ગુજરાત સરકાર PMJAY હેઠળ સારવાર આપતી હૉસ્પિટલોનાં બિલ કેમ ચૂકવી નથી રહી?

પ્રકાશિત

ગુજરાતમાં આરોગ્ય સારવાર મેળવવા માટે પ્રચલિત બનેલું 'મા' (મુખ્ય મંત્રી અમૃતમ્) કાર્ડ જેને હવે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) સાથે જોડી દેવાયું છે તેની હેઠળ સારવાર આપતી ખાનગી હૉસ્પિટલો આર્થિક મુશ્કેલીમાં મૂકાઈ રહી છે. PMJAY હેઠળ ગુજરાતમાં હજારો દરદીઓ વિવિધ હૉસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે. પરંતુ છેલ્લાં 2 વર્ષથી એક વણઉકેલ્યા પ્રશ્નના કારણે આ યોજનામાં સામેલ ખાનગી હૉસ્પિટલોને ભવિષ્યમાં આ યોજનામાંથી નીકળી જાય તેવી સંભાવનાઓ પણ ઊભી થઈ રહી છે.

હાલ તો આ ખાનગી હૉસ્પિટલો દરદીઓની સારવાર તો કરી રહી છે, પરંતુ તેમને ચિંતા છે કે જો પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો ભવિષ્યમાં તેમને હાથ પાછા ખેંચવા પડશે, જેની સીધી અસર દરદીઓ પર પડશે. સાથેસાથે રાજ્યમાં આરોગ્યસેવાઓ પૂરા પાડતી માળખાકીય વ્યવસ્થા ઉપર પણ તેની અસર પડી શકે છે.

PMJAY હેઠળ સારવાર આપતી હૉસ્પિટલો ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન (આઈએમએ) મારફતે રાજ્ય સરકારને પ્રશ્નનો ત્વરિત ઉકેલ લાવવા માટે વિનંતી પણ કરી છે. આઈએમએના સભ્યો આરોગ્યમંત્રી રૂષિકેશ પટેલને મળ્યા હતા અને પોતાની સમસ્યા જણાવી હતી. રૂષીકેશ પટેલે પ્રશ્નનો વહેલી તકે ઉકેલ લાવવાની બાંહેધરી આપી છે.

હૉસ્પિટલોને આશા છે કે તેમની રજૂઆત પર નિર્ણય લઈ કાર્યવાહી કરવામાં આવશે જેથી PMJAY યોજના હેઠળ દરદીઓને સારવાર મળતી રહે.

શું છે PMJAY યોજના?

23મી સપ્ટેમ્બર 2018ના રોજ ગુજરાતમાં PMJAY યોજના લાગુ કરવામાં આવી હતી, જેને હવે પાંચ વર્ષ થવા આવ્યાં છે.

કોઈ પણ વ્યક્તિને સૂચીબદ્ધ હૉસ્પિટલમાં રૂ. પાંચ લાખ સુધીની સારવાર મફત કરી આપવા માટે ભારત સરકારની આ યોજના લાગુ કરવામાં આવી છે, જેનો લાભ કોઈ પણ વ્યક્તિ લઈ શકે છે.

PMJAYના લાભાર્થીઓ સમાન્ય રીતે પોતાનો મોબાઇલ ફોન નંબર અને આધાર કાર્ડને આધારે આ યોજનાનો લાભ મેળવી શકે છે.

જુલાઈ 2023માં ગુજરાત સરકારે PMJAY યોજનામાં ફેરફાર કર્યો હતો. નવી યોજનામાં સારવાર માટેની રકમ 5 લાખથી વધારીને 10 લાખ રૂપિયા કરવામાં આવી છે.

નવી યોજનામાં આયુષ્માન કાર્ડધારક કિડની ટ્રાન્સપ્લાન્ટ, હાર્ટ, લીવર, કોકલીઅર ઇમ્પ્લાન્ટ અને અન્ય જટિલ સર્જરી પણ કરાવી શકશે. દરદી ગુજરાતની 1745 સરકારી અને 799 ખાનગી હૉસ્પિટલમાં 2471 પ્રકારની સારવાર લઈ શકશે.

ગુજરાતમાં અત્યાર સુધી 2 કરોડ 36 લાખ 60 હજાર અને 580 આયુષ્માન કાર્ડ બન્યાં છે. સૌથી વધુ કાર્ડ અમદાવાદ જિલ્લામાં બન્યાં છે અને સૌથી ઓછાં ડાંગ જિલ્લામાં બન્યાં છે. યોજનામાં સામેલ હૉસ્પિટલોમાં 50 બૅડ સુધીની સુવિધા ધરાવતી હૉસ્પિટલોની સંખ્યા સૌથી વધુ છે. સમગ્ર રાજ્યમાં 500થી વધુ બૅડ ધરાવતી 28 હૉસ્પિટલો આયુષ્માન યોજના હેઠળ દરદીઓને સારવાર આપી રહી છે.

PMJAY યોજના અંતર્ગત ગુજરાતમાં સૌથી વધુ દરદીઓએ હૅમોડાયલિસિસની સારવાર લીધી છે જે બાદ વિવિધ મેડિકલ પૅકેજ અને કૉરોનરી ઍન્જિયોગ્રાફી આવે છે.

શું છે એ વણઉકેલ્યો પ્રશ્ન?

ગુજરાતમાં દરરોજ મોટી સંખ્યામાં દરદીઓ PMJAY યોજના અંતર્ગત સારવાર લેતા હોય છે. યોજનાનો વ્યાપ વધવાના કારણે દરદીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે, પરંતુ તેના કારણે હૉસ્પિટલોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે.

ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન (આઈએમએ) ગુજરાત ચૅપ્ટર અનુસાર PMJAY યોજનામાં સારવાર આપ્યાં બાદ સરકાર ખર્ચની ચૂકવણી નથી કરી રહી. રાજ્યની અંદાજિત 250 હૉસ્પિટલોના 350 કરોડ રૂપિયા સરકાર પાસેથી લેણાં છે.

ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન ગુજરાત ચૅપ્ટરના સેક્રેટરી ડૉ. મેહુલ શાહ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, "ગુજરાતનાં અલગ-અલગ ડૉક્ટરો અને હૉસ્પિટલો દ્વારા અમને ફોન અને મૅસેજ આવ્યાં કે આયુષ્માન યોજના અંતર્ગત દરદીઓની સારવારનો જે ખર્ચ થયો છે તેની ચૂકવણી કરી નથી."

તેમણે ઉમેર્યું, "આઈએમએની ગુજરાતમાં 100 શાખાઓ છે અને અમે દરેક જગ્યાએ તપાસ કરી તો જાણવા મળ્યું કે 250 જેટલી હૉસ્પિટલો છે જેમને યોજના અંતર્ગત મળવાપાત્ર 350 કરોડ રૂપિયાની ચૂકવણી થઈ નથી. હૉસ્પિટલો અને ડૉક્ટરો અનુસાર છેલ્લાં 2 વર્ષથી સરકારે ચૂકવણી કરી નથી, જેના કારણે ઘણા આર્થિક મુશ્કેલી અનુભવી રહ્યા છે."

તેમણે જણાવ્યું, "આઈએમએ અનુસાર PMJAYની 5,6,7 અને 8 સ્કીમ હેઠળ જે સારવાર કરવામાં આવી છે તેની ચૂકવણી થઈ નથી. PMJAYની 5, 6 અને 7 સ્કીમ વખતે રાજ્ય સરકારે ઑરિયન્ટલ ઇન્શ્યોરન્સ કંપની હતી અને હવે બજાજ ઇન્શ્યોરન્સ પાસે છે. અમે સરકાર પાસે માગણી કરી છે કે મુદ્દાનો ઉકેલ લાવે."

તેઓ વધુમાં જણાવે છે કે કોઈ ટેકનિકલ પ્રશ્ન અથવા કોઈ વહીવટી કારણોસર ચુકવણી થતી નથી તે વિશે આઈએમએને કોઈ માહિતી નથી.

