હૅલેન વાવાઝોડું: દક્ષિણ-પૂર્વ અમેરિકામાં ભારે વિનાશ, 43 લોકોનાં મૃત્યુ

પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ

અમેરિકાના ફ્લોરિડા અને તેના કાંઠા વિસ્તારોમાં ગુરુવાર સાંજે હૅલેન હરિકેન (વાવાઝોડું)ના કારણે 225 (140 માઈલ પ્રતિકલાક) કિલોમીટરની ઝડપે ફૂંકાયો હતો અને ભારે વરસાદ પડ્યો હતો.

દક્ષિણ-પૂર્વ અમેરિકામાં હૅલેન વાવાઝોડાને કારણે ઓછામાં ઓછાં 43 લોકોનાં મોત થયાં છે અને લાખો લોકો વીજળી વગર રહેવા મજબૂર છે.

અધિકારીઓએ જણાવ્યું છે કે પૂરનું પાણી લોકોનાં ઘરોમાં ઘૂસી ગયું હતું. પૂરનાં પાણીમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે હોડી, હેલિકૉપ્ટરો અને મોટી ગાડીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ટેનેસી હૉસ્પિટલની છત પર ફસાયેલા લગભગ 50 જેટલા લોકો જેમાં દર્દીઓ અને સ્ટાફનો સમાવેશ થાય છે તેમને રૅસ્ક્યૂ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

ગુરુવારની રાતે આ વાવાઝોડું સમુદ્ર કિનારે ટકરાયાં બાદ તે ફ્લોરિડાના કિનારા પર ટકરાયું હતું હવે તે ઉત્તરમાં જ્યોર્જિયા અને કૅરોલિના તરફ આગળ વધ્યું છે.

વિમા કંપનીઓ દ્વારા કહેવાયું છે કે આ તોફાનને કારણે અબજો ડૉલર્સનું નુકસાન થયું છે.

ફ્લોરિડાના મિયામી, ટૅમ્પા, ટલાહસી, ચાર્લ્સટન, પનામા સિટી અને ઍટલાન્ટામાં વાવાઝોડાના કારણે વ્યાપક અસર થઈ હતી.

વાવાઝોડના કારણે દરિયામાં 15થી 20 ફૂટ ઊંચાં મોજાં ઊછળ્યાં હતાં, જેના કારણે કાંઠા વિસ્તારના ભાગો બેટમાં ફેરવાઈ ગયા હતા.

લોકોનાં ઘરો અને ઑફિસોમાં પાણી ભરાઈ જતાં નુકસાન થયું હતું. કેટલીક જગ્યાએ વીજળીની લાઇનોને નુકસાન થયું હતું, જેના કારણે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.

ઝડપી પવન ફૂંકાવાના કારણે ઘણી જગ્યાએ વૃક્ષો પડી ગયાં હતાં અને રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હતા. ગુરુવારે બપોરે ભારે પવનના કારણે સમગ્ર વિસ્તારમાં વાતાવરણ ધૂળિયું બની ગયું હતું.

ફ્લોરિડા ડિવિઝન ઑફ ઇમરજન્સી મૅનેજમૅન્ટના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કેવિન ગુથરીએ જણાવ્યું કે ફ્લોરિડા અને આસપાસના વિસ્તારોમાં પાણી-પાણી થઈ ગયું છે અને પરિસ્થિતિ બહુ ગંભીર છે. તેમણે લોકોને વિનંતી કરી કે, કેટલાય રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને એટલા માટે કોઈ પણ ઘરની બહાર ન નીકળે. બહાર ડૂબી જવાની પણ શક્યતા છે.

ધ નૅશનલ હરિકેન સેન્ટરે જણાવ્યું કે ફ્લોરિડા, જ્યૉર્જિયા અને સાઉથ કૅરોલાઇનામાં 300 મિલીમીટરથી લઈને 460 મિલીમીટર વરસાદ પડ્યો હતો.

ડી સેન્ટિસના અધિકારીએ બીબીસીને જણાવ્યું કે, ''સવારે ખબર પડશે કે વાવાઝોડાના કારણે કેટલું નુકસાન થયું છે. સવારે જ્યારે ફ્લોરિડાના લોકો જાગશે ત્યારે તેમને દેખાશે કે આજુબાજુના વિસ્તારોમાં ઘણું બદલાઈ ગયું છે. કેટલાક લોકોના મૃત્યુના સમાચાર પણ મળશે. સંપત્તિને નુકસાન થવાના સમાચારો પણ સામે આવશે.''

