સ્લોવાકિયાના વડા પ્રધાનને ગોળી મરાઈ, હૉસ્પિટલમાં દાખલ

પ્રકાશિત

સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, સ્લોવાકિયાના વડા પ્રધાન રૉબર્ટ ફિકોને ગોળી મારવામાં આવી છે.

ગોળી વાગ્યા બાદ પીએમને ઘાયલ અવસ્થામાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ઘટનાસ્થળે પર હાજર પત્રકારો અનુસાર, ગોળી છૂટવાના અનેક અવાજો સંભળાયા હતા. પોલીસે ગોળી ચલાવનાર સંદિગ્ધની પણ અટકાયત કરી છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે ગોળી છૂટ્યા બાદ કેટલાક લોકો સંદિગ્ધને પકડવાનો પ્રયાસ કરી રહ્યા છે. બીબીસી આ વીડિયોની પુષ્ટિ કરી શક્યું નથી.

સ્લોવાકિયાનાં રાષ્ટ્રપતિ ઝુઝાના ચાપુતોવાએ કહ્યું કે તેઓ આ નૃશંસ હુમલાથી સ્તબ્ધ છે.

આ મામલે વધુ માહિતી આવી રહી છે.

નરેન્દ્ર મોદી 4 જૂન બાદ વડા પ્રધાન નહીં રહે... રાહુલ ગાંધીનો દાવો

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે ફરી એક વાર દાવો કર્યો છે કે નરેન્દ્ર મોદી ચાર જૂન પછી વડા પ્રધાન નહીં રહે.

રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, "દેશના દરેક ખૂણામાં ઇન્ડિયા ગઠબંધનની આંધી ચાલી રહી છે."

રાહુલે કૉંગ્રેસના સોશિયલ મીડિયાથી શેર કરેલો એક વીડિયો પણ રી-ટ્વીટ કર્યો છે.

આ વીડિયોમાં રાહુલ ગાંધીના નિવેદનને ઍડિટ કરીને શેર કરવામાં આવ્યું હતું તેનું ફેક્ટ ચેક કરવામાં આવ્યું છે.

રાહુલ ગાંધીએ અસલી નિવેદનમાં વાત કરી હતી કે ચાર જૂને નરેન્દ્ર મોદી વડા પ્રધાન નહીં રહે. પરંતુ જો ઍડિટ કરેલા વીડિયોમાં એવું સંભળાય છે કે નરેન્દ્ર મોદી વડા પ્રધાન બનશે.

રાહુલ ગાંધીએ લખ્યું, "જૂઠની ફેક્ટરી ભાજપ પોતાને ગમે તેટલો પણ દિલાસો આપે, કોઈ ફરક નહીં પડે.

કૉંગ્રેસે પણ તેના સત્તાવાર એકાઉન્ટથી લખ્યું- "ડૂબતો ભાજપ અને નરેન્દ્ર મોદીની ફેક ન્યૂઝ ફેક્ટરીને હવે ફેક વીડિયોનો જ સહારો છે. આદત મુજબ, તેમણે રાહુલ ગાંધીના ભાષણને ઍડિટ કરીને ખોટો વીડિયો બનાવ્યો અને પછી રંગે હાથ ઝડપાઈ ગયા."

કૉંગ્રેસ દ્વારા શેર કરવામાં આવેલા બીજા વીડિયોમાં પણ રાહુલ ગાંધીના કેટલાક અન્ય ઍડિટેડ વીડિયોનું ફેક્ટ ચેક કરવામાં આવ્યું છે.

‘નાફેડના સભ્ય તરીકે ગુજરાતમાંથી મોહન કુંડારિયા બિનહરીફ’, સત્તાવાર જાહેરાત બાકી

નેશનલ ઍગ્રિકલ્ચરલ કો-ઑપરેટિલ માર્કેટિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા (નાફેડ)ના 21 સભ્યોના નવા બોર્ડની ચૂંટણીની પ્રક્રિયા તાજેતરમાં ચાલી રહી છે. જેમાં ગુજરાતમાંથી એક સભ્ય તરીકે મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાશે તે લગભગ નિશ્ચિત થઈ ગયું છે.

