વાસ્કો દ ગામા જ્યારે ખતરનાક વાવાઝોડાં અને જોખમી દરિયામાં અડધું વિશ્વ પાર કરીને ભારત પહોંચ્યા

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત

કોલંબસ ભારત તરફ જવાનો માર્ગ શોધતાં-શોધતાં અમેરિકા પહોંચી ગયા તે બાદ પૉર્ટુગલના રાજા જૉને ભારત પહોંચવા માટે સમુદ્રમાર્ગ શોધવાનું બીડું ઝડપ્યું. રાજાએ આ કામ માટે ત્રણ મોટાં જહાજ બનાવવાનો આદેશ આપ્યો, પરંતુ બરાબર એ જ સમયે તેઓ માંદા પડ્યા.

ભારત તરફ જવાનો માર્ગ શોધવાની તેમની ઇચ્છા પૂર્ણ થાય એ પહેલાં જ તેમણે દુનિયાને અલવિદા કહી દીધી. પરંતુ તેમના વારસ ઇમૅનુઅલ પણ ભારત સુધી પહોંચવાનો માર્ગ શોધવા માટે એટલા જ તલપાપડ હતા. પોતાના આ અભિયાન માટે તેમણે કમાન્ડર તરીકે વાસ્કો દ ગામા પર પસંદગીનો કળશ ઢોળ્યો.

વાસ્કોએ પોતાની સાથે જનારાં બે જહાજોના કમાન્ડર તરીકે પોતાના ભાઈ પાઓલો અને મિત્ર નિકોલસને પસંદ કર્યા. 25 માર્ચ 1497 રવિવારની સવારે લિસ્બનના માર્ગો પર જનમેદની ઊમટી પડી હતી. એ દિવસે કોઈ મોટી, અસાધારણ ઘટના ઘટવાની હતી.

એક ચોકમાં સ્થિત ગિરજાઘરમાં પોતાના મંત્રીઓથી ઘેરાયેલાં પૉર્ટુગલનાં રાજા અને રાણી બેઠાં હતાં. તેમની સામે એક પડદો લાગેલો હતો. ગિરજાઘરના બિશપ વાસ્કો દ ગામાના અભિયાન માટે વિશેષ પ્રાર્થના કરી રહ્યા હતા. પ્રાર્થના પૂરી થતાં જ રાજા ઇમૅનુઅલ પડદા પાછળથી બહાર આવ્યા. ત્રણેય જહાજના કમાન્ડરોએ ઘૂંટણભેર બેસીને તેમનું અભિવાદન કર્યું.

ભયંકર વાવાઝોડાનો કર્યો સામનો

રાજાના હાથ ચૂમ્યા બાદ વાસ્કો દ ગામા એક અરબી ઘોડા પર બેઠા અને એક સરઘસમાં સૌથી આગળ ચાલવા માંડ્યા. તેમની સાથે અન્ય બે ઘોડા પર તેમના ભાઈ પાઓલો અને મિત્ર નિકોલસ હતા. તેમની પાછળ ચમકદાર ગણવેશ પહેરેલા નાવિકો કદમતાલ મિલાવીને ચાલી રહ્યા હતા.

વાસ્કો દ ગામાનું જુલૂસ બંદરે પહોંચતાં જ તોપ ફોડીને તેમનું સ્વાગત કરાયું. વાસ્કો પોતાના ઘોડાથી ઊતરીને પોતાના જવાહ ‘સેન રાફેલ’ પર ચઢ્યા. જહાજે બંદર છોડ્યું ત્યારે ત્યાં હાજર લોકોએ હાથ હલાવીને વાસ્કોનું અભિવાદન કર્યું.

જવાબમાં ડેક પર ઊભેલા વાસ્કો અને તેમના સાથીદારોએ પણ હાથ હલાવ્યા. હવા વિરુદ્ધ દિશામાં ચાલી રહી હોઈ વાસ્કોનું જહાજ બીજા દિવસ લિસ્બનથી થોડે દૂર બેલેમ સુધી જ પહોંચી શક્યું હતું. ત્રીજા દિવસે હવાની દિશા અને મિજાજ બદલાયાં અને ગામાનો બેડો ઝડપથી પોતાના અભિયાન પર ચાલી પડ્યો.

જૉર્જ એમ. ટોલે પોતાના પુસ્તક ‘ધ વોયાજેસ ઍન્ડ ઍડ્વૅન્ચર્સ ઑફ વાસ્કો દ ગામા’માં લખે છે, “ત્રણેય જહાજ એક સાથે ચાલી રહ્યાં હતાં. આ જહાજ એકમેકની એટલી નિકટ હોતાં કે જહાજના કમાન્ડર ડેક પર ઊભા ઊભા એકબીજા સાથે વાત કરી શકતા. કનારી આઇલૅન્ડ પાર કરતાં જ તેમનો સામનો એક મોટા વાવાઝોડા સાથે થયો.”

“જ્યારે મોજાં શાંત પડ્યાં ત્યારે વાસ્કોનું જહાજ ‘સેન રાફેલ’ ક્યાંય દેખાઈ નહોતું રહ્યું. પરંતુ પાઓલો અને કોએલોએ કેપ વર્ડેની તરફ આગળ વધવાનું ચાલુ રાખ્યું. જ્યારે તેઓ કેપ વર્ડે પહોંચ્યા ત્યારે ત્યાં વાસ્કોના જહાજને ઊભેલું જોઈ તેમને હાશકારો અનુભવાયો. તેમણે બ્યુગલ ફૂંકીને અને તોપ ફોડીને આ મિલનનું સ્વાગત કર્યું.”

“ઘણા મહિનાના સફર બાદ વાસ્કોની ટીમ સેન્ટ હેલેના બે પહોંચી. ત્યાં રહેતા અમુક લોકોએ વાસ્કોના દળ પર હુમલો કર્યો. વાસ્કો તીર વાગતાં ઈજાગ્રસ્ત થયા પરંતુ સદ્ભાગ્યે કોઈનું મોત નહોતું થયું.”

જહાજ પર બળવો

જ્યારે વાસ્કો આગળ વધ્યા તો એક દિવસ અચાનક એક મોટું વાવાઝોડું ત્રાટક્યું. વાવાઝોડું એટલું ભયાનક હતું કે જહાજના ડેક પર પણ પાણી ભરાઈ ગયું. પવન એટલી તીવ્ર ગતિથી ફૂંકાઈ રહ્યો હતો કે ઊડી જવાની બીકે વાસ્કોના નાવિકોએ પોતાની જાતને દોરડા વડે બાંધી લીધી. જહાજમાંથી એટલી તીવ્રતાવાળા અવાજો આવી રહ્યા હતા કે એવું લાગી રહ્યું હતું કે ગમે એ ક્ષણે તેના ટુકડેટુકડા થઈ જશે. નાવિક એટલા ગભરાઈ ગયા કે તેમણે વાસ્કોને પૉર્ટુગલ પરત ફરવાની અપીલ કરી. પરંતુ વાસ્કોએ તેમની વાત માનવાનો ઇનકાર કરી દીધો. તેમણે કહ્યું, “આપણે કાં તો ભારત પહોંચીશું કાં તો અહીં જ મરીશું.”

સંજય સુબ્રમણ્યમ પોતાના પુસ્તક ‘ધ કરિયર ઍન્ડ લેજેન્ડ ઑફ વાસ્કો દ ગામા’માં લખે છે, “વાવાઝોડું અટકતાં જ ત્રણેય જહાજ એક સાથે આગળ વધવા લાગ્યાં. ‘સેન રાફેલ’ના નાવિક ‘સેન ગેબ્રિએલ’ અને ‘સેન મિગુએલ’ના પોતાના સાથીદારોને પોતાના કમાન્ડરના આદેશોની અવગણના કરવા માટે ઉશ્કેરવા લાગ્યા.”

“વાસ્કોએ આ વિદ્રોહને કચડવા માટે તમામ વિદ્રોહીઓને બંદી બનાવ્યા અને કહ્યું કે જ્યાં સુધી તેઓ પૉર્ટુગલ પરત નથી પહોંચતાં તેમને સાંકળે બાંધીને રાખવામાં આવશે. વાસ્કોના આ પગલાને કારણે વિરોધ સંપૂર્ણપણે કચડી શકાયો.”

મેલિંદાના રાજાએ વાસ્કોનું સ્વાગત કર્યું

આ વાવાઝોડાએ ત્રણેય જહાજોને ઘણું નુકસાન પહોંચાડ્યં હતું. જહાજોમાં ઘણી જગ્યાએ કાણાં પડી ગયાં હતાં. જહાજ પર પીવાના પાણીની તંગી થઈ ગઈ હતી અને રસોઈયાએ ભોજન રાંધવા માટે સમુદ્રના પાણીનો ઉપયોગ કરવો પડી રહ્યો હતો.