નાણાંની ચુકવણી ન થવાના કારણે શું હૉસ્પિટલો આર્થિક સંકડામણ અનુભવી રહી છે?

તેના જવાબમાં અમદાવાદ મેડિકલ ઍસોસિયેશનના પ્રમુખ ડૉ. તુષાર પટેલ કહે છે કે, ‘‘દરદીને સારવાર આપવા માટે ડૉક્ટર ફીની સાથેસાથે અન્ય ખર્ચ પણ થાય છે. હવે જ્યારે દરદી PMJAY યોજના હેઠળ સારવાર લે છે ત્યારે તે હૉસ્પિટલને કઈ પણ ચૂકવતો નથી. હવે સરકારે પણ ચુકવણી ન કરતાં હૉસ્પિટલો પર આર્થિક ભારણ વધી રહ્યું છે.’’

લાંબા સમયથી બીલો પેન્ડીંગ થવાની તેની અસર ચોક્કસ હૉસ્પિટલની આર્થિક સ્થિતિ પર પડે છે. એવી અનેક હૉસ્પિટલો છે, જેઓ આર્થિક ભીંસ અનુભવી રહી છે. પરંતુ તેઓ વિવિધ રીતે કામ ચલાવી રહી છે.

અમદાવાદમાં પ્રૅક્ટિસ કરતા ડૉ. ઉર્વેશ શાહ કહે છે કે, ‘‘હૉસ્પિટલો સારવાર માટે પોતાનાં સંસાધનો ઉપયોગ કરે છે એટલે દેખીતી રીતે દરેક આર્થિક રીતે બોજ તો પડે જ છે. દરેક હૉસ્પિટલ અથવા ડૉક્ટર એક મર્યાદા સુધી આર્થિક બોજ સહન કરી શકે છે. હાલ સરકાર નાના બીલોની ચુકવણી કરી રહી છે પરંતુ જ્યાં સુધી જૂનાં બાકી લેણાં નહીં ચૂકવે કરે ત્યાં સુધી સ્થિતિ બદલવાની નથી.’’

જ્યારે કૅગના રિપોર્ટમાં ગેરરીતિ સામે આવી

2023માં કૅગ દ્વારા PMJAY યોજનાનો ઑડિટ રીપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં આ યોજનાના અમલીકરણમાં અનેક ગેરરીતિઓ તરફ ઑડિટરે ધ્યાન દોર્યું છે.

ઑડિટ રીપોર્ટ પ્રમાણે ગુજરાત રાજ્યમાં પણ આ યોજનાના અમલીકરણ માટે અનેક ગેરરીતિઓ જોવા મળી હતી. જેમકે, આ યોજનામાં સૂચિબદ્ધ હૉસ્પિટલમાંથી ઘણી હૉસ્પિટલોએ એક અથવા બીજી રીતે ગેરરીતિ કરી હોવાનું બહાર આવ્યું હતું. ગેરરીતિ બદલ આ હૉસ્પિટલોને દંડ પણ થયો હતો.

રીપોર્ટ પ્રમાણે નવેમ્બર 2022 સુધીની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં કુલ રૂ. 3507.72 કરોડની સહાય ચુકવાઈ છે, જેમાં 14 લાખ 12 હજાર 311 કેસનો સમાવેશ થાય છે. જ્યારે આ સમય સુધી 533.79 રૂપિયા અને 118673 કેસની સહાય ચુકવવાની બાકી હતી.

જાન્યુઆરી 2021થી માર્ચ 2021 દરમિયાન ઑડિટર્સે ગુજરાતની અલગઅલગ 50 હૉસ્પિટલની મુલાકાત લીધી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે હૉસ્પિટલોએ ક્ષમતા કરતાં વધુ દર્દીઓની સારવાર કરી છે.

