You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાહુલ ગાંધીને પાછળ બેસાડવા પર કૉંગ્રેસે કહ્યું- આ મોદીની કુંઠિત માનસિકતા
ગુરુવારે દેશના સ્વતંત્રતા દિવસનો રાષ્ટ્રીય કાર્યક્રમ નવી દિલ્હીમાં લાલ કિલ્લા ખાતે યોજાયો હતો, જ્યાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ધ્વજારોહણ કર્યું હતું.
જોકે, આ કાર્યક્રમમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી માટે કરવામાં આવેલી બેઠક વ્યવસ્થા વિશે વિવાદ થયો હતો. નીચલા ગૃહમાં વિપક્ષના નેતા તરીકે આ તેમનો પ્રથમ સ્વાતંત્ર્ય દિવસ કાર્યક્રમ હતો.
સફેદ કૂર્તો-પાયજામો પહેરેલા રાહુલ ગાંધી ઑલિમ્પિક ખેલાડીઓની વચ્ચે પાંચમી હરોળમાં બેઠેલા જોવા મળ્યા હતા. આ અંગે કૉંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો, તો સોશિયલ મીડિયા પર પણ તેની ચર્ચા જોવા મળી હતી.
કૉંગ્રેસ-ભાજપે શું કહ્યું?
કૉંગ્રેસનાં રાષ્ટ્રીય પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે કહ્યું, "નરેન્દ્ર મોદી સ્વતંત્રતા દિવસ કાર્યક્રમમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને પાંચમી લાઇનમાં બેસાડીને તમે તમારી કુંઠિત માનસિકતા દેખાડી છે, પરંતુ તેનાથી રાહુલ ગાંધીને કોઈ ફેર નથી પડતો. તેઓ પાંચમી હરોળમાં બેસે કે પચાસમી. તેઓ જનનાયક છે અને અગાઉ જે રીતે જનતાના મુદ્દા ઉઠાવતા રહ્યા છે, તેવી જ રીતે ઉઠાવશે."
"ન કેવળ રાહુલ ગાંધીને, પરંતુ રાજ્યસભામાં વિરોધપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેજીને પણ પાંચમી હરોળમાં જ બેઠક આપવામાં આવી હતી. કૅબિનેટના મંત્રીઓ પહેલી હરોળમાં બેઠા હતા અને ગાંધી એટલો જ હોદ્દો ધરાવતા હોવા છતાં તેમની પાંચમી પંક્તિમાં બેસાડવામાં આવ્યા હતા."
ન્યૂઝ 24 ચેનલ પર એક ચર્ચા દરમિયાન ભાજપના નેતા શહજાદ પુનાવાલાએ કહ્યું, "જ્યારે રાહુલ ગાંધી વિપક્ષના નેતા ન હતા, ત્યારે પણ વર્ષ 2019માં પહેલી હરોળમાં નીતિન ગડકરી સાથે બેઠા હતા....હંમેશાં રાહુલ ગાંધીને સન્માન આપવામાં આવ્યું છે. ગત વખતે પણ ખડગેજી પહેલી પંક્તિમાં બેઠા હતા."
એ પછી પુનાવાલાએ શ્રીનેતને પૂછ્યું હતું કે શું રાહુલ ગાંધીને અગ્રિમ હરોળમાં સીટ ઑફર નહોતી કરવામાં આવી ? તેના જવાબમાં શ્રીનેતે કહ્યું હતું કે આ 'બિલકુલ ખોટું' છે.
શ્રીનેતે કહ્યું, "બધી બેઠક પર નામ લખેલાં હોય છે. રાહુલ ગાંધીની સીટ પાંચમી હરોળમાં હતી, તેઓ પોતાની બેઠક પર બેસી ગયા હતા, એ પછી લગભગ અડધો-પોણો કલાક પછી કોઈકે તેમને કહ્યું હતું કે આપ આગળ આવી જાવ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સોશિયલ મીડિયામાં રાહુલની બેઠક વ્યવસ્થા પર શું ચર્ચા થઈ રહી છે?
કૉંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ ટવીટ્ કરી લખ્યું, 'શું રાજનાથસિંહ અગ્નિવીર મુદ્દે ફેલાવાયેલા જૂઠાણાં મુદ્દે તેમને ઘેરવાનું વેર લઈ રહ્યાં છે ? મને યાદ છે કે જ્યારે યુપીએ સત્તામાં હતી, ત્યારે ભાજપના નેતાઓને પહેલી-બીજી હરોળમાં બેસાડવામાં આવતા.'
સંતોષ ત્રિપાઠી નામના યૂઝરે લખ્યું, "તમારા દ્વારા લોકસભામાં વિપક્ષના નેતાને બેસવા માટે જેવી રીતે પાછળ સ્થાન આપવામાં આવે છે અને પછી તેની મજાક ઊડે. તેમાં રાહુલ ગાંધીની નહીં, લોકતંત્રની ઠેકડી ઊડી રહી છે."
શિવમ યાદવ નામના યૂઝરે લખ્યું, "જે રીતે વિપક્ષના નેતા રાહુલ ગાંધીને સૌથી પાછળની હરોળમાં બેસાડવામાં આવ્યા, તે યોગ્ય હતું ? જો તેમનું સન્માન જાળવી નહોતા શકતા તો તેમને આમંત્રણ નહોતું આપવું જોઈતું."
ઉલ્લેખનીય છે કે ગણતંત્ર તથા સ્વતંત્રતા દિવસનું આયોજન કરવાની જવાબદારી દેશના સંરક્ષણ મંત્રાલયની હોય છે તથા તેના દ્વારા જ બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. આ દરમિયાન ચોક્કસ પ્રૉટૉકોલનું પાલન કરવામાં આવે છે, પરંતુ વિભાગે આ અંગે કોઈ સત્તાવાર નિવેદન નથી આપ્યું.
વિપક્ષના નેતાનો વિશેષાધિકાર
લોકસભામાં વિપક્ષ નેતાનું પદ 2014 બાદ ખાલી પડ્યું હતું, કેમ કે કોઈ પણ પાર્ટી માટે સંસદમાં પૂરતી સંખ્યા નહોતી.
વિપક્ષ નેતા બનવા માટે કોઈ પણ પાર્ટી પાસે સંસદમાં 10 ટકા એટલે કે 55 સીટ હોવી જોઈએ. 2014માં કૉંગ્રેસને 44 અને 2019માં 52 સીટ મળી હતી.
એટલા માટે કૉંગ્રેસ વિપક્ષ નેતાનો દાવો કરી શકી નહોતી.
જોકે 2024ની લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસને 99 સીટ મળી, ત્યારબાદ રાહુલ ગાંધી વિપક્ષ નેતા બન્યા હતા.
પહેલી વાર રાહુલ ગાંધીએ સંસદમાં વિપક્ષના નેતા તરીકે બંધારણીય પદ મેળવ્યું છે.
સંસદમાં વિપક્ષ નેતાની ભૂમિકા મહત્ત્વની હોય છે. તેઓ સંસદમાં બધા પક્ષોનો અવાજ બને છે, તેમજ તેમની પાસે પોતાની શક્તિ અને વિશેષાધિકાર હોય છે.
વિપક્ષ નેતા અનેક પ્રમુખ સમિતિઓ, જેમ કે પબ્લિક એકાઉન્ટ, પબ્લિક અંડરટેકિંગ અને ઍક્ટિમેટ પર બનેલી સમિતિનો ભાગ હોય છે.
વિપક્ષના નેતાની સૌથી મહત્ત્વની ભૂમિકા સંયુક્ત સંસદીય સમિતિઓ અને ચયન સમિતિઓમાં હોય છે.
આ ચયન સમિતિઓ પ્રવર્તન નિદેશાલય (ઈડી), કેન્દ્રીય તપાસ બ્યૂરો (સીબીઆઈ), કેન્દ્રીય સતર્કતા આયોગ, કેન્દ્રીય માહિતી આયોગ, લોકપાલ, તેમજ ચૂંટણી કમિશનરો અને રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (એનએચઆરસી)ના અધ્યક્ષ જેવાં મહત્ત્વનાં પદો પર નિયુક્તિ કરે છે.
વિપક્ષના નેતાનું એક કૅબિનેટ રૅન્કનું પદ છે, જેમાં પોતાનાં ભથ્થાં છે. આ પદ પર જે પણ વ્યક્તિ હોય તેમને સંસદસભ્યોનાં વેતન, ભથ્થાં અને પેન્શન અધિનિયમ 1954ની કલમ ત્રણમાં નોંધાયેલું વેતન અને દૈનિક ભથ્થું આપવામાં આવે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન