બાળક બોલવામાં થોથવાતું હોય તો માતા-પિતાએ આ બાબતોનું ધ્યાન રાખવું

પ્રકાશિત

“સ્કૂલમાં સવારે હાજરી પહેલાં મને બહુ ગભરામણ થતી હતી. આપણે ‘પ્રેઝન્ટ મૅમ’ કહીએ અથવા ‘યસ મૅમ’ કહીએ, પરંતુ હું કાયમ ‘યસ મૅમ’ કહેતો હતો. શક્ય તેટલું ઓછું બોલવાનો પ્રયાસ હું કરતો હતો.”

35 વર્ષના આદિત્ય (નામ બદલ્યું છે) આવું કહે છે. વ્યવસાયે તેઓ સોફ્ટવેર એન્જિનિયર છે અને પોતાની થોથવાવાની (સ્ટેમરિંગ) સમસ્યા માટે સ્પીચ થૅરપીની મદદ લઈ રહ્યા છે.

બીબીસી સંવાદદાતા પાયલ ભુયન સાથે વાત કરતાં તેઓ કહે છે, “અમે તોતડું બોલતા હોઈએ તો એમાં અમારો શું વાંક. ભગવાને અમને આવા જ બનાવ્યા છે. બાળપણમાં મારી મજાક ઉડાવવામાં આવતી હતી અને અત્યાર સુધી એવું જ ચાલતું રહ્યું છે.”

એક સંશોધન અનુસાર, આઠ ટકા બાળકો ક્યારેય ને ક્યારેક થોથવાતા જરૂર હોય છે, પરંતુ ઘણા બાળકોમાં આ સમસ્યાનું નિરાકરણ સમય જતાં થઈ જાય છે. કેટલાંકમાં થોડોઘણો ફરક પડે છે અને કેટલાંક બાળકોમાં કોઈ સુધારો થતો નથી.

ધીરજની આશા...

બાળકોનું તોતડાવું તેમનાં માતા-પિતા માટે દેખીતી રીતે ચિંતાની વાત છે અને તેમનો પ્રયાસ તેમનાં સંતાનોને મદદરૂપ થવાનો હોય છે.

બીબીસી સાઉન્ડ્સના વીમેન ઓવર પોડકાસ્ટ કાર્યક્રમમાં વાત કરતાં એક માતા જેરીએ જણાવ્યું હતું કે તેમના દીકરાએ બે-ત્રણ વર્ષની ઉંમરથી તોતડું બોલવાનું શરૂ કર્યું હતું.

તેમણે કહ્યું હતું, “અમારો દીકરો પાંચ-છ વર્ષનો થયો ત્યારે મને સમજાયું કે એ વાસ્તવમાં તોતડું બોલે છે. એ નાનો હતો ત્યારે અમને એવું લાગતું હતું કે બધાં બાળકો આવું કરતા હોય છે. તેની મદદ કરવી જોઈએ એનો અમને જરાય ખ્યાલ ન હતો અને અમે પ્રાર્થના કરી રહ્યા હતા કે એ આપોઆપ ઠીક થઈ જશે.”

જેરીના દીકરાની મુશ્કેલી સમય જતાં વધતી રહી હતી અને એ પહેલાં કરતાં વધુ તોતડાવા લાગ્યો હતો. એ વાતેવાતે નારાજ પણ થઈ જતો હતો.

જેરીએ કહ્યું હતું, “અમે અમારા દીકરાની લાગણી સંતોષવા તેને જોઈતું હોય તે આપવાનો પ્રયાસ કરતા હતા. જે શબ્દો બોલતાં એ થોથવાતો હોય એ શબ્દો તેને યાદ કરાવતા હતા, પરંતુ એનાથી તે હતાશ થઈ જતો હતો. ઘ ણીવાર નારાજ થઈ જતો. તેના ચહેરા પર નિસહાયતાનો ભાવ આવી જતો હતો.”

દિલ્હીની બાજુમાં આવેલા નોઈડામાં રહેતા આદિત્યના કહેવા મુજબ, ઘણી વાર એવું થાય છે કે લોકો તોતડાતા માણસની વાત ખતમ કરી દે છે, જે યોગ્ય નથી.

તેઓ કહે છે, “અમને અમારી વાત પૂર્ણ કરવાની તક જરૂર આપવી જોઈએ. હું જાણું છું કે તમે ખરા હૃદયથી અમારી મદદનો પ્રયાસ કરી રહ્યા છો, પરંતુ એ અમને ક્યાંક ખટકે છે. અમે તમારી પાસેથી માત્ર થોડી ધીરજની આશા રાખીએ છીએ.”

થોથવાવાનું સ્તર

બીબીસીના સંવાદદાતાએ નોઇડાના ધ લર્નિંગ હબ સ્પીચ ઍન્ડ હિયરિંગ સેન્ટરમાં સ્પીચ થૅરપિસ્ટ શિશુપાલ સાથે પણ વાત કરી હતી.

શિશુપાલે જણાવ્યું હતું કે થોથવાવાની સમસ્યા માટે અગાઉની સરખામણીએ હવે ઘણા લોકો સ્પીચ થૅરપીનો સહારો લઈ રહ્યા છે.

તેમને કહેવા મુજબ, થોથવાવાની સમસ્યાને ત્રણ વિભાગમાં વહેંચી શકાય.

(1) માઈલ્ડ એટલે કે થોડું થોથવાવું

(2) મોડરેટ, જેમાં વ્યક્તિ થોડું વધું થોથવાતી હોય છે

(3) સિવિયર એટલે કે વધારે પડતું થોથવાવું

તેઓ કહે છે, “જે બાળકોમાં માઈલ્ડ સ્ટેમરિંગની સમસ્યા હોય તેઓ જલદી ઠીક થઈ જાય છે.

મોડરેટ સ્ટેમરિંગની સમસ્યા ધરાવતાં બાળકોએ ચાર-પાંચ મહિના થૅરપી લેવી પડે છે. એ પછી તેમનામાં ઘણો સુધારો જોવા મળે છે.”

સીવિયર કેસ થોડા પડકારરૂપ હોય છે અને તેમાં સુધારાની શક્યતા 30-40 ટકા હોય છે, પરંતુ થેરપીની સાથે-સાથે બાળકોના પ્રયાસ અને ખર્ચ પણ મહત્ત્વના છે.

થૅરપી સાથે કાઉન્સેલિંગ જરૂરી

આદિત્ય કહે છે, “મારી સ્ટેમરિંગની સમસ્યાનું નિરાકરણ થઈ શકે એવું બાળપણમાં ક્યારેય વિચાર્યું ન હતું અને આ થૅરપી બહુ મોંઘી પણ હોય છે. એ વખતે અમારી પાસે થેરપી લેવાના પૈસા પણ ન હતા.”

બીબીસી સાઉન્ડ્સ પોડકાસ્ટ કાર્યક્રમમાં જેરીએ કહ્યું હતું, “સ્કૂલમાં પાઠનું વાંચન કરતી વખતે મારો દીકરો થોથવાતો હતો. શિક્ષક મને કહેતા હતા કે મારો દીકરો સ્લો છે. તેમાં આત્મવિશ્વાસની કમી છે, પરંતુ તમે સાહિત્યનો અભ્યાસ કરાવતા હો તો ઘણાં બાળકો થોથવાઈ જતાં હોય છે. મારા દીકરા જેવા વિદ્યાર્થીઓને થોડો વધારે સમય આપવો પડે, એ તમારે સમજવું જોઈએ. એ સ્લો છે એમ કહી દેવું યોગ્ય નથી.”

શિશુપાલ ભારપૂર્વક જણાવે છે કે ઘણી વાર આવા લોકોને થૅરપીની સાથે-સાથે કાઉન્સેલિંગની જરૂર પણ પડતી હોય છે.

તેઓ કહે છે, “જે લોકો બોલતી વખતે થોથવાતા હોય તેમનો આત્મવિશ્વાસ ઘટી જતો હોવાનું ઘણી વાર જોવા મળે છે. હું કશુંક ખોટું બોલીશ તો લોકો મારા પર હસશે, એવો ડર તેમના મનમાં ક્યાંકને ક્યાંક જરૂર રહે છે.”

તેમના જણાવ્યા મુજબ, થોથવાતા હોય એવા લોકો ગ્રૂપમાં બેસતા ન હોય એવું ઘણી વાર બને છે. તેમને એવું લાગે છે કે કોઈ કશું પૂછશે તો આપણે શું કહીશું. ઘણી વાર તેને કારણે ઑફિસમાં મુશ્કેલી થતી હોય છે.