ઑડિટ રીપોર્ટ પ્રમાણે આ 50 હૉસ્પિટલ્સમાં કુલ બેડની સંખ્યા 2552 છે. જેની સામે અલગઅલગ તારીખોમાં 5217 દરદીઓ સારવાર લઈ રહ્યા હતા. દાખલા તરીકે સુરેન્દ્રનગરની મેડીકો મલ્ટીસ્પેશ્યાલિટી હૉસ્પિટલની 8મી માર્ચ 2021ના દિવસે જ્યારે ઑડિટર્સે સુરેન્દ્રનગરની એક ખાનગી હૉસ્પિટલની મુલાકાત લીધી ત્યારે ત્યાં ઉપલબ્ધ 34 બૅડની સામે 97 દરદીઓ કાગળ પર સારવાર લઈ રહ્યા હતા.

ગુજરાતમાં PMJAY યોજનાના એવાં કેસ કે જેમાં દરદીઓ એક જ સમયે કાગળ ઉપર એકથી વધુ હૉસ્પિટલમાં દાખલ હોય તેવા દેશભરના કુલ 78,396 કેસમાંથી લગભગ 27 ટકા એટલે કે 21,514 માત્ર ગુજરાતમાં છે.

ઑડિટરની આ નોંધ સામે નેશનલ હેલ્થ ઑથૉરિટી (NHA)એ પોતાનો જવાબ આપતા કહ્યું હતું કે આ માટેના કારણોમાં ડાયાલિસીસ, કિમોથેરાપી, કેટરેક્ટ જેવા ડે કેર ટ્રીટમેન્ટના દરદીઓ છે. જોકે ઑડિટરના આ આંકડામાં ડે-કેર દર્દીઓનો સમાવેશ થતો નથી.

કૅગ રીપોર્ટમાં નોંધાયું છે કે ગુજરાતમાં 302 વિવિધ હૉસ્પિટલ્સમાં દેશમાં સૌથી વધુ 13,860 દર્દીઓ એવાં હતા કે જેમનું ઍડમિશન એક જ સમય દરમિયાન એક થી વધુ હૉસ્પિટલમાં નજરે પડ્યું હતું. 13,860 દરદીઓમાં 8,424 પુરુષ અને 5,436 મહીલા છે.

જોકે આ પ્રકારની ગેરરીતિ સામે NHAએ CAGને પોતાનો જવાબ આપતા કહ્યું છે કે સામાન્ય રીતે કોઈ બાળકનો જન્મ કોઈ એક ગાયનેકૉલૉજિસ્ટની હૉસ્પિટલમાં થાય અને ત્યારબાદ તેને અને તેની માતાને પીડિયાટ્રિશિયન પાસે મોકલવામાં આવે ત્યારે આવો સંજોગ સર્જાઈ શકે છે.

કૅગ રિપોર્ટ વિશે ડૉક્ટરોનું શું માનવું છે?

આ વિશે બીબીસી ગુજરાતીએ વિવિધ નિષ્ણાંતો સાથે વાત કરી.

મેડીકલ પ્રૅક્ટિશનર અને કૉંગ્રેસનાં ભૂતપૂર્વ સાંસદ ડૉ.પ્રભાબહેન તાવીયાડ કહે છે, ‘‘આ યોજના અંતર્ગત દરદીને કે તેનાં સગાંને તો ક્યારેય ખબર પડતી જ નથી કે ખરેખર સરકારે તેમના માટે કુલ કેટલી રકમ જે-તે હૉસ્પિટલને ચૂકવી છે.’’

‘‘હું માનું છું કે એક તરફ જો આખી પ્રક્રીયા ઓનલાઇન હોય, અને તેમ છતાંય આ પ્રકારની ગેરરીતિ સામે આવી હોય તો તેનો સીધો અર્થ એ થાય છે કે આ આખી પ્રક્રીયામાં સરકારી તંત્ર, કે જે દર્દીની સારવારને માન્યતા આપે છે, તે લોકો ક્યાંક આમાં સામેલ હોઈ શકે.’’

પોતાની નામ ન જણાવવાની શરતે એક ડૉક્ટરે કહ્યું, ‘‘સામાન્ય રીતે કોઈ પણ લાભાર્થીની તમામ વિગત, તેની ટ્રીટમેન્ટ, કેવી દવા આપવામાં આવી રહી છે, કઈ સર્જરી થઈ છે, તેને કઈ-કઈ દવાની જરૂર પડી શકે, તે તમામ વિગત PMJAYના અધિકારીઓ સુધી પહોંચે છે.’’

‘‘હું માનું છું કે આ વિગતો ત્યારબાદ અમુક અધિકારીઓની સાંઠગાંઠવાળી બીજી હૉસ્પીટલને આપવામાં આવે છે અને ત્યાં પણ તે જ પ્રકારની ટ્રીટમેન્ટ વગેરે બતાવીને તે જ સમય દરમિયાન તે દરદીનાં બિલ મૂકીને તે હૉસ્પિટલ પણ આ રકમ ચાર્જ કરી લેતી હોય છે. આ આખી પ્રક્રીયા સરકારી અધિકારીઓ અને હૉસ્પિટલની સાંઠગાંઠ વગર શક્ય નથી.’’

જોકે આઈએમએનું માનવું છે કે વિસંગતતા અથવા ગેરરીતિના અમુક કિસ્સા માટે દરેક હૉસ્પિટલોનાં બિલ ન અટકાવવાં જોઈએ.

ડૉ. મેહુલ શાહ કહે છે કે, ‘‘આઈએમએ સરકારને કહ્યું છે કે જો કોઈ ગેરરીતિ દેખાય તો ચોક્કસ કાર્યવાહી કરો, પરંતુ જો બધું નિયમોનુસાર થયું હોય તો હૉસ્પિટલોને નાણાં ચૂકવો જેથી તેઓ સારવાર આપવાનું ચાલુ રાખી શકે.’’

ડૉ. ઉર્વેશ શાહ પણ આ વાત સ્વીકારે છે. તેઓ કહે છે કે, ‘‘જો કૅગના રિપોર્ટમાં કોઈ વિસંગતતા હોય તો બધા ક્લેઇમના પૈસા ન રોકી શકાય. રાજ્ય સરકારને એ વાત સમજવી જોઈએ કે દરેક બિલમાં તો વિસંગતતા ન હોઈ શકે. એટલે કોઈને પણ ચુકવણી ન કરવી એ સારું ન કહેવાય.''

સરકાર આ મુદ્દે કેટલી ગંભીર છે?

આઈએમએ અનુસાર આરોગ્યમંત્રી રૂષીકેશ પટેલ અને આરોગ્ય વિભાગના ટોચના અધિકારીઓ સાથે દરેક મુદ્દે ચર્ચા થઈ છે અને આ મુલાકાત ઘણી ફળદાયી નીવડી છે.

ડૉ. મેહુલ શાહ કહે છે કે, ‘‘મિટિંગમાં આરોગ્યમંત્રીએ અમને જણાવ્યું હતું કે સરકાર આ મુદ્દાનો ઉકેલ લાવવા માટે કટિબદ્ધ છે અને તેમણે દરેક પ્રકારની મદદ કરવાની બાંહેધરી આપી છે. એટલે અમને આશા છે કે સરકાર ત્વરિત પગલાં લેશે.’’

‘‘સરકારે સાથે જે મિટિંગ થઈ તેમાં એક કમિટી બનાવવાની વાત પર સહમતી સધાઈ છે જે આ યોજનાને લાગતા પ્રશ્નો પર ચર્ચા વિચારણા કરશે અને ઉકેલ લાવવાનો પ્રયાસ કરશે. આ એટલા માટે કે ભવિષ્યમાં કોઈ પણ હૉસ્પિટલ અથવા ડૉક્ટરના પૈસા ન અટકાવે અને તેઓ રાબેતા મુજબ દરદીઓની સારવાર કરી શકે.’’

આ વિશે બીબીસી ગુજરાતીએ રાજ્યના આરોગ્ય મંત્રી અને પ્રવક્તા રૂષીકેશ પટેલ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમની સાથે પણ સંપર્ક થઈ શક્યો નહોતો.