આના દિવસ બાદ વાસ્કોનો બેડો એક નદીના સમુદ્ર સાથેના સંગમસ્થળે પહોંચ્યો. વાસ્કોએ આ જગ્યાએ જહાજ લાંગરવાનો નિર્ણય કર્યો.

ત્રણેય જહાજોનું બારીકાઈથઈ નિરીક્ષણ કરાયું. તેના પરથી ખબર પડી કે ‘સેન્ટ મિગુએલ’ હવે આગળ વધવાની સ્થિતિમાં નથી તેથી તેને ત્યાં જ છોડીને તેના નાવિકોને અન્ય બે જહાજોમાં શિફ્ટ કરવાનો નિર્ણય લેવાયો.

માર્ચના અંત ભાગમાં વાસ્કોએ મોઝામ્બિકના બંદરે જહાજ લાંગર્યાં પરંતુ ત્યાંના શેખના વિરોધી વલણને જોતાં વાસ્કોએ આગળ વધવાનો નિર્ણય કર્યો. કિનારે કિનારે આગળ વધતાં તેઓ મેલિંદા પહોંચ્યા, જ્યાંના રાજાએ ઊષ્માભેર તેમનું સ્વાગત કર્યું.

ત્યાંના રાજા વાસ્કોના જહાજ પર તેમને મળવા પહોંચ્યા. વાસ્કોએ પોતાની સામે એક ખુરશી મુકાવી અને રાજાને તેના પર બેસવા જણાવ્યું. ત્યાં હાજર એક આફ્રિકન ગુલામે બંને વચ્ચે દુભાષિયાનું કામ સંભાળ્યું.

જ્યારે વાસ્કોએ આગળ વધવાની પરવાનગી માગી તો રાજાએ કહ્યું કે તેમણે અહીં આગામી ત્રણ માસ સુધી રાહ જોવી પડશે, તે બાદ અનુકૂળ સમુદ્રી પવનો ફૂંકાશે અને તેઓ ભારત તરફ આગળ વધી શકશે.

વાસ્કોએ આ સમયનો ઉપયોગ પોતાનાં જહાજોના સમારકામમાં કર્યો. જહાજમાં તાજા પાણીની ખેપ લાવવામાં આવી અને જહાજને માંસ, શાકભાજી અને ફળોથી ભરી દેવાયાં જેથી આગામી સમયમાં તેનો ઉપયોગ કરી શકાય.

ભારતનો કિનારો જોતાં જ વાસ્કો દ ગામા ભાવુક થયા

છ ઑગસ્ટના રોજ વાસ્કો દ ગામાએ પોતાની યાત્રા આગળ ધપાવી. અત્યાર સુધી તેઓ સમુદ્રમાં કિનારે કિનારે આગળ વધી રહ્યા હતા. હવે તેમણે પહેલી વાર ખુલ્લા સમુદ્રમાં જવાનું હતું. આ દરમિયાન વાસ્કો મેલિંદાથી લવાયેલા અમુક અશ્વેત લોકો સાથે દુભાષિયા મારફતે વાત કરીને ભારત અને તેના લોકો વિશે જાણકારી ભેગી કરી રહ્યા હતા.

તેના 19 દિવસ બાદ એક સવારે મેલિંદાથી સાથે આવેલા એક માલમે વાસ્કો ને કહ્યું, “કૅપ્ટન, મને લાગે છે કે આપણે ભારતના કિનારાની નજીક છીએ. બની શકે કે આપણને કાલ સવાર સુધી ભૂમિનાં દર્શન થઈ જાય. એ રાત્રે વાસ્કો ઊંઘી ન શક્યા.”

જૉર્જ એમ. ટોલે લખે છે કે, “સવારે તેઓ પોતાના સાથીદારો સાથે જહાજના ડેક પર પહોંચી ગયા. તેમની નજર પૂર્વ દિશામાં ટકેલી હતી જેથી તેઓ ભૂમિની પહેલી ઝલક મેળવી શકે. એ જ સમયે લોકોનો ઘોંઘાટ સંભળાયો, ભૂમિ, ભૂમિ, ભૂમિ. એક ક્ષણ બાદ જહાજના પાઇલટે વાસ્કો સામે માથું નમાવ્યું અને પોતાની ધ્રૂજતી આંગળી વડે પૂર્વ તરફ ઇશારો કરતાં કહ્યું, કૅપ્ટન, એ રહી ભારતની ધરતી. ત્યાં હાજર નાવિકોની આંખમાંથી ખુશીનાં આંસુ વહેવા માંડ્યાં. વાસ્કો ઈશ્વરનો આભાર માનવા માટે ઘૂંટણિયે બેસી ગયા. તેમના સાથીદારોએ તેમનું અનુસરણ કર્યું.”

જહાજને સ્થાનિક હોડીઓ ઘેરી વળી

જ્યારે કિનારે રહેલા લોકોએ તટ પાસે જહાજોને લાંગરતાં દૃશ્ય જોયાં અમુક માછીમાર પોતાની હોડીઓ લઈને તેમની પાસે ગયા. તેમણે જણાવ્યું કે કાલીકટ ત્યાંથી 12 માઇલના અંતરે દક્ષિણ દિશામાં આવેલું છે. વાસ્કોને દૂરથી જ કાલીકટના ઘુમ્મટ અને મિનાર દેખાઈ ગયા.

બીજા દિવસે સૂર્યોદય થતાં જ વાસ્કોનાં બંને જહાજોને ઘણી નૌકાઓ ઘેરી વળી. તેના પર અશ્વેત ભારતીયો સવાર હતા. તેમના શરીરનો ઉપલો ભાગ ઉઘાડો હતો પરંતુ શરીરના નીચલા ભાગને તેમણે ભાતીગળ કપડાંથી ઢાંકેલો હતો. આ લોકો આ લોકો કોણ છે અને તેઓ અહીં કેમ આવ્યા છે? એ જાણવા માટે ખૂબ આતુર હતા.

એ હોડીઓ પૈકી અમુક માછીમારોની હતી. વાસ્કોએ તેમને જોતાં માછલી ખરીદવાની પેશકશ કરી દીધી. તટ પર કેટલીક અજાણી વ્યક્તિઓ પહોંચી હોવાની વાત ત્યાંના રાજા ઝામોરિનના કાને પડી.

તેમણે માછીમારોને આદેશ કર્યો કે તેઓ અંજીર, નારિયેળ અને મરઘા લઈને ફરી વખત એ જહાજો સુધી જાય અને આગંતુકો વિશે સંભવ હોય એટલી માહિતી મેળવવાનો પ્રયત્ન કરે.

વાસ્કોએ રાજા ઝામોરિન આપી ભેટ

ઘણા દિવસોની મંત્રણા બાદ નક્કી થયું કે વાસ્કો રાજા ઝામોરિનને મળવા કાલીકટ જશે. તે તેમને ભેટ કરવા સાથે લાલ કપડું. મલમલ, પીળું સાટીન, 50 ટોપી, 50 હાથી દાંતના હાથાવાળા ચપ્પુ અને કિંમતી કપડા વડે મઢેલ એક ખુરશી લઈ ગયા.

સંજય સુબ્રહમણ્યમ લખે છે, “વાસ્કોએ વાદળી સાટીનથી બનેલ એક ટ્યૂનિક પહેરેલી હતી. તેમના કમરપટ્ટા પર સોનાના હાથાવાળું ચપ્પુ લટકી રહ્યું હતું. તેમના માથે વાદળી રંગની મલમલની ટોપી હતી જેમાં સફેદ પીછું લાગેલું હતું. તેમણે સફેદ રંગનાં પગરખાં પહેરેલાં હતાં. તેમની આગળ તેમના 12 ગાર્ડ ચાલી રહ્યા હતા. તેમના હાથમાં રાજા માટે જાતભાતની ભેટો હતી. આ જુલૂસની આગળ કેટલાક પૉર્ટુગીઝો બ્યુગલ વગાડતાં ચાલી રહ્યા હતા.”

ચારે તરફ એટલી ભારે ભીડ જામી ગઈ હતી કે ખૂબ મુશ્કેલીથી વાસ્કોને કચડાતા બચાવી શકાયા. એ સમયે વાસ્કો વિચારી રહ્યા હતા કે કાશ પૉર્ટુગલના લોકો આ દૃશ્ય જોઈ શક્યા હોત કે ભારતમાં તેમનું કેવી રીતે સન્માન કરાઈ રહ્યું છે.