વાવાઝોડાએ ફ્લોરિડા અને જ્યૉર્જિયામાં કેવી તારાજી સર્જી?

ભારે વરસાદ અને ઝડપી પવનના કારણે ફ્લોરિડામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને જ્યૉર્જિયામાં બે લોકોનાં મોત થયાં છે.

ફ્લોરિડાના ટલાહસીમાં સરકારી શાળાને શૅલ્ટર હોમમાં ફેરવી દેવામાં આવી છે, જેમાં લોકોને આશ્રય આપવામાં આવ્યો છે. કાંઠા વિસ્તારની નજીક રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

વાવાઝોડું, વરસાદ અને પવનના કારણે 18 લાખ લોકો વીજળી અને પાણી વગર રહેવા મજબૂર બન્યા છે. જ્યૉર્જિયામાં 500 મિલીમીટર સુધી વરસાદ પડતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

લોકો માત્ર જરૂરિયાતની વસ્તુઓ લઈને ઘર છોડીને અન્યત્ર જવા માટે મજબૂર બન્યા છે.

ફ્લોરિડાના હોમ્સ બીચમાં રહેતા બ્રાયના ગેગનિયરે જણાવ્યું કે, તેઓ કંઈ વિચારે એ પહેલાં પાણી તેમના ઘરમાં આવી ગયું હતું.

''મેં ક્યારેય આવી સ્થિતિ જોઈ નથી. મારું બધું બરબાદ થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે વાવાઝોડાએ કઈ રીતે સમગ્ર ટાપુ પર વિનાશ વેર્યો છે. ચારે તરફ માત્ર બરબાદીનાં દૃશ્યો નજરે પડે છે.''

સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસે લોકોને વિનંતી કરી છે કે જ્યાં સુધી ઇમરજન્સી ઑપરેશન્સ સેન્ટર દ્વારા કહેવામાં ન આવે ત્યાં સુધી ઘરે ન આવે.

ફ્લોરિડા કોસ્ટના આના મારિયા આઇલૅન્ડમાં રહેતા એમએલ ફર્ગ્યુસને બીબીસીને જણાવ્યું કે, ''ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે રસ્તાઓ નદી બની ગયા છે. સમગ્ર વિસ્તારમાં ઘરો, ઑફિસો અને દુકાનોમાં વરસાદનાં પાણી ભરાઈ ગયાં છે. કાંઠા વિસ્તારમાં પરિસ્થિતિ બહુ જ ખરાબ છે. ચારેય તરફ પાણી-પાણી હોવાના કારણે હાલમાં નુકસાન વિશે કોઈ પણ અંદાજ લગાવવો મુશ્કેલ છે.''

600 કિલોમીટરમાં ફેલાયેલું વાવાઝોડું ક્યાંથી સર્જાયું ?

હૅલેન હરિકેન એ અમેરિકામાં ત્રાટકનાર ચોથું વાવાઝોડું છે. 600 કિલોમીટર પહોળા આ વાવાઝોડાને અમેરિકાના ધ નૅશનલ હરિકેન સેન્ટરે કૅટગરી-4નું ગણાવ્યું છે. અત્યંત જોખમી વાવાઝોડાને કૅટગરી-4ની શ્રેણીમાં મૂકવામાં આવે છે.

ગલ્ફ ઑફ મૅક્સિકોમાં લૉ પ્રેશર સર્જાયા બાદમાં વાવાઝોડા બન્યું હતું. શરૂઆતમાં હૅલેન હરિકેન કૅટગરી-1નું વાવાઝોડું હતું, પરંતુ ખૂબ જ ટૂંકા ગાળામાં તે કૅટગરી-4માં પરિવર્તિત થઈ ગયું હતું.

બીબીસી સાથે વાત કરતાં નિષ્ણાતોએ જણાવ્યું કે દરિયાનું તાપમાન સતત વધી રહ્યું છે, જેના કારણે વધુને વધુ શક્તિશાળી વાવાઝોડાં સર્જાઈ રહ્યાં છે. પાણી ગરમ હોવાના કારણે વાવાઝોડું વધુ શક્તિશાળી બની જાય છે.

