You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુરતમાં ડેન્ગ્યૂના દર્દીઓથી હૉસ્પિટલો ઊભરાઈ, રોગ આટલો જીવલેણ કેમ બન્યો?
- લેેખક, શીતલ પટેલ
- પદ, બીબીસી ગુજરાતી માટે, સુરતથી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 5 મિનિટ
દેશના સૌથી સ્વચ્છ શહેર સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી રોગચાળાએ માથું ઊંચક્યું છે. ચોમાસાની ઋતુમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોને કારણે લોકો બીમારીમાં સપડાઈ રહ્યા છે અને શહેરની સરકારી સહિત ખાનગી હૉસ્પિટલો દર્દીઓથી જાણે કે ઊભરાઈ રહી છે.
ઝાડા, ઊલટી, તાવની ફરિયાદ સાથે આવતાં દર્દીઓમાં ડેન્ગ્યૂનાં લક્ષણો જોવાં મળી રહ્યાં છે. દિનપ્રતિદિન આ રોગના કેસમાં વધારો થવાની સાથે મોતના આંકડા પણ સામે આવી રહ્યા છે.
ચાલુ વર્ષે સુરત મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં ડેન્ગ્યૂના કુલ 121 કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 15 દિવસમાં ડેન્ગ્યૂની સારવાર લઈ રહેલા દર્દીઓ પૈકી ત્રણ લોકોનાં મોત નીપજ્યાં છે. જેમાં એક મહિલા તબીબનો પણ સમાવેશ થાય છે.
12 સપ્ટેમ્બરના રોજ મહાનગરપાલિકા સંચાલિત સ્મિમેર હૉસ્પિટલનાં રેસિડેન્ટ ડૉક્ટર ધારાનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.
સ્મિમેર હૉસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. જિતેન્દ્ર દર્શને બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું, “24 વર્ષનાં રેસિડેન્ટ ડૉક્ટર ધારા ચાવડા ઍનેસ્થેસિયા વિશેષજ્ઞતાના અભ્યાસક્રમના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતાં હતાં. તેમને તાવ આવતાં જાતે દવા લીધી હતી, તેમજ બીમાર હોવા છતાં તેઓ ફરજ પર પણ હાજર હતાં. દરમિયાન તેમણે રિપોર્ટ કરાવ્યો હતો જે ડેન્ગ્યૂ પૉઝિટિવ આવ્યા બાદ તેમણે અમદાવાદ પોતાના ઘરે જવા માટે રજા લીધી હતી, પરંતુ તેમની તબિયત વધારે ખરાબ જણાતાં તેમને તરત દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી.”
"ત્યારબાદ ધારાનાં માતાપિતા અમદાવાદથી આવ્યાં હતાં અને તેમને પ્રાઇવેટ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. ત્યાં તેઓ બ્રેઇન ડેડ થયાં હતાં અને તેમનું મૃત્યુ થયું હતું."
ડેન્ગ્યૂ કેમ જીવલેણ બની રહ્યો છે?
બીજી તરફ સરથાણાના 26 વર્ષીય યુવકનું પણ ડેન્ગ્યૂની સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
મૃતક ખોડીદાસ સાવલિયાના પિતરાઈ ભાઈ પ્રદીપ સાવલિયાએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું, "ખોડીદાસને તાવ આવતાં પહેલાં તેમણે ખાનગી દવાખાનામાં સારવાર કરાવી હતી, જ્યાં તેમનો ડેન્ગ્યૂ રિપોર્ટ પૉઝિટિવ આવતાં ડૉક્ટરે તેમને હૉસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપી હતી. ત્યારબાદ તેમને ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ચાર દિવસની સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ખોડીદાસ સુરતમાં તેમનાં માસીના ઘરે રહેતા હતા અને કૉસ્મેટિક્સનો ઑનલાઇન વ્યવસાય કરતા હતા. તેઓ મૂળ અમરેલીના સાવરકુંડલાના નવાગામ જાંબુડાના વતની છે, તેમના પરિવારમાં ત્રણ બહેનો અને માતાપિતા છે.
ખોડીદાસ કામકાજ અર્થે છેલ્લાં પાંચેક વર્ષથી સુરત આવીને વસ્યા હતા. ડેન્ગ્યૂને કારણે થયેલા અવસાનથી તેમનો પરિવાર હજુ આઘાતમાં છે.
અન્ય એક કેસમાં ડેન્ગ્યૂની સારવાર લઈ રહેલા 25 વર્ષીય યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ કોસાડ આવાસમાં રહેતા આત્મા બરસાતી નિષાદ ફર્નિચરનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા.
