You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મહારાષ્ટ્ર : 24 કલાકમાં 24 લોકોનાં મૃત્યુ, સરકારી હૉસ્પિટલ પર કેવો આરોપ લાગ્યો?
મહારાષ્ટ્રમાં નાંદેડની એક સરકારી હૉસ્પિટલમાં ગત 24 કલાકમાં એટલે કે 1 ઑક્ટોબરથી 2 ઑક્ટોબર સુધીમાં 24 દર્દીઓનાં મૃત્યુ થયાં છે અને તેમાં 12 નવજાત પણ સામેલ છે.
હૉસ્પિટલના ડાયરેક્ટર એસ.આર.વાકોડેએ કહ્યું છે કે 12 લોકો સિવાય અન્ય મૃત્યુનું કારણ સાપનો ડંખ અથવા તો ઝેર છે.
એવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે નિયત સમયે દવાઓ ન મળવાને કારણે દર્દીઓનાં મૃત્યુ થયાં છે. પરંતુ વાકોડેએ આ આરોપોને નકાર્યા છે. દવાઓની તાણ છે પરંતુ જે દર્દીઓ ઇમરજન્સી વૉર્ડમાં છે તેમના માટે પર્યાપ્ત દવાઓ ઉપલબ્ધ છે.
એવું કહેવામાં આવે છે કે હાફકિન ઇન્સ્ટિટ્યૂટે દવાઓની ખરીદી બંધ કરી દીધી છે જેના કારણે રાજ્યભરની સરકારી હૉસ્પિટલમાં દવાઓની અછત ઊભી થઈ છે.
ડૉ. શંકરલાલ ચવ્હાણ સરકારી હૉસ્પિટલ એ ત્રીજા સ્તરની સરકારી હૉસ્પિટલ છે. ત્યાં અંદાજે આસપાસના 70-80 કિલોમિટરના વિસ્તારમાંથી દર્દીઓ આવે છે. આ વિસ્તારમાં બીજી કોઈ આટલી મોટી હૉસ્પિટલ ન હોવાથી ઇમરજન્સી સારવાર માટેના જ દર્દીઓ આવે છે.
હૉસ્પિટલનો દાવો છે કે છેલ્લા 24 કલાકમાં મૃત્યુ પામેલા તમામ દર્દીઓ ઇમર્જન્સી સારવાર હેઠળ હતા. વાકોડેએ જણાવ્યું હતું કે, આ ઉપરાંત આ હૉસ્પિટલમાં મેડિકલ ઑફિસરોની બદલીને કારણે પણ કેટલીક મુશ્કેલી ઊભી થઈ છે.
તે દરમિયાન હાફકિન સંસ્થામાંથી કોઈ દવા ખરીદવામાં આવી નહોતી. તેનાથી અમુક અંશે દવાઓની અછત ઊભી થઈ છે. હૉસ્પિટલે કહ્યું કે દર્દીઓની સંખ્યા પણ વધી છે અને બજેટ પણ ઘટી રહ્યું છે.
વિપક્ષોએ શું આરોપો લગાવ્યા?
નાંદેડની ઘટના બાદ વિપક્ષોએ સરકાર પર નિશાન સાધ્યું છે. સાંસદ સુપ્રિયા સુલેએ કહ્યું, "આ દરેક મૃત્યુની સંપૂર્ણ તપાસની જરૂર છે. જો એક દિવસમાં આટલાં મૃત્યુ થાય તો તેની ગંભીરતાને ધ્યાને લઈ મુખ્ય મંત્રી અને તંત્ર તાત્કાલિક તપાસના આદેશ આપે તેવી અપેક્ષા છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે ઘટના પર બેદરકારી અને ઉદાનસીનતા દાખવવાનો આરોપ લગાવતાં ઉમેર્યું, “ભીનું સંકેલી લેવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અને લોકો એકબીજાની ભૂલોને ઢાંકવાનો પ્રયાસ કરી રહ્યા છે. હૉસ્પિટલમાં દવાઓની અછતના કારણે દર્દીઓને સમયસર દવાઓ મળતી ન હોવાનો આક્ષેપ લોકો કરી રહ્યા છે. શું આનો અર્થ એ છે કે મહારાષ્ટ્રના લોકોનો જીવ આટલો સસ્તો થઈ ગયો છે?”
