You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમેરિકાએ ભારત પર લાદ્યો 25 ટકા ટેરિફ, શું કારણ આપ્યું?
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફની જાહેરાત કરી છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રૂથ સોશિયલ પર આપેલા પોતાના નિવેદનમાં કહ્યું કે એક ઑગસ્ટથી અમેરિકા ભારતથી આવનારી વસ્તુઓ પર 25 ટકા ટેરિફ લાગુ કરશે.
તેમણે કહ્યું, 'ભારત અમારું મિત્ર છે પરંતુ તેમના વધારે ટેરિફના કારણે અમે તેમની સાથે વેપાર ઓછો કર્યો છે.'
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈને હાલ ચર્ચા ચાલી રહી છે. સાથે જ ટ્રેડ ડીલ પર વાતચીત માટે આની ડેડલાઇન પહેલી ઑગસ્ટ નક્કી થઈ હતી.
આ દરમ્યાન ડેડલાઇન ખતમ થવાના બે દિવસ પહેલાં અમેરિકાના રાષ્ટ્રપતિએ ટેરિફની જાહેરાત કરી દીધી. એમણે પોતાના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રૂથ સોશિયલ પર આની ઘોષણા કરી છે.
ભારત સરકારે જણાવ્યું કે તે ટ્રમ્પની ટિપ્પણીની અસરોનો અભ્યાસ કરી રહી છે.
સરકારે કહ્યું કે તે "ભારતીય ખેડૂતો, ઉદ્યોગસાહસિકો અને નાના વેપારીઓનાં રક્ષણ અને તેમનાં હિત જાળવવાને સૌથી વધારે મહત્ત્વ આપે છે."
"આપણા રાષ્ટ્રીય હિત જાળવવા માટે સરકાર તમામ જરૂરી પગલાં લેશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું?
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ભારત અને અમેરિકા મિત્ર છે પણ પાછલાં ઘણાં વર્ષોથી એની સાથે ઓછો વેપાર થઈ રહ્યો હતો કારણ કે એમણે ટેરિફ વધારે લગાવ્યો છે જે દુનિયામાં સૌથી વધારે છે.
ટ્રૂથ સોશિયલ પર ટ્રમ્પે લખ્યું કે ભારતની સાથે કોઈ પણ દેશની સરખામણીમાં ગેર-આર્થિક વેપાર પ્રતિબંધિત છે. આ સાથે તે મોટા પ્રમાણમાં પોતાના સૈન્ય સરંજામનાં સાધનો રશિયા પાસેથી ખરીદે છે. આ સમયમાં બધા ઇચ્છે છે કે રશિયા યુક્રેનમાં કત્લેઆમ બંધ કરે. ઊર્જા ખરીદી મામલે ચીનની સાથે મોટું ખરીદદાર છે.
તેના પછી ટ્રમ્પે લખ્યું છે કે, "આ બધાં સારાં નથી. ભારતને પેનલ્ટી સાથે 25 ટકા ટેરિફ ભરવું પડશે જે 1 ઓગસ્ટથી શરૂ થશે. આ મામલે ધ્યાન આપવા બદલ ધન્યવાદ, મેક અમેરિકા ગ્રેટ અગેન."
ટ્રમ્પે પહેલાં જ સંકેત આપ્યા હતા
અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફની ડેડલાઇન ખતમ થવાના બે દિવસે પહેલાં મંગળવારે જ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યા હતા કે ભારત પર વધુ ટેરિફ લાદવામાં આવશે.
ટ્રમ્પે કહ્યું હતું કે ભારત સાથે ટ્રેડ ડીલ હજુ પૂરી નથી થઈ, તેમણે કહ્યું કે ભારતે કોઈ પણ અન્ય દેશની સરખામણીમાં અમેરિકા પર વધુ ટેરિફ લગાવ્યો છે હવે તેઓ સત્તામાં છે, તો કોઈ દેશ આવું ન કરી શકે.
ઍરફોર્સ વન વિભાગમાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે ભારત સાથે વેપાર સમજૂતી અંગે જે સંકેત આપ્યા હતા, તેનાથી લાગતું હતું કે ટેરિફ ઘટાડવા કરવાના ભારતના પ્રયાસ હજુ સફળ થયા નથી.
આની પહેલાં ટ્રમ્પે કહ્યું હતું કે જે દેશ અમેરિકા સાથે અલગ-અલગ વેપાર સમજૂતી નહીં કરે, તેમને 15થી 20 ટકા ટેરિફનો સામનો કરવો પડશે.
ટેરિફ એટલે શું અને તે કેવી રીતે લાગુ થાય છે?
ટેરિફ એ અન્ય દેશોમાંથી આયાત થતી ચીજવસ્તુઓ પર વસૂલવામાં આવતો કર છે. જે કંપનીઓ દેશની અંદર વિદેશી સામાન લાવે, તે સરકારને કરવેરો ચૂકવે છે. સામાન્યપણે ટેરિફ એ કોઈ ઉત્પાદનના મૂલ્યની ટકાવારી હોય છે.
ચાઇનિઝ ચીજવસ્તુઓ પર 20 ટકા ટેરિફ લાદવાનો અર્થ થાય છે કે, 10 ડૉલરની કિંમતની વસ્તુ પર બીજો બે ડૉલરનો ચાર્જ વસૂલવામાં આવશે.
કંપનીઓ ટેરિફની અમુક કે સમગ્ર લાગત ગ્રાહકોના ખભે નાખવાનો વિકલ્પ અપનાવી શકે છે.
સામાન્યપણે અમેરિકા ચીજવસ્તુઓ પર અન્ય દેશો કરતાં નીચો ટેરિફ વસૂલે છે જેનો અર્થ એ કે, તેના પારસ્પરિક (રૅસિપ્રોકલ) પ્લાનને કારણે કરના દરોમાં તેમજ ચેક-આઉટ વખતે લોકોએ ચૂકવવાની રહેતી કિંમતમાં તીવ્ર ઉછાળો આવી શકે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન