સંબંધો માટે ઘાતક મનાતું ફ્લર્ટિંગ કેવી રીતે તમારા રિલેશનશિપ માટે લાભદાયક બની શકે?

    • લેેખક, વિલિયમ પાર્ક
    • પદ, સ્પેશિયલ રિપોર્ટ્સ સંવાદદાતા, બીબીસી ન્યૂઝ
  • પ્રકાશિત

કેટલાક લોકોને ફ્લર્ટિંગ એટલે કે સાચા કે પરણવાના હેતુ વિનાની પ્રણયચેષ્ટા કરવાની, પ્રેમનો ડોળ કરવાની ફાવટ હોય છે, જ્યારે ઘણા લોકો એવું કહે છે કે આવી ફાવટ ન હોવાને લીધે તેઓ પાછા પડે છે. સારા અને ખરાબ ફ્લર્ટર્સ વચ્ચે શું ફરક હોય છે? સારી રીતે ફ્લર્ટિંગ કરવાનું શીખી શકાય?

શુક્રવારની રાતે ભીડવાળા બારમાં એક ગ્રાહક તેના દોસ્તની રાહ જોઈને એકલો બેઠો છે. તે એકલવાયો છે એ વેઇટ્રેસના ધ્યાનમાં આવે છે. વેઇટ્રેસ એ માણસ સાથે વાત કરવાનું શરૂ કરે છે, તેનો દિવસ કેવો હતો એ પૂછે છે અને તેને આવકારની અનુભૂતિ કરાવે છે. થોડી જ વારમાં બંનેને એકમેકનો સાથ માફક આવી જાય છે. થોડી મિનિટો પસાર થાય છે અને દોસ્તના આવવામાં થતા વિલંબને પેલો પુરુષ ભૂલી જાય છે.

વેઇટ્રેસ અને આ ઔપચારિક મુલાકાત દરમિયાનની ફ્લર્ટિંગયુક્ત વાતચીતથી ગ્રાહક હળવાશ અનુભવે છે. કોઈ ધ્યાન આપી રહ્યું છે તેનો તેને આનંદ થાય છે અને શા માટે ન થાય?

ઇઝરાયલની રીચમૅન યુનિવર્સિટીના મનોવિજ્ઞાનના પ્રોફેસર ગુરિત બર્નબૌમ કહે છે, “કોઈ તમારી સાથે ફ્લર્ટિંગ કરે છે ત્યારે તમને મૂલ્યવાન હોવાની અનુભૂતિ થાય છે. તમારી આકર્ષકતા વિશેની ધારણા બહેતર બને છે.” બીજા શબ્દોમાં કહીએ તો કોઈ ફ્લર્ટિંગ કરે તો સારું લાગે છે, પરંતુ એ તમારા માટે પણ સારું હોઈ શકે?

અહીં જે બારનું ઉદાહરણ આપ્યું તેમાં વેઇટ્રેસને ખબર નથી કે તે જેની સાથે ફ્લર્ટિંગ કરે છે તે ગ્રાહક કોઈની સાથે રિલેશનશિપમાં છે. (બર્નબૌમ નોંધે છે કે કોઈ વ્યક્તિ રિલેશનશિપમાં હોય તો પણ અન્ય લોકો સાથે ફ્લર્ટિંગની અપેક્ષા રાખવામાં આવે છે. “સમય જતાં લોકો અન્યો વિશે કલ્પના કરતા હોય છે. એ સામાન્ય છે. તેનો અર્થ એવો નથી કે તમારી રિલેશનશિપમાં ગડબડ છે.”)

અલબત્ત, આ વધતા જતા ઇન્ટરઍક્શનમાં કશુંક વિચિત્ર છે. આ પ્રકારની વાતચીત દુનિયામાં ગમે ત્યાં થવાની શક્યતા છે. વેઇટ્રેસ કમ્પ્યૂટર જનરેટેડ છે અને આખી વાતચીત વર્ચ્યુઅલ રિયાલિટીમાં થતી હોય છે. આવી દુનિયાનું સપનું બર્મબૌમે જોયું હતું.

કાલ્પનિક ફ્લર્ટિંગ

લોકો લાંબા સમયથી રિલેશનશિપમાં હોય ત્યારે અન્યો વિશે કલ્પના કરવાનું શરૂ કરતા હોય છે, આ સંદર્ભે વિચારતાં બર્મબૌમને સવાલ થયો હતો કે આવી કલ્પનાનો ઉપયોગ આપણી પ્રબળ વિનાશકારી ઇચ્છાને નિયંત્રિત કરવામાં મદદરૂપ થઈ શકે? તેમણે વિચાર્યું કે વર્ચ્યુઅલ વેઇટર કે વેઇટ્રેસ સાથે ફ્લર્ટિંગ કરવાથી પ્રતિબદ્ધ રિલેશનશિપમાંની વ્યક્તિની વાસ્તવિક જીવનમાં કોઈ સાથે ફ્લર્ટ કરવાની શક્યતા ઘટી કે વધી શકે?

તેઓ કહે છે, “આ સલામત સ્થળ (વર્ચ્યુઅલ રિયાલિટી) લોકોને તેમની ઇચ્છાઓને નિયંત્રિત કરવામાં અને તેમની વર્તમાન રિલેશનશિપ્સને જાળવી રાખવામાં મદદરૂપ થઈ શકે એવું મને લાગે છે. મારે વિચારવું હોય તે વિચારી શકું અને તેને પૂર્ણ કરી શકું. મારે એ કલ્પનાઓનો અમલ કરવાની જરૂર નથી.”

વર્ચ્યુઅલ વેઇટ્રેસ થોડી અજબ દેખાય છે. તેની હિલચાલ કડક છે અને તેનો ચહેરો થોડો ડરામણો છે. (બર્મબૌમે મને સ્ક્રીન રેકૉર્ડિંગ મોકલતી વખતે ચેતવણી આપી હતી, “વર્ચ્યુઅલ રિયાલિટી તમે વીડિયોમાં જોઈ શકો છો તેનાથી વધારે ગહન હોય છે. તેથી નિરાશ થશો નહીં.”) વેઇટ્રેસને એક વાસ્તવિક વ્યક્તિ સમજવાની ભૂલ કરી શકાય નહીં, પરંતુ તેની બોલચાલ વાસ્તવિક છે અને પાંચ મિનિટની વાતચીત ઘણી પ્રમાણિક રીતે થાય છે.

બર્નબૌમના પ્રયોગમાં ભાગ લેનારા લોકો સમક્ષ, પરંપરાગત માપદંડ મુજબની એક આકર્ષક અજાણી વ્યક્તિ રજૂ કરવામાં આવી હતી. વાસ્તવમાં તે વ્યક્તિ એક સંશોધનકર્તા હતી અને તે મદદ ઇચ્છતી વ્યક્તિ તરીકે રજૂ થઈ હતી.

જે લોકોએ વર્ચ્યુઅલ વેઇટ્રેસ સાથે ફ્લર્ટ કર્યું હતું તેમણે જણાવ્યું હતું કે તેમને એ ઓછી આકર્ષક લાગી હતી અને જેમણે ફ્લર્ટિંગ કર્યા વિના વાતચીત કરી હતી તેની તુલનામાં તેમણે અજાણી વ્યક્તિની મદદ કરવામાં ઓછો સમય વિતાવ્યો હતો. બર્નબૌમના કહેવા મુજબ, વર્ચ્યુઅલ બારમાં ફ્લર્ટિંગે તેમને વાસ્તવિક જીવનના પ્રલોભન પ્રત્યે પ્રેરિત કર્યા હોય તેવું લાગે છે. પ્રયોગમાં ભાગ લેનારા લોકોએ એવું પણ જણાવ્યું હતું કે વર્ચ્યુઅલ બારમાં ફ્લર્ટિંગ કર્યા પછી વાસ્તવિક પાર્ટનર પાસેથી તેમની અપેક્ષા વધી છે.

મજબૂત સંબંધ

રિલેશનશિપ દરમિયાન અજાણી વ્યક્તિ સાથે ફ્લર્ટ કરવાથી યુગલ વચ્ચેનો સંબંધ મજબૂત થઈ શકે, આની સાથે બર્નબૌમ ચેતવણી પણ આપે છે કે આ લપસણો ઢાળ હોઈ શકે છે. તેમના કહેવા મુજબ, ફ્લર્ટિંગ કરતી વખતે પોતાની અને પોતાની સાથીની મર્યાદાઓને નક્કર રીતે સમજી લેવી જરૂરી છે. કોઈને હાનિરહિત ફ્લર્ટિંગથી છેતરામણી સુધી લઈ જતાં કારણો સુક્ષ્મ હોય છે.

તેઓ કહે છે, “લોકોને બેવફાઈના માપદંડોથી વાકેફ કરવામાં આવે છે ત્યારે, દાખલા તરીકે, તમે જાણતા હો કે તમારા પાર્ટનર તમારી સાથે ચીટિંગ કરે છે તો તમે પણ એવું કરો તેવી શક્યતા વધી જાય છે.” આને ‘ચેપી બેવફાઈ’ કહેવામાં આવે છે.

બર્મબૌમ ઉમેરે છે કે “વ્યક્તિત્વના ગુણોનો એક સમૂહ” હોય છે, જે કેટલાક લોકોને બેવફાઈ પ્રત્યે વધારે લચીલા કે વધારે સંવેદનશીલ બનાવતો હોય છે. દાખલા તરીકે, જે લોકો વધારે આત્મમુગ્ધ હોય છે કે તેમનામાં સંબંધ સંબંધી અસલામતી હોય છે તેઓમાં બીજાની તુલનાએ ચીટિંગની શક્યતા વધુ હોય છે. બર્નબૌમ કહે છે, “કયો આકર્ષક અનુભવ આપણે બેવફાઈ ભણી દોરી જશે તેનું અનુમાન કરવા આપણે ઘણાં કારણોને ધ્યાનમાં રાખવાં પડશે.”

સાવધાનીપૂર્વકનું ફ્લર્ટિંગ સારું હોઈ શકે, પરંતુ કેટલાક લોકો તેને ખરાબ માને છે. રેડિટનો ઉપયોગ કરતા પુરુષો પૈકીના લગભગ 7,000ને આવરી લેતા સર્વેમાં જાણવા મળ્યું હતું કે ફ્લર્ટિંગના કૌશલ્યનો અભાવ એ પૈકીના 43 ટકા પુરુષોના એકલા હોવાનું પાંચમું સૌથી કોમન કારણ હતું.

એવા લોકો માટે સારી રીતે ફ્લર્ટ કરવા શીખવાનું શક્ય હોઈ શકે. ફ્લર્ટિંગની ત્રણ કલાકની ટ્રેનિંગ પછી, તેમાં સહભાગી વયસ્કોના એક જૂથે ફ્લર્ટિંગની ક્ષમતા અને બહિર્મુખતામાં વધારે અંક પ્રાપ્ત કર્યા હતા. આ ટ્રેનિંગમાં વાત કરતી વખતે વધારે આત્મવિશ્વાસસભર દેખાવાની ટેકનિક શીખવાનું પણ સામેલ હતું.

ફ્લર્ટિંગની ટેકનિક

ફ્લર્ટિંગનું અન્ય કૌશલ્ય પણ શીખી શકાય છે. જેમની સાથે વાત કરતા હો તેમની સામે જોવા અને મસ્તક ઉઠાવવા જેવી વિસ્તૃત શારીરિક મુદ્રાથી પુરુષ અને સ્ત્રી બંનેમાં રોમૅન્ટિક આકર્ષણ વધે છે. તેનું કારણ કદાચ એ છે કે આપણે તેને પ્રભાવના વિસ્તાર અને વિસ્તૃત શારીરિક મુદ્રાની મોકળાશ સાથે જોડીએ છીએ તે હશે. અંગ્રેજીમાં ‘મેનસ્પ્રેડિંગ’ (જાહેર સ્થળોએ નડતરરૂપ બને તે રીતે પગ પહોળા કરીને બેસવું તે) તરીકે ઓળખાતી આવી શારીરિક મુદ્રાથી કેટલાક લોકો ગુસ્સે થઈ શકે છે.

તેની અસર વાસ્તવિક જીવનમાં સ્પીડ ડેટિંગ અને ઓનલાઇન ડેટિંગ પ્રોફાઇલ બંને પર થાય છે. ટૂંકી મુલાકાત કે ફોટો સ્વાઇપ કરવાનું સરળ જણાતું કામ સફળતાપૂર્વક ફ્લર્ટિંગ કરવાની શક્યતામાં વધારો કે ઘટાડો કરી શકે છે, તેને ધ્યાનમાં લેતાં, તકનો વધુ સારી રીતે ઉપયોગ કરવાથી રોમૅન્ટિક સફળતાની શક્યતા વધી જાય છે.

આ બાબતથી આપણે બધા કાયમ વાકેફ હોતા નથી, એમ જણાવતાં અમેરિકાની બકનેલ યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાનના પ્રોફેસર ટી. જોએલ વેડ કહે છે, “આ એવું નથી કે અહા, સામે કોઈ સુંદર વ્યક્તિ છે એટલે હું આગળ વધુ. આ સ્વાભાવિક વર્તન છે.” પ્રભુત્વનું આ અમૌખિક પ્રદર્શન મોકળાશનું સ્વરૂપ લઈ શકે છે.

ફ્લર્ટિંગ સામાન્ય રીતે પ્રગટ સ્વરૂપે કરવામાં આવતું હોય છે, પરંતુ એ અપ્રગટ કૃત્ય પણ હોઈ શકે છે. એક એવું કામ જેને તમે ફ્લર્ટિંગ માનતા જ નથી, એવું કૅનેડાની સેન્ટ મેરીઝ યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાનનાં પ્રોફેસર મેરીએન ફિશર જણાવે છે. લોકો મુખ્યત્વે, માથાના વાળ સરખા કરવા જેવા અમૌખિક સંકેતો દ્વારા ફ્લર્ટિંગ કરતા હોય છે. તેમના કહેવા મુજબ, આવા વર્તનને “સેલ્ફ ગ્રૂમિંગ” કહેવામાં આવે છે. “એ તમારા માટે મને વધારે આકર્ષક બનાવવાનો આઇડિયા છે.”

લૈંગિક અભિગમ ભલે ગમે તે હોય, પરંતુ ફ્લર્ટિંગ ટેકનિક્સમાંના તફાવત સાચા છે. દાખલા તરીકે, પોતાને ‘મર્દ’ ગણાવતા પુરુષો અને ‘પુરુષ’ તરીકેની ભૂમિકા ભજવતા લોકો, તેઓ કોની તરફ આકર્ષાયા છે તેને ધ્યાનમાં લીધા વિના ખુલ્લેઆમ ફ્લર્ટિંગ કરે તેવી શક્યતા વધારે હોય છે, જ્યારે ખુદને ‘નારી’ તરીકે ઓળખાવતી સ્ત્રીઓ અને સ્ત્રીલિંગી ભૂમિકા ભજવતી વ્યક્તિઓ અપ્રગટ કે અમૌખિક રીતે ફ્લર્ટિંગ કરે તેવી શક્યતા વધારે હોય છે.

કૅનેડાની બ્રિટિશ કોલંબિયા યુનિવર્સિટીના જેન, અમેરિકાની પેનસિલ્વેનિયા સ્ટેટ યુનિવર્સિટીનાં ફ્લોરા ઓસ્વાલ્ડ અને કૅનેડાની ક્વાંટલેન પોલિટેકનિક યુનિવર્સિટીના કોરી એલ. પેડરસન લખે છે કે લૈંગિક અભિગમ ફ્લર્ટિંગની શૈલીની આગાહી કરી શકતો હોય તો, મુખ્યત્વે આદર્શ લૈંગિક ભૂમિકાઓ અને લિંગ પર કેન્દ્રિત વર્તમાન સંશોધન “લૈંગિક લઘુમતીની વ્યક્તિઓના ફ્લર્ટિગયુક્ત વર્તનને જાણવા માટે યોગ્ય હોઈ શકે.”

વેડ સહમત થતાં કહે છે, “વિવિધ લૈંગિક અભિગમો વચ્ચે થોડો તફાવત હોઈ શકે, તેવું અમુક સંશોધનો સૂચવે છે, પરંતુ સામાન્ય રીતે ફ્લર્ટિંગની શૈલી અને લિંગ વચ્ચે ઘણી બધી સમાનતા હોય છે.”

ફ્લર્ટિંગનાં અન્ય અપ્રગટ ઉદાહરણો “જોડાણના સંકેતો” હોય છે. તેમાં નજરથી નજર મેળવવા, એકમેકને ભેટવા અને જોક્સ પર હસવાથી માંડીને ફૂડ શૅર કરવા સુધીની બાબતોનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે અજાણી વ્યક્તિ સાથે આપણે આવું કરતા નથી.

નોન-ફ્લર્ટિંગના સંદર્ભમાં લગ્ન વખતે તમારા જીવનસાથીનું નામ લેવું અથવા વેડિંગ રિંગ પહેરવી એ અન્ય વ્યક્તિ સાથે તમે જોડાયેલા છો તેના સંકેત હોઈ શકે છે. ફિશર કહે છે, “તમે કોઈની સાથે સંકળાયેલા છો તે દર્શાવવા માટે તમારા પાર્ટનરની ગેરહાજરીમાં ઘણી વાર બોન્ડિંગ સિગ્નલ્સ આપવામાં આવે છે.”

તેનો ઉપયોગ, અન્ય કોઈ અવેલેબલ નથી તે દર્શાવવા માટે પણ થઈ શકે છે. ફિશર કહે છે, “તમારો પાર્ટનર સંબંધમાં બંધાયેલો છે એવો સંકેત તમે આપવા ઇચ્છતા હો તો સૌથી આસાન માર્ગ સ્પષ્ટ જણાવી દેવાનો છે. કોઈને દૂર રહેવાનું જણાવતા પહેલાં કોઈના ગળે હાથ વળગાડવો સરળ હોય છે.”

ફ્લર્ટિંગના સંકેતોને નકારવામાં આવે અથવા તેનો યોગ્ય પ્રતિસાદ આપવામાં ન આવે તો એ સંકેતો, વર્તમાન રિલેશનશિપમાં તમને કેટલો રોમૅન્ટિક રસ છે તેનાથી સામેની વ્યક્તિને વાકેફ કરશે અને તેમના માટે કોઈ શક્યતા છે કે નહીં તે જણાવશે.

ખાસ રસ ન દર્શાવવો એ ફ્લર્ટિંગયુક્ત વર્તનનું એક લક્ષણ હોવાનું કારણ એ છે કે આપણે જેની સાથે ડેટિંગ કરતા હોઈએ તેનું ધ્યાન માત્ર આપણા પર જ હોય તે આપણને ગમે છે.

છૂપું મૂલ્ય

વેડ ઉમેરે છે કે ફ્લર્ટિંગનાં સુક્ષ્મ ઉદાહરણો મદદરૂપ થઈ શકે, કારણ કે ફ્લર્ટ કરનાર વ્યક્તિ જરૂરી હોય તો વાતચીત ઝડપથી બંધ કરી શકે છે, જ્યારે કોઈ રોમૅન્ટિક રુચિ હતી એવી વાતનો ઇનકાર કરી શકાય છે.

પુરુષો સામાન્ય રીતે રોમૅન્ટિક રુચિને વધારે મહત્ત્વ આપે છે. કદાચ તેઓ મૈત્રી અને આકર્ષણ વચ્ચે ગૂંચવાઈ જતા હશે. બીજી તરફ મહિલાઓ તેને ઓછું મહત્ત્વ આપે છે અને ‘ફ્રેન્ડ ઝોન’નો આઇડિયા અહીંથી જ આવી શકે છે.

ફિશર કહે છે, “વિષમલિંગી મહિલાઓની સરખામણીમાં વિષમલિંગી પુરુષોનો કથિત ફોલ્સ પૉઝિટિવ રેટ બહુ અલગ છે. કૅનેડાના કલ્ચરમાં સ્મિત કરવું એ સ્વાભાવિક બાબત છે. એ પરિસ્થિતિને શાંત કરવાની, દોસ્તીની ધારણાને વધારવાની એક રીત છે, પરંતુ સ્ટ્રેઇટ પુરુષો કોઈ મહિલાને સ્મિત કરતી જુએ તો એવું માને છે કે ઓહ, તેને મારામાં રસ પડ્યો છે.”

ફિશરનું કહેવું છે કે કથિત રીતે વધારે પડતા ફ્લર્ટિંગનો લાભ લઈને કેટલીક કંપનીઓએ સ્ત્રીઓનો રેસ્ટોરાંમાં હોસ્ટેસ જેવી ભૂમિકાઓમાં ઉપયોગ કર્યો છે. તેઓ કહે છે, “અમેરિકામાં એવા કોર્ટ કેસ થયા છે, જેમાં મહિલાઓ કહે છે કે તેમની સાથે ફ્લર્ટ કરવામાં આવે છે, કારણ કે કામ પર હોય ત્યારે તેમને સ્મિત કરવાનું અને બળજબરીથી વાતચીતમાં સામેલ થવાનું કહેવામાં આવે છે, જે સેક્સુઅલ માનવામાં આવે છે.” તેની સૌથી માઠી અસર મહિલાઓને થાય છે.

આખરે સવાલ થાય કે વર્ચ્યુઅલ વેઇટ્રેસને ખરેખર એકલા ગ્રાહકમાં રસ હતો કે પછી એ માત્ર સારી વેઇટ્રેસ હોવાની ફરજ બજાવતી હતી?