મોહન કુંડારિયાએ બીબીસી સાથેની વાતચીતમાં પોતે બિનહરીફ થયા હોવાની પુષ્ટિ કરી છે.

582 મતદારો નાફેડના નવા બોર્ડના 21 સભ્યોને ચૂંટી કાઢવા માટે 21મેના રોજ મતદાન કરવાના છે. એ જ દિવસે પરિણામ સાથે મોહન કુંડારિયાના નામની જાહેરાત થશે તેમ મનાય છે.

ગુજરાતમાંથી કુલ પાંચ સભ્યોએ ચૂંટણી માટેનાં ફૉર્મ ભર્યાં હતાં. આજે ઉમેદવારીપત્રક પાછું ખેંચવાનો છેલ્લો દિવસ હતો. સહકારી આગેવાનોએ બાકીના ચાર ઉમેદવારોને ફૉર્મ પાછું ખેંચવા માટે મનાવી લીધા હોવાનું કહેવાય છે. આ ચારેય લોકો ભાજપ સાથે જ જોડાયેલા હોવાનું કહેવાય છે.

મોહન કુંડારિયા એ રાજકોટથી ભાજપના સાંસદ છે જેમને 2024ની ચૂંટણીમાં ટિકિટ મળી ન હતી.

અહીં ઉલ્લેખનીય છે કે અન્ય એક સહકારી સંસ્થા ઇફ્ફકોમાં ભાજપે આપેલા મૅન્ડેટથી પર જઈને જયેશ રાદડિયાએ જીત મેળવી હતી. ત્યાર બાદ સૌની નજર નાફેડની ચૂંટણી પર હતી. ભાજપે નાફેડની ચૂંટણીમાં મૅન્ડેટ આપવાનું ટાળ્યું હતું.

આસામના મુખ્ય મંત્રીના 'જ્ઞાનવાપી મસ્જિદની જગ્યાએ મંદિર બનાવવું'વાળા નિવેદન પર આરજેડીના મનોજ ઝા શું બોલ્યા?

આરજેડીના સાંસદ મનોજ ઝાએ આસામના મુખ્ય મંત્રી હિમંત બિસ્વા સરમાના લોકસભા ચૂંટણીમાં 400 સીટ મળવા પર મથુરા અને કાશીમાં મસ્જિદની જગ્યાએ મંદિર બનાવવાના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

હિમંત બિસ્વ સરમાએ કહ્યું હતું કે, "જ્યારે કૉંગ્રેસ અમને પૂછે છે કે તમને 400 સીટ કેમ જોઈએ છે તો મને લાગ્યું કે તેનો જવાબ હોવો જોઈએ. મેં ત્યાર બાદ કૉંગ્રેસીઓને કહ્યું કે જ્યારે અમારી પાસે 300 સીટ હતી તો અમે રામમંદિર બનાવ્યું. હવે જો અમને 400 સીટ મળે તો મથુરામાં પણ કૃષ્ણજન્મભૂમિ હશે અને જ્ઞાનવાપી મસ્જિદની જગ્યાએ કાશી વિશ્વનાથનું ભવ્ય મંદિર બનશે."

આસામના મુખ્ય મંત્રીના આ નિવેદન પર આરજેડી સાંસદ મનોજ ઝાએ કહ્યું, "તે આવું જ બધું બોલી શકે છે, મને ખૂબ જ ખુશી થાત જો તે કહેતા કે જો અમને આટલી સીટ મળશે તો અમે એક-એક વ્યક્તિને રોજગાર આપીશું. ન તો તેમની કોઈ મોટી વ્યક્તિ બોલી રહી છે, ન તો કોઈ નાની વ્યક્તિ બોલી રહી છે."

મનોજ ઝાએ કહ્યું, "જો તે એવું કહેતા કે પાકને સિંચાઈ માટે પાણી મળશે, ખેડૂતની આવકની સમૃદ્ધિ માટે કામ કરીશું, પાક પર એમએસપી આપીશું. આવી વાત હોવી જોઈએ. મંદિર, મસ્જિદ, ગિરિજાઘર, ગુરુદ્વારા...વિશ્વમાં ક્યાય આના પર ચૂંટણી નથી થતી. આ દેશનું દુર્ભાગ્ય છે કે ઉચ્ચ હોદ્દા ધરાવતા લોકો ચૂંટણીના મુદ્દાઓ પર વાત કરતા નથી. બેરોજગારી અને મોંઘવારીની વાત નથી કરતા. આ સામૂહિક ચિંતાનો વિષય હોવો જોઈએ."

ભારત-ઈરાનની સમજૂતી ઉપર અમેરિકાની ટિપ્પણી અંગે વિદેશ મંત્રી જયશંકરે શું કહ્યું?

ભારત અને ઈરાન વચ્ચે ચાબહાર સ્થિત શાહિદ બેહેસ્તિ બંદરગાહના સંચાલન માટે સમજૂતી પર અમેરિકાની ચેતવણીને લઈને વિદેશ મંત્રી એસ. જયશંકરએ પ્રતિક્રિયા આપી છે.

13મે એ ભારત અને ઈરાને એક સમજૂતી કરી છે. આ સમજૂતી 10 વર્ષ માટે ચાબહાર સ્થિત શાહિદ બેહેસ્તી બંદરના સંચાલન માટે કરવામાં આવ્યું છે.

આ ઈંડિયા પોર્ટ્સ ગ્લોબલ લિમિટેડ અને પોર્ટ્સ એન્ડ મેરીટાઇમ ઓર્ગેનાઇઝેશન ઓફ ઇરાન વચ્ચે થયું છે.

આના પર અમેરિકાના વિદેશ વિભાગએ કહ્યું છે કે આ સમજૂતીને અમેરિકન પ્રતિબંધોથી છૂટ નહીં મળે.

વિદેશ મંત્રી એસ જયશંકરને જ્યારે અમેરિકાની ચેતવણી વિશે સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું, "ચાબહાર પોર્ટ સાથે અમારે લાંબા સમયથી જોડાણ રહ્યું છે પરંતુ અમે તેના પર હસ્તાક્ષર ન કરી શક્યા કારણ કે તેમા ઘણી અડચણો હતી. આખરે અમે લાંબા ગાળાના કરાર કરવામાં સફળ રહ્યા છીએ. આ લાંબા ગાળની સમજૂતી જરૂરી છે કારણ કે તેના વિના તમે બંદરનું સંચાલન યોગ્ય રીતે નહીં કરી શકો."

તેમણે કહ્યું, "મે જોયું કે અમુક ટિપ્પણીઓ આવી છે. પરંતુ મને લાગે છે કે આ એક-બીજા વચ્ચે વાતચીત કરવાની અને તેમને સમજાવવાની બાબત છે કે આ (કરાર) દરેકના ફાયદા માટે છે. મને નથી લાગતું કે લોકોએ આ અંગે સંકુચિત દૃષ્ટિકોણ લેવો જોઈએ અને તેઓએ ભૂતકાળમાં એવું નથી રાખ્યું. જો તમે ભૂતકાળમાં ચાબહાર પ્રત્યેના અમેરિકાના વલણને જુઓ તો પણ અમેરિકાએ હંમેશા એ હકીકતની પ્રશંસા કરી છે કે ચાબહારની વ્યાપક પ્રાસંગિકતા છે. તેથી અમે તેના પર કામ કરીશું."

વડા પ્રધાન મોદી પાસે કુલ કેટલા કરોડની સંપત્તિ છે?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા સોગંદનામા અનુસાર તેમની સંપત્તિ ત્રણ કરોડ રૂપિયા કરતાં પણ વધુ હોવાનું સામે આવ્યું છે. તેમાંથી મોટાભાગની સંપત્તિ બૅન્કમાં ફિક્સ્ડ ડિપોઝિટ છે.

વડા પ્રધાન મોદીએ 14 મેના રોજ વારાણસીથી પોતાનું ઉમેદવારીપત્રક ભર્યું હતું.

સોગંદનામામાં આપેલી જાણકારી પ્રમાણે મોદી પાસે 3.2 કરોડથી વધુની ચલ સંપત્તિ છે. જેમાંથી અંદાજે 2.85 કરોડ રૂપિયા સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયામાં ફિક્સ ડિપોઝિટ છે.

આ સિવાય પીએમ મોદી પાસે ચાર સોનાની વીંટી છે, જેની કિંમત 2.67 લાખ રૂપિયા છે. તેમની પાસે 52920 રૂપિયા રોકડા અને 9.12 લાખ રૂપિયાનું નેશનલ સેવિંગ સર્ટિફિકેટ છે. ગત નાણાકીય વર્ષમાં પીએમ મોદીએ 3.33 લાખ રૂપિયાનો આવકવેરો ભર્યો હતો.

ચૂંટણી ઍફિડેવિટની સ્થાવર મિલકતની કોલમમાં કોઈ માહિતી આપવામાં આવી નથી. સામાન્ય રીતે તેમાં જમીન અને મકાનોની વિગતો આપવામાં આવે છે.

જશોદાબહેનને પીએમ મોદીનાં પત્ની ગણાવવામાં આવ્યાં છે. તેમની પાસે કેટલી મિલકત છે તેની માહિતી એફિડેવિટમાં આપવામાં આવી નથી.

પીએમ મોદી સામે કોઈ ગુનાહિત કેસ પૅન્ડિંગ નથી અને ન તો તેઓ કોઈ ગુનામાં દોષી સાબિત થયા છે.

પીએમ મોદીને અમદાવાદના રહેવાસી દર્શાવવામાં આવ્યા છે. વડાપ્રધાને 1978માં દિલ્હી યુનિવર્સિટીમાંથી બી.એ. અને 1983માં ગુજરાત યુનિવર્સિટીમાંથી એમ.એની ડિગ્રી મેળવી હતી.

2019ની લોકસભા ચૂંટણીમાં પીએમ મોદીએ કહ્યું હતું કે તેઓ ગુજરાતના ગાંધીનગરમાં એક રહેણાંકી જમીન સાથે 2.5 કરોડ રૂપિયાની મિલકત ધરાવે છે. તેમાંથી 1.27 કરોડ રૂપિયા ફિક્સ ડિપોઝિટ હતા.

2014 લોકસભા ચૂંટણીમાં તેમની પાસે કુલ 1.65 કરોડ રૂપિયાની સંપત્તિ હતી.

અંતે કૉમેડિયન શ્યામ રંગીલા વડા પ્રધાન મોદી સામે વારાણસીથી ઉમેદવારી નોંધાવવામાં સફળ થયા

વારાણસીથી વડા પ્રધાન મોદી સામે ચૂંટણી લડવાનું એલાન કરનાર સ્ટૅન્ડ-અપ કૉમેડિયન અને યુટ્યૂબર શ્યામ રંગીલાએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે તેમણે વારાણસીથી ઉમેદવારીપત્રક દાખલ કરી દીધું છે.

તેમણે લખ્યું છે કે, “તમારા સૌના પ્રેમ અને સહયોગથી નિયમાનુસાર તમામ આવશ્યકતાઓની પૂરી કરીને મેં ઉમેદવારીપત્રક ભરી દીધું છે. હવે પછીના બે-ત્રણ દિવસ અગત્યના છે. તમારા સૌના સહયોગ બદલ આભાર. આપણી લોકશાહીના પ્રહરીઓ એવા ચૂંટણી અધિકારીઓના હાથમાં મારું ચૂંટણી ભવિષ્ય છે. તેઓ સૌ મારા વિશ્વાસને મજબૂત કરશે એવી મને આશા છે.”

અહીં ઉલ્લેખનીય છે કે છેલ્લા બે-ત્રણ દિવસથી તેઓ દાવો કરી રહ્યા હતા કે તેમને વારાણસીથી ઉમેદવારીપત્રક ભરવા દેવામાં આવી રહ્યું નથી અને અડચણો પેદા કરવામાં આવી રહી છે.

તેમણે આરોપો લગાવતાં કહ્યું હતું કે, “વારાણસીમાં નોમિનેશન ફૉર્મ મેળવવાની પ્રક્રિયા એટલી જટિલ બનાવી દેવામાં આવી છે કે ફૉર્મ મેળવવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. કલાકો સુધી લાઇનમાં ઉભા રહ્યા પછી ચૂંટણી કાર્યાલય તરફથી કહેવામાં આવ્યું હતું કે તમે દસ પ્રસ્તાવકોના આધાર કાર્ડની કોપી તેમની સહી સાથે તથા તેમના સંપર્ક નંબર પહેલાં આપો પછી જ ફૉર્મ માટે ટ્રેઝરી ચલણ ફૉર્મ મળશે. એવો કોઈ નિયમ ચૂંટણીપંચના નિયમોમાં નથી. હું માનનીય ચૂંટણીપંચને વિનંતી કરું છું કે તેઓ વારાણસી જિલ્લા પ્રશાસનને યોગ્ય દિશાનિર્દેશો આપીને દેશની લોકશાહીમાં અમારો વિશ્વાસ મજબૂત કરે.”

ત્યારબાદ 13 મેના રોજ તેમણે ઍક્સ પર લખ્યું હતું કે, “આજે લોકશાહીના ગળે ટૂંપો દેવાતા મેં મારી આંખે જોયો છે. હું નેતા નથી, કૉમેડિયન છું, તેમ છતાં હું ફૉર્મ ભરવા માટે નીકળ્યો. મેં વિચાર્યું હતું કે જે પણ થશે એ જોયું જશે. પરંતુ જે બની રહ્યું છે એ તો વિચારી શકાય તેવું પણ નથી અને જોઈ શકાય તેવું પણ નથી. પ્રસ્તાવકો તૈયાર હતા, ફૉર્મ ભરેલું હતું, બસ કોઈ ફૉર્મ લેવા માટે તૈયાર ન હતું.”

ફૉર્મ ભરવાના છેલ્લા દિવસે તેમણે ચૂંટણીપંચને ટૅગ કરીને લખ્યું હતું કે, “વારાણસી ચૂંટણીપંચ કાર્યાલયે 14મે ના રોજ સવારે લગભગ સવા નવ વાગ્યે પહોંચી ગયો છું. ક્યાંયથી કોઈ પ્રકારનો જવાબ મળી રહ્યો નથી. પણ હજુ સુધી મેં ઉમેદવારી નોંધાવવાની આશા છોડી નથી.”

અહીં ઉલ્લેખનીય છે કે શ્યામ રંગીલાએ વડા પ્રધાન મોદીની મિમિક્રી કરીને ખાસ ઓળખ ઉભી કરી છે. તેમના કૉમેડી વીડિયો અતિશય વાઇરલ થાય છે.

એવું કહેવાઈ રહ્યું છે કે તેમને ભય હતો કે અહીં પણ સુરત કે ઇન્દોર જેવી ઘટના બની શકે છે. આથી, તેઓ વારાણસીથી ફૉર્મ ભરી રહ્યા છે.

