હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં કોની સરકાર બનશે, ઍક્ઝિટ પોલ શું કહે છે?

પ્રકાશિત
વાંચવાનો સમય: 6 મિનિટ

જમ્મુ-કાશ્મીરમાં ત્રણ તબક્કામાં તમામ 90 બેઠકો પર મતદાન પૂર્ણ થઈ ગયું છે. જ્યારે હરિયાણામાં તમામ 90 બેઠકો પર શનિવારે સાંજે 6 વાગ્યે મતદાન પૂર્ણ થયું હતું.

તે પછી, ઍક્ઝિટ પોલનાં પરિણામ પણ આવી ગયાં છે.

આગળ વધતા પહેલાં તમને જણાવી દઈએ કે આ ઍક્ઝિટ પોલ છે અને અંતિમ પરિણામ નથી. જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી માટે મત ગણતરી 8 ઑક્ટોબરે થશે, જેની માહિતી બીબીસી ગુજરાતી પર મળતી રહેશે.

ઍક્ઝિટ પોલ એ માત્ર અલગ-અલગ સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલો સર્વે છે. આના પરથી કોઈ અંતિમ તારણ કાઢી શકાય નહીં.

જમ્મુ-કાશ્મીરના ઍક્ઝિટ પોલ શું કહે છે?

જમ્મુ-કાશ્મીરમાં ઇન્ડિયા ટુડે-સી વોટરના ઍક્ઝિટ પોલ અનુસાર, ભાજપને 27થી 32 બેઠક મળી શકે છે. કૉંગ્રેસ અને નૅશનલ કૉન્ફરન્સ ગઠબંધન 40થી 48 બેઠક જીતી શકે છે. જ્યારે પીડીપીને 6થી 12 બેઠક મળી શકે છે. અન્યને 6થી 11 બેઠક મળશે તેવી શક્યતા છે.

ઇન્ડિયા ટુડે-સી વોટરના ઍક્ઝિટ પોલ મુજબ, કાશ્મીર ક્ષેત્રની 47 બેઠકોમાંથી ભાજપને 0થી 1 બેઠક, કૉંગ્રેસ અને નૅશનલ કૉન્ફરન્સને 29થી 33 બેઠક મળવાની ધારણા છે.

જમ્મુ ક્ષેત્રમાં ભાજપને 27-31 અને કૉંગ્રેસને 11થી 15 બેઠક તેમજ પીડીપીને 0થી 2 સીટ મળે તેવી શક્યતા આંકવામાં આવી છે.

જમ્મુ અને કાશ્મીરમાં એક્સિસ-માય ઇન્ડિયાના ઍક્ઝિટ પોલ મુજબ કૉંગ્રેસ અને નૅશનલ કૉન્ફરન્સ ગઠબંધનને 35થી 45 બેઠક, ભાજપને 24થી 34, પીડીપીને 4થી 6 અને અપક્ષને 8થી 23 બેઠક મળવાની ધારણા છે.

ભાસ્કર રિપોર્ટર્સના ઍક્ઝિટ પોલમાં જમ્મુ-કાશ્મીરમાં કૉંગ્રેસ અને નૅશનલ કૉન્ફરન્સના ગઠબંધનને 35થી 40 અને ભાજપને 20થી 25 બેઠકો આપવામાં આવી છે. જ્યારે પીડીપીને માત્ર 4થી 7 બેઠકો જ મળશે તેવું દર્શાવાયું છે. અન્યને 12થી 18 સીટો આપવામાં આવી છે.

ગુલિસ્તાન ન્યૂઝના ઍક્ઝિટ પોલમાં ભાજપને 28થી 30 બેઠક, કૉંગ્રેસ અને નૅશનલ કૉન્ફરન્સને 31થી 36, પીડીપીને 5થી 7 અને અન્યને 10થી 17 બેઠક મળશે તેવી શક્યતા છે.

હરિયાણાનું ચિત્ર કેવું છે?

ઇન્ડિયા ટુડે સી વોટરના ઍક્ઝિટ પોલ મુજબ, હરિયાણાની 90 બેઠકમાંથી કૉંગ્રેસને 50થી 58 બેઠક, ભાજપને 20થી 28, જનનાયક જનતા પાર્ટી એટલે કે જેજેપીને 0થી 2 અને અન્યને 10થી 14 બેઠક મળશે તેવું જણાવાયું છે.

