You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતના આ જિલ્લાઓમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદ, સૌરાષ્ટ્ર પર રહેલી સિસ્ટમ સ્થિર થઈ ગઈ?
હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી હજી વરસાદ પડશે.
એક તરફ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે અને બીજી તરફ હજી કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં જે વરસાદ પડી રહ્યો છે તે રાજ્ય પર રહેલી એક વરસાદી સિસ્ટમને કારણે પડી રહ્યો છે.
હાલ સૌરાષ્ટ્રના વિસ્તારો પર એક વેલ માર્ક્ડ લૉ-પ્રેશર એરિયા છે અને આ સિસ્ટમ હવે આગળ વધીને અરબી સમુદ્રમાં પહોંચશે અને વધારે મજબૂત બનીને તે ડિપ્રેશન બનવાની શક્યતા છે.
ગુજરાતમાં ચોમાસાના ચાર મહિના દરમિયાન આ વર્ષે 115.94 % ટકા વરસાદ થયો છે એટલે કે રાજ્યમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થયો છે. કેટલાક વિસ્તારોમાં ખૂબ વધારે વરસાદ પડ્યો છે તો કેટલાક વિસ્તારોમાં શિયાળુ પાક માટે પૂરતું પિયત ન આપી શકાય એટલો વરસાદ થયો છે.
હાલ ગુજરાત પર રહેલી સિસ્ટમને કારણે ઘણા વિસ્તારોમાં પવનની ગતિ પણ સામાન્ય કરતાં વધારે રહેવાની શક્યતા છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં 40 થી લઈને 60 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.
ગુજરાતની સાથે સાથે ફરીથી બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ બની ગઈ છે અને તે સિસ્ટમ પણ મજબૂત બનીને ડિપ્રેશનમાં ફેરવાશે જેના કારણે ભારતના ઘણા વિસ્તારોમાં ફરીથી વરસાદની શરૂઆત થશે.
ગુજરાતમાં કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ?
હાલ ગુજરાત પર જે સિસ્ટમ છે તે આગળ વધીને અરબી સમુદ્રમાં પહોંચવાની છે અને ત્યાંથી તે પશ્ચિમ તરફ આગળ વધે એવી સંભાવના છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સિસ્ટમની સૌથી વધારે અસર સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો પર થશે અને કેટલીક જગ્યાએ તેના કારણે ભારે વરસાદ પડે એવી પણ શક્યતા છે.
સૌરાષ્ટ્રના ખાસ કરીને દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, ગીર-સોમનાથ, જૂનાગઢ, પોરબંદર તથા રાજકોટના કેટલાક વિસ્તારોમાં આવનાર બેથી ત્રણ દિવસમાં ભારે વરસાદ થઈ શકે છે.
આ ઉપરાંત સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી અને ભાવનગર જિલ્લના વિસ્તારોમાં પણ વરસાદ પડવાની સંભાવના છે અને કેટલાક વિસ્તારોમાં વધારે વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્રની સાથે આગામી ત્રણ દિવસો સુધી કચ્છ જિલ્લામાં પણ ભારે વરસાદની શક્યતા છે.
ઉત્તર ગુજરાતના ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ, ગાંધીનગર તથા મહીસાગર જિલ્લામાં છુટોછવાયો વરસાદ પડી શકે છે.
અમદાવાદની સાથે મધ્ય ગુજરાતના ખેડા, આણંદ, વડોદરા અને પંચમહાલના વિસ્તારો તથા દાહોદ અને છોટા ઉદેપુરમાં પણ છુટાછવાયા વરસાદની સંભાવના દેખાઈ રહી છે.
દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ ખાસ કરીને વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી, ભરૂચ અને નર્મદાના જિલ્લાના વિસ્તારોમાં વરસાદનું જોર એકાદ બે દિવસ સુધી વધારે નહીં રહે પરંતુ તે બાદ ફરીથી વધે તેવી સંભાવના છે.
હાલ ગુજરાતના તમામ વિસ્તારો અને તેની પાસે આવેલા કેન્દ્રશાસિત પ્રદેશો દીવ, દમણ અને દાદરા તથા નગર હવેલીમાં આગામી બેથી ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી છે.
સૌરાષ્ટ્ર પરની સિસ્ટમ હવે કઈ તરફ જશે?
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સૌરાષ્ટ્ર પર રહેલી સિસ્ટમ હવે 02 ઑક્ટોબર સુધીમાં અરબી સમુદ્રમાં એટલે કે દરિયામાં પહોંચશે અને તે બાદ તે ખૂબ ઝડપથી આગળ વધે તેવી સંભાવના ઓછી છે.
