You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શાહરૂખ ખાનને અમદાવાદમાં શું થયું કે હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા?
અભિનેતા શાહરૂખ ખાનને અમદાવાદની કે.ડી. હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. સમાચાર સંસ્થા પીટીઆઈના જણાવ્યા અનુસાર હીટ સ્ટ્રોકની અસરને લીધે અભિનેતાને હૉસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી છે.
મીડિયા રિપોર્ટ અનુસાર ડિહાઇડ્રેશનને પગલે શાહરૂખને હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા અને સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધી એમને હૉસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે.
નોંધનીય છે કે કોલકાતા નાઇટ રાઇડર્સની અમદાવાદમાં રમાયેલી મૅચને પગલે શાહરૂખ ખાન ગુજરાતમાં હતા. મંગળવારની રાતે રમાયેલી આ મૅચ જીતીને શાહરૂખની ટીમે સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવીને ચોથી વાર ફાઇનલમાં ઍન્ટ્રી કરી લીધી છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આ મૅચમાં શ્રેયસ અય્યરની કપ્તાનીમાં કોલકાતા નાઇટ રાઇડર્સે ધમાકેદાર પ્રદર્શન કરતાં પેટ કમિન્સની કૅપ્ટનશિપ હેઠળની સનરાઇઝર્સ હૈદરાબાદને 8 વિકેટે હરાવી દીધી હતી.
મિશેલ સ્ટાર્કની શાનદાર બૉલિંગ સામે હૈદરાબાદની ટીમ ઘૂંટણિયે પડી ગઈ હતી.
હીટ સ્ટ્રોક એટલે શું?
હીટ સ્ટ્રોક કે લૂ લાગવી એ શરીર માટે ઇમરજન્સી સ્થિતિનું નિર્માણ કરી શકે છે. એનો અર્થ એવો પણ કરી શકાય કે શરીરનું તાપમાન હદબહાર વધી જાય છે અને એવી સ્થિતિમાં મેડિકલ સારવારની જરૂર પડે છે.
હીટસ્ટ્રોકનાં લક્ષણોની વાત કરીએ તો...
- અઢળક પાણી પીધા બાદ અને ઠંડી જગ્યામાં અડધી કલાક આરામ કર્યા બાદ પણ તબિયત સારી ના થવી
- ભારે ગરમી લાગવા છતાં પણ પરસેવો ના થવો
- શરીરનું તાપમાન 40C કે એનાથી વધી જવું
- શ્વાસ ઝડપી કે ટૂંકા થઈ જવા
- દિગ્મૂઢ અનુભવ કરવો
- બેભાન થઈ જવું
- કોઈ પ્રતિક્રિયા ના આપવી
લૂ કે હીટ વેવથી બચવા શું કરવું?
માથું દુખવું, વધુ પડતો પરસેવો થવો, ચક્કર આવવા, સ્નાયુઓ ખેંચાવા, ઊબકા આવવા, આવાં લક્ષણો દેખાય તો સમજવું કે તમને લૂ લાગી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જો આવાં લક્ષણો દેખાય તો તરત જ છાંયડા કે ઠંડી જગ્યાએ જતા રહેવું. પંખા કે એસીવાળી જગ્યાએ જઈ શકો તો વધારે સારું. આવી સ્થિતિમાં પાણી કે ઓઆરએસ પી શકો છો.
જો કોઈને લાગે કે તેમના શરીરમાંથી પરસેવો થવાનું બંધ થઈ ગયું છે અને તાવ આવે છે, ચક્કર આવે છે, તો તરત જ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
હીટ વેવ અથવા લૂ માણસ સહિત અનેક જીવોને અસર કરે છે. હીટ વેવના કારણે શરીરમાં પાણીની ઘટ, થાક લાગવો, નબળાઈ આવવી, ચક્કર આવવા, માથાનો દુખાવો, ઊલટી, આંતરડામાં દુખાવો, પરસેવો થવો અથવા હીટ સ્ટ્રોક થઈ શકે છે.
