ગળપણ માટે ખાંડના સ્થાને શુગર ફ્રીના ઉપયોગથી લાગી શકે છે આ ‘જીવલેણ’ બીમારીઓ, WHOએ કર્યો ખુલાસો

    • લેેખક, સુશીલાસિંહ
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત

ભારતમાં ઘરે આવેલા મહેમાનોને ચા-પાણી પૂછવાં એ એક સામાન્ય બાબત છે. મહેમાન જો શરબત કે લસ્સીના સ્થાને ચા પીવાની ઇચ્છા વ્યક્ત કરે તો બીજો પ્રશ્ન ચામાં ખાંડના પ્રમાણને લગતો હોય છે. જેના જવાબમાં ઓછી, વધુ કે બિલકુલ ખાંડ ન નાખવાનું કહેવાય એવું બને.

તમે મહેમાનોના મોઢે આ વાત ઘણી વાર સાંભળી હશે કે, “મેં સ્વાસ્થ્યની દૃષ્ટિએ ખાંડ લેવાનું બિલકુલ ત્યાગી દીધું છે. આજકાલ હું મારી ચા કે કૉફીમાં માત્ર શુગર ફ્રીનો ઉપયોગ કરું છું.”

પરંતુ જો તમને લાગતું હોય કે ખાંડ ત્યાગીને શુગર ફ્રી કે આર્ટિફિશિયલ સ્વીટનરનો ઉપયોગ કરવાથી વજન ઘટશે કે પછી તમે વધુ ફિટ અનુભવશો, તો જાણી લો કે એવું નહીં બને. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એટલે કે ડબ્લ્યૂએચઓનું આ કહેવું છે.

ડબ્લ્યૂએચઓની સલાહ

સંયુક્ત રાષ્ટ્રની સ્વાસ્થ્ય એજન્સી ડબ્લ્યૂએચઓએ પોતાનાં દિશાનિર્દેશોમાં નૉન-શુગર સ્વીટનરો (એનએસએસ)નો ઉપયોગ ન કરવાની સલાહ આપી છે. એનએસએસ એટલે કે એવી વસ્તુઓ જે ગળ્યા સ્વાદનો અનુભ કરાવે છે પરંતુ એ ખાંડ નથી.

ડબ્લ્યૂએચઓએ આ ભલામણો કેટલીક સમીક્ષાઓને આધારે કરી છે. સમીક્ષામાં સામે આવ્યું છે કે આર્ટિફિશિયલ સ્વીટનર વજન ઘટાડવા કે તેની સાથે સંબંધિત બીમારીઓના ખતરાને ઘટાડવા માટે મદદરૂપ નથી.

સાથે જ એવી પણ ખબર પડી છે કે ખાંડના સ્થાને એનએસએસના ઉપયોગથી પુખ્ત વયની વ્યક્તિઓ કે બાળકોને વજન ઘટાડવામાં લાંબા ગાળે મદદ મળતી નથી.

ડબ્લ્યૂએચઓના ન્યૂટ્રિશન ઍન્ડ ફૂડ સેફ્ટીના નિદેશક ફ્રાસેસ્કો બ્રાંકાએ જણાવ્યું હતું કે, “લોકોએ ખાંડનો ઉપયોગ ઘટાડવા માટેના અન્ય વિકલ્પો અંગે વિચારવું જોઈએ. જેમ કે ફળ કે એવા ખાદ્ય પદાર્થ અને પીણાં જેમાં પ્રાકૃતિક ગળપણ હોય અને તેમાં ખાંડ ન ઉમેરાઈ હોય.”

તેમના અનુસાર, “એનએસએમાં કોઈ પૌષ્ટિક તત્ત્વો નથી હોતાં. લોકો પોતાના સ્વાસ્થ્યમાં સુધારો લાવવા માટે આહારમાં ગળપણનો ઉપયોગ ઘટાડવાની શરૂઆત જલદી જ કરી દેવી જોઈએ.”

આર્ટિફિશયલ સ્વીટનરોમાં શું-શું હોય છે?

એનએસએસનો ઉપયોગ ટૂથપેસ્ટ, સ્કિન ક્રીમ અને દવાઓમાં પણ થાય છે, તો શું આપણે આનો ઉપયોગ કરવાનું પણ બંધ કરી દેવું જોઈએ?

ડબ્લ્યૂએચઓનું કહેવું છે કે તેમની આ ભલામણ સેલ્ફ-કૅર કે સાફસફાઈ માટે ઉપયોગી ઉત્પાદનો પર લાગુ નથી થતી.

સામાન્યપણે ઉપયોગમાં લેવાતા એનએસએસ સુકરાલોઝ, એસપાર્ટેમ, નીયોટેમ અને સ્ટીવિઆ છે. સર ગંગારામ હૉસ્પિટલમાં એન્ડોક્રાઇનોલૉજિસ્ટ અને મેટાબૉલિઝ્મ વિભાગના ડૉ. સુરેન્દ્રકુમાર જણાવે છે કે આ બધા આર્ટિફિશિયલ સ્વીટનર હોય છે. આનો ઉપયોગ એક-બે અઠવાડિયાં સુધી કરાય તો ઠીક પરંતુ લાંબા ગાળા સુધી તેનો ઉપયોગ કરવાથી વિપરીત અસર થાય છે.

