ભારતને યુએનની સલામતી સમિતિનો સ્થાયી સભ્ય બનાવવાની ફ્રાન્સે માગ કરી – ન્યૂઝ અપડેટ

પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૅન્યૂઅલ મૅક્રોંએ ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્ય બનાવવાની માંગ કરી છે.

મૅક્રોં ગુરુવારે ન્યૂયૉર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની 79મી બેઠકને સંબોધિત કરી રહ્યા હતા. આ સંબોધનમાં તેમણે સુરક્ષા પરિષદમાં સુધારાની માંગ કરી હતી. આ દરમિયાન તેમણે ભારત, બ્રાઝિલ અને જાપાનને સુરક્ષા પરિષદના કાયમી સભ્ય બનાવવાની અપીલ કરી હતી.

મૅક્રોંએ કહ્યું હતું કે જ્યાં સુધી સુરક્ષા પરિષદના સ્થાયી સદસ્યો પોતાનાં હિતોને ધ્યાનમાં રાખીને એકબીજાના પ્રસ્તાવોને રોકતાં રહેશે ત્યાં સુધી આગળ વધવું મુશ્કેલ છે.

તેમણે સંયુક્ત રાષ્ટ્ર પર પણ સવાલો ઉઠાવતાં કહ્યું હતું કે, “શું ત્યાં એક સારી વ્યવસ્થા કામ કરી રહી છે? મને તો નથી લાગતું. એટલે, આવો સાથે મળીને સંયુક્ત રાષ્ટ્રને પ્રભાવી બનાવીએ. પરંતુ તેના માટે હજુ વધુ સ્થાયી સદસ્યો બનાવવાની જરૂર છે. એટલા માટે જ ફ્રાન્સ સુરક્ષા પરિષદના વિસ્તારની માગને સમર્થન કરી રહ્યું છે.”

અહીં ઉલ્લેખનીય છે કે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપનાને આવતા વર્ષે 80 વર્ષ થશે. પરંતુ સુરક્ષા પરિષદના સ્થાયી સદસ્યોની સંખ્યા વધારવામાં આવી નથી. ચીન, ફ્રાન્સ, રશિયા, બ્રિટન અને અમેરિકાને જ સ્થાયી સદસ્યતા મળેલી છે.

ભારત સહિત અનેક દેશો પોતાને સ્થાયી સમિતિના સદસ્ય બનાવવાની સતત માગ કરી રહ્યા છે.

શિગેરુ ઇશિબા જાપાનના નવા વડા પ્રધાન બનશે

ફ્યુમિયો કિશિદા બાદ જાપાનના આગામી વડા પ્રધાનના નામને મંજૂરી આપવામાં આવી છે.

ન્યૂઝ એજન્સી રૉઇટર્સના રિપોર્ટ અનુસાર દેશના પૂર્વ રક્ષામંત્રી શિગેરુ ઇશિબા દેશના નવા વડા પ્રધાન હશે.

શુક્રવારે શિગેરુ ઇશિબાને જાપાનની સત્તાધારી લિબરલ ડેમૉક્રેટિક પાર્ટી(LDP)નું અને દેશનું નેતૃત્વ કરવા માટે ચૂંટવામાં આવ્યા હતા.

રૉઇટર્સ અનુસાર, વર્તમાન શાસક એલડીપીના નેતા શિગેરુ ઇશિબાનું વડા પ્રધાન બનવું લગભગ નિશ્ચિત છે, કારણ કે સંસદના નીચલા ગૃહ પર પાર્ટીનું સંપૂર્ણ નિયંત્રણ છે.

જાપાનની લોકશાહી પ્રણાલીમાં સંસદના નીચલા ગૃહને ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે.

ઇશિબાએ પ્રથમ અને બીજા રાઉન્ડના મતદાનમાં આર્થિક સુરક્ષામંત્રી સાને તાકાઈચીને હરાવ્યા હતા.

