કોલ્ડ-પ્લે: 30 મિનિટમાં જેના કોન્સર્ટની બધી ટિકિટો વેચાઈ ગઈ એ બૅન્ડ શું છે?

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

જાન્યુઆરી, 2025માં મુંબઈમાં યોજનારા ‘કોલ્ડ-પ્લે’ બૅન્ડના કોન્સર્ટની ટિકિટોનું વેચાણ 22 સપ્ટેમ્બરે વેચાણ શરૂ થયું પરંતુ 30 મિનિટમાં તો તેની તમામ ટિકિટો વેચાઈ ગઈ.

વિશ્વમાં સૌથી પ્રખ્યાત અને લોકપ્રિય ગણાતા આ મ્યુઝિક બૅન્ડની ‘મ્યુઝિક ઑફ ધ સ્ફિયર્સ વર્લ્ડ ટૂર’ ચાલી રહી છે. એ દરમિયાન આ બૅન્ડ જાન્યુઆરીમાં તે ભારતની મુલાકાતે આવવાનું છે.

વિશ્વ વિખ્યાત મ્યુઝિક બૅન્ડ કોલ્ડ-પ્લે ભારતમાં પણ એટલું જ લોકપ્રિય છે અને તેની પ્રતીતિ 22 સપ્ટેમ્બરે ટિકિટોનું વેચાણ શરૂ થતાની સાથે જ થઈ હતી.

ભારતમાં કોલ્ડ-પ્લેનો કોન્સર્ટ ક્યારે છે?

‘મ્યુઝિક ઑફ ધ સ્ફિયર્સ વર્લ્ડ ટૂર’ના ભાગરૂપે નવી મુંબઈના ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં કોલ્ડ-પ્લેની કોન્સર્ટ 18 અને 19 જાન્યુઆરીના રોજ યોજાશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

મ્યુઝિક ઑફ ધ સ્ફિયર્સ એ કોલ્ડ-પ્લેની આઠમી વર્લ્ડ ટૂર છે. તેની જાહેરાત 2021ની 14 ઑક્ટોબરે કરવામાં આવી હતી અને ગયા રવિવારે ભારતમાં તેના કોન્સર્ટની ટિકિટોનું વેચાણ શરૂ થયું હતું.

આ વર્લ્ડ ટૂરની પ્રથમ કોન્સર્ટ 2022ની 18 માર્ચે કૉસ્ટારિકામાં યોજવામાં આવી હતી અને 2025ની 31 ઑગસ્ટે લંડનના વેમ્બલી સ્ટેડિયમમાં યોજાનારી કોન્સર્ટ સાથે તે સમાપ્ત થશે.

આ વર્લ્ડ ટૂરની મુંબઈ કોન્સર્ટની ટિકિટોનું વેચાણ ગયા રવિવારે શરૂ થયું એ પછી કોલ્ડ-પ્લેના ભારતીય ચાહકોએ રીતસર કૂદકા માર્યા હતા.

'બૂક માય શો' નામની વૅબસાઇટ પર આ શોની ટિકિટોનું વેચાણ થયું હતું. 22 સપ્ટેમ્બરે બપોરે 12 વાગ્યાથી વેચાણ શરૂ થયું હતું.

એક જ સમયે જોરદાર ટ્રાફિકને કારણે વૅબસાઈટ ક્રૅશ થઈ ગઈ હોવાનું પણ જાણવા મળ્યું હતું.

બૂક માય શોના જણાવ્યા અનુસાર, ટિકીટ્સનું ઑનલાઈન વેચાણ શરૂ થયું ત્યારથી 1.3 કરોડ લોકોએ વૅબસાઈટની મુલાકાત લીધી હતી. 18 અને 19 જાન્યુઆરીના કોન્સર્ટની ટિકિટો માત્ર 30 મિનિટમાં વેચાઈ ગઈ હતી.

ચાહકોની વધતી માગણીને ધ્યાનમાં રાખીને આ મ્યુઝિક બૅન્ડે 21 જાન્યુઆરીએ એક વધુ કોન્સર્ટની જાહેરાત કરી હતી, પરંતુ એ કોન્સર્ટની ટિકિટો પણ તત્કાળ વેચાઈ ગઈ હતી. ફરી વૅબસાઈટ ક્રૅશ થઈ અને ટિકિટો ઝડપથી વેચાઈ ગઈ એટલે ચાહકો નિરાશ થયા હતા.

18, 19 અને 21 જાન્યુઆરીએ આ કોન્સર્ટ જ્યાં યોજાઈ રહી છે તે ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં 50 હજાર પ્રેક્ષકોને સમાવવાની ક્ષમતા છે. ત્રણ દિવસના કોન્સર્ટની દોઢ લાખ ટિકિટો ગણતરીની મિનિટોમાં વેચાઈ ગઈ હતી.

ટિકિટના કાળા બજાર પણ જોરમાં

ટિકિટની કિંમત અગાઉ રૂ. 2,000થી રૂ. 35,000 નક્કી કરવામાં આવી હતી, પરંતુ વધતી માંગને કારણે ટિકિટ કાળા બજારમાં વેચાતી હોવાની ફરિયાદો પણ ઊઠી છે.

બૂક માય શો પર તમામ ટિકિટો વેચાઈ ગઈ હોવાનું દર્શાવવામાં આવે છે, પરંતુ અન્ય વૅબસાઈટ્સ પર મોંઘા દરે વેચાણ માટે ટિકિટો ઉપલબ્ધ કરાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

બૂક માય શોએ એક નિવેદનમાં ખુલાસો કર્યો છે કે એ તમામ ટિકિટ નકલી છે. ત્રણ દિવસ માટે કુલ દોઢ લાખ ટિકિટો ઉપલબ્ધ હતી. વૅબસાઈટ ક્રૅશ થઈ જતાં બૂક માય શોના યુઝર્સે નારાજગી વ્યક્ત કરી હતી.

ટિકિટ ન મળવાને કારણે નારાજ થયેલા ચાહકોએ આક્ષેપ કર્યો છે કે ટિકિટના વેચાણની વ્યવસ્થા યોગ્ય ન હતી.

બૂક માય શોએ ચેતવણી આપી છે કે અન્ય ઘણી અનધિકૃત વૅબસાઈટ્સ પર ઊંચા દરે ટિકિટનાં કાળા બજાર ચાલી રહ્યાં છે અને એવી ટિકિટને અમાન્ય ગણવામાં આવશે.

કોલ્ડ-પ્લે અને તેનો ચાહક વર્ગ

કોલ્ડ-પ્લે બ્રિટિશ રૉક બૅન્ડ છે. તેની શરૂઆત 1997માં થઈ હતી અને આજે તે વિશ્વના સૌથી પ્રખ્યાત મ્યુઝિક બૅન્ડ્સ પૈકીનું એક છે.

ગીતકાર તથા પિયાનોવાદક ક્રિસ માર્ટિન, ગિટારવાદક જોની બકલંડ, બેઝ ગિટારિસ્ટ ગાય બેરીમૅન અને ડ્રમર વિલ ચૅમ્પિયન એમ ચાર સંગીતકારોએ મળીને કોલ્ડ-પ્લે બૅન્ડ બનાવ્યું છે.

એ ઉપરાંત મ્યુઝિક બૅન્ડના મૅનેજર તરીકે કામ કરતા ફિલ હાર્વેને કોલ્ડ-પ્લેના પાંચમાં સભ્ય ગણવામાં આવે છે.

કોલ્ડ-પ્લેએ 1999માં મ્યુઝિક કંપની પાર્લોફોન સાથે તેમના પ્રથમ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. વર્ષ 2000માં રિલીઝ થયેલા ‘પેરાશૂટ્સ’ આલ્બમ સાથે કોલ્ડ-પ્લે વિશ્વ પ્રસિદ્ધ બૅન્ડ બની ગયું હતું.

તે આલ્બમનું “યલો” નામનું ગીત ઘણું લોકપ્રિય થયું હતું. એ પછીનું દરેક આલ્બમ એટલું જ હિટ સાબિત થયું છે. કોલ્ડ-પ્લે તેના કોન્સર્ટ માટે જેટલું વિખ્યાત છે, એટલું જ વિખ્યાત તેનાં ગીતો માટે છે.

હાલ ચાલી રહેલી ‘મ્યુઝિક ઑફ ધ સ્ફિયર્સ’ કોલ્ડ-પ્લેની આઠમી વર્લ્ડ કોન્સર્ટ ટૂર છે.

આઠ વર્ષ પહેલાં ગ્લોબલ સિટીઝન ફેસ્ટિવલ ટૂરના ભાગરૂપે કોલ્ડ-પ્લેનો કોન્સર્ટ ભારતમાં યોજાયો હતો.

સંગીત અને સાંસ્કૃતિક જગત પર કોલ્ડ-પ્લેની અસર અને તેને મળેલો પ્રતિસાદ વિવાદાસ્પદ છે.

સૌથી વધુ ઍવૉર્ડ્સ મેળવનાર મ્યુઝિક બૅન્ડની યાદીમાં કોલ્ડ-પ્લે છઠ્ઠા ક્રમાંકે છે. સૌથી વધુ વેચાતા મ્યુઝિક આલ્બમથી લઈને સ્પોટીફાઈ પર સૌથી વધુ સ્ટ્રીમ થયેલા આલ્બમ સુધીના તમામ રેકૉર્ડ કોલ્ડ-પ્લેના નામે છે.

કોલ્ડ-પ્લેના ચાર સંગીતકારોની કુલ સંપત્તિ 471 મિલિયન યુરોની છે.

કોલ્ડ-પ્લેના ગીત ‘ઍન્થમ ફૉર વીકઍન્ડ’નું ફિલ્માંકન ભારતમાં કરવામાં આવ્યું હતું. આ ગીતને યુટ્યૂબ પર 20 લાખ વ્યૂઝ મળ્યા છે, જ્યારે તેનું હાયર પાવર ગીત સ્પેસ સ્ટેશન પરથી રિલીઝ કરવામાં આવ્યું હતું. તેની બહુ ચર્ચા થઈ હતી.

સંગીત દ્વારા સામાજિક ચેતના જાળવી રાખવાનું પગલું

કોલ્ડ-પ્લે એકમાત્ર એવું મ્યુઝિક બૅન્ડ છે, જે માત્ર તેનાં ગીતો માટે જ નહીં, પરંતુ તેની સામાજિક ભૂમિકા માટે પણ જાણીતું છે. આ બૅન્ડ શરૂઆતથી જ તેના નફાના દસ ટકા નાણાંનું દાન સામાજિક હેતુઓ માટે કરતું રહ્યું છે.

કોલ્ડ-પ્લે આબોહવા પરિવર્તન, ગરીબી અને વિકાસશીલ દેશોના વ્યાપાર કરારોની અસરોની વાત પણ કરે છે.

કોલ્ડ-પ્લેની વર્તમાન વર્લ્ડ ટૂરે એર્વીના કોન્સર્ટ કરતાં 47 ટકા ઓછું પ્રદૂષણ સર્જ્યું છે.

કોલ્ડ-પ્લેનો ઉદ્દેશ તેમના કોન્સર્ટ્સનું આયોજન પર્યાવરણને અનુકૂળ રીતે કરીને પર્યાવરણ સંરક્ષણના મહત્ત્વને ઉજાગર કરવાનો હોય છે.

એ ઉપરાંત કોલ્ડ-પ્લેએ તેમના વિવિધ કોન્સર્ટ્સ દ્વારા સમયાંતરે જાતિવાદ તથા એલજીબીટી સમુદાયથી માંડીને પેલેસ્ટાઈન મુક્તિ જેવા વિવિધ મુદ્દાઓ પર સુધારાવાદી વલણ અપનાવ્યું છે.

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.