આ સિસ્ટમ દરિયામાં પહોંચતાની સાથે જ તેને ફરીથી નવી ઍનર્જી મળશે અને સિસ્ટમ મજબૂત થવાની શરૂઆત થશે. અરબી સમુદ્રમાં પહોંચતાની સાથે જ સિસ્ટમ મજબૂત થઈને ડિપ્રેશનમાં ફેરવાઈ જશે.
જેના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકિનારાના વિસ્તારો તથા બીજા વિસ્તારોમાં પવનની ગતિમાં થોડો વધારો થઈ શકે છે. કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ 60 કિમી પ્રતિકલાક સુધી પહોંચવાની શક્યતા છે.
હવામાનનાં વિવિધ મૉડલો અનુસાર આ સિસ્ટમ હજી ત્રણેક દિવસ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છની નજીક રહે તેવી સંભાવના છે. જેના કારણે આગામી ત્રણથી ચાર દિવસો સુધી આ સિસ્ટમની અસર ગુજરાત પર રહે તેવી સંભાવના છે.
જે બાદ આ સિસ્ટમ હાલની સ્થિતિ પ્રમાણે ઓમાન તરફ આગળ વધશે અને દરિયામાં જ વિખેરાય જાય તેવી સંભાવના દેખાઈ રહી છે. હાલની સ્થિતિ પ્રમાણે અરબી સમુદ્રમાં આ સિસ્ટમ પહોંચ્યા બાદ તે વાવાઝોડું બને તેવી શક્યતા ઓછી છે.
આ ઉપરાંત બંગાળની ખાડીમાં ફરીથી એક નવી સિસ્ટમ સર્જાઈ છે અને આ સિસ્ટમ આગળ વધીને મધ્ય ભારત પર આવશે. જેની સીધી અસર ગુજરાત પર આવવાની શક્યતા નથી પરંતુ તેની અસર ગુજરાતને થવાની શક્યતા છે.
એ સિસ્ટમ મધ્ય પ્રદેશ પર આવતાની સાથે જ પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે. હાલની સ્થિતિ પ્રમાણે આ નવી સિસ્ટમને કારણે ઉત્તર ભારતમાં સૌથી વધારે વરસાદ થવાની સંભાવના છે.
ચોમાસામાં ગુજરાતમાં કેટલો વરસાદ થયો અને ક્યાં વધારે વરસાદ પડ્યો?
ભારતમાં આ વર્ષે ચોમાસાની શરૂઆત વહેલી થઈ હતી અને હવે તેની વિદાયની શરૂઆત પણ વહેલી થઈ હતી. ગુજરાતમાં આ વર્ષે સરેરાશ કરતાં વધારે વરસાદ થયો છે.
હવામાન વિભાગ દેશભરમાં 1 જૂનથી લઈને 30 સપ્ટેમ્બર સુધી એટલે કે ચાર મહિનાના આ ગાળામાં પડતા વરસાદને ચોમાસાનો વરસાદ ગણે છે. 30 સપ્ટેમ્બર બાદ પડતા વરસાદની ગણના ચોમાસાના વરસાદમાં થતી હોતી નથી.
હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે લાંબાગાળાની સરેરાશના 108 ટકા વરસાદ થયો છે એટલે કે સરેરાશ કરતાં સમગ્ર દેશમાં વધારે વરસાદ થયો છે.
ગુજરાતમાં ચાર મહિનાની સરેરાશના હિસાબે વધારે વરસાદ પડ્યો છે. ગુજરાત સરકાર દ્વારા આપેલા આંકડા પ્રમાણે 30 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યમાં 115% જેટલો વરસાદ થયો છે.
જેમાં કચ્છમાં સરેરાશ પડતા વરસાદની સામે આ વર્ષે 141.23 ટકા, દક્ષિણ ગુજરાતમાં 112.19 ટકા, ઉત્તર ગુજરાતમાં 120.48 ટકા વરસાદ થયો છે. આ વિસ્તારોમાં તેની સરેરાશ કરતાં વધારે વરસાદ થયો છે.
જ્યારે સૌરાષ્ટ્રમાં તેની સરેરાશની સામે 104.08 ટકા જ વરસાદ થયો છે અને પૂર્વ તથા મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ વર્ષે અન્ય વિસ્તારો કરતાં ઓછો વરસાદ નોંધાયો છે. જેમાં તેની સરેરાશના 115.79 ટકા વરસાદ નોંધાયો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન