54 કરોડ રૂપિયાનો હીરો શોધનારા ખાણિયાઓએ પૈસા ક્યાં વાપરી નાખ્યા?

    • લેેખક, મૅરી ગુડહર્ટ
    • પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ
  • પ્રકાશિત

આ વર્ષ 2017ના સૌથી શાનદાર સમાચાર હતા. સિયરા લિયોનમાં ‘પીસ ડાયમંડ’ની શોધ આખી દુનિયામાં ચર્ચાનું કેન્દ્ર બની હતી.

અને એ પણ એક આફ્રિકન દેશમાં, જ્યાં હીરોના પર્યાય એટલે ખૂનામરકી અને ગરીબી રહ્યા છે. આ કિંમતી પથ્થરથી થનારી આવકથી સ્થાનિક લોકોનું જીવન બદલી જવાનું હતું.

કોમ્બા જૉનબુલ અને એન્ડ્ર્યુ સેફિયા પાંચ જણના જૂથમાં સૌથી નાના હતા. બંને કિશોર છે.

તેમની નજર ગંદકીમાં પડેલા મોટા ચમકતા પથ્થર પર પડી ત્યારે એવું લાગ્યું કે તેમનાં બધાં સપનાં સાકાર થઈ શકશે.

પરંતુ હવે તેઓ શું કરી રહ્યા છે, હીરો મળ્યાનાં છ વર્ષ પછી તેમના જીવનમાં શું પરિવર્તન આવ્યું?

અસ્તિત્વ માટેની મથામણ

સેફિયા એક હોશિયાર વિદ્યાર્થી હતા પણ ગરીબીને કારણે તેમણે શાળા છોડી દેવી પડી. જૉનબુલનો પરિવાર 1991-2002ના ગૃહયુદ્ધને લીધે બરબાદ થઈ ગયો હતો.

એક સ્થાનિકે પાંચ લોકોને ખોદકામ માટે પસંદ કર્યા હતા. આ બંને પણ તેમાં સામેલ હતા. શરત એ હતી કે તેમને પૈસા નહીં મળે, પણ તેના બદલે ખોદકામનાં સાધન અને તેમના પરિવારને ખાવાનું અપાશે. જો કોઈ હીરો શોધી કાઢે તો સ્પૉન્સરને સૌથી વધુ ભાગ મળશે.

કામ અધરું હોવા છતાં બંને કિશોર આ કામ માટે રાજી થઈ ગયા. વહેલી સવારથી નાસ્તાના સમય સુધી તેઓ ખજૂરીના ખેતરમાં કામ કરે અને પછી ખોદકામ કરે.

તેમને આશા હતી કે તેઓ એટલા પૈસા બચાવી લેશે, જેથી સ્કૂલે જઈ શકે. પણ હકીકત એ હતી કે આ કામ ભયંકર હતું.

સફિયા કહે છે, "મેં જૉનબુલને કહ્યું કે મારું સપનું તૂટી ગયું છે."

જૉનબુલ યાદ કરે છે કે કેવી રીતે તેઓ ભારે વરસાદ અને ઉનાળાની સખત ગરમીમાં કામ કરતા હતા.

તેઓ કહે છે કે, "અમે દરરોજ એકબીજાને હિંમત આપતા. હસીમજાક કરતા. અમારી પાસે બ્લુટૂથ ડિવાઇસ હતું, જેમાં ગીતો સાંભળતા."

આ લોકો સપનાં જોતાં હતા કે જો અચાનક પૈસાદાર બની જઈશું તો શું કરીશું? જૉનબુલ બે માળનું મકાન બાંધવા માગતા અને ટોયેટા ક્રૂઝર ખરીદવા માગતા હતા, તો સફિયા પોતાનું શિક્ષણ પૂરું કરવા માગતા હતા.

સૌથી મોટો હીરો

આખરે નસીબ ચમકાવતો દિવસ આવી ગયો. એ દિવસે ખોદકામ પહેલાં તેમણે બાફેલાં કેળાંનો નાસ્તો કર્યો અને પ્રાર્થના કરી.

ખોદકામ કરતા માઇનર્સે સક્રિયપણે હીરાની શોધમાં કામ શરૂ કર્યું.

તે દિવસ શુક્રવાર 13 માર્ચ, 2017નો હતો. તેમની યોજના હતી ખોદકામની તૈયારીઓ કરવાની, જમીન તોડવાની, કાંકરાને અલગ કરવા અને વરસાદી પાણીને ખોદકામના સ્થળે આવતું રોકવું.

અચાનક જૉનબુલની નજર એક ચમકીલા પથ્થર પર પડી.

તેમણે કહ્યું, "મેં આ પથ્થરને પાણીમાં વહેતો જોયો. તે નીચે જઈ રહ્યો હતો. મેં અગાઉ હીરો જોયો નહોતો."

"હું એક મિનિટથી વધુ સમય સુધી એ પથ્થરને જોતો રહ્યો. પછી મેં મારા કાકાને કહ્યું, કાકા, તે પથ્થર ચમકી રહ્યો છે, આ કેવો પથ્થર છે?"

જૉનબુલ નીચે પહોંચ્યા અને પાણીમાંથી પથ્થર ઉપાડ્યો.

"એ ખૂબ ઠંડો હતો. જેવો મેં લીધો કે તરત જ તેમણે તેને મારી પાસેથી ઝૂંટવી લીધો, 'આ તો હીરો છે!'"

આ હીરો 709 કૅરેટનો હતો, જે વિશ્વમાં 14મો સૌથી મોટો હીરો હતો.

ખાણિયાઓએ સમૂહના પ્રાયોજક ઇમેન્યુઅલને જાણકારી આપી અને તેમણે તેને કાળા બજારમાં વેચવાને બદલે સરકારને સોંપીને ઇતિહાસમાં રચી દીધો.

હરાજીમાં આ હીરો 65 લાખ ડૉલરમાં વેચાયો હતો.

જૉનબુલ અને સેફિયાની જેમ અસંગઠિત ખાણોમાં સિએરા લિયોનના હજારો લોકો ખોદકામ કરે છે.

જો તેઓ નસીબદાર હોય તો તેમને હીરાનો એક નાનો ટુકડો મળી શકે છે પરંતુ આ રીતે હીરો મેળવવો એક સપના જેવું છે. આથી ઘણા લોકોને આ કામમાં લાગેલા રહે છે.

કરાર થયો કે દરેક ખાણિયાને ભાગ મળશે અને નફાનો કેટલોક ભાગ સ્થાનિક વિકાસ માટે સરકાર પાસે જશે.

શરૂઆતમાં દરેકને 80,000 ડૉલર મળ્યા. સફિયા અને જૉનબુલે ખોદકામમાં જોતરાતા સમયે જે વિચાર્યું હતું એના અનેક ઘણા પૈસા હતા. પણ આટલો નાનો હિસ્સો મળવાથી તેઓ નિરાશ થયા.

જૉનબુલ કહે છે, "જ્યારે મને મારા હિસ્સાના પૈસા મળ્યા ત્યારે મેં તેને સ્પર્શ કર્યા વિના આખા અઠવાડિયા સુધી સાચવી રાખ્યા. બાદમાં હું ઘર ખરીદવા પછી ફ્રીટાઉન ગયો."

સેફિયા કૅનેડામાં ભણવા જવા માગતા હતા અને જૉનબુલ તેમની સાથે જવા આતુર હતા.

તેમણે તેમની મુસાફરી, રહેઠાણ અને યુનિવર્સિટી ફી માટે એક એજન્ટને 15,000 ડૉલર આપ્યા. તેમને ઘાના લઈ જવાયા, જ્યાં છ મહિના રહ્યા અને ઘણા પૈસા વપરાઈ ગયા.

પણ તેમની વિઝા અરજી ફગાવી દેવાયા બાદ આ યોજના પડી ભાંગી. જૉનબુલ સિએરા લિયોન પાછા આવ્યા, તેમના ભાગની મોટા ભાગની રકમ ખર્ચાઈ ગઈ હતી, જ્યારે સેફિયા એક નવી મુસાફરીએ નીકળ્યા.

તેઓ ત્રીજા દેશમાં ગયા. તેમની સુરક્ષાના કારણસર એ દેશનું નામ આપી રહ્યા નથી. ત્યાં તેમને કહેવાયું કે, દિવસમાં ડ્રાઇવર તરીકે કામ કરી શકે છે અને સાંજે અભ્યાસ.

પરંતુ જ્યારે સેફિયા ત્યાં પહોંચ્યા ત્યારે વાસ્તવિકતા ઘણી અલગ હતી.

તેઓ કહે છે, "મારે એક તબેલામાં ઘોડાઓની સંભાળ રાખવાની હતી, ત્યાં જ સૂવાનું અને ખાવાનું. અન્ય કામદારોને રહેવાની જગ્યા અપાઈ, પણ મને તબેલામાં છોડી દેવાયો."

સેફિયાએ હીરાથી મળનારા પૈસા પછી આવી જિંદગીની અપેક્ષા નહોતી રાખી અને ઘર વિના તેમની હાલત વધુ બગડતી ગઈ.

સિએરા લિયોનમાં તેમણે ઘર ખરીદ્યું હતું, આ સિવાય હીરાથી મળેલો હિસ્સો ખતમ થઈ ગયો હતો. હવે તેઓ કહે છે કે તે ફક્ત ઘરે આવવા માગે છે.

‘કોઈ નોંધ ન લેવાઈ’

આ લોકોને એ વાતનો રંજ છે કે તેમની ખોજ માટે તેમને યોગ્ય શ્રેય ન મળ્યું.

મીડિયા અહેવાલો મુખ્ય પાસ્ટર પર કેન્દ્રિત હતા, જેમણે આ લોકોને કામે રાખ્યા હતા. વાસ્તવમાં ખાણિયાઓનો ભાગ્યે જ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સેફિયાએ પોતાને હાંસિયામાં ધકેલાયેલા અને બહિષ્કૃત અનુભવ્યા.

જૉનબુલને લાગે છે કે કદાચ તેમણે આ પૈસાનો ઉપયોગ અલગ રીતે કર્યો હોત.

તેઓ કહે છે, "જ્યારે મારી પાસે પૈસા હતા ત્યારે હું ઘણો નાનો હતો. પાછળ વળીને જોઉં છું તો મને સારું લાગતું નથી. તે સમયે હું માત્ર દેખાડો કરી રહ્યો હતો. કપડાં અને અન્ય ચીજો ખરીદતો હતો. તમે જાણો છો કે નવયુવાનો આવું જ કરે છે."

"જો હું વધુ પૈસા કમાવાની લાલચમાં વિદેશની મહત્ત્વાકાંક્ષા ન રાખત તો વપરાઈ ગયેલા પૈસાથી ઘણું બધું કર્યું હોત."

તેમને આવી જિંદગીની અપેક્ષા નહોતી પણ જૉનબુલ હવે ફ્રીટાઉનમાં ઍલ્યુમિનિયમની બારીઓ બનાવીને જીવન જીવે છે. સેફિયાની વિદેશ જવાની મહત્ત્વાકાંક્ષાઓ પૂરી ન થઈ શકી.

જૉનબુલ કહે છે, “મારો જન્મ થયો ત્યારે મારાં માતા-પિતા પાસે ઘર નહોતું. મારાં બાળકો ફ્રીટાઉનમાં તેમના પિતાના ઘરે ઉછરી રહ્યાં છે. આ મોટી વાત છે. મારી સાથે જે થયું એવું મારાં બાળકોને સહન નહીં કરવું પડે."