માંડલ: મોતિયાના ઑપરેશન બાદ 17 દર્દીને 'દેખાતું બંધ થયું', શું છે મામલો?

પ્રકાશિત

અમદાવાદ જિલ્લાના માંડલમાં આવેલી રામાનંદ હૉસ્પિટલમાં મોતિયાનું ઑપરેશન કરાવનારા આશરે 17 દર્દીઓએ તેમને ‘આંખે દેખાતું બંધ થઈ ગયું’ હોવાની ફરિયાદ કરી છે.

આ તમામ દર્દીઓએ 10 તારીખે અહીં મોતિયાનું ઑપરેશન કરાવ્યું હતું.

દર્દીઓનું કહેવું છે કે ઑપરેશન કરાવ્યા બાદ તેમને આંખમાં દુખાવો ઊપડ્યો અને ત્યાર બાદ તેમને દેખાતું બંધ થઈ ગયું.

દર્દીઓ અને તેમના પરિવારજનોનો આરોપ છે કે આમાં ડૉક્ટરોની બેદરકારી છે.

પીડિતો દર્દીઓમાંથી શરૂમાં પાંચ દર્દીઓની હાલત વધારે ગંભીર હોવાથી તેમને અમદાવાદની હૉસ્પિટલમાં સારવાર માટે રિફર કરી દેવાય હતા.

ડેપ્યુટી ડાયરેક્ટર (અમદાવાદ રિજ્યન) ડૉ. સતીશ મકવાણાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે માંડલની રામાનંદ હૉસ્પિટલમાં મોતિયાનાં ઑપરેશન થતા જ હોય છે. 10 જાન્યુઆરીએ 28 લોકોનાં ઑપરેશન થયાં હતાં, એમાંથી કેટલાકને આંખની તકલીફ થઈ હતી.

તેમણે વધુમાં કહ્યું કે બાકીના 12 દર્દીઓ (જેમની સારવાર રામાનંદ હૉસ્પિટલમાં કરાઈ રહી હતી)ને પણ અમદાવાદની અસારવા સિવિલ હૉસ્પિટલમાં આવેલી એમ ઍન્ડ જે ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઑપ્થાલ્મોલૉજીમાં વધુ સારવાર માટે મોકલી અપાયા છે.

તેમણે કહ્યું કે આ માટે એક સમિતિ બનાવી છે અને તપાસ કર્યા પછી આગળની કાર્યવાહી કરાશે.

દર્દીઓ અને પરિવારજનોનું શું કહેવું છે?

માંડલની આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો સામાન્ય રીતે મોતિયાના ઑપરેશન માટે વીરમગામ કે માંડલની હૉસ્પિટલ્સ પર આધાર રાખતા હોય છે.

એટલું જ નહીં માંડલની રામાનંદ હૉસ્પિટલમાં સુરેન્દ્રનગર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો મોતિયાનું ઑપરેશન કરાવવા જતા હોય છે.

પરંતુ 10 જાન્યુઆરી, 2024ના રોજ થયેલા ઑપરેશનમાં દર્દીઓની ફરિયાદ પછી અન્ય દર્દીઓ અને તેમના સ્વજનો ખૂબ પરેશાન છે.

10 જાન્યુઆરી, 2024ના રોજ અહીં કુલ 28 લોકોએ મોતિયાનું ઑપરેશન કરાવ્યું હતું. તેમાંથી કુલ 17 દર્દીઓએ એવી ફરિયાદ કરી છે કે તેમને ‘આંખે દેખાતું બંધ’ થઈ ગયું છે.

દસાડાથી ગોવિંદભાઈ તેમનાં પત્નીનું મોતિયાનું ઑપરેશન કરાવવા માંડલની રામાનંદ હૉસ્પિટલમાં ગયા હતા.

સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાત કરતા તેઓ જણાવે છે કે તેમને ઑપરેશન પછી દવાઓ પૂરતા પ્રમાણમાં નહોતી આપવામાં આવી. આથી તેમનાં પત્નીને આંખમાં દુખાવો થયો અને લાંબા સમય સુધી દવાઓ વિના આંખના દુખાવાની તકલીફ સહન કરવી પડી.

10 તારીખે જ ગોવિંદભાઈનાં પત્ની સાથે અન્ય દર્દીઓ મંજુલાબહેન અને ઝલકબહેને પણ મોતિયાનું ઑપરેશન કરાવ્યું હતું.

તેમનો આરોપ છે કે તેમને દવા પૂરતા પ્રમાણમાં અપાઈ હતી છતાં તેમને હાલ આંખે દેખાતું નથી.

તેમણેે પણ ગોવિંદભાઈનાં પત્ની જેમ જ આંખે દુખાવાની ફરિયાદ પછી ‘દૃષ્ટિ ગુમાવી’ છે.