વાસ્કોની ઝામોરિન સાથે મુલાકાત

જ્યારે વાસ્કો ઝામોરિન સામે પહોંચ્યા તો તેમણે ત્રણ વખત તેમની સામે પોતાનું શીશ ઝુકાવ્યું. ઝામોરિને તેમની પાસે મુકાયેલી એક ખુરશી તરફ ઇશારો કરતાં વાસ્કોને તેના પર બેસવા કહ્યું. તે બાદ તેમની સામે અંજીર અને કેળા મૂકી દેવાયા. ફળ ખાધા બાદ પૉર્ટુગલના લોકો તરસ્યા થયા.

જૉર્જ એમ. ટોલે લખે છે, “તેમને કહેવાયું કે તેઓ લોટાને પોતાના હોઠ ન અડકે એવી રીતે પાણી પીએ. તેમની હથેળી પાણી રેડાયું જે તેમણે પીધું. પરંતુ પાણી પીતી વખતે કેટલાકના ગળાની નીચે પાણી ન ઊતર્યું અને તેના કારણે થોડું પાણી કપડાં પર પડ્યું. આ દૃશ્ય જોઈને ઝામોરિન પોતાનું હાસ્ય ન રોકી શક્યા. વાસ્કોએ દુભાષિયા મારફતે ઝામોરિનને વિનંતી કરી કે તેઓ એ ખુરશી પર બેસે જે તેઓ ઝામોરિન માટે લાવ્યા છે.”

ટોલે લખે છે, “વાસ્કોએ ઝામોરિનને સંબોધિત કરતાં કહ્યું, તમે મહાન છો, સૌથી શક્તિશાળી રાજાઓ પૈકી એક છો. બધા તમારા કદમોની નીચે છે. પૉર્ટુગલના રાજાએ પોતાની શાનના કિસ્સા સાંભળ્યા છે અને તેમણે તમારી મિત્રતા માટે મારા મારફતે સંદેશો મોકલાવ્યો છે. જો તમે ઇચ્છો તો અમારાં વધુ જહાજો અહીં આવશે અને તમારી મહાનતાના કિસ્સા લઈને પરત પોતાના દેશ જશે. આપણા આ સંપર્કને કારણે કાલીકટના વેપારને પ્રોત્સાહન મળશે.”

ઝામોરિને આના જવાબમાં કહ્યું, તમે અહીં જે સામાન લેવા માટે આવ્યા છો એ બધી વસ્તુઓ તમે લઈ જઈ શકો છો. તમારા લોકો શહેરમાં જઈને મનોરંજન માણી શકે છે. તેમને કોઈ પણ પ્રકારે હેરાન નહીં કરાય.

અમુક મહિના રોકાયા બાદ પૉર્ટુગલ પરત ફર્યા

તે બાદ ઝામોરિને વાસ્કોને ઘણા સવાલ પૂછ્યા, જેમ કે પૉર્ટુગલ કેટલી દૂર છે? તેમનો દેશ કેટલો મોટો છે? ત્યાં શાની ખેતી થાય છે અને શું ઉત્પાદિત થાય છે? તેમની પાસે કેટલાં જહાજ છે? અને તેમનું સૈન્ય કેટલું મોટું છે?

વાસ્કોએ તેમના બધા પ્રશ્નોના જવાબ આપ્યા. જ્યારે વાસ્કો રાજાના મહેલેથી બહાર નીકળીને રસ્તે આવ્યા ત્યારે ત્યાં મુશળધાર વરસાદ થઈ રહ્યો હતો. તેમના સાથીદારોએ યેન કેન પ્રકારેણ ઘોડાની વ્યવસ્થા કરી પરંતુ તેના પર કોઈ ગાદી નહોતી તેથી વાસ્કો તેના પર ન બેઠા અને પલળતાં પલળતાં પગપાળા જ આગળ વધ્યા.

કાલીકટમાં અમુક મહિના સુધી રહ્યા બાદ નવેમ્બર 1498માં વાસ્કો પૉર્ટુગલ તરફ પાછા ફર્યા. આ સમય સુધી વાસ્કોને પૉર્ટુગલ છોડ્યાને 19 મહિનાનો સમય થઈ ગયો હતો. કાલીકટથી વાસ્કો ગોવા ગયા. ત્યાં રાત્રે વાસ્કોનાં જહાજો પર હુમલો કરવાની કોશિશ થઈ પરંતુ વાસ્કો અને તેમના સાથીદારોએ એ કોશિશ નિષ્ફળ બનાવી.

પૉર્ટુગલ પરત ફરવાના રસ્તે વાસ્કો ફરી એક વાર મેલિંદા રોકાયા જ્યાંના રાજાએ ફરી એક વાર ઊષ્માભેર તેમનું સ્વાગત કર્યું. ત્યાં 12 દિવસ રોકાયા બાદ ગામા પૉર્ટુગલ તરફ જવા માટે આગળ વધ્યા. જ્યારે તેમનું જહાજ કેપ વર્ડે પહોંચ્યું એ સમયે તેમના ભાઈ પાઓલો બીમાર પડી ગયા. બીજા દિવસે તેમનું મૃત્યુ નીપજ્યું. તેમના દુ:ખી ભાઈ વાસ્કોએ જ તેમના અંતિમ સંસ્કાર કર્યા.

લિસ્બનમાં અભૂતપૂર્વ સ્વાગત

વાસ્કો પૉર્ટુગલ પહોંચ્યા એ પહેલાં જ તેમના સફળ અભિયાનના સમાચાર દેશમાં પહોંચી ગયા હતા. વાસ્કો લિસ્બન પહોંચ્યા ત્યારે તેમના માનમાં આખું શહેર ત્યાં ઊભું હતું. તેમને દૂરથી જ તોપ ફોડવાનો અવાજ સંભળાયો. જહાજ નિકટ આવતાં બંદરેથી તોપના ગોળા છોડીને તેમનું સ્વાગત કરાયું.

જ્યારે વાસ્કો જહાજથી ઊતર્યા તો લોકોએ નોંધ્યું કે તેમની દાઢી ઘણી વધી ગઈ છે અને તેમનો ચહેરો દુ:ખી વરતાઈ રહ્યો છે. રાજમહેલ પહોંચતાં રાજા ઇમેનુઅલે ખુરશી પરથી ઊભા થઈને તેમનું સ્વાગત કર્યું.

વાસ્કોએ ઘૂંટણિયે બેસીને રાજાના હાથ ચૂમ્યા પરંતુ ઇમેનુઅલ તેમને ઉઠાવીને ભેટી પડ્યા. વાસ્કોની યાત્રા 25 માર્ચ 1497થી 18 સપ્ટેમ્બર 1499 એટલે કે લગભગ દોઢ વર્ષ સુધી ચાલી. જ્યારે તેમણે પોતાની સફર શરૂ કરી હતી ત્યારે તેમના દળમાં 100 લોકો હતા પરંતુ જ્યારે તેઓ પરત ફર્યા ત્યારે આ પૈકી માત્ર એક તૃતિયાંશ લોકો બચ્યા હતા.

યાત્રાની શરૂઆતમાં તેમનું જહાજ એકદમ નવું હતું પરંતુ યાત્રાના અંતે તે જૂનું થઈ ચૂક્યું હતું અને હવે આગળ આ પ્રકારની યાત્રા માટે તેનો ઉપયોગ કરી શકાય તેવું નહોતું.

વાસ્કો વધુ બે વખત ભારત આવ્યા

વાસ્કોના દળના સભ્યોને ઇનામ સ્વરૂપે ઘણું ધન અપાયું અને તેમને તેમનાં પત્નીઓ માટે પાંચ કિલો મસાલા પણ અપાયા. મૃત્યુ પામેલા નાવિકોના પરિવારજનોને તેમનું પૂરું વેતન અને ભારતથી લવાયેલા સામાનમાં તેમનો ભાગ અપાયો. વાસ્કોને રાજા ઇમેનુઅલે ડૉનની ઉપાધિ આપી અને તેમનું પેન્શન મંજૂર કરાયું.

તેમને સાઇનિસ ગામના લૉર્ડ બનાવાયા. આ જ ગામમાં ગામા જન્મ્યા હતા. ધીરે-ધીરે તેમની પ્રસિદ્ધિ સમગ્ર યુરોપમાં ફેલાઈ ગઈ. તેમની ગણના કોલંબસના પ્રતિસ્પર્ધી તરીકે થવા લાગી. અને તેઓ તેમના દેશના ગૌરવ અને આદર્શ બની ગયા.

1502માં તેઓ ફરી એક વાર કાલીકટ પહોંચ્યા. 1524માં તેમને વાઇસરૉયના હોદ્દા સાથે કાલીકટ મોકલાયા. આ દરમિયાન કોચીનમાં તેમનું મૃત્યુ થયું.

14 વર્ષ બાદ તેમના પાર્થિવ શરીરને તેમના દેશ લવાયું જ્યાં રાજકીય સન્માન સાથે તેમની દફનવિધિ કરાઈ.