ભાસ્કર રિપોર્ટર્સ પોલમાં કૉંગ્રેસને 44થી 54, ભાજપને 19થી 29, જેજેપીને 0થી 1, ઇન્ડિયન નૅશનલ લોકદળને 1થી 5 અને આમ આદમી પાર્ટીને 0થી 1 બેઠકો મળશે તેવું દર્શાવાયું છે.

રિપબ્લિક મેટ્રિક્સ મુજબ, હરિયાણામાં કૉંગ્રેસને 55થી 62 સીટ, ભાજપને 18થી 24, જેજેપીને 0થી 3, ઇન્ડિયન નૅશનલ લોકદળને 3થી 6 અને અન્યને 2થી 5 સીટ મળશે એવું બતાવાયું છે.

હરિયાણામાં ધ્રુવ રિસર્ચના ઍક્ઝિટ પોલમાં કૉંગ્રેસને 50થી 64, ભાજપને 22થી 32, જેજેપીને 0, ઇન્ડિયન નૅશનલ લોકદળને 0, આમ આદમી પાર્ટીને 0 અને અન્યને 2થી 8 બેઠકો આપવામાં આવી છે.

એક્સિસ માય-ઇન્ડિયાના ઍક્ઝિટ પોલમાં કૉંગ્રેસને 53થી 65, ભાજપને 18થી 18, જેજેપીને 0, ઇન્ડિયન નૅશનલ લોકદળને 1થી 5, આમ આદમી પાર્ટીને 0 અને અન્યને 3થી 8 બેઠકો મળવાની ધારણા છે.

ઍક્ઝિટ પોલ વિશે ઓમર અબ્દુલ્લા શું બોલ્યા?

નૅશનલ કૉન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ શનિવારે જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીના ઍક્ઝિટ પોલનાં પરિણામોને નકાર્યાં હતાં અને કહ્યું હતું કે 8 ઑક્ટોબરે મતગણતરીના અંતે આવેલા આંકડા જ મહત્ત્વના રહેશે.

ઓમર અબ્દુલ્લાએ સોશિયલ મીડિયા ઍક્સ પર ટ્વીટ કરીને લખ્યું હતું કે, "મને આશ્ચર્ય થાય છે કે ચેનલો ઍક્ઝિટ પોલ મુદ્દે પરેશાન છે, ખાસ કરીને તાજેતરની સામાન્ય ચૂંટણીની નિષ્ફળતા પછી. હું ચેનલો, સોશિયલ મીડિયા, વૉટ્સઍપ વગેરે પરના તમામ ઘોંઘાટ પર ધ્યાન આપતો નથી, કારણ કે 8 ઑક્ટોબરે જ આંકડા જાહેર થશે, બાકી ટાઇમપાસ છે."

હરિયાણાના ઍક્ઝિટ પોલનાં પરિણામો પછી આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સુશીલ ગુપ્તાએ કહ્યું હતું કે, "હરિયાણાના લોકોએ પરિવર્તન માટે મત આપ્યો છે. તેઓએ ભાજપના ઘમંડ, ભ્રષ્ટાચાર, અપરાધ અને વધતી બેરોજગારી સામે મતદાન કર્યું છે. તમે 8 ઑક્ટોબરે પરિણામ જોશો તો આશ્ચર્યમાં ગરકાવ થઈ જશો."

આમ આદમી પાર્ટી પહેલી વખત હરિયાણામાં 90 બેઠક પર ચૂંટણી લડી રહી છે.

ઍક્ઝિટ પોલ શું હોય છે, તે કેવી રીતે કરવામાં આવે છે?

ઍક્ઝિટનો અર્થ થાય છે બહાર નીકળવું. તેથી ઍક્ઝિટ શબ્દ જ જણાવે છે કે આ પોલ (ચૂંટણી) શું છે. મતદાતા મતદાન કરીને બૂથની બહાર નીકળે છે ત્યારે તેને પૂછવામાં આવે છે કે તમે ક્યા પક્ષ કે ઉમેદવારને મત આપ્યો છે તે જણાવવા ઇચ્છો છો.

ઍક્ઝિટ પોલ કરાવતી કંપનીઓ તેમના લોકોને પોલિંગ બૂથ બહાર ઊભા રાખે છે. મતદાતાઓ બૂથમાંથી બહાર આવતા જાય તેમ-તેમ તેઓને પૂછવામાં આવે છે કે તેમણે કોને મત આપ્યો છે. વડા પ્રધાનપદ માટે તમને પસંદ ઉમેદવાર કોણ છે વગેરે જેવા કેટલાક અન્ય સવાલો પણ પૂછવામાં આવે તે શક્ય છે.

સામાન્ય રીતે એક પોલિંગ બૂથ પર પ્રત્યેક દસમો મતદાતા અથવા મતદાન મથક બહું મોટું હોય તો પ્રત્યેક વીસમા મતદાતાને સવાલ પૂછવામાં આવે છે. મતદાતાઓ પાસેથી મળેલી માહિતીનું વિશ્લેષણ કરીને ચૂંટણીનું પરિણામ શું હશે, તેનો તાગ મેળવવાના પ્રયાસ કરવામાં આવે છે.

ભારતમાં ઍક્ઝિટ પોલ કરતી મુખ્ય એજન્સીઓ કઈ છે

સી-વોટર, ઍક્સિસ માય ઇન્ડિયા અને સીએનએક્સ ભારતની ચૂંટણીનું વિશ્લેષણ કરતી કેટલીક મુખ્ય એજન્સીઓ છે. ચૂંટણી સમયે અનેક નવી કંપનીઓ પણ આવે છે, જે ચૂંટણી પૂર્ણ થતાં જ ગાયબ થઈ જાય છે.

ઍક્ઝિટ પોલ સંબંધી નિયમ-કાયદા શું છે?

લોકપ્રતિનિધિત્વ કાયદા, 1951ની કલમ 126એ હેઠળ ઍક્ઝિટ પોલનું નિયમન કરવામાં આવે છે. ભારતમાં ચૂંટણી પંચે ઍક્ઝિટ પોલ સંબંધે કેટલાક નિયમો બનાવ્યા છે. એ નિયમોનો હેતુ ચૂંટણી પર કોઈ પણ પ્રકારનો પ્રભાવ ન પડે તે સુનિશ્ચિત કરવાનો હોય છે.

ચૂંટણીપંચ ઍક્ઝિટ પોલ બાબતે સમયાંતરે દિશાનિર્દેશ બહાર પાડે છે. તેમાં જણાવવામાં આવે છે કે ઍક્ઝિટ પોલ કરવાની રીત કેવી હોવી જોઈએ. એક સામાન્ય નિયમ એવો છે કે ઍક્ઝિટ પોલનું તારણ મતદાનના દિવસે પ્રસારિત કરી શકાતું નથી.

ચૂંટણી પ્રક્રિયા શરૂ થવાથી છેલ્લા તબક્કાનું મતદાન પૂર્ણ થયાના અડધા કલાક સુધી ઍક્ઝિટ પોલનાં તારણ પ્રકાશિત કરી શકાતાં નથી. એ સિવાય ઍક્ઝિટ પોલનું પરિણામ મતદાન પછી પ્રકાશિત કરવા માટે સર્વેક્ષણ એજન્સીએ ચૂંટણી પંચની પરવાનગી લેવી પડે છે.

ઍક્ઝિટ પોલનાં તારણ સામાન્ય રીતે સાચા હોય છે, ખરાં?

પ્રોફેસર સંજયકુમાર તેને હવામાન વિભાગના અનુમાનના સંદર્ભમાં જુએ છે. તેઓ કહે છે, “ઍક્ઝિટ પોલનાં તારણ પણ હવામાન વિભાગનાં અનુમાનો જેવાં જ હોય છે. ઘણીવાર બહુ સટિક હોય છે, ઘણીવાર વાસ્તવની આસપાસ હોય છે, જ્યારે ઘણીવાર ખોટાં હોય છે. ઍક્ઝિટ પોલમાં મતદાનની ટકાવારી અને તેના આધારે પક્ષોને મળનારી બેઠકોનું અનુમાન કરવામાં આવે છે.”

તેઓ કહે છે, “2004ની ચૂંટણી આપણે ભૂલવી ન જોઈએ. એ વખતે તમામ ઍક્ઝિટ પોલ્સના તારણમાં કહેવામાં આવ્યુ હતું કે અટલ બિહારી વાજપેયીની સરકાર ફરી સત્તા પર આવશે. પરંતુ તમામ ઍક્ઝિટ પોલ ખોટાં સાબિત થયાં હતાં અને ભારતીય જનતા પાર્ટી હારી ગઈ હતી.”

અલગ-અલગ ઍક્ઝિટ પોલનાં અનુમાન અલગ-અલગ કેમ?

આ સવાલના જવાબમાં એક ઉદાહરણ આપતાં પ્રોફેસર સંજયકુમાર કહે છે, “ઘણીવાર એક જ બીમારીનું નિદાન અલગ-અલગ ડૉક્ટરો અલગ-અલગ રીતે કરતા હોય છે. ઍક્ઝિટ પોલ્સમાં પણ એવું હોઈ શકે છે. અલગ-અલગ એજન્સીઓએ અલગ-અલગ સૅમ્પલિંગ કે અલગ રીતે ફિલ્ડ વર્ક કર્યું હોય એ તેનું કારણ હોઈ શકે છે. કેટલીક એજન્સીઓ ફોન મારફત ડેટા એકઠો કરતી હોય છે. જ્યારે કેટલી એજન્સીઓ પોતાના લોકોને ફિલ્ડમાં મોકલતી હોય છે. તેથી પરિણામ અલગ-અલગ હોઈ શકે છે.”

ભારતમાં પહેલી વાર ઍક્ઝિટ પોલ ક્યારે થયો હતો?

ભારતમાં બીજી સામાન્ય ચૂંટણી વખતે 1957માં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક ઓપિનિયને પહેલી વખત ઇલેક્શન પોલ કર્યો હતો. ઇન્સ્ટિટ્યૂટના વડા ઍરિક ડી કોસ્ટાએ ચૂંટણી સર્વેક્ષણ કર્યું હતું, પરંતુ તેને સંપૂર્ણ રીતે ઍક્ઝિટ પોલ કહી શકાય નહીં.

એ પછી 1980માં ડૉ. પ્રણય રોયે પહેલીવાર ઍક્ઝિટ પોલ કર્યો હતો. તેમણે 1984ની ચૂંટણીમાં બીજી વખત ઍક્ઝિટ પોલ કર્યો હતો. એ પછી 1996માં દૂરદર્શને ઍક્ઝિટ પોલ કર્યો હતો. એ પોલ પત્રકાર નલિની સિંહે કર્યો હતો, પરંતુ તેના આંકડા મેળવવા માટે સીએસડીએસએ ફિલ્ડ વર્ક કર્યું હતું.

એ પછીથી આ સિલસિલો સતત ચાલતો રહ્યો છે. એ સમયે એક-બે ઍક્ઝિટ પોલ્સ થતા હતા, જ્યારે આજકાલ ડઝનબંધ ઍક્ઝિટ પોલ્સ થાય છે.

દુનિયાના બીજા દેશોમાં પણ ઍક્ઝિટ પોલ કરવામાં આવે છે?

ભારત પહેલાં અનેક દેશોમાં ઍક્ઝિટ પોલ થતા રહ્યા છે. અમેરિકા, દક્ષિણ અમેરિકા, યુરોપ, દક્ષિણ એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયા સહિત દુનિયાભરના અનેક દેશોમાં ઍક્ઝિટ પોલ હાથ ધરવામાં આવે છે.

સૌથી પહેલો ઍક્ઝિટ પોલ અમેરિકામાં 1936માં હાથ ધરવામાં આવ્યો હતો. જ્યોર્જ ગેલપ અને ક્લૉડ રોબિન્સને ન્યૂયોર્ક શહેરમાં એક ચૂંટણી સર્વેક્ષણ કર્યું હતું. તેમાં મતદાન કરીને બહાર નીકળેલા મતદાતાઓને પૂછવામાં આવ્યું હતું કે તેમણે પ્રમુખપદ માટે ક્યા ઉમેદવારને મત આપ્યો હતો?

આ રીતે મેળવવામાં આવેલા આંકડાઓનું વિશ્લેષણ કરીને તારણ કાઢવામાં આવ્યું હતું કે ફ્રૅંકલિન ડી રુઝવેલ્ટ ચૂંટણી જીતશે. રુઝવેલ્ટ વાસ્તવમાં જીત્યા હતા. એ પછી ઍક્ઝિટ પોલ અન્ય દેશોમાં પણ લોકપ્રિય થયા હતા. 1937માં બ્રિટનમાં પહેલો ઍક્ઝિટ પોલ થયો હતો, જ્યારે ફ્રાંસમાં 1938માં પહેલો ઍક્ઝિટ પોલ થયો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.