મોતિયાનું ઑપરેશન કરાવનાર મહિલાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે “10 તારીખે ઑપરેશન કરાવવા આવ્યા હતા. બે દિવસ દેખાયું અને ત્રીજા દિવસે બંધ થઈ ગયું. આંખમાં ટીપાં નાખવાનું ચાલુ ને ચાલુ છે પણ કોઈ ફરક પડ્યો નથી.”

તેમણે વધુમાં કહ્યું કે “તમે તે કરો, અમારી આંખ સાજી કરી નાખો.”

રામાનંદ હૉસ્પિટલનું શું કહેવું છે?

આ મામલે હૉસ્પિટલનો પક્ષ જાણવા બીબીસી ગુજરાતીએ રામાનંદ હૉસ્પિટલના ટ્રસ્ટી મંડળના પ્રમુખ મણિભાઈ સોમાભાઈનો સંપર્ક કર્યો પરંતુ તેમનો સંપર્ક નહોતો થઈ શક્યો.

જોકે ઉપપ્રમુખ નારાયણભાઈ દલવાડીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું, “10 જાન્યુઆરીએ થયેલા મોતિયાના ઑપરેશનમાં 17 દર્દીઓને આંખમાં વાઇરસનું સંક્રમણ થયાની તકલીફ થઈ હોવાથી આંખે સોજા આવી ગયા છે અને આ કારણે તેમને દેખાતું નથી.”

આ પ્રકારની માહિતી તેમને તપાસ કરનારા ડૉક્ટરે આપી હોવાનું પણ તેમણે સ્પષ્ટ કર્યુ.

દર્દીઓએ સારવારમાં બેદરકારીનો જ આરોપ લગાવ્યો છે તે બાબતે નારાયણભાઈ કહે છે, “તમામ દર્દીઓને જરૂરી દવાઓ અને આઇડ્રોપ દર્દીને જેટલી જરૂર હોય તેટલા પ્રમાણમાં ડૉક્ટરે આપ્યા હોય. જરૂર કરતાં વધારે દવાઓ તબીબો ના આપે.”

વધુમાં તેમણે કહ્યું કે હાલ હૉસ્પિટલમાં ઑપરેશન થિયેટર બંધ રાખવામાં આવ્યું છે અને સંભવ છે કે ઓપીડી પણ બંધ રાખવામાં આવશે.

નારાયણભાઈ દલવાડીએ વધુમાં કહ્યું, “જેટલા પણ દર્દીઓનાં ઑપરેશન થયાં છે પહેલી તારીખથી અત્યાર સુધીમાં તે તમામનું સ્ક્રિનિંગ ચાલી રહ્યું છે વીરમગામની હૉસ્પિટલમાં. એમાંથી 42 લોકોનું સ્ક્રિનિંગ થઈ ગયું છે અને તેમને કોઈ તકલીફ ન હોવાનું જાણવા મળ્યું છે.”

વધુમાં તેમણે કહ્યું, “છેલ્લાં 40 વર્ષથી આ હૉસ્પિટલ ચાલે છે. અહીં મોતિયાનાં ઑપરેશન નિયમિત રીતે થતાં રહ્યાં છે અને ક્યારેય કોઈની આવી તકલીફ નથી થઈ. પહેલી વાર આવું થયું છે.”

નારાયણભાઈ દલવાડીઓ એમ પણ કહ્યું કે અમદાવાદની સિવિલ હૉસ્પિટલના આંખના નિષ્ણાત તબીબો સાથે તેમની આ 17 દર્દીઓ બાબતે વાત થઈ છે. આ સમયે તબીબોએ તેમને આશ્વાસન આપ્યું છે કે જ્યારે વાઇરસનું સંક્રમણ દૂર થશે અને આંખમાં રિકવરી આવશે ત્યારે આ તમામ દર્દીઓને દેખાવા પણ લાગશે.

બાકી હૉસ્પિટલની કામગીરી ફરી શરૂ કરવા બાબતે નારાયણભાઈ દલવાડીએ કહ્યું કે જ્યારે આ દર્દીઓનો રિપોર્ટ આવી જશે અને આરોગ્ય વિભાગ તરફથી મંજૂરી મળ્યા પછી ઑપરેશન થિયેટર ફરી શરૂ કરાશે.

જો દર્દીઓની દૃષ્ટિ પાછી ના આવે તેવા કિસ્સામાં રામાનંદ હૉસ્પિટલની કારોબારી સમિતિ ચર્ચા કરી દર્દીઓને વળતરનો નિર્ણય કરશે તેવી સ્પષ્ટતા પણ તેમણે કરી હતી.

ઉલ્લેખનીય છે કે અગાઉ અમરેલી જિલ્લામાં શાંતાબા હૉસ્પિટલમાં મોતિયાનું ઑપરેશન કરાવનાર લગભગ 12 દર્દીઓએ ‘દૃષ્ટિ ગુમાવી’ હોવાનો મામલો સામે આવ્યો હતો.

દર્દીઓ અને તેમનાં સગાંએ મોતિયાના ઑપરેશન બાદથી ‘દૃષ્ટિ ગુમાવી’ હોવાની ફરિયાદ કરી હતી.