હૅલેન વાવાઝોડું: ફ્લોરિડામાં પ્રચંડ ગતિથી પવન ફૂંકાયો, દરિયામાં 20 ફૂટ ઊંચાં મોજાં ઊછળ્યાં

ફ્લોરિડામાં હૅલેન હરિકેન (વાવાઝોડું)ના કારણે ભારે વરસાદ થઈ રહ્યો છે. સમગ્ર ફ્લોરિડામાં ઝડપી પવન ફૂંકાઈ રહ્યો છે.

અમેરિકાના ફ્લોરિડા અને તેના કાંઠા વિસ્તારોમાં ગુરુવાર સાંજે હૅલેન હરિકેન (વાવાઝોડું)ના કારણે 225 (140 માઈલ પ્રતિકલાક) કિલોમીટરની ઝડપે ફૂંકાયો હતો અને ભારે વરસાદ પડ્યો હતો.

ફ્લોરિડાના માયામી, ટેમ્પા, ટલાહસી, ચાર્લ્સટન, પનામા સિટી અને ઍટલાન્ટામાં વાવાઝોડાના કારણે વ્યાપક અસર થઈ છે.

વાવાઝોડના કારણે દરિયામાં 15થી 20 ફૂટ ઊંચાં મોજાં ઊછળ્યાં છે, જેના કારણે કાંઠા વિસ્તારમાં વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા હતા. લોકોનાં ઘરો અને ઑફિસોમાં પાણી ભરાઈ જતાં નુકસાન થયું હતું. કેટલીક જગ્યાએ વીજળીની લાઇનોને નુકસાન થયું હતું, જેના કારણે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.

ઝડપી પવન ફૂંકાવાના કારણે ઘણી જગ્યાએ વૃક્ષો પડી ગયાં હતાં. ગુરુવારે બપોરે ભારે પવનના કારણે સમગ્ર વિસ્તારમાં વાતાવરણ ધૂળિયું બની ગયું હતું.

ફ્લોરિડા ડિવિઝન ઑફ ઇમરજન્સી મૅનેજમૅન્ટના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કેવિન ગુથરીએ જણાવ્યું કે ફ્લોરિડા અને આસપાસના વિસ્તારોમાં પાણી-પાણી થઈ ગયું છે અને પરિસ્થિતિ બહુ ગંભીર છે. તેમણે લોકોને વિનંતી કરી કે, કેટલાય રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને એટલા માટે કોઈ પણ ઘરની બહાર ન નીકળે. બહાર ડૂબી જવાની પણ શક્યતા રહેલી છે.

ધ નૅશનલ હરિકેન સેન્ટરે જણાવ્યું કે ફ્લોરિડા, જ્યૉર્જિયા અને સાઉથ કેરોલાઇનામાં 300 મિલીમીટરથી લઈને 460 મિલીમીટર વરસાદ પડ્યો હતો.

ફ્લોરિડાના ટલાહસીમાં સરકારી શાળાને શૅલ્ટર હોમમાં ફેરવી દેવામાં આવી છે, જેમાં લોકોને આશ્રય આપવામાં આવ્યો છે. કાંઠા વિસ્તારની નજીક રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

સ્થાનિક પોલીસે લોકોને વિનંતી કરી છે કે જ્યાં સુધી ઇમરજન્સી ઑપરેશન્સ સેન્ટર દ્વારા કહેવામાં ન આવે ત્યાં સુધી ઘરે પરત ફરવું નહીં. વહીવટીતંત્ર અનુસાર વાવાઝોડું લૅન્ડફૉલ કર્યા બાદ નુકસાનનો અંદાજ લગાવાશે.

હૅલેન હરિકેન ફ્લોરિડાના પાટનગર ટલાહસીમાંથી પસાર થશે. ટલાહસીના મેયર જૉન ડાયલીએ જણાવ્યું કે, સંભવિત વાવાઝોડાની અસર ઓછી થાય તે માટે છેલ્લા એક અઠવાડિયાથી સમગ્ર તંત્ર કામ કરી રહ્યું છે. ટલાહસી કાંઠા વિસ્તારમાં આવેલો છે અને ઝડપી પવન અને દરિયાઈ મોજાથી સૌથી વધુ જોખમ રહેલું છે.