‘હું હિંદુ-મુસ્લિમ નથી કરતો’ – વડા પ્રધાન મોદીના આ નિવેદન પર ઓવૈસીએ આપ્યો જવાબ

એઆઈએમઆઈએમના નેતા અસદુદ્દીન ઓવૈસીએ પીએમ મોદીના હિંદુ-મુસ્લિમવાળા નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

ઓવૈસીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું હતું કે, “મોદીએ તેમના ભાષણમાં મુસ્લિમોને ઘૂસણખોરો અને વધુ બાળકો પેદા કરનારા કહ્યા હતા. હવે તેઓ કહી રહ્યા છે કે તેઓ મુસ્લિમોની વાત કરી રહ્યા નથી. તેમણે ક્યારેય હિન્દુ-મુસ્લિમ કર્યું નથી.”

ઓવૈસીએ કહ્યું કે, “આ ખોટી ચોખવટ કરવામાં આટલો સમય કેમ લાગી ગયો? મોદીની રાજકીય સફર માત્રને માત્ર મુસ્લિમ વિરોધી રાજનીતિ પર બની છે. આ ચૂંટણીમાં મોદી અને ભાજપે મુસ્લિમો સામે અગણિત જૂઠ્ઠાણાં અને અતિશય નફરત ફેલાવી છે.”

ઓવૈસીએ લખ્યું, “ગુનેગાર માત્ર મોદી નથી, પરંતુ એ દરેક મતદાર પણ છે જેણે આવા ભાષણો છતાં પણ ભાજપને મત આપ્યો.”

પીએમ મોદીએ 21 એપ્રલે રાજસ્થાનની એક રેલીમાં ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહના એક જૂના ભાષણને ટાંકીને મુસ્લિમો પર ટિપ્પણી કરી હતી, જેમાં તેમને ‘ઘૂસણખોરો’ અને ‘વધુ બાળકો પેદા કરનારા’ કહ્યા હતા.

પીએમ મોદીના આ નિવેદન પર ખૂબ વિવાદ થયો હતો અને ચૂંટણીપંચને પણ તેની ફરિયાદ કરવામાં આવી હતી.

14મે એક પ્રાઇવેટ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં મોદીએ આ અંગે ચોખવટ કરી છે.

એક ચેનલના ઍન્કરે પીએમ મોદીને સવાલ પૂછ્યો કે- જ્યારે તમે સ્ટેજ પર મુસ્લિમોનો ઉલ્લેખ કર્યો ત્યારે તમે એમ કહ્યું કે જેઓ વધુ બાળકો પેદા કરે છે, ઘૂસણખોરો... આની શું જરૂર હતી?

પીએમ મોદીએ જવાબ આપ્યો, "મને આશ્ચર્ય થાય છે. તમને કોણે કહ્યું કે જ્યારે વધુ બાળકોની વાત એટલે મુસ્લિમો? તમે મુસ્લિમોને જોડી દઈને કેમ તેમની સાથે અન્યાય કરો છો? આપણે ત્યાં દરેક ગરીબ પરિવારોની આવી સ્થિતિ છે. તેમનાં બાળકો ભણી શકતા નથી. જ્યાં ગરીબી વધું છે ત્યાં બાળકો પણ વધારે છે.”

પીએમ મોદીએ કહ્યું, "મેં ન તો હિંદુ કહ્યું છે કે ન તો મુસલમાન. મેં કહ્યું છે કે તમે જેટલાં બાળકો ઉછેરી શકો તેટલાંને જ જન્મ આપો. સરકારને તેમનું પાલન કરવું પડે તેવી સ્થિતિ ન સર્જવી જોઈએ."

આ વખતે મુસ્લિમો તમને વોટ આપશે, શું તમારે તેમના વોટ જોઈએ છે?

પીએમ મોદીએ જવાબ આપ્યો, "મને વિશ્વાસ છે કે મારા દેશના લોકો મને મત આપશે. જે દિવસે હું હિંદુ- મુસ્લિમ કરીશ, હું જાહેર જીવનમાં જીવવા યોગ્ય નહીં રહું. હું હિંદુ-મુસ્લિમ નહીં કરું. આ મારો સંકલ્પ છે."