બોલીવૂડ રૅપર બાદશાહને આટલી લોકપ્રિયતા છતાં કઈ વાતનો રંજ છે?

    • લેેખક, શહેઝાદ લોહાર અને અંકુર દેસાઈ
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત

જો તમે બોલિવૂડ ક્લબ નાઇટમાં તમે જે ગીત પોતાની જાતને નાચતા રોકી ના શકો, તો એ બાદશાહનું જ ગીત હોય એવી શક્યતા પ્રબળ છે.

'અભી તો પાર્ટી શુરુ હુઈ હૈ...', 'કાલા ચશ્મા...' અને 'બેબી કો બૅસ પસંદ હૈ...' જેવાં હિટ ગીતો સાથે રૅપરે લગભગ એક દાયકાથી ભારતીય સંગીત વિશ્વ પર પ્રભુત્વ જમાવ્યું છે.

"ઇટ્સ યોર બૉય બાદશાહ" આ ઉક્તિ જેમના થકી ખ્યાતનામ થઈ છે તે ખુશમિજાજ માણસ કોઈપણ પાર્ટીના કેન્દ્રમાં હોય છે.

પણ તે સ્વીકારે છે આવી રીતે આકર્ષણના પાત્ર હોવું એ અઘરું છે.

“તમે મને કોઈ પણ સ્થળે કેન્દ્રમાં નહીં જુઓ. હું હંમેશાં ખૂણામાં બેઠો હોઉં છું” તેમણે બીબીસીને જણાવ્યું.

“મને એ હકીકત ગમે છે કે ઘણાં લોકો મને પસંદ કરે છે અને હું તેમનો પ્રેમ અનુભવી શકું છું. પણ આવી લોકપ્રિયતા થોડી અસહજ કરનારી હોય છે.”

37 વર્ષના આ કલાકારના ઘણા ગીતો યુકેમાં એશિયન મ્યુઝિકલ ચાર્ટમાં મોખરે છે. તેમણે શનિવારથી જ તેમની યુકે યાત્રાનો આરંભ લંડનથી કર્યો છે પણ તેમનું વ્યક્તિ તેમના સંગીત કરતાં પણ વિશાળ છે.

તેમને તમે નિયમિત રીતે ટીવી જાહેરાતો, સોશિયલ મીડિયા કૅમ્પેઇન અને ટેલેન્ટ શોને હોસ્ટ કરતા પણ જોઈ શકો છો.

‘હું મારી નબળાઈઓ વિશે વાત કરું છું’

જોકે તેમની આ યાત્રા સરળ નથી રહી. તેના બદલે તે કબૂલે છે કે તે પોતાનાં માનસિક સ્વાસ્થ્ય સાથે સંઘર્ષ કરી રહ્યા છે અને કહે છે કે આ માટે તેમણે સમયસર કોઈ પ્રોફેશનલની મદદ માંગી હોત તો સારું હોત.

દિલ્હીમાં જન્મેલા બાદશાહ કહે છે, "થેરાપી મહત્ત્વપૂર્ણ છે અને તમારે એ સમજવાની જરૂર છે કે તે સહજ છે, તે ઘણું સહજ છે."

બાદશાહનું સાચું નામ આદિત્ય પ્રતીકસિંહ સિસોદિયા છે તેઓ કહે છે કે તેઓ 'ક્લિનિકલ ડિપ્રેશન' અને અજંપા (ઍંગ્ઝાઇટી)ની સમસ્યાથી પીડાય છે, જેની દવા લેવી જરૂરી છે.

માનસિક સ્વાસ્થ્ય વિશે વાત કરવી એ દક્ષિણ એશિયાઈ સમુદાયોમાં સહેલી બાબત નથી જ્યાં આ મુદ્દાને વારંવાર અવગણવામાં આવે છે.

પણ તેઓ માને છે કે ઘાવ પર મલમ લગાવવા જેટલી સરળ સારવાર હોવી જોઈએ.

તેઓ કહે છે, "એમાં વાત ન કરવા જેવું શું છે?"

"કંઈક ખોટું હોય તો તેને સ્વીકારવાની તાકાત હોવી જોઈએ અને જો કંઈક ખોટું છે તો ચાલો તેને ઠીક કરીએ."

બાદશાહ કહે છે કે તેમની સારવાર સાથે સાથે સંગીત એક સાધન બની ગયું જે તેમને તેમના વિચારોને રજૂ કરવાની આઝાદી આપે છે.

2014માં લંડનથી પાછા ફરતી વખતે ફ્લાઇટમાં તેમને એ અહેસાસ થયો. એ સમયે તેમણે કહ્યું કે તેમને પૅનિક ઍટેકનો અનુભવ થઈ રહ્યો છે.

તેઓ કહે છે, “મને લાગ્યું કે તે હાર્ટ ઍટેક છે કારણ કે તે સમયે ખૂબ ગભરામણ થતી હતી.”

“મેં મારો ફોન બહાર કાઢ્યો ને લખવા લાગ્યો. 15 મિનિટમાં મેં હળવાશ અનુભવી, હું સામાન્ય થઈ ગયો. અને એ સમયે મને લાગ્યું કે તે સંગીત છે.”

“તે મદદ કરે છે જ્યારે પણ હું કોઈ કપરી સ્થિતિમાંથી પસાર થતો હોઉં ત્યારે હું તેને લખી દઉં છું.”

તેમના પાર્ટી ટ્રૅક્સ માટે વખણાતા બાદશાહ કહે છે કે તેમના 2020 આલ્બમ 'ધ પાવર ઑફ ડ્રીમ્સ ઑફ અ કિડ' નામના આલ્બમના ‘ફોકસ’ અને ‘ઘર સે દૂર’ જેવાં ગીતો "ભાવનાત્મક રીતે એકદમ પારદર્શી છે."

તેઓ માને છે કે આ પ્રકારના ખુલ્લાપણાને કારણે તેમને તેમના “સાચા ચાહકો” મળ્યા છે.

"જ્યાં હું શેતાન વિશે વાત કરું છું, ત્યારે હું ખૂબ અસુરક્ષિત અનુભવતો હોઉં છું." તે કહે છે.

“હું લોકોને જણાવવા માગુ છું”

બાદશાહ કહે છે કે તેઓ તેમની આ લોકપ્રિયતાનો ઉપયોગ બાળકોનાં શિક્ષણને ઉત્તેજન આપવા જેવાં સારાં કામો માટે કરવા માટે ખૂબ જ ઉત્સાહી છે.

વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારતમાં વાણી સ્વાતંત્ર્યને કથિત રીતે પ્રતિબંધિત કરવા માટે તેની ટીકા પણ થતી રહે છે. જાહેર જીવનમાં રહેલી વ્યક્તિઓને પણ વિવાદાસ્પદ મુદ્દાઓ પર ટિપ્પણીઓ કરવા બદલ વિવાદોનો ભોગ બનીને આકરાં અનુભવો કરવા પડે છે.

આ બાબતે બાદશાહ કહે છે, "તમારા શબ્દોનું અલગ અલગ અર્થઘટન થઈ શકે છે તે સમજવું મહત્ત્વપૂર્ણ છે."

તે કહે છે, "એક કલાકાર તરીકે, કેટલીકવાર તમને ખ્યાલ નથી હોતો કે તમારી અસર હકારાત્મક અને નકારાત્મક બંને છે. આખરે તો તમે એક જવાબદાર નાગરિક છો. તેથી તમારે ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું પડે છે."

બાદશાહ કહે છે કે તેમનો "પ્રાથમિક ઉદ્દેશ મનોરંજન કરવાનો છે", અને તે તેમના માટે મહત્ત્વના મુદ્દાઓ, જેમકે બાળકોનું શિક્ષણ અને આબોહવા પરિવર્તન વગેરે માટે પોતાની લોકપ્રિયતાનો ઉપયોગ કરવાનું પસંદ છે.

“જે સારાં કાર્યો છે” તે કહે છે.

"જો હું તે સફળતાપૂર્વક કરીશ, તો મને ખુશી થશે."

ભારતની વિશાળ જનસંખ્યામાં ઘણા ચાહકો અને વૈશ્વિક ઓળખ હોવાની સાથે, એકદમ શાંતિપૂર્ણ જીવન જીવવું મુશ્કેલ બની શકે છે, તો બાદશાહ પોતાની વ્યસ્તતામાંથી પોતાના માટે કેવી રીતે સમય કાઢે છે?

બાદશાહ કહે છે,"મારાં માતાપિતા સાથે હિમાલયના પર્વતોમાં જવું અને શાંત સંગીત સાંભળવું એ મારો પરમ આનંદ છે. મને આવું એક અઠવાડિયું આપો અને મારી પાસેથી એક વર્ષ લઈ લો."