You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શુક્રવારે થનારું ચંદ્રગ્રહણ કેમ દુર્લભ છે, ભારતમાં ક્યાં ક્યાં દેખાશે?
5મી મે એ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ જોવા મળશે. પરંતુ આ પૂર્ણ ચંદ્રગ્રહણ નહીં હોય. તે પેનુમબ્રલ ચંદ્રગ્રહણ હશે. હકીકતમાં ચંદ્રગ્રહણ ત્રણ પ્રકારનાં હોય છે - પૂર્ણ ચંદ્રગ્રહણ, આંશિક ચંદ્રગ્રહણ અને પેનુમબ્રલ ચંદ્રગ્રહણ.
પેનુમબ્રલ ચંદ્રગ્રહણ શું હોય છે?
ગ્રહણ પહેલાં ચંદ્ર પૃથ્વીની ઉપછાયામાં પ્રવેશ કરે છે જેને અંગ્રેજીમાં પેનુમબ્રા કહેવાય છે.
આ પૂર્ણ ચંદ્રગ્રહણ નથી હોતું એટલે પૃથ્વી પર ચંદ્રનો સંપૂર્ણ પડછાયો નથી પડતો, માત્ર ઉપછાયા પડે છે. એટલે કે માત્ર એક આછી છાયા પડે છે.
પેનુમબ્રલ ચંદ્રગ્રહણમાં ચંદ્રના આકારમાં કોઈ પરિવર્તન થતું નથી.
ત્યારે ચંદ્ર બિલકુલ સામાન્ય દિવસો હોય તેવો જ દેખાય છે પરંતુ તેના રંગમાં થોડો બદલાવ જોવા મળે છે. ચંદ્રનો રંગ થોડો ધૂળિયો થઈ ગયેલો દેખાય છે.
ચંદ્રગ્રહણ કઈ રીતે થાય છે?
- આપણે જાણીએ છીએ કે પૃથ્વી પરિભ્રમણ અને પરિક્રમણ કરે છે.
- પરિક્રમણ એટલે પૃથ્વી સૂર્યની પરિક્રમા કરે છે અને પરિભ્રમણ એટલે પૃથ્વી પોતાની જ ધરી પર ફરે છે.
- સૂર્યની પરિક્રમા દરમિયાન જ્યારે પૃથ્વી, ચંદ્ર અને સૂર્યની વચ્ચે આવી જાય છે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે.
ક્યારે થાય છે ચંદ્રગ્રહણ?
પૂનમના દિવસે જ્યારે સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી આવી જાય છે ત્યારે તેની છાયા ચંદ્ર પર પડે છે.
જેના કારણે ચંદ્રની છાયાવાળો ભાગ અંધકારમય થઈ જાય છે. આ પરિસ્થિતિમાં જ્યારે આપણે ધરતી પરથી ચંદ્રને જોઈએ છીએ ત્યારે એ ભાગ આપણને કાળો દેખાય છે. જેના કારણે ચંદ્રગ્રહણ દેખાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કઈ રીતે જોઈ શકાશે ચંદ્રગ્રહણ?
ચંદ્રગ્રહણ સૂર્યગ્રહણની સરખામણીમાં વધુ વ્યાપક સ્તરે દેખાય છે અને તેને પૃથ્વી પર રાતે કોઈ પણ જગ્યાએથી જોઈ શકાય છે.
સૂર્યગ્રહણને જોવા માટે ખાસ ઉપકરણોની જરૂર પડે છે પરંતુ ચંદ્રગ્રહણ માટે એવું નથી. આપણે નરી આંખે પણ ચંદ્રને જોઈ શકીએ છીએ. તેને જોવા માટે ટેલિસ્કોપનો પણ ઉપયોગ થઈ શકે છે.
નાસા સહિત અનેક સંસ્થાનો આ ચંદ્રગ્રહણનું જીવંત પ્રસારણ પણ કરશે અને રેકૉર્ડેડ વીડિયો પણ ચલાવશે. તમે તમારી સુવિધા અનુસાર તેને જોઈ શકો છો.
ભારતમાં હવે પૂર્ણ ચંદ્રગ્રહણ 2025માં જ જોવા મળશે.
પાંચમી મે ના રોજ થનારું ચંદ્રગ્રહણ જો આકાશ સાફ હશે તો સમગ્ર ભારતમાં દેખાશે.
ભારત સિવાય શુક્રવારે આ ગ્રહણ એશિયા, ઑસ્ટ્રેલિયા, રશિયા, ઉત્તર આફ્રિકા, રશિયા અને યુરોપના અનેક ભાગોમાં દેખાશે.
બંને અમેરિકન મહાદ્વીપોમાં આ ગ્રહણ નહીં દેખાય.
સુપરમૂન, બ્લૂમૂન અને બ્લડમૂન શું છે?
સુપરમૂન એક ખગોળીય ઘટના છે જેમાં ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક હોય છે અને ત્યારે સામાન્ય પરિસ્થિતિ કરતાં એ 14 ટકા વધુ ચમકદાર દેખાય છે. જેને પેરિગી મૂન પણ કહેવાય છે.
ચંદ્ર જ્યારે ધરતીથી સૌથી નજીક હોય એ સ્થિતિને પેરિગી(356000 કિમી) અને સૌથી દૂરની સ્થિતિને અપોગી(406700 કિમી) કહે છે.
મહિનામાં જ્યારે બીજી વાર સંપૂર્ણ ચંદ્ર દેખાય ત્યારે એ બીજી વાર દેખાતા ચંદ્રને બ્લૂમૂન કહે છે.
ચંદ્રગ્રહણ દરમિયાન પૃથ્વીની છાયાને કારણે આપણને ચંદ્ર કાળો દેખાય છે. 31 તારીખે આ જ ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્ર સંપૂર્ણપણે લાલ દેખાય છે જેને બ્લડ મૂન કહે છે.