You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ડ્રેક્યુલા : શક્તિશાળી મુસ્લિમ સૈન્યને હરાવનાર 'ઊંઘતા લોકોનું લોહી ચૂસનારા' રાજાની કહાણી
- લેેખક, બીબીસી વર્લ્ડ ન્યૂઝ
- પદ, .
- પ્રકાશિત
બ્રામ સ્ટોકરે સર્જેલા સાહિત્યિક પાત્ર ડ્રેક્યુલાએ વેમ્પાયર એટલે કે સૂતેલા માણસનું લોહી ચૂસી લેતા ભૂત બાબતે આખા વિશ્વને ઘેલું કર્યું હતું. તેના ઘણા સમય પહેલાં ભવ્ય મૂછોવાળા એક રાજકુમારે ઓટ્ટોમન આક્રમણકારોને ભગાડીને પોતાના માટે ભારે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી.
એ રાજકુમારનું નામ વ્લાદ તૃતીય ડ્રેક્યુલા હતું અને તેના સમયમાં તેની અટકમાં કશું ડરામણું નહોતું. એ નામ તેને તેના પિતાએ આપ્યું હતું. તેના પિતા રાજકુમારો અને કુલીન લોકો માટેના એક શાહી સંગઠન 'ઑર્ડર ઑફ ડ્રેગન'ના સભ્ય હતા. તેની સ્થાપના 1408માં હોલી ક્રૉસના રક્ષણ અને કૅથલિક ચર્ચના દુશ્મનો સામે લડવા માટે કરવામાં આવી હતી.
ડ્રેક્યુલાનો અર્થ જ ડ્રેગનનો પુત્ર હતો. વાસ્તવમાં તે ઉપનામ હતું, જે તેને બાદમાં મળ્યું હતું. વ્લાદ ધ ઇમ્પેલરનું નામ, હાલના રોમાનિયામાં આવેલા વૉલાશિયાના રાજકુમારની માફક દંતકથાનો હિસ્સો અને ક્રૂરતાનો પર્યાય બની ગયું હતું અને બની રહ્યું છે. યુરોપિયન ઇતિહાસમાં આવું જૂજ લોકોના સંદર્ભમાં સાંભળવા મળે છે.
ડ્રેક્યુલા તેના કેદીઓના વિવિધ પ્રકારે ફાંસી આપવા માટે સમગ્ર યુરોપ ખંડમાં પ્રખ્યાત હતો. તે કેદીઓને શિરચ્છેદથી માંડીને તેમને ચૂલા પર ઉકાળવા અને તેમને જીવતા દાટી દેવા સહિતની અનેક રીતે મૃત્યુદંડ આપતો હતો.
જોકે, કેદીના શરીરમાં અણિયાળા ભાલા ભોંકીને મૃત્યુદંડ આપવાનું તેને સૌથી વધારે ગમતું હતું. એ કારણે તેને હુલામણું નામ મળ્યું હતું. ગુનેગારના નિતંબની વચ્ચે લાકડાનો ખૂંટો કાળજીપૂર્વક ઘૂસાડવામાં આવતો હતો, જે આખરે તેના ખભાની નીચેના હિસ્સામાંથી બહાર નીકળતો હતો.
આ ક્રૂર પદ્ધતિને કારણે શરીરના તમામ અંગ અકબંધ રહેતા હતા. તેથી ગુનેગારે મૃત્યુના ઓછામાં ઓછા 48 કલાક સુધી અકલ્પનીય વેદના ભોગવવી પડતી હતી.
વાજબી રીતે કહીએ તો મધ્યયુગીન યુરોપમાં પરાજિત દુશ્મનોને શરીરમાં સળિયા ભોંકીને મારી નાખવાનું સામાન્ય ગણાતું હતું.