નેતન્યાહૂએ હિઝબુલ્લાહ સામે વધુ બળપૂર્વક લડવાની જાહેરાત કરી

ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ દેશની સેનાને હિઝબુલ્લાહ પર સંપૂર્ણ તાકાતથી હુમલા કરવા માટે આદેશ આપ્યો છે.

અમેરિકા અને અન્ય દેશોએ યુદ્ધવિરામ જાહેર કરવા માટે વિનંતી કરી હોવા છતાં ઇઝરાયલ સતત લેબનોનમાં ઍર સ્ટ્રાઇક રહી રહ્યું છે.

ગુરુવારે લેબનોનના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, ઇઝરાયલની ઍર સ્ટ્રાઇકમાં 92 લોકોનાં મૃત્યુ થયાં છે.

હિઝબુલ્લાહે ગુરુવારે જણાવ્યું કે લેબનોનના પાટનગર બૈરુતમાં એક બિલ્ડિંગ પર થયેલી ઍર સ્ટ્રાઇકમાં તેમના એક કમાન્ડરનું મૃત્યુ થયું છે. મૃતક મોહમ્મદ સુરૂર હિઝબુલ્લાહના ડ્રોન યુનિટના વડા હતા.

બુધવારે અમેરિકા, બ્રિટન અને યુરોપિયન યુનિયને ત્રણ સપ્તાહ માટે યુદ્ધવિરામનો પ્રસ્તાવ મૂક્યો હતો. જોકે, ઇઝરાયલે આ પ્રસ્તાવને સ્વીકારવાનો ઇનકાર કર્યો છે.

ન્યૂયૉર્કમાં સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભામાં બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે, જ્યાં સુધી અમે દરેક લક્ષ્યોને પ્રાપ્ત ન કરી લઈએ ત્યાં સુધી અમે અટકીશું નહીં.

નેતન્યાહૂએ જણાવ્યું કે, 2023માં ઉત્તર ઇઝરાયલમાં હમાસના હુમલાના કારણે લોકો વિસ્થાપિત થયા હતા. જ્યાં સુધી આ લોકો પોતાના ઘરે પરત નહીં ફરે ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ રહેશે.

સંયુક્ત રાષ્ટ્ર અનુસાર, ઍર સ્ટ્રાઇકના કારણે લેબનોનમાં બે લાખ લોકો વિસ્થાપિત થયા છે. 40 હજાર લોકોએ હાલ શૅલ્ટર હોમમાં આશરો લીધો છે.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજે કાનપુરમાં બીજી ટેસ્ટ મૅચ

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ મૅચ શુક્રવારે કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં સવારે 9:30 વાગ્યે શરૂ થશે.

કાનપુરમાં છેલ્લી ટેસ્ટ મૅચ સાલ 2021માં ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે રમાઈ હતી.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે ટેસ્ટ મૅચ રમાશે. આ સિરીઝમાં ભારત પહેલા જ લીડ મેળવી ચૂક્યું છે. જો ભારત આ ટેસ્ટ મૅચ જીતે અથવા ડ્રો કરવામાં સફળ થાય તો સિરીઝ ભારતના નામે થઈ જશે.

જો બાંગ્લાદેશ આ ટેસ્ટ મૅચમાં જીત મેળવે તો સિરીઝ 1-1થી બરાબર થઈ જશે. પ્રથમ ટેસ્ટ મૅચમાં ભારતે બાંગ્લાદેશને 280 રને હરાવ્યું હતું.

પ્રથમ ટેસ્ટ મૅચમાં રવિચંદ્રન અશ્વિનની સદીની મદદથી ભારતે ખરાબ શરૂઆત કરી હોવા છતાં મોટો સ્કોર કરવામાં સફળ રહ્યું હતું. બીજી ઇનિંગમાં શુભમન ગિલ અને રિષભ પંતે શાનદાર ઇનિંગ રમી હતી.

રવિચંદ્રન અશ્વિનને બેટિંગ તેમજ બૉલિંગમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે ‘પ્લેયર ઑફ ધ મૅચનો’ ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.