You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રૂપાલાને 'ચૂંટણીમાં હરાવવા' ક્ષત્રિયોની સંકલન સમિતિમાં શું નિર્ણય લેવાયો?
કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુ સંવર્ધન અને ડેરી મંત્રાલયના મંત્રી પરશોત્તમ રૂપાલાએ કરેલી ‘જૂના જમાનાના રાજવીઓ’ અંગેની ટિપ્પણીઓ અંગેનો વાઇરલ થયેલા વીડિયોનો વિવાદ શમી નથી રહ્યો.
ક્ષત્રિય સમાજના આગોવાનોની માંગણી હતી કે પરશોત્તમ રૂપાલા રાજકોટની બેઠક પરથી પોતાની ઉમેદવારી પાછી ખેંચે. જોકે, પરશોત્તમ રૂપાલાએ રાજકોટથી પોતાનું ઉમેદવારીપત્રક ભરી દીધું છે.
અહીં ઉલ્લેખનીય છે કે આ વિવાદનો ઉકેલ લાવવા માટે થોડાક દિવસો પહેલાં ક્ષત્રિય સમાજના આગોવાનો સાથે મુખ્ય મંત્રી નિવાસસ્થાને એક બેઠક મળી હતી. જોકે, આ બેઠકમાં પણ કોઈ સકારાત્મક ઉકેલ ન મળતા ક્ષત્રિય સમાજની અલગ-અલગ સંસ્થાઓની સમિતિએ આજે અમદાવાદ ખાતે બેઠક યોજી હતી.
રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિએ 19 એપ્રિલે અમદાવાદ ખાતે કરેલી બેઠક બાદ ગુજરાતની દરેક બેઠક પર ભાજપનો વિરોધ કરવાનું નક્કી કર્યું છે.
આ બેઠકમાં નિર્ણય લેવાયો છે કે ગુજરાત ગામડાંમાં સભાઓ કરીને ભાજપની વિરુદ્ધ મતદાન કરાવવા માટે સમાજનો લોકોને આહવાન કરવા માટે પણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
આ ઉપરાંત સમાજની મહિલાઓ દરેક જિલ્લાઓમાં એક દિવસનો પ્રતીક ઉપવાસ કરશે.
સંકલન સમિતિએ 22 એપ્રિલથી ગુજરાતના પાંચ ઝોનમાં અલગ-અલગ ધાર્મિકસ્થળો પરથી ધર્મરથ કાઢીને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે લોકોને જાગૃત કરવાની પણ વાત કરી છે.
અહીં ઉલ્લેખનીય છે કે ગુજરાતની 26 બેઠકો પર ચૂંટણીના ત્રીજા તબક્કામાં મતદાન થશે. ઉમેદવારો માટે ફૉર્મ ભરવાની અંતિમ તારીખ 18 એપ્રિલ હતી. કોઈપણ ઉમેદવાર 22 એપ્રિલ સુધી પોતાની ઉમેદવારી પાછી ખેંચી શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અહીં ઉલ્લેખનીય છે કે ભાજપે આ પહેલા વડોદરા અને સાબરકાંઠામાં ઉમેદવારો બદલ્યા હતાં.
રાજકોટ લોકસભા બેઠક પરથી કૉંગ્રેસના વરિષ્ઠ નેતા પરેશ ધાનાણી ભાજપના પરશોત્તમ રૂપાલાને ટક્કર આપશે.
પ્રથમ તબક્કામાં સાંજે પાંચ વાગ્યા સુધી 59.66 ટકા મતદાન, ક્યાં કેટલું વોટિંગ થયું?
શુક્રવારે પ્રથમ તબક્કાના મતદાનમાં 21 રાજ્યોની 102 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે.
ચૂંટણીપંચના આંકડા અનુસાર સાંજે પાંચ વાગ્યા સુધી 59.66 ટકા મતદાન થયું છે.
ત્રિપુરા, પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધીના આંકડા અનુસાર સૌથી વધુ મતદાન થયું છે.
પશ્ચિમ બંગાળમાં 77.57 ટકા અને ત્રિપુરામાં 76.10 ટકા મતદાન થયું છે.
ઉત્તર પ્રદેશમાં 53.56 ટકા, જમ્મુ-કાશ્મીરની ઊધમપુર બેઠક પર 65.08 ટકા, મધ્ય પ્રદેશમાં 63.25 ટકા મતદાન થયું છે.
બિહારમાં સાંજે પાંચ વાગ્યા સુધી 46.32 ટકા મતદાન થયું છે.
પ્રથમ તબક્કામાં કઈ બેઠકો પર મતદાન થયું
ઉત્તર પ્રદેશની આઠ બેઠકો- સહારનપુર, કૈરાના, મુઝફ્ફરનગર, બિજનૌર, નગીના, મુરાદાબાદ, રામપુર, પીલીભીત
પશ્ચિમ બંગાળની ત્રણ બેઠકો-કૂચબિહાર,અલીપુરદ્વાર અને જલપાઈગુડી
બિહારની ચાર બેઠકો – ઔરંગાબાદ, ગયા, નવાદા અને જમુઈ
જમ્મુ-કાશ્મીરની એક બેઠક – ઊધમપુર
મહારાષ્ટ્રની પાંચ બેઠકો- કામટેક, નાગપુર, ભંડારા-ગોંડિયા, ગઢચિરોલી- ચિમૂર, ચંદ્રપુર
મધ્ય પ્રદેશની છ બેઠકો-સીધી, શહડોલ, જબલપુર, માંડલા, બાલાઘાટ, છિંદવાડા
આસામની પાંચ બેઠકો- કાજીરંગા, શોણિતપુર, લખીમપુર, ડિબ્રુગઢ, જોરાહાજ
છત્તીસગઢની એક બેઠક- બસ્તર
રાજસ્થાનની 12 બેઠકો- ગંગાનગર, બીકાનેર, ચુરૂ, ઝુંઝનૂ, સીકર, જયપુર ગ્રામીણ, જયપુર, અલવર, ભરતપુર, કરૌલી-ધૌલપુર, દૌસા, નાગૌર
ત્રિપુરા- એક બેઠક – ત્રિપુરા
પશ્ચિમ મણિપુર એક બેઠક- ઇનર મણિપુર
તામિલના઼ુ (39 બેઠકો)-તિરુલ્લૂર, ચેન્નઈ ઉત્તર, ચેન્નઈ દક્ષિણ, ચેન્નઈ મધ્ય, શ્રીપેરંબદૂર, કાંચીપુરમ, અરક્કોણમ, વેલ્લૂર, કૃષ્ણગિરી, ધરમાપુરી, તિરુવન્નમલાઈ, અલણી, વિલુપુરમ, કાલકુરુચી, સાલેમ, નમક્કલ, ઇરોડ, તિરુપુર, નીલગિરી, કોયંબટૂર, પોલ્લાચી, ડિંડીગુલ, કરૂર, તિરુચિરાપલ્લી, પેરંબલૂર, કુડ્ડલોર, ચિદંબરમ, માઇલાદુતુરૈ, નાગપટ્ટનમ, તંજાવર, શિવગંગા, મદુરઈ, તેની, વિરુધુનગર, રામનાથપુરમ, થુટ્ટુકુડી, ટેનકાસી, તિરુનેલવેલ્લી, કન્યાકુમારી
ઉત્તરાખંડની પાંચ બેઠકો - ટિહરી ગઢવાલ, ગઢવાલ, અલમોડા, નૈનીતાલ-ઊધરમસિંહનગર, હરિદ્વાર
અરુણાચલ પ્રદેશની બે બેઠો - અરુણાચલ ઈસ્ટ, અરુણાચલ વેસ્ટ
અંડમાન નિકોબાર દ્વીપ સમૂહની એક બેઠક- અંડમાન નિકોબાર દ્વીપ
લક્ષદ્વીપની એક બેઠક- લક્ષદ્વીપ
મિઝોરમની એક બેઠખ- મિઝોરમ
મેઘાલયની બે બેઠકો- શિલૉન્ગ, તુરા
નાગાલૅન્ડની એક બેઠક- નાગાલૅન્ડ
પુડ્ડુચારીની એક બેઠક- પુડ્ડુચેરી
સિક્કિમની એક બેઠક - સિક્કિમ
આ વખતે સાત તબક્કામાં મતદાન થશે. એક જૂનેના છેલ્લા તબક્કામાં મતદાન થશે, પરિણામ ચાર જૂનના જાહેર થશે.