કૉંગ્રેસના નેતા અશોક ચવ્હાણે આ હૉસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમણે દર્દીઓને તાત્કાલિક મદદ કરવાની પણ માંગ કરી છે. મીડિયા સાથે વાત કરતાં ચવ્હાણે હૉસ્પિટલની વર્તમાન સ્થિતિ વિશે જણાવ્યું હતું. તેમની માહિતી અનુસાર, આ હૉસ્પિટલમાં અન્ય 70 લોકોની હાલત ગંભીર છે.
- હૉસ્પિટલના નર્સ સ્ટાફની બદલી કરવામાં આવી છે.
- તેમની બેઠકો ભરાઈ નથી
- ડૉકટરો પણ ઓછા છે.
- હૉસ્પિટલમાં મશીનો બંધ પડી ગયાં છે.
- હૉસ્પિટલને પૂરતું બજેટ મળ્યું નથી.
- હૉસ્પિટલમાં તેની ક્ષમતા કરતા બમણા દર્દીઓ છે. (ક્ષમતા 500 દર્દીઓ, 1200 દર્દીઓ દાખલ છે)
સરકારે શું કહ્યું?
આ દરમિયાન રાજ્યના મુખ્ય મંત્રી એકનાથ શિંદે અને મંત્રી હસન મુશરિફે કહ્યું છે કે આ મૃત્યુ કેવી રીતે થયાં તે જાણવા માટે તપાસ કરવામાં આવશે.
હસન મુશરિફ કહે છે કે, “તેલંગાણાની સરહદે આવેલા પરભણી, હિંગોલીના દર્દીઓ પણ આ હૉસ્પિટલમાં આવે છે. દર્દીઓને શરૂઆતમાં ખાનગી હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવે છે. જો ત્યાં તેમની હાલતમાં સુધારો ન થાય અને હૉસ્પિટલનું બિલ વધી જાય તો તેમને સરકારી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. પરંતુ 24 કલાકમાં 24 મૃત્યુ એ ગંભીર બાબત છે. તેની તપાસ કરવામાં આવશે.”
રાહુલ ગાંધીએ શું કહ્યું?
આ ઘટના પર કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ સવાલ ઊઠાવ્યા છે.
તેમણે કહ્યું કે, "મહારાષ્ટ્રના નાંદેડમાં સરકારી હૉસ્પિટલમાં દવાઓની અછતને કારણે 12 નવજાત સહિત 24 લોકોનાં મૃત્યુના સમાચાર અત્યંત દુઃખદ છે. હું તમામ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે દિલથી સંવેદના વ્યક્ત કરું છું."
રાહુલ ગાંધીએ ટ્વિટમાં કહ્યું, "ભાજપ સરકાર પોતાના પ્રચાર પાછળ હજારો કરોડો રૂપિયા ખર્ચે છે, પરંતુ બાળકોની દવાઓ માટે શું તેમની પાસે પૈસા નથી? ભાજપની નજરમાં ગરીબોના જીવની કોઈ કિંમત નથી."
અહીં ઉલ્લેખનીય છે કે દોઢ મહિના પહેલાં થાણેમાં એક જ રાતમાં 18 લોકોનાં મૃત્યુનો મામલો સામે આવ્યો હતો. તેના પછી આ ઘટના નાંદેડમાં બની હતી.
તે સમયે એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે થાણેની છત્રપતિ શિવાજી મહારાજ હૉસ્પિટલમાં દર્દીઓની તપાસ કરવા ડૉક્ટરો સમયસર આવતા નથી અને દર્દીઓને દવાઓ પણ મળતી નથી.