You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાયબરેલી: કૉંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, “મોદી પોતે પણ ભાગીને જ આવ્યા...” - ઇલેક્શન અપડેટ
રાયબરેલીમાં ઉમેદવારી પત્ર ભરતા પહેલાં રાહુલ ગાંધીએ પાર્ટીના કેન્દ્રીય કાર્યાલયમાં પરિવાર અને સમર્થકો સાથે પૂજા અર્ચના કરી હતી.
રાયબરેલીથી બીબીસી સહયોગી અનુભવ યાદવના જણાવ્યા અનુસાર આ પૂજા દરમિયાન સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, રૉબર્ટ વાડ્રા અને કૉંગ્રેસ તથા સમાજવાદી પાર્ટીના કાર્યકરો હાજર રહ્યા હતા.
વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ આજે રાયબરેલીથી પણ ઉમેદવારી નોંધાવી છે. આ ગાંધી પરિવારની પરંપરાગત બેઠક છે. સોનિયા ગાંધીએ આ બેઠક છોડી દીધી છે અને હવે તેઓ રાજસ્થાનથી રાજ્યસભાના સાંસદ છે.
વર્ષ 2019માં ભાજપના સ્મૃતિ ઈરાનીએ અમેઠી બેઠક પરથી રાહુલ ગાંધીને હરાવ્યા હતા.
રાહુલ આ વખતે અમેઠીથી ચૂંટણી નહીં લડે તે અંગે ભાજપના નેતાઓ કહી રહ્યા છે કે રાહુલ ગાંધી હારના ડરથી અમેઠીથી ચૂંટણી નથી લડી રહ્યા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળમાં એક ચૂંટણી રેલીમાં ટિપ્પણી કરતા કહ્યું કે, "આજે હું તેમને કહેવા માંગું છું કે, ડરો નહીં અને ભાગશો નહીં."
સોનિયા ગાંધીના ચૂંટણી ન લડવા અંગે મોદીએ તેમના ભાષણમાં કહ્યું હતું કે, "મેં પહેલેથી જ કહ્યું હતું. મેં બે-ત્રણ મહિના પહેલાં કહ્યું હતું કે તેમના સૌથી મોટા નેતા ચૂંટણી લડવાની હિંમત નહીં કરે અને ભાગી જશે અને તે જુઓ ભાગી જ ગયા. તેઓ રાજસ્થાનથી રાજ્યસભામાં ગયા છે."
જ્યારે પત્રકારોએ કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટિપ્પણી પર તેમની પ્રતિક્રિયા પૂછી તો તેમણે કહ્યું, "તેઓ પોતે પણ વારાણસી ભાગીને જ આવ્યા છે, તેમને પૂછો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં વારાણસીથી સાંસદ છે અને આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.
નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધીને કહ્યું - 'ડરો નહીં, ભાગો નહીં'
ઉત્તર પ્રદેશમાં ગાંધી પરિવારનો ગાઢ ગણાતી અમેઠી અને રાયબરેલી બેઠકો પર કૉંગ્રેસે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારનાં નામોની યાદી જાહેર કરી છે.
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડશે. જોકે, કૉંગ્રેસમાં અમેઠીથી ગાંધી પરિવારના કોઈ સભ્ય આ વખતે ચૂંટણી નહીં લડે. વર્ષ 1999 પછી આ પહેલો મોકો છે જ્યારે ગાંધી પરિવારના કોઈપણ સભ્ય અમેઠીથી ચૂંટણી લડી રહ્યા નથી.
રાહુલ ગાંધી વાયનાડ બેઠક પરથી પણ ચૂંટણી લડી રહ્યા છે.
નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળના બર્ધમાનની જાહેર સભામાં આ વિષય પર ટિપ્પણી કરી છે.
નરેન્દ્ર મોદી કહે છે કે, "મેં પહેલાં જ કહ્યું હતું કે, શહજાદા વાયનાડમાં હારવાના છે. જેવું જ મતદાન સમાપ્ત થશે તેમને હારનો ડર લાગશે અને બીજી બેઠક શોધવા લાગશે."
"કૉંગ્રેસના માણસો એવું કહેતા હતા કે રાહુલ અમેઠી આવીને લડશે. પરંતુ રાહુલ તો એટલા બધા ડરી ગયા કે અમેઠીથી ભાગીને હવે રાયબરેલીમાં રસ્તો શોધે છે."
"આ કૉંગ્રેસવાળા ફરી ફરીને ભાજપને બધે કહે છે ડરો નહીં, તો આજે મારે પણ તેમને કહેવું છે, અને મન ભરીને કહેવું છે કે, 'અરે ડરો નહીં, ભાગો નહીં'".