આત્માને છેલ્લા કેટલાક દિવસોથી તાવ આવી રહ્યો હતો અને અચાનક તેમને ઊલટીઓ થતાં પરિવારજનો સારવાર માટે ખાનગી હૉસ્પિટલમાં લઈ ગયા હતા. આ યુવકના સાત મહિના પહેલાં જ લગ્ન થયાં હતાં.
શહેરમાં ડેન્ગ્યૂને કારણે નીપજેલાં મોત અને દર્દીઓની સંખ્યામાં સતત થઈ રહેલા વધારા વિશે ડૉ. જિતેન્દ્ર દર્શન કહે છે, "આ વર્ષે ડેન્ગ્યૂના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. પહેલાં રોજ પાંચથી છ કેસ આવી રહ્યા હતા જ્યારે હવે 30 જેટલા કેસ આવી રહ્યા છે."
ડેન્ગ્યૂ પહેલાં કરતાં વધુ ઘાતક બન્યો?
તાવ અને ઇમર્જન્સી સેવાના નિષ્ણાત ડૉ. પાર્થિવ પટેલ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવે છે કે, “ડેન્ગ્યૂનું વર્ગીકરણ તેની તીવ્રતા અને વાઇરસની શ્રેણીના આધારે થાય છે. પ્રાઇમરી, સેકન્ડરી અને સિમ્પલ કે કૉમ્પ્લિકેટેડ જેવા ડેન્ગ્યૂના પ્રકાર હોય છે.”
તેઓ કહે છે, “ડેન્ગ્યૂના વાઇરસના જનીનમાં મ્યુટેશન થવાથી અને સામાન્ય લોકોમાં તેની હર્ડ ઇમ્યુનિટી ઘટવાથી અમુક વર્ષો બાદ તે ઘાતક બની શકે છે. તદુપરાંત પર્યાવરણ અને વાતાવરણને કારણે પણ તેના ફેલાવામાં વધારો થતો હોય છે."
ડેન્ગ્યૂની કિડની અને ફેફસાં જેવા અવયવો પર થતી અસર અંગે ડૉ. પાર્થિવ કહે છે, “કૉમ્પ્લિકેટેડ ગંભીર ડેન્ગ્યૂના દર્દીઓમાં શરીર સારવારને રિસ્પોન્ડ ન કરે એટલું લૉ બ્લડપ્રેશર અને મલ્ટી ઑર્ગન ફેલ્યોર જોવા મળે છે. લૉ બ્લડપ્રેશરના કારણે ઍક્યૂટ કિડની ઇન્જરી તથા ડેન્ગ્યૂના કારણે થયેલા સોજાથી ઍક્યૂટ ફલ્મિનન્ટ લિવર ફેલ્યોર, તથા ARDS વગેરે જોવા મળે છે."
તેઓ કહે છે કે, “દરેક તાવના દર્દીએ ડૉક્ટરના સંપર્કમાં રહીને સમયાંતરે બ્લડ રિપોર્ટ અને બ્લડપ્રેશર ચેક કરાવતા રહેવું જોઈએ. ઘરે સારવાર લેતા દર્દીએ સંપૂર્ણ આરામ અને પુષ્કળ પ્રવાહી લેવું જોઈએ. ડૉક્ટર સલાહ આપે તો તેમણે દાખલ થઈ પ્રોટોકૉલ મુજબ સારવાર કરાવવી જોઈએ. અને ગંભીર લક્ષણો જણાય તો આઈસીયુમાં દાખલ થવું જોઈએ."
“ડેન્ગ્યૂનું સંક્રમણ ચોમાસામાં ઑગસ્ટથી નવેમ્બર સુધી મહત્તમ હોય છે, જે સમયે મચ્છરોનો ઉપદ્રવ સૌથી વધુ હોય છે.”
ડેન્ગ્યૂનાં લક્ષણો
- છથી સાત દિવસ સુધી સતત તાવ
- માથું દુખવું
- શરીર તૂટવું
- સાંધા દુખવા
- ઝાડાં ઊલટી
- શરીર પર ચાઠાં પડે અને ખંજવાળ આવે
બ્લડ બૅન્કમાં પ્લેટલેટ્સની માગ દોઢ ઘણી વધી
દર્દીના લોહીમાં પ્લેટલેટ્સ કાઉન્ટ ઓછા થવા લાગે ત્યારે ડેન્ગ્યૂ વધારે ગંભીર બની જતો હોય છે. ત્યારે ચાલુ વર્ષે સુરતમાં ડેન્ગ્યૂના દર્દીઓ વધવાની સાથે પ્લેટલેટ્સની માગમાં પણ દોઢ ઘણો વધારો થયો છે.