નોકરી શોધવાના પોતાના પ્રારંભિક દિવસોને યાદ કરતાં આદિત્ય કહે છે, “હું બધી ટેકનિકલ ટેસ્ટ પાસ કરી લેતો હતો, પરંતુ દરેક વખતે છેલ્લા રાઉન્ડમાં મારું સિલેક્શન થતું ન હતું. ધીમે-ધીમે મને સમજાવા લાગ્યું હતું કે મારું થોથવાવું જ મને નોકરી નહીં મળવાનું કારણ છે.”

“એ પછી મને પહેલી નોકરી મળી ત્યારે મેં ઑફિસમાં પહેલાં જ કહી દીધું હતું કે મને સ્ટેમરિંગની તકલીફ છે. તેમણે મને થૅરપી વગેરે વિશે પૂછ્યું હતું અને મને નોકરી મળી ગઈ હતી.”

તેમ છતાં, મનમાં જે હોય તે બોલી નાખવાથી તેઓ ઘણી વાર એ કારણસર દૂર રહે છે કે ક્યાંક વધારે બોલવું પડશે તો શું થશે.

આદિત્યે અનેક થૅરપી સેશન્શમાં ભાગ લીધો હતો. વ્યક્તિગત પ્રયાસ કર્યા હતા. તેમની સ્ટેમરિંગની સમસ્યાનું નિરાકરણ હવે ઘણા અંશે થઈ ગયું છે.

કઈ બાબતોનું ધ્યાન રાખવું?

બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસના જણાવ્યા મુજબ, થોથવાતી હોય એવી કોઈ વ્યક્તિને મળો ત્યારે નીચે મુજબની બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

  • તેમનું વાક્ય જલદી ખતમ કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ.
  • ધીરજ રાખવી જોઈએ, તેઓ બોલતા હોય ત્યારે વચ્ચે ટોકવા ન જોઈએ.
  • તેમને જલદી કે ધીરે-ધીરે વાત કરવાનું ન કહેવું જોઈએ.
  • તેઓ કેવી રીતે બોલી રહ્યા છે તેના પર નહીં, પરંતુ તેઓ શું કહી રહ્યા છે તેના પર ધ્યાન આપવું જોઈએ.
  • તેમની આંખમાં આંખ મિલાવીને વાત કરવી જોઈએ.
  • કોઈ બાળક સાથે વાત કરતી વખતે ધીમેથી વાત કરવી જોઈએ. નાના વાક્યો બોલવા જોઈએ. આસાન ભાષામાં બોલવું જોઈએ.
  • તેમને તમારી વાત સમજવાનો સમય આપવો જોઈએ.

બ્રિટનની રાષ્ટ્રીય આરોગ્ય સેવાના જણાવ્યા મુજબ, સ્ટેમરિંગનાં ઘણાં કારણો હોઈ શકે છે. એ પૈકીનું એક કારણ ડર પણ હોઈ શકે છે. સ્ટેમરિંગની સ્થિતિમાં સુધારો કરી શકાય છે.

બાળકોથી માંડીને વયસ્કો થૅરપીની મદદ લઈ શકે છે. જોકે, થૅરપી લેવાનું શક્ય તેટલું વહેલું શરૂ કરવું જોઈએ, પરંતુ થૅરપી ગમે તે વયે લઈ શકાય છે.

બીબીસી સાઉન્ડ્સ પોડકાસ્ટ કાર્યક્રમમાં જેરીએ કહ્યું હતું, “મારું સંતાન થોથવાય છે અને ભવિષ્યમાં પણ થોથવાશે એ શક્ય છે. હું ઇચ્છું છું કે દુનિયા મારા સંતાન માટે થોડી આસાન હોય. એ બાકીના બધા માણસો જેવો જ છે, અલગ નથી.”

આદિત્ય કહે છે, “અમારામાં કોઈ ખોટ છે એવું વિચારશો નહીં. મને લાગે છે કે લોકો અમારી મજાક નહીં ઉડાવે તો અમારો આત્મવિશ્વાસ વધે તે શક્ય છે.”