પાંચ બૉલ જ રમવા મળે.”