You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બિલકીસબાનો કેસ : સુપ્રીમ કોર્ટ 11 જુલાઈએ એ સુનાવણી કરશે, દોષિતોને નોટિસ આપવા નિર્દેશ
સુપ્રીમ કોર્ટે બિલકીસબાનો કેસમાં દોષિત 11 વ્યક્તિને સજા પૂરી થયા પહેલાં મુક્ત કરવાના નિર્ણયને પડકારતી અરજીઓ પર સુનાવણી માટે 11 જુલાઈની તારીખ નક્કી કરી છે. 2002ના ગોધરા રમખાણો દરમિયાન બિલકીસબાનો પર દુષ્કર્મ અને તેમના પરિવારના સભ્યોની હત્યાનો આ કેસ છે, જેમાં 11 દોષિત ઠર્યાં હતા.
સુપ્રીમ કોર્ટે ઉનાળુ વૅકેશનના વિરામ સુધી કેસની સુનાવણી મોકૂફ રાખી છે. 20મી મેથી 2 જુલાઈ સુધી કોર્ટનું વૅકેશન રહેશે.
સુપ્રીમ કોર્ટની જસ્ટિસ કે. એમ. જોસેફ, જસ્ટિસ બી. વી. નાગર્થના અને એ. અમાનુલ્લાહની પીઠે સુનાવણી મોકૂફ રાખી છે. તેમણે જે દોષિતોને નોટિસ નથી મળી તેમને નોટિસ પહોંચાડવા પણ નિર્દેશ કર્યો છે.
કોર્ટે કહ્યું કે જેમને નોટિસ ન મળી શકી હોય તેમની નોટિસ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં સ્થાનિક અખબારોમાં જાહેરાત મારફતે જાહેર કરવામાં આવે. સુનાવણી વેળા પીઠને જણાવાયું હતું કે, દોષિતોમાંથી એકનું ઘર જ્યારે સ્થાનિક પોલીસ નોટિસ આપવા ગઈ તો બંધ હતું અને ફોન પણ સ્વિચઑફ આવે છે.
એટલે કોર્ટે કહ્યું કે અખબારમાં જે જાહેરખબર આપવામાં આવે એમાં આગામી સુનાવણીની તારીખ પણ છાપવામાં આવે.
'1992ની નીતિ અનુસાર 11 દોષિતોને મુક્તિ આપી'
કોર્ટનું કહેવું છે કે આ પ્રક્રિયા એટલા માટે અનુસરવામાં આવે છે કે કોર્ટનો સમય ન બગડે અને આગામી સુનાવણીમાં એવી દલીલ ન કરવામાં આવે કે નોટિસ આપવાનું કામ બાકી છે.
2જી મેના રોજ સુપ્રીમ કોર્ટે આ કેસની સુનાવણી એટલે ટાળી હતી કે કેટલાક દોષિતોના વકીલોએ વાંધો ઉઠાવ્યો હતો કે તેમને નોટિસ નથી મળી. અત્રે નોંધવું કે બિલકીસબાનો અને અન્યોએ 11 દોષિતોની વહેલી મુક્તિને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે.
અગાઉ બિલકીસબાનોએ દોષિતોમાંથી એકને છોડવા સામેના નિર્ણયની સમીક્ષા માટે અરજી કરી હતી અને એને ખારીજ કરાઈ હતી. જ્યારે 11 દોષિતોની મુક્તિ રદ કરવા માટે નિર્દેશ માગતી પણ કેટલીક જાહેરહિતની અરજીઓ થઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નેશનલ ફેડરેશન ઑફ ઇન્ડિયન વુમનને પણ પિટિશન દાખલ કરી છે. જેના મહામંત્રી એન્ની રાજા છે. ઉપરાંત કમ્યૂનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા (માર્ક્સિસ્ટ)નાં સુભાસિની અલી, પત્રકાર રેવતી લોલ, સામાજિક કાર્યકર્તા અને પ્રોફેસર રૂપરેખા વર્મા અને તૃણમૂલનાં સાસંદ મહુઆ મોઇત્રા છે.
ગુજરાત સરકારે તેમની ઍફિડેવિટમાં 11 દોષિતોની મુક્તિના બચાવમાં કહ્યું કે તેઓ 14 વર્ષની સજા ભોગવી ચૂક્યા હતા અને તેમની વર્તણૂક સારી હતી.
રાજ્ય સરકારે કહ્યું કે, તેમણે 1992ની નીતિ અનુસાર 11 દોષિતોને મુક્તિ આપી છે અને કેન્દ્ર સરકારે પણ મંજૂરી આપી હતી.
તેમણે એમ પણ કહ્યું કે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણીના ભાગરૂપે કેદીઓને જે મુક્તિ અપાઈ રહી છે એના હેઠળ આ મુક્તિ નથી આપવામાં આવી.
શું હતો મામલો?
ગુજરાતમાં વર્ષ 2002માં થયેલાં રમખાણો દરમિયાન બિલકીસબાનોના પરિવારના 14 લોકોની હત્યા કરી દેવાઈ હતી અને તેમના પર સામૂહિક બળાત્કાર પણ ગુજારાયો હતો.
એ વખતે બિલકીસની ઉંમર લગભગ 20 વર્ષની હતી. હત્યા કરી દેવાયેલા લોકોમાં બિલકીસની પુત્રીનો પણ સમાવેશ થતો હતો. બિલકીસ તે સમયે ગર્ભવતી હતાં.
અધમરી હાલતમાં છોડી દેવાયેલાં બિલકીસ જેમતેમ કરીને નજીકની ટેકરી પર પહોંચ્યાં હતાં અને પોતાનો જીવ બચાવ્યો હતો.
આ ઘટના બાદ કેટલાક પોલીસકર્મીઓ દ્વારા બિલકીસને ડરાવવા તેમજ પુરાવાને નષ્ટ કરવાના પણ પ્રયાસ કરાયા હતા. તેમના પરિવારજનોના મૃતદેહોને પોસ્ટમૉર્ટમ કરાયા વગર દફનાવી દેવાયા હતા.
બિલકીસની તપાસ કરનારા તબીબે તેમનો બળાત્કાર ન થયો હોવાનું જણાવ્યું હતું અને આ મામલે બિલકીસને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી હતી.
આમ છતાં બિલકીસની લડાઈ ચાલુ રહી હતી અને તેમણે હુમલાખોરોને ઓળખી કાઢ્યા હતા. સુપ્રીમ કોર્ટે આ મામલો સીબીઆઈને સોંપ્યા બાદ 2004માં પ્રથમ ધરપકડ હાથ ધરાઈ હતી.
રાષ્ટ્રીય માનવાધિકાર આયોગની મદદથી બિલકીસનો કેસ મહારાષ્ટ્રમાં ટ્રાન્સફર કરાયો હતો અને આરોપીઓને સજા સંભળાવાઈ હતી.