દાખલા તરીકે, તેમના પિતરાઈ ભાઈ સ્ટીફન સેલ મેર(સ્ટીફન ધ ગ્રેટ)એ 1473માં તુર્કીના એકની ઉપર એક એમ 2,300 કેદીઓની નાભીમાં સળિયા ઘૂસાડીને મૃત્યુદંડ આપ્યો હતો. તેમના મૃત્યુના થોડા સમય સુધી તેમને સંત તરીકે પૂજવામાં આવતા હતા અને 1992માં રોમાનિયન ઓર્થોડોક્સ ચર્ચે તેમને સંત તરીકે માન્યતા આપી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમ છતાં સ્ટીફન ધ ગ્રેટના કૃત્યના એક દાયકા પહેલાં ડ્રેક્યુલાએ આચરેલા હત્યાકાંડનો વ્યાપ એટલો મોટો હતું કે તેણે તેના વંશજોમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
ઇતિહાસકાર અને લેખક રિચર્ડ સુગે બીબીસી હિસ્ટરી એકસ્ટ્રા સામયિકમાં તેની વધુ વિગત જણાવી હતી.
હિંસક યુવાવસ્થા
વ્લાડ ધ ઇમ્પેલરનો જન્મ 1431માં રોમાનિયાની મધ્યમાં આવેલા ટ્રાન્સીલ્વેનિયામાં થયો હતો. તે ઉમરાવ વ્લાડ દ્વિતિય ડ્રાકુલનો બીજો પુત્ર હતો.
1453માં કૉન્સ્ટેન્ટિનોપોલ પતન પછી ઓટ્ટોમન આક્રમણના સતત ભય હેઠળની હિંસક અસ્થિરતાભરી દુનિયાના ખ્રિસ્તી યુરોપમાં તેનો ઉછેર થયો હતો.
તેના પિતા વૉલાશિયાના ગવર્નર હતા અને તેઓ ઓટ્ટોમન સામ્રાજ્ય પ્રત્યે નિષ્ઠા દાખવે એ માટે તેમના પર દબાણ લાવવા 11 વર્ષની વયે વ્લાડને તેના ભાઈ રાડુ સાથે બંધક બનાવવામાં આવ્યો હતો.
ટ્રાન્સીલ્વેનિયાના શાસક અને હંગેરીના મહત્ત્વના રાજકીય તથા લશ્કરી અગ્રણી જ્હૉન હુન્યાદીએ આપેલા આદેશને પગલે વ્લાડના પિતાની 1447માં હત્યા કરવામાં આવી હતી. એ જ વર્ષે તેના મોટા ભાઈને મિર્સિયા દ્વિતિયને જીવતો દાટી દેવામાં આવ્યો તો.
ડ્રેક્યુલા બચી ગયો હતો અને 1448ની પાનખરમાં થોડા સમય સુધી તેણે વૉલાશિયા પર શાસન કર્યું હતું. એ પછી એપ્રિલ-1456થી જુલાઈ-1462 સુધી અને ત્યાર બાદ 1476માં મૃત્યુ સુધી તેણે વૉલાશિયા પર શાસન કર્યું હતું.
કતલેઆમ
ઓટ્ટોમન સામ્રાજ્ય સામેના ચતુર અને લોહી તરસ્યા લડવૈયા તરીકેની ડ્રેક્યુલાની દંતકથાનો જૂન-1462માં અંત આવ્યો હતો.
બળવાખોર રાજકુમારને જીતી લેવા વારંવારના નિષ્ફળ પ્રયાસો પછી અધીરા બનેલા સુલતાન મેહમદ દ્વિતિયએ 90,000 સૈનિકો એકત્ર કરીને વૉલાશિયા પર ચડાઈ કરી હતી, પરંતુ તુર્કીની સેના તાર્ગોવિસ્ટે શહેરની નજીક પહોંચી અને ભયંકર દૃશ્ય જોયું ત્યારે તે પ્રભાવશાળી ઘેરાબંધીના વેગ તથા મનોબળ પર જબરો ફટકો પડ્યો હતો.
મહેમેદના ભૂતપૂર્વ ઓટ્ટોમન સૈન્યના 23,844 બંધકોને લગભગ દોઢ કિલોમીટર વિસ્તારમાં અર્ધવર્તુળ આકારમાં ભાલાઓ પર જડી દેવામાં આવ્યા હતા.
જીવંત કે મૃત લોકોનું માંસ ખાતા અથવા ખોપરીઓ તથા સડેલા મૃતદેહોમાં માળા બાંધતાં શિકારી પક્ષીઓને બાદ કરતાં ઉનાળાની એ ગરમીમાં મોતની દુર્ગંધ અસહ્ય હતી.
ભયંકર જંગલે મેહમેદના સૈન્યને નિરાશ કર્યું હતું. એ જંગલમાં ડ્રેક્યુલાના માણસોએ અન્ય વેશ ધારણ કરીને અને ગેરીલા યુક્તિના ઉપયોગ વડે તેમને ધીમેધીમે ખતમ કરી નાખ્યા હતા. બચી ગયેલા સૈનિકો ભાગી છૂટ્યા હતા.
તે પાગલ હતો?
તેનાં ક્રૂરતાભર્યાં અનેક કૃત્યોના આજે ઉચ્ચ પદ પરની મનોરુગ્ણ વ્યક્તિ દ્વારા કરવામાં આવેલાં કૃત્યો ગણાવી શકાય.
તેણે દુશ્મનોને પરિવહનનાં સાધન તથા ખોરાકથી વંચિત રાખી શકાય એટલા માટે પ્રાણીઓની હત્યા કરાવી હતી અને જૈવિક યુદ્ધ લડ્યો હતો. તેણે રક્તપિત, સિફિલિસ, ક્ષય રોગ અને પ્લેગથી પીડાતા લોકોને “તુર્કી શૈલીના વસ્ત્રો પહેરીને દુશ્મન દેશના સૈનિકો સાથે ભળી જવા પ્રોત્સાહિત કર્યા હતા.”
બીજી ઘટનાઓ તેના રોગીષ્ઠ માનસનો પરિચય આપે છે. એવી એક ઘટનામાં ઇટાલિયન રાજદૂતોએ તેની હાજરીમાં માથા પર ટોપી પહેરી રાખી ત્યારે તેણે એ કૃત્યને તેના પ્રત્યેનો અનાદર ગણ્યું હતું અને ઇટાલિયન રાજદૂતોનાં માથાં પર ખીલા ઠોકીને ટોપી જડી દીધી હતી.
એક અન્ય ઘટનામાં તેણે વૃદ્ધ, માંદા, ગરીબ, અપંગ તથા આંધળા લોકો માટે તાર્ગોવિસે મેસ હૉલમાં ભવ્ય મિજબાનીનું આયોજન કર્યું હતું અને તેમાં આવેલા બધા લોકોને જીવતા બાળી મૂક્યા હતા. “સામાજિક રીતે હલકી ગુણવત્તાવાળા લોકોની નાબૂદીની ઉજવણી” તેણે બાદમાં કરી હતી.
તે ઊંઘતા લોકોનું લોહી ચૂસી લેતું ભૂત હતો?
તેને લોકોનું લોહી પીવાની આદત હોય એવું લાગતું નથી. (જો તે ઇચ્છતો હોત તો લોહીની નદીઓ વહાવી શક્યો હોત)
અલબત, સમગ્ર ટ્રાન્સીલ્વેનિયા ઉપનગરને આગ ચાંપી દીધા પછી અને બંદીવાનોને ખીલા વડે જડી દીધા બાદ, તેના સૈનિકો પીડિતોનાં અંગો કાપી રહ્યા હતા ત્યારે તેણે રાત્રીભોજન લીધું હોવાની એક કથા જરૂર સાંભળવા મળે છે.
“માણસનું દડતું લોહી જોઈને તેને હિંમત મળતી હતી એટલે તેણે પીડિતોના લોહીમાં ડુબાડેલી રોટલી ખાધી હતી,” એવું તે કથામાં જણાવવામાં આવ્યું છે.
આવી તથ્યપૂર્ણ જણાતી વિગતોને લીધે ચોપાનિયાંનું મોટા પ્રમાણમાં ઉત્પાદન તથા વેચાણ થયું હતું અને મૃત્યુ બાદ તેની દંતકથાનો વ્યાપક પ્રસાર થયો હતો.
બ્રામ સ્ટોકર તેમની નવલકથા લખતાં પહેલાં રોમાનિયાના આ રાજકુમાર વિશે વાંચ્યું હતું. સ્ટોકરની 1897ની નવલકથા ડ્રેક્યુલાનું મુખ્ય પાત્ર આ રાજકુમાર પર આધારિત હોવાનું માનવામાં આવે છે, પરંતુ તેનું સમર્થન કરતા કોઈ પુરાવા નથી.
તેનું મૃત્યુ કેવી રીતે થયું?