જળવાયુ પરિવર્તનના કારણે વાવાઝોડાની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. નિષ્ણાતો અનુસાર તીવ્ર પવનો વાવાઝોડામાં પરિવર્તિત થઈ જાય છે.

યુનિવર્સિટી ઑફ મિયામીમાં હવામાનશાસ્ત્રી તરીકે કાર્યરત્ બ્રાયન મૅકનોલ્ડી અનુસાર, ગલ્ફ ઑફ મૅક્સિકોના તાપમાનમાં રેકૉર્ડ વધારો નોંધાયો છે. તાપમાનમાં વધારાના કારણે હૅલેન હરિકેન આટલી શક્તિશાળી બની ગયું હતું.

વાવાઝોડાની સંખ્યા અને તીવ્રતામાં વધારો

નોંધનીય છે કે ઉષ્ણકટિબંધીય વાવાઝોડા અતિ શક્તિશાળી હોવાની સાથોસાથ વિનાશક પણ હોય છે.

હવાઈ વિશ્વવિદ્યાલય, સધર્ન યુનિવર્સિટી ઑફ સાયન્સ અને અન્ય કેટલીક મહત્ત્વપૂર્ણ સંસ્થાઓ દ્વારા આ સંશોધન કરાયું હતું, જેનાં પરિણામો આંતરરાષ્ટ્રીય જર્નલ નેચરમાં પ્રકાશિત કરાયાં હતાં.

સંશોધનનાં પરિણામોમાં થયેલી નોંધ અનુસાર ઉષ્ણકટિબંધીયની વિનાશક અસરોનો સામનો કરવા માટે ઉષ્ણકટિબંધીય વાવાઝોડાના વલણમાં આવતા ફેરફારોની સમજ કેળવવાનું જરૂરી બની જાય છે.

સંશોધનનાં પરિણામો અનુસાર, ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધમાં બનતાં તીવ્ર ઉષ્ણકટિબંધીય વાવાઝોડાં સામાન્ય કરતાં જલદી સર્જાય છે.

આ અભ્યાસ માટે વર્ષ 1981-2017 સુધીના ઉષ્ણકટીબંધીય વાવાઝોડાના ડેટાનું વિશ્લેષણ કરાયું હતું.

પરિણામો અનુસાર, પ્રતિ દાયકા દીઠ તીવ્ર ઉષ્ણકટિબંધીય વાવાઝોડાં સામાન્ય કરતાં 3.7થી 3.2 દિવસ જલદી સર્જાઈ રહ્યાં છે.

જો ઉષ્ણકટિબંધીય વાવાઝોડાની વાત કરીએ તો સામાન્યપણે આ વાવાઝોડાં અરેબિયન સાગરમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની શરૂઆતમાં એટલે કે માર્ચ અને જૂનમાં તેમજ ચોમાસાના અંત બાદ એટલે કે ઑક્ટોબર-ડિસેમ્બરમાં સર્જાતાં હોય છે.

સાયન્ટિફિક રિપોર્ટ્સમાં છપાયેલા અભ્યાસના સહલેખક એસ. અભિલાષે કહ્યું હતું કે, “જો બધા કુદરતી સંજોગો તરફેણમાં હોય તો અરેબિયન સાગરની સપાટી વધુ ગરમ થવાને કારણે ઉત્તર હિંદ મહાસાગરમાં ઉષ્ણકટિબંધીય વાવાઝોડાંની તીવ્રતા અને સંખ્યામાં વધારો થઈ શકે છે.”

જ્યારે સમુદ્રનો એક ભાગ બીજા ભાગ કરતાં વધુ ગરમ થઈ જાય ત્યારે અલ નીનો જેવી પરિસ્થિતિ સર્જાય છે. આ પરિબળોને કારણે દરિયાની સપાટી વધુ ને વધુ ગરમ થાય છે.

અભિલાષના મતે માનવસર્જિત પરિસ્થિતિઓને કારણે સર્જાયેલી ક્લાઇમેટ ચેન્જની સ્થિતિને કારણે વાવાઝોડાંની સંખ્યા અને તેની તીવ્રતામાં વધારો નોંધાયો છે.

તેઓ કહે છે કે, “તાજેતરમાં અરબેયિન સાગરમાં ચોમાસા બાદ જોવા મળેલાં વાવાઝોડાંની ઍક્ટિવિટીનું કારણ મુખ્યત્વે માનવસર્જિત અસર છે, ના કે કુદરતી પરિબળો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.