હીટ વેવના કારણે માનસિક તણાવ પણ વધી શકે છે. લૂ લાગવાનાં લક્ષણોમાં ગરમીથી શરીર જકડાઈ જવાથી માંડીને તાવ પણ આવી શકે છે. જો શરીરનું તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધારે હોય તો ઍટેક આવી શકે છે અને માણસ કોમામાં પણ જઈ શકે છે.
ગરમીના કારણે શરીરમાંથી પ્રવાહી ખૂબ જ ઝડપથી ઓછું થાય છે. જેથી વધુ પાણી પીવું જોઈએ. ગરમીમાં વાસી ખોરાક ટાળીને તાજો ખોરાક લેવો જોઈએ. ચામડીની સુરક્ષા માટે સનસ્ક્રીન લગાવવું જોઈએ.
દિવસ દરમિયાન બહાર જવાથી બચવું જોઈએ. ગરમીના દિવસોમાં સૂર્યનાં કિરણો ખૂબ જ હાનિકારક હોય છે. હળવા રંગનાં સુતરાઉ કપડાં પહેરવાં જોઈએ અને શક્ય હોય તો તડકામાં જવાનું ટાળવું જોઈએ.
ડૉક્ટરોનું કહેવું છે કે ‘હીટ વેવ’ દરમિયાન ‘હીટ સ્ટ્રોક’ની ચપેટમાં આવવાથી બચી શકાય છે.
મૅક્સ સુપર સ્પેશિયાલિટી હૉસ્પિટલના ઍન્ડોક્રાઇનૉલૉજી અને ઇન્ટર્નલ મેડિસીનના ડૉક્ટર વિનીત અરોડાએ જણાવ્યું છે કે, “ગરમીમાં શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખવું જરૂરી છે. પરસેવો થવાથી શરીરમાં ઇલેક્ટ્રોલાઇટની કમી થાય છે. તેના માટે બજારમાં ઘણા પ્રકારના ઇલેક્ટ્રોલાઇટ સૉલ્યુશન મળે છે, લોકો તે લઈ શકે છે.”
આ ઉપરાંત ડૉક્ટર તળબૂચ જેવાં ફળો લેવાની પણ સલાહ આપે છે. આ સિવાય ડૉક્ટર ઓઆરએસ સાથે રાખવાનું પણ કહે છે. ડૉક્ટરનું કહેવું છે કે જે લોકોના બજેટમાં જ્યૂસ કે ઓઆરએસ ન હોય, એ લોકો માટે મીઠું અને ખાંડનું મિશ્રણ ઉપયોગી થઈ જાય છે. ગરમીમાં છાસને પણ સારો વિકલ્પ માનવામાં આવે છે, તેમાંથી પૉટેશિયમ મળી રહે છે. શરીરમાં સોડિયમ અને પૉટેશિયમ સૉલ્ટની માત્રાનું સંતુલન રહેવું જરૂરી હોય છે.
જે લોકો કિડની અથવા હૃદયરોગથી ગ્રસ્ત હોય તેમણે ડૉક્ટરની સલાહ લઈને જ ઉપાય અપનાવવો જોઈએ. ગરમીથી બચવા માટે આછા રંગનાં સુતરાઉ કપડાં પહેરીને બહાર જવું જોઈએ, જેથી ઓછી ગરમી લાગે.
દિલ્હીના એલએનજેપી હૉસ્પિટલનાં સીએમઓ ડૉ ઋતુ સક્સેના કહે છે કે “ગરમ હવાને લૂ કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં બહાર જવાથી શરીરમાં ભેજની માત્રા ઓછી થવા લાગે છે.”
તેઓ કહે છે કે “લૂ વખતે બહાર જવાનું ટાળવું જોઈએ અને કામ અથવા સમયમાં ફેરફાર કરવો. શક્ય હોય તો બપોરે 12 વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી બહાર જવાનું ટાળવું જોઈએ.”