તે સંભવતઃ ડિસેમ્બર, 1476ની વાત છે. તુર્કી દળો અને તેના રોમાનિયન હરીફ બાસરબ તૃતીય લાયોયા સાથેની અથડામણ બાદ તેણે શાસક તરીકેના ત્રીજા કાર્યકાળનો પ્રારંભ કર્યો હતો.
એક તુર્ક વ્યક્તિને તેના સેવક તરીકે નોકરીએ રાખવામાં આવ્યો હતો અને તુર્કી સેવકે તેના પર પાછળથી હુમલો કર્યો હોવાનું માનવામાં આવે છે. અંગરક્ષકોએ તેને બચાવવાના ભરપૂર પ્રયાસ કર્યા હતા, પરંતુ આખરે તેની હત્યા કરવામાં આવી હતી અને તેનું માથું વાઢી નાખવામાં આવ્યું હતું.
તુર્કો તેનું કપાયેલું મસ્તક કૉન્સ્ટેટિનોપલ લઈ ગયા હતા અને વેર વાળ્યાના પ્રતીક તરીકે તેને ઊંચા ખીલા પર જડી દીધું હતું.
સ્થાનિક સાધુઓને તેનું ધડ બુકારેસ્ટ નજીકના જંગલમાંથી મળી આવ્યુ હતું. તેઓ તેને સ્નેગોવ આઇલૅન્ડ મૉનેસ્ટ્રીમાં લઈ ગયા હતા અને યુરોપમાં ખ્રિસ્તી ધર્મના એક મહાન, એકલવીર તરીકેની તેમની પ્રતિષ્ઠાને માન આપ્યું હતું.
જોકે, સમકાલીન રશિયનો તેને રોમન કૅથલિક ધર્મ માટે ઑર્થોડોક્સ ક્રિશ્ચિયાનિટી છોડી ગયેલો પાખંડી માનતા હતા.
આ બધાને કારણે એવી શંકા સર્જાઈ હતી કે તેને કબરમાં પણ શાંતિ મળશે નહીં. એ સાથે, ઊંઘતા લોકોનું લોહી ચૂસી લેતા વેમ્પાયરની દંતકથાનો જન્મ થયો હતો.
તેને કેવી રીતે યાદ કરવામાં આવે છે?
તેને લોહી તરસ્યા જુલમી શાસક અને રાષ્ટ્રીય નાયક એમ બે વિરોધાભાસી સ્વરૂપે યાદ કરવામાં આવે છે.
તેનાં જઘન્ય કૃત્યોનું વિવરણ ધરાવતાં ચોપાનિયાં 15મી અને 16મી સદીમાં બેસ્ટ સેલર બન્યાં હતાં, પરંતુ વાસ્તવિક ડ્રેક્યુલા, નવલકથાના આગમન પહેલાંની લોકપ્રિય હૉરર શૈલીનું એક રસપ્રદ ઉદાહણ પુરું પાડે છે, જે મનોરંજક છે.
પંદરમી સદીના મોટા ભાગના સમયગાળા સુધી યુરોપિયન ખ્રિસ્તી જગતનો ભાગ્યે જ કોઈ શાસક તેમના સૌથી મોટા રાજકીય તથા ધાર્મિક દુશ્મન મુસ્લિમ તુર્કો સામે લડવા તૈયાર હતો.
શક્તિશાળી ઓટ્ટોમન સામ્રાજ્યએ કૉન્સ્ટેન્ટિનોપલમાંના પ્રાચીન પવિત્ર સ્થળને 1453માં કબજે કર્યું હતું અને1529માં વિયેનાને ઘેરી લીધું હતું.
મેહમેદ દ્વિતિય સામેની ડ્રેક્યુલાની લડાઈ કંઈક અંશે રોમાનિયાની ભૌગોલિક સ્થિતિનું પરિણામ હતી. એ વ્યવહારિક હતી અને તેણે લડેલી લડાઈઓ તેમજ ખ્રિસ્તીઓ પર કરેલા અત્યાચારો જેવી જ હતી. તેમાં સંખ્યાબંધ સાધુઓની હત્યા કરવામાં આવી હતી.
જોકે, રોમાનિયન ખ્રિસ્તી ધર્મના તારણહાર તરીકેનો તેમનો દરજ્જો પ્રચંડ અને અડીખમ હતો.