સુરત રક્તદાન કેન્દ્રના ઍડમિનિસ્ટ્રેટિવ ઑફિસર પરિમલ વ્યાસ બીબીસી સાથે વાત કરતાં જણાવે છે, “જૂન મહિના પછી સતત પ્લેટલેટ્સની માગ વધી રહી છે. ડેન્ગ્યૂના દર્દીઓ માટે આરડીપી અને એસડીપી બંને પ્રકારના પ્લેટલેટ્સની માગ વધી રહી છે.”
સુરત શહેરમાં ચાર મુખ્ય બ્લડ બૅન્ક છે. એ સિવાય પણ અન્ય નાનાં-નાનાં રક્તદાન કેન્દ્રો ચાલે છે. પરંતુ ફક્ત આ ચાર રક્તદાન કેન્દ્રમાંથી જૂન મહિનામાં 447 યુનિટ, જુલાઈમાં 549 યુનિટ, ઑગસ્ટમાં 677 અને સપ્ટેમ્બર મધ્ય ભાગ સુધીમાં જ 643 યુનિટ પ્લેટલેટ્સ અપાઈ ચૂક્યા છે. એટલે કે ગત મહિનાઓની સરખામણીએ તેની માગ વધી છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, “જૂન-જુલાઈમાં રોજના 70થી 90 યુનિટની માગ હતી જે વધીને ઑગસ્ટ-સપ્ટેમ્બરમાં વધીને 150થી 200 યુનિટ સુધી પહોંચી ગઈ છે.”
ડૉ. પાર્થિવ કહે છે કે, “દર્દીની તબિયત સારી હોય, બ્લડપ્રેશર સામાન્ય હોય, તો પ્લેટલેટ્સ 10,000 સુધી ઘટે તો પણ ચઢાવવા જરૂરી હોતા નથી. પરંતુ જો ઍક્ટિવ બ્લીડિંગની પરિસ્થિતિ હોય, બ્લડપ્રેશર ઘટ્યું હોય તો રિપોર્ટમાં 10,000 કરતાં વધારે પ્લેટલેટ્સ હોય તો પણ પ્લેટલેટ્સ ચઢાવવા પડે છે. અને સાથે સાથે ડિઆઈસી માટે યોગ્ય સારવાર કરવી પડે છે."
સુરત મનપાના આરોગ્ય વિભાગની કામગીરી
હાલમાં ચોમાસું રાજ્યમાંથી વિદાય લઈ રહ્યું છે તેમ છતાં ગરમી, વાતાવરણમાં ભેજ અને ક્યારેક વરસાદી ઝાપટાં વરસી રહ્યાં છે અને હવામાનમાં સતત પલટો આવી રહ્યો છે.
આવી પરિસ્થિતિમાં રોગચાળાએ સુરતમાં જાણે કે માથું ઊંચક્યું છે. ખાસ કરીને ડેન્ગ્યૂએ સુરતમાં હાહાકાર મચાવી દીધો છે. ત્યારે સુરત મહાનગરપાલિકાનું આરોગ્યતંત્ર ડેન્ગ્યૂના કેરને ઘટાડવા શું કામગીરી કરી રહી છે તે જાણવાનો બીબીસી ગુજરાતીએ પ્રયાસ કર્યો હતો.
સુરત મહાનગરપાલિકાના ઍડિશનલ ઍન્ટૉમોલૉજિસ્ટ અધિકારી જે.પી. વાઘડિયાએ બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું, “તંત્ર હાલમાં શહેરની દરેક હૉસ્પિટલમાંથી નોંધાતા શંકાસ્પદ કેસોની વિગત પ્રાપ્ત કરી રહ્યું છે. ઉપરાંત હાઉસ-ટુ-હાઉસ સર્વે કરાઈ રહ્યો છે. જેમાં જો કોઈ વ્યક્તિને તાવ જણાય તો તેનાં બ્લડ સૅમ્પલ લેવામાં આવે છે, તેમના ઘરમાં મચ્છરોના ઉત્પત્તિસ્થાન શોધવામાં આવે છે અને તેનો નાશ કરવામાં આવે છે.”
તેમણે વધુમાં જણાવ્યું કે, “આ માટે સુરત આરોગ્ય વિભાગના 785 કર્મચારીઓ સર્વેલન્સની કામગીરી કરી રહ્યા છે. ઑગસ્ટ મહિનામાં 26 લાખ ઘરોનો સર્વે કરાયો હતો અને મચ્છરોનાં 66 હજાર જેટલાં ઉત્પત્તિસ્થાન મળી આવ્યાં હતાં. તેમને નોટિસ અને પેનલ્ટી આપવામાં આવી છે. આ કામગીરી દરમિયાન સપ્ટેમ્બર મહિનામાં પણ મચ્છરોનાં 50 હજાર જેટલાં ઉત્પત્તિસ્થાન મળી આવ્યાં છે. જેમાં કુલ 27 લાખની પૅનલ્ટી ફટકારવામાં આવી છે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન