You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભાજપે વિદેશી રાજકીય પક્ષોને લોકસભા ચૂંટણીમાં શા માટે નિમંત્રણ આપ્યું?
સત્તાધારી ભારતીય જનતા પાર્ટીએ (ભાજપ) કેટલાક દેશોના લગભગ 25 રાજકીય પક્ષોને પોતાનો ચૂંટણીપ્રચાર દેખાડવા માટે અને રણનીતિ સમજાવવા માટે નિમંત્રણ આપ્યું છે.
સમાચાર પત્ર ધી ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ પ્રમાણે, ભાજપના નિમંત્રણ પર દુનિયાના કેટલાક દેશોના રાજકીય પક્ષો લોકસભા ચૂંટણી દરમિયાન ભારત આવશે.
અહેવાલમાં આપેલી વિગતો મુજબ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ “KNOW BJP (ભાજપને જાણો)” નામ સાથે એક અભિયાન શરૂ કર્યું છે, જેના થકી વિદેશી રાજકીય પક્ષો સાથે સંપર્ક સાધી શકાય.
સમાચાર પત્રે સૂત્રોને ટાંકતા જણાવ્યું કે ભાજપે 25થી વધારે રાજકીય પક્ષોને નિમંત્રણ આપ્યું હતું, જેમાંથી 13 રાજકીય પક્ષોએ ભારત આવવાની પુષ્ટિ કરી છે.
જોકે, ભાજપે અમેરિકાની ડેમોક્રેટિક અને રિપબ્લિકન પાર્ટીને નિમંત્રણ આપ્યું નથી.
ભાજપના એક નેતાએ સમાચાર પત્રને જણાવ્યું કે તેનું કારણ એ છે કે અમેરિકામાં આ વર્ષે રાષ્ટ્રપતિની ચૂંટણી છે. આ ઉપરાંત અમેરિકા અને ભારતીય રાજકીય પક્ષોમાં ઘણું અંતર છે.
ભાજપે બ્રિટનની કન્ઝર્વેટિવ અને લેબર પાર્ટીના નેતાઓને આમંત્રિત કર્યા છે. સત્તાધારી પાર્ટીએ જર્મનના ક્રિશ્ચિયન ડેમોક્રેટ્સ અને સોશિયલ ડેમોક્રેટ્સ નેતાઓને પણ નિમંત્રણ આપ્યું છે.
ચીન અને પાકિસ્તાનના રાજકીય પક્ષોને નિમંત્રણ આપ્યું નથી
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સમાચાર પત્રે અહેવાલમાં જણાવ્યું કે ભારતના બે મહત્ત્વપૂર્ણ પાડોશીઓ ચીન અને પાકિસ્તાન સાથે તનાવપૂર્ણ સંબંધ હોવાને લીધે આ દેશોની પાર્ટીને આમંત્રણ નથી આપ્યું.
જોકે, ભાજપે બાંગ્લાદેશની સત્તાધારી શેખ હસીનાની આવામી લીગને ભારત આવવા માટે નિમંત્રણ દીધું છે. જ્યારે બાંગ્લાદેશની વિપક્ષી પાર્ટી બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટીને નિમંત્રણ આપવામાં નથી આવ્યું.
હાલમાં જ બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટીએ બાંગ્લાદેશ સોશિયલ મીડિયા પર "ઇન્ડિયા આઉટ" અભિયાન ચલાવ્યું હતુ. પાર્ટીએ ભારતથી આયાત થતી ચીજોનો બહિષ્કાર કરવાનો શરૂ કર્યો.
ભાજપે માઓવાદીઓ પાર્ટી સહિત નેપાલની બધી જ મોટી પાર્ટીઓને નિમંત્રણ પાઠવ્યું છે. શ્રીલંકાની પણ બધી જ પાર્ટીઓને ચૂંટણી જોવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
અહેવાલ પ્રમાણે, ભાજપને આશા છે કે વિદેશી રાજકીય પક્ષો લોકસભા ચૂંટણીના ચોથા અને પાંચમા તબક્કા દરમિયાન ભારતની યાત્રા કરી શકે છે.
વિદેશી રાજકીય પક્ષોના નેતાઓને પહેલા દિલ્હીમાં ભાજપ વિશે જાણકારી આપવામાં આવશે. ત્યાર પછી તેમને પાંચ કે છ લોકોના સમૂહમાં ચારથી પાંચ લોકસભા વિસ્તારોમાં ભાજપના ઉમેદવારોની સાથે મુલાકાત કરશે.
અરવિંદ કેજરીવાલે પોતાની ધરપકડ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં કરી અરજી
દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે આબકારી નીતિમાં થયેલા કથિત ગોટાળાના કેસમા થયેલી પોતાની ધરપકડ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.
એન્ફૉર્સમેન્ટ ડિરેક્ટૉરેટે (ઈડી) 21 માર્ચે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી અને હાલમાં તેઓ ન્યાયિક કસ્ટડીમાં છે.
દિલ્હી હાઇકોર્ટે મંગળવારે અરવિંદ કેજરીવાલની ધરપકડની વિરુદ્ધ કરેલી અરજીને ફગાવી દીધી હતી. હવે, આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે.
આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે હાઈ કોર્ટમાં કરેલી અરજી નામંજૂર થયા પછી પ્રેસવાર્તામાં કહ્યું, "અમે ન્યાયાલયના આ નિર્ણયથી સહેમત નથી અને અમે સુપ્રીમ કોર્ટમાં જઈશું."
સીબીઆઈ અને ઇડી પ્રમાણે દિલ્હીની આબકારી નીતિને લાગુ કરવામાં અનિયમિતતાઓ થઈ હતી અને આ કારણે દારૂ વહેંચવાના લાઇસન્સ ધરાવતા લોકોને લાભ મળ્યો હતો.
આ મામલે મનીષ સિસોદિયા, સંજય સિંહ અને અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ છે. જોકે, સુપ્રીમ કોર્ટે ગયા અઠવાડિયે સંજય સિંહને આ મામલે જામીન આપ્યા હતા.
છત્તીસગઢમાં બસ ખાણમાં પડતા 12 મજૂરોનાં મૃત્યુ
છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં મજૂરોને લઈ જતી બસ ખાણમાં પડતા 12 લોકોનાં મૃત્યુ થયાં છે. આ અકસ્માતમાં લગભગ 15 લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે.
સ્થાનિક પત્રકાર આલોક પુતુલે આપેલી જાણકારી પ્રમાણે, આ દુર્ઘટના દુર્ગના કુમ્હારી પાસે થઈ હતી. બસમાં એક ખાનગી કંપનીના કર્મચારીઓ જઈ રહ્યા હતા.
આ ઘટના મંગળવારે રાત્રે લગભગ 8.30 વાગ્યે ઘટી હતી. બસ ખપરી નામના ગામની નજીક પહોંચ્યા પછી અનિયંત્રિત થવાને કારણે 40 ફૂટ ઊંડી ખાણમાં પડી ગઈ.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને છત્તીસગઢના મુખ્ય મંત્રી વિષ્ણુ દેવ સાયે આ દુર્ઘટના પર દુ:ખ વ્યકત કર્યું હતું.
વડા પ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ એક્સ પર લખ્યું, "છત્તીસગઢના દુર્ગમાં થયેલો અકસ્માત અત્યંત દુ:ખદ છે. આ અકસ્માતમાં જેમણે પણ તેમના સગાને ગુમાવ્યા છે તેમને પ્રત્યે મારી સંવેદનાઓ વ્યકત કરું છું. હું ઈજાગ્રસ્ત લોકો જલ્દી સ્વસ્થ થાય તેવી કામના કરું છું. રાજ્ય સરકારની દેખરેખ હેઠળ સ્થાનિક વહીવટીતંત્ર પીડિતોની તમામ શક્ય મદદ કરવાના પ્રયત્નો કરી રહ્યું છે."
જ્યારે મુખ્ય મંત્રી વિષ્ણુ દેવ સાયે ઍક્સ પર લખ્યું, "દુર્ગની પાસે કુમ્હારીમાં ખાનગી કંપનીના કર્મચારીઓથી ભરેલી બસના અકસ્માતની દુ:ખદ સૂચના મળી. આ દુર્ઘટનામાં 11 કર્મચારીઓનાં મૃત્યુના સમાચાર મળી રહ્યા છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓ દિવંગત આત્માઓને શાંતિ આપે અને શોકાતુર પરિવારને શક્તિ આપે. દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત કર્મચારીઓની સારવાર અર્થે વ્યવસ્થા કરવામાં આવી છે. હું તેઓ જલ્દી સ્વસ્થ થાય તેવી કામના કરૂ છું."
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)