મણિપુરમાં પોલિંગ બૂથ પર હિંસાના સમાચાર, મતદાનકેન્દ્ર બંધ કરાવાયું
મણિપુરની ઇનર મણિપુર બેઠક પર શુક્રવારે મતદાન દરમિયાન હિંસા થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે.
સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર ઇમ્ફાલ વેસ્ટના ઇરોઇસેંબા પૉલિંગ સ્ટેશન પર ઇવીએમ તોડવામાં આવ્યાં છે.
સમાચાર સંસ્થા એએનઆઈએ પણ સંબંધિત વીડિયો પોસ્ટ કરતાં ઇમ્ફાલ ઇસ્ટના ડીસીને ટાંકીને લખ્યું છે, "કેટલીક મહિલાઓ દ્વારા ચૂંટણીમાં અનિયમિતતાના આરોપ લગાવયો અને હોબાળો કરાયો, જેને પગલે ઇમ્ફાલના 5 થોંગજુ, 31 ખોંગમાન ઝોનમાં મતદાન રોકી દેવાયું છે. મતદાન અધિકારીએ મતદાનકેન્દ્ર બંધ કરી દીધું છે. "
મણિપુરમાં ગત વર્ષે મેમાં કુકી-જો અને મૈતેઈ સમુદાય વચ્ચે હિંસા ફાટી નીકળી હતી અને એ બાદ છાશવારે ચાલુ જ રહી છે.
ચૂંટણી પહેલાં કુકી સમુદાયના લોકો પર હુમલાના સમાચાર મળ્યા હતા.
2019ની ચૂંટણીમાં ઇનર બેઠક ભાજપના થોનાઓજમ બસંતકુમારસિંહે જીતી હતી. બસંતકુમાર આ વખતે પણ ઉમેદવાર છે.
આઉટર બેઠક અનસૂચિત જનજાતિના ઉમેદવારો માટે અનામત રખાઈ છે. નાગા પીપલ્સ ફ્રંટના નકચુઈ તિમોથી જિમિકે આ બેઠક 2019માં જીતી હતી અને આ વખતે પણ તેઓ જ મેદાને છે.
અત્યાર સુધીમાં ક્યાં કેટલું મતદાન થયું?
આજથી લોકસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. આજે દેશમાં 21 રાજ્યોમાં 102 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે.
આજે ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ વગેરે રાજ્યોમાં મતદાન થઈ રહ્યું છે.
ચૂંટણીપંચ અનુસાર, અત્યાર સુધીમાં એક વાગ્યા સુધી ક્યાં કેટલું મતદાન થયું તેની માહિતી ઍપ્લિકેશન પર સતત અપડેટ કરાઈ રહી છે.
જે અનુસાર, અત્યાર સુધીમાં ત્રિપુરામાં સૌથી વધુ 53. 04 ટકા મતદાન થયું છે. જ્યારે લક્ષદ્વીપમાં સૌથી ઓછું 29.91 મતદાન થયું છે. આ આંકડા એક વાગ્યા સુધીના છે.
સમગ્ર રાજ્યોમાં અત્યાર સુધીમાં નોંધાયેલા મતદાનની વાત કરીએ તો...
- આંદામાન નિકોબારમાં 35.70 ટકા
- અરુણાચલ પ્રદેશમાં 39.24 ટકા
- આસામમાં 45.12 ટકા
- બિહારમાં 32.41 ટકા
- છત્તીસગઢમાં 42.57 ટકા
- જમ્મુ અને કાશ્મીરમાં 43.11 ટકા
- લક્ષદ્વીપમાં 29.91 ટકા
- મધ્ય પ્રદેશમાં 44.43 ટકા
- મહારાષ્ટ્રમાં 32.36 ટકા
- મણિપુરમાં 46.92 ટકા
- મેઘાલયમાં 48.91 ટકા
- મિઝોરમમાં 40.37 ટકા
- નાગાલૅન્ડમાં 44.64 ટકા
- પુડુચેરીમાં 44.95 ટકા
- રાજસ્થાનમાં 33.73 ટકા
- સિક્કિમમાં 36.82 ટકા
- તામિલનાડુમાં 39.51 ટકા
- ત્રિપુરામાં 53.04 ટકા
- ઉત્તર પ્રદેશમાં 36.96 ટકા
- ઉત્તરાખંડમાં 37.33 ટકા
- અને પશ્ચિમ બંગાળમાં 50.96 ટકા મતદાન નોંધાયું છે.
18મી લોકસભા માટે સાત તબક્કામાં મતદાન થવાનું છે. પહેલી જૂને અંતિમ તબક્કાનું મતદાન થશે. જ્યારે લોકસભા ચૂંટણીનાં પરિણામો 4 જૂને જાહેર થશે.
અમિત શાહે ગાંધીનગરમાં નામાંકન પત્ર દાખલ કર્યા પછી શું કહ્યું?
કેન્દ્રીય મંત્રી અમિત શાહે ગુજરાતની ગાંધીનગર લોકસભા બેઠક પરથી નામાંકન પત્ર ભરી દીધું છે.
નામાંકન દાખલ કર્યા પછી તેમણે સમાચાર એજન્સી પીટીઆઈને કહ્યું, “મેં આ બેઠક પરથી જ એક બૂથ કાર્યકર્તાથી લઈને સંસદ સભ્ય સુધીની સફર તય કરી છે.”
“અડવાણી અને અટલજીએ જે બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું અને નરેન્દ્ર મોદી પણ જે બેઠક પર એક મતદાર છે. મને આ બેઠક પરથી પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળ્યો તે બાબતનો મને ગર્વ છે.”
અમિત શાહ બીજી વખત ગાંધીનગરથી ચૂંટણી લડી રહ્યાં છે.
તેમણે 2019ની લોકસભા ચૂંટણીમાં ગાંધીનગર બેઠક પરથી પાંચ લાખથી વધારે મતો સાથે વિજય મેળવ્યો હતો.
ગુજરાતની બધી 26 સીટો પર ત્રીજા તબક્કામાં 7 મેનાં રોજ મતદાન થશે.
આજે ઉમેદવારી ભરવાનો છેલ્લો દિવસ, કોણે કોણે ફૉર્મ ભર્યું?
ગુજરાતની દરેક બેઠક પર લોકસભાની ઉમેદવારી કરવાનો 19 એપ્રિલ છેલ્લો દિવસ છે. આજે કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર બેઠકના ભાજપના ઉમેદવાર અમિત શાહે ઉમેદવારી નોંધાવી છે.
ગઈ કાલે તેમના મતવિસ્તારમાં રોડ શો કર્યા બાદ આજે તેમણે ફૉર્મ ભર્યું છે.
તો નવસારીના ભાજપના વર્તમાન સાંસદ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પણ નવસારી બેઠક પરથી પોતાની ઉમેદવારી નોંધાવી છે.
તેમજ અહીં કૉંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઈએ પણ ફૉર્મ ભર્યું છે.
તો રાજકોટ બેઠકના કૉંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ પણ પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે. ઘણાં વર્ષો પછી તેઓ ભાજપના પરશોત્તમ રૂપાલા સામે ચૂંટણી લડી રહ્યા છે.
તો જામનગરનાં વર્તમાન સાંસદ અને ભાજપનાં ઉમેદવાર પૂનમ માડમે પણ આજે ફૉર્મ ભરી દીધું છે.
પોતાના નિવાસસ્થાને પૂજાઅર્ચના કર્યાં બાદ પૂનમ માડમ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યાં હતાં અને ઉમેદવારી નોંધાવી હતી.
તો મહેસાણા બેઠકના કૉંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોરે પણ પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતની દરેક સીટ પર ત્રીજા તબક્કામાં સાતમી મેના રોજ મતદાન થશે અને ચાર જૂને પરિણામ આવશે.
લોકસભા ચૂંટણી માટે 21 રાજ્યોમાં મતદાન, અત્યાર સુધીમાં ક્યાં કેટલું મતદાન થયું?
આજથી લોકસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. આજે દેશમાં 21 રાજ્યોમાં 102 બેઠકો માટે મતદાન શરૂ થઈ રહ્યું છે.
સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, અરુણાચલ પ્રદેશમાં 11 વાગ્યા સુધી 19.46 ટકા મતદાન થયું છે. જ્યારે સિક્કિમમાં 21.20 ટકા મતદાન થયું છે.