એક ઉદાહરણ આપતાં તેઓ કહે છે કે, “સ્ટીવિઆનો ઉપયોગ છોડનાં પાન વડે સીધેસીધું ગળપણ મેળવવા માટે કરાય તો ઠીક પરંતુ કોઈ પણ પ્રકારના પ્રોસેસ્ડ ફૉર્મમાં એટલે કે ગોળીના ઉપયોગમાં એ હાનિકારક નીવડે છે.”

ડાયાબિટીસથી પીડિત લોકો તેનો ઉપયોગ કરે છે, અમે ડૉક્ટરને પણ આ વિશે પૂછ્યું.

પ્રશ્ન : ડાયાબિટીસના દર્દી માટે ખાંડના સ્થાને આવા કૃત્રિમ ગળપણવાળી ગોળીઓ લેવી જોઈએ?

જવાબ : ડાયાબિટીસના દર્દીઓએ એનએસએસ કોઈ પણ પ્રકારે ન લેવું જોઈએ. જો સ્વાદ માટે અમુક સમયે તમે એ લેવા માગતા હોય તો તેને ખૂબ જ નિયંત્રિત પ્રમાણમાં લેવું.

એનએસએસ શરીરમાં કેવી રીતે કામ કરે છે?

ડૉ. સુરેન્દ્ર જણાવે છે કે ખાંડની સરખામણીએ સ્વીટનરો 700 ગણા વધુ પાવરફુલ હોય છે. એ બ્રેનના એક ભાગને પ્રભાવિત કરે છે અને તેનાથી મેટાબૉલિઝ્મ પર અસર પડે છે.

તેની અસરને કારણે તમને વધુ ભોજન લો છો અને તેનાથી તમારું વજન વધે છે. તે બાદ જુદી જુદી બીમારીઓ લાગવાનો ખતરો વધી જાય છે.

કઈ બીમારીઓ લાગી શકે છે?

ડબ્લ્યૂએચઓ પ્રમાણે એનએસએસનો લાંબા ગાળા સુધી ઉપયોગ કરવાથી ટાઇપ-ટુ ડાયાબિટીસ અને હૃદયરોગ થવાની સંભાવના રહે છે. આ સિવાય તેનાથી મૃત્ય નીપજવાની પણ આશંકા રહે છે.

ડૉ. નીરૂ ગેરા જણાવે છે કે એનએસએસના ઉપયોગથી વજન વધશે જનાથી તમને બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલની સમસ્યા થશે અને તેનાથી હૃદયરોગનું જોખમ વધશે.

એનએસએસના ઉપયોગથી થનારી અન્ય બીમારીઓ વિશે ડૉ. સુરેન્દ્રકુમાર જણાવે છે કે, “ઘણા સમય સુધી આનો ઉપયોગ કરવાથી ડિપ્રેશન, માથાનો દુખાવો, ડાયાબિટીસ, હૃદયરોગ, બ્રેન ઍટેક અને કૅન્સર થવાનો ખતરો વધી જાય છે.”

તેઓ જણાવે છે કે શુગર ફ્રી સમજીને આઇસક્રીમ કે અન્ય ખાદ્ય પદાર્થ ખાવા લાગે છે પરંતુ તેઓ એ વાત ભૂલી જાય છે કે તેઓ કૅલરી તો લઈ જ રહ્યા છે. તેમણે એ સમજવાની જરૂર છે કે બધા પદાર્થ ઝીરો કૅલરી નથી.

તેમજ ગરમીમાં લોકો ડાયટ કોલા પીએ છે પરંતુ તેમાં ફૉસ્ફરસ હોય છે જેનાથી કિડની પર અસર થાય છે.

ખાંડ કેટલા પ્રમાણમાં લેવી?

ડૉક્ટરોનું કહેવું છે કે ગળ્યું ખાવાથી તમને ખુશી મળે છે, જેનાથી તાણમાં ઘટાડો થાય છે પરંતુ તમે કેટલા પ્રમાણમાં ગળ્યું ખાઈ શકે એ જાણવું મહત્ત્વપૂર્ણ છે.

ડૉક્ટર સંતુલિત પ્રમાણમાં ખાંડ લેવાની સલાહ આપે છે અને એ સિવાય વિકલ્પ તરીકે મૅપલ સિરપ અને ગોળ લેવાની સલાહ આપે છે.

તેમનું કહેવું છે કે, “જો તમે દરેક ખાદ્ય પદાર્થમાં શુગર લેશો તો તેનાથી શરીરમાં તેનું સ્તર વધશે. તમે ચા, કૉફી લો એ પહેલાં મોઢામાં એક બાજુએ થોડી ખાંડ મૂકી રાખો અને પછી ચા લો.”

તેઓ કહે છે કે, “જો તમે આવું ગમે તે ભોજન લેતા પહેલાં કરી શકો તો તમે આને નિયંત્રિત સ્તર સુધી રાખી શકો અને પૂરો સ્વાદ પણ માણી શકો.”

તેમજ ગોળ લેતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે તેને ચાવશો નહીં બલકે તેને ચૂસીને માણો. આનાથી એક લાભ એ થશે કે તમે વારંવાર ગોળ નહીં લો અને તમે લાંબા સમય સુધી ગળપણનો આનંદ માણી શકશો.

ડૉક્ટરો અનુસાર ખાંડ એક પ્રકારે ખુશીનો અહેસાસ કરાવે છે પરંતુ જરૂરિયાત કરતાં વધુ ખાંડ લેતાં જ એ તમારા શરીર માટે કડવી બની જશે.