તો આંદામાન નિકોબારમાં 21.82 ટકા, આસામમાં 27.22 ટકા, બિહારમાં 20.42 ટકા, છત્તીસગઢમાં 28.12 ટકા, લક્ષદ્વીપમાં 16.33 ટકા, મધ્ય પ્રદેશમાં 30.46 ટકા, મહારાષ્ટ્રમાં 19.17 ટકા અને મણિપુરમાં 27.64 ટકા મતદાન થયું છે.
તો તામિલનાડુમાં 23.72 ટકા, ત્રિપુરામાં 33.28 ટકા, ઉત્તર પ્રદેશમાં 25.20 ટકા, ઉત્તરાખંડમાં 24.83 ટકા અને પશ્ચિમ બંગાળમાં 33.56 ટકા મતદાન થયું છે
ભારતીય ચૂંટણીપંચે પ્રથમ વખત વડીલો અને વિકલાંગ મતદાતાઓને તેમના ઘરે રહીને જ મત આપવાના અધિકારનો ઉપયોગ કરવાની સુવિધા કરી આપી છે.
છેલ્લાં કેટલાંક સપ્તાહથી ચૂંટણીપંચના અધિકારીઓ વડીલો અને વિકલાંગોના ઘરે જઈને મતપત્રકો એકઠાં કરી રહ્યા છે.
ભારતમાં 85થી 99 વર્ષની ઉંમર ધરાવતા લગભગ 82 લાખ મતદારો છે.
18મી લોકસભા માટે સાત તબક્કામાં મતદાન થવાનું છે. પહેલી જૂને અંતિમ તબક્કાનું મતદાન થશે. જ્યારે લોકસભા ચૂંટણીનાં પરિણામો 4 જૂને જાહેર થશે.
પાકિસ્તાન: કરાચીમાં જાપાની નાગરિકની કાર પર આત્મઘાતી હુમલો
પાકિસ્તાનના કરાચીમાં પોલીસનું કહેવું છે કે જાપાની નાગરિકની કાર પર આત્મઘાતી હુમલો થયો છે. આ હુમલામાં બે હુમલાખોર માર્યા ગયા અને અન્ય બે લોકો ઘાયલ થયા છે.
આ હુમલો શુક્રવારે સવારે થયો હતો.
પોલીસનું કહેવું છે કે જાપાની નાગરિક કારમાં ક્યાંક જઈ રહ્યા હતા.
મીડિયા સાથે વાત કરતા ડીઆઈજી અઝફર માહેસરનું કહેવું છે કે હુમલાખોરે જાપાની નાગરિકની કારની પાસે પોતાને ઉડાવી દીધો, પરંતુ કાર થોડી દૂર હતી. આથી જાપાની નાગરિક સુરક્ષિત રહ્યા.
પોલીસનું કહેવું છે કે કદાચ આ હુમલો ચીની નાગરિકોને નિશાન બનાવવા માટે કરવામાં આવ્યો હતો.
અમદાવાદ શહેરમાં કાળા વાવટા ફરકાવવા અને ભડકાઉ સૂત્રોચ્ચાર પર પોલીસે પ્રતિબંધ મૂક્યો
ગુજરાતમાં લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસે એક જાહેરનામું બહાર પાડ્યું છે.
આ જાહેરનામામાં ચૂંટણીને અનુલક્ષીને પ્રચારરેલીઓ, સભાઓ, સરઘસો દરમિયાન કાળા વાવટા નહીં ફરકાવવા, ઉશ્કેરણીજનક બૅનર, કાર્ડ નહીં દર્શાવવા અને કોઈ વિરુદ્ધમાં ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર નહીં કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.
આ જાહેરનામું અમદાવાદ પોલીસ કમિશનર જી એસ મલિક દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.
જાહેરનામામાં કહેવાયું છે કે શહેરમાં "શાંતિ અને સલામતી" જળવાઈ રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ચૂંટણી સમયે કાળા વાવટા ફરકાવવાથી, બૅનરો દર્શાવવાથી અને ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર કરવાથી શહેરના વિસ્તારોની "શાંતિમાં ભંગ" થવાની શક્યતા રહેલી છે. તેવો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.
આ જાહેરનામાનો આદેશ 17 એપ્રિલથી અમલમાં આવશે અને 7 મે સુધી ચાલુ રહેશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 7મી મેના દિવસે મતદાન થવાનું છે.