તે સોનિયા ગાંધી વિશે પણ ટિપ્પણી કરતા કહે છે કે, "મેં તો પહેલાં જ કહ્યું હતું કે, કૉંગ્રેસનાં સૌથી મોટાં નેતા ચૂંટણી લડવાની હિમ્મત નહીં કરે. તે ડરને ભાગી જશે. અને થયું પણ એવું જ જેવું મેં કહ્યું હતું. તેઓ ભાગી ગયાં અને ભાગીને રાજસ્થાનથી રાજ્યસભામાં જતાં રહ્યાં."
રાહુલ ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડશે, ભાજપે કહ્યું - 'ગાંધી પરિવારની અમેઠી બેઠક પરથી કોઈ ચૂંટણી લડવા તૈયાર નથી
કૉંગ્રેસે ઉત્તર પ્રદેશ અને ગાંધી પરિવારનો ગઢ ગણાતી અમેઠી અને રાયબરેલી બેઠકોના લોકસભા ઉમેદવારનાં નામોની યાદી જાહેર કરી દીધી છે.
સમાચાર એજન્સી એએનઆઈના અહેવાલ પ્રમાણે, કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડશે. જોકે, કૉંગ્રેસમાં અમેઠીથી ગાંધી પરિવારનો સભ્ય આ વખતે ચૂંટણી નહીં લડે. વર્ષ 1999 પછી આ પહેલો મોકો છે જ્યારે ગાંધી પરિવારના કોઈપણ સભ્ય અમેઠીથી ચૂંટણી લડી રહ્યા નથી.
પાર્ટીએ આ વખતે કિશોરીલાલ શર્માને અમેઠી બેઠક પર ટિકિટ આપી છે. કિશોરીલાલ શર્માએ રાયબરેલીમાં સોનિયા ગાંધીના સંસદીય પ્રતિનિધિ તરીકેની જવાબદારી સંભાળી હતી.
કૉંગ્રેસની યાદી જાહેર થઈ તે પહેલાં માનવામાં આવતું હતું કે પ્રિયંકા ગાંધી અમેઠી અથવા રાયબરેલીથી ચૂંટણી લડી શકે છે. જોકે, કૉંગ્રેસની યાદીમાં પ્રિયંકા ગાંધીનું નામ નથી.
અહીં ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી કેરળની વાયનાડ લોકસભા બેઠકથી સંસદ સભ્ય હતા. તેઓ વાયનાડ બેઠક પરથી પણ ચૂંટણી લડી રહ્યા છે.
ભારતીય જનતા પાર્ટીએ રાહુલ ગાંધીની રાયબરેલીથી ઉમેદવારી અંગે પ્રતિક્રિયા આપી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક ચૂંટણી સભામાં રાહુલ ગાંધી પર નિશાનો સાધતા કહ્યું કે મુકાબલાથી ડરો નહીં અને ભાગો નહીં.
કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે આરોપ લગાવ્યો કે ગાંધી પરિવાર જે બેઠક પરથી ચૂંટણી હારે છે, તે બેઠકને છોડી દે છે.
સમાચાર એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં તેમણે કહ્યું,"ગાંધી પરિવાર જે બેઠક પરથી ચૂંટણી હારે છે, ત્યાંથી બીજી વખત નથી લડતા. જેમ કે રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી હાર્યા તો અમેઠી બેઠક છોડી દીધી. આ વખતે રાહુલ ગાંધી રાયબરેલીથી હારશે તો રાયબરેલી પણ છોડી દેશે."
ભાજપના રાષ્ટ્રીય સચિવ મનજિંદરસિંહ સિરસાએ સમાચાર એજન્સી એએનઆઈને કહ્યું, "રાહુલ ગાંધી વાયનાડથી ચૂંટણી હારી રહ્યા છે એટલે જ તેઓ રાયબરેલીથી ચૂંટણી લડી રહ્યા છે."
"તેમણે (રાહુલ ગાંધી) પહેલાં અમેઠીથી હાર સ્વીકારી અને અમેઠી છોડીને ભાગી ગયા. તેઓ (રાહુલ ગાંધી) હવે વાયનાડ છોડીને ભાગી રહ્યા છે. અમેઠી બેઠક જે તેમના પરિવારની બેઠક ગણવામાં આવતી હતી, ત્યાંથી કોઈ ચૂંટણી લડવા માટે તૈયાર નથી."
મનજિંદરસિંહ સિરસાએ કહ્યું કે કેએલ શર્માને પંજાબથી લાવવા પડ્યા. કોઈ કાર્યકર્તા પણ અમેઠીથી ચૂંટણી લડવા માટે તૈયાર નથી. વાયનાડથી ભાગ્યા પછી રાહુલ ગાંધીને રાયબરેલીથી પણ ભાગવું પડશે.
લોકસભાની 2019ની ચૂંટણીમાં ભાજપનાં ઉમેદવાર સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને અમેઠીમાં ચૂંટણી હરાવી હતી. સ્મૃતી ઈરાનીએ અમેઠી બેઠક પરથી 55 હજારથી વધારે મતોથી ચૂંટણી જીતી હતી. તેઓ આ વખતે પણ અમેઠીથી ભાજપનાં ઉમેદવાર છે.
ભાજપે ગુરુવારે રાયબરેલીથી દિનેશ પ્રતાપસિંહને પોતાના ઉમેદવાર જાહેર કર્યા હતા. દિનેશ પ્રતાપસિંહ 2019માં રાયબરેલી બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. જોકે, કૉંગ્રેસના સોનિયા ગાંધી સામે તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.
રાહુલ ગાંધીની રાયબરેલીથી ઉમેદવારી પાછળ જયરામ રમેશે શું કારણ આપ્યું?
રાહુલ ગાંધી અમેઠીની જગ્યાએ રાયબરેલીથી ચૂંટણી લડવા પાછળ કૉંગ્રેસ નેતા જયરામ રમેશે કારણા આપતા કહ્યું, “રાયબરેલીથી માત્ર સોનિયાજીના જ નહીં, પરંતુ ઇંદિરા ગાંધીની પણ બેઠક હતી. આ વારસો નથી પણ જવાબદારી અને કર્તવ્ય છે.”
જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ એક્સ પર લખ્યું, “રાહુલ ગાંધી રાજનીતિ અને ચેસના જૂના ખેલાડી છે અને સમજીને જ દાવ ચાલે છે.”
“આ નિર્ણયથી ભાજપ, તેના સમર્થકો અને ચાપલૂસો હારી ગયા છે. પોતાને ચાણક્ય ગણાવનાર લોકો જે વારસાગત બેઠકની વાત કરતા હતા તેમને પણ સમજણ નથી પડતી કે હવે શું કરવું?”
જયરામ રમેશે કહ્યું, “વાત ગાંધી પરિવારના ગઢની છે તો અમેઠી-રાયબરેલી જ નહીં પરંતુ ઉત્તરથી દક્ષિણ આખો દેશ ગાંધી પરિવારનો ગઢ છે. રાહુલ ગાંધી ત્રણ વખત ઉત્તર પ્રદેશથી અને એખ વખત કેરળથી સંસદ સભ્ય બન્યા છે. જોકે, મોદીજીએ વિંધ્યાંચલથી નીચેના ભાગમાં જઈને ચૂંટણી લડવાની હિંમત કેમ ન કરી?”
પ્રિયંકા ગાંધીની ચૂંટણી ન લજવા વિશે જયરામ રમેશે કહ્યું, “પ્રિયંકાજી જોરદાર પ્રચાર કરી રહ્યાં છે અને એકલા જ નરેન્દ્ર મોદીના જુઠાણાનો જવાબ સત્યથી આપીને તેમને બોલતા બંધ કરી દીધી છે. આ કારણે જ તેમને માત્ર પોતાના ચૂંટણી ક્ષેત્ર સુધી જ સિમિત રાખવા યોગ્ય ન હતા. પ્રિયંકાજી તો કોઇપણ પેટાચૂંટણી જીતીને સંસદ પહોંચી શકે છે.”
“આજે સ્મૃતી ઈરાનીની એકમાત્ર ઓળખણ એ હતી કે તેઓ રાહુલ ગાંધી સામે અમેઠીથી ચૂંટણી લડતા હતા. સ્મૃતી ઈરાનીની આ ઓળખાણ પણ હવે ન રહીં.”
ભાજપના નેતાઓએ દાવો કર્યો છે કે રાહુલ ગાંધી હારની બીકને કારણે અમેઠીથી ચૂંટણી નથી લડી રહ્યાં.
ગાંધી પરિવારનો કોઈ પણ સભ્ય 1999 પછી પહેલી વખત અમેઠી બેઠકથી ચૂંટણી નહીં લડે.
અમેઠીથી કૉંગ્રેસ પાર્ટીએ કિશોરી લાલ શર્માને ઉમેદવાર જાહેર કર્યા છે. સ્મૃતી ઈરાનીએ 2019ની લોકસભા ચૂંટણીમા અમેઠીથી રાહુલ ગાંધીને પરાજય આપ્યો હતો.
કૉંગ્રેસે લદ્દાખ લોકસભા બેઠક પરથી કોને ટિકિટ આપી?
કૉંગ્રેસે લદ્દાખ લોકસભાની બેઠક પરથી સેરિંગ નામગ્યાલને ઉમેદવાર બનાવ્યા છે. કૉંગ્રેસ ગુરુવારે મોડી રાત્રે તેમના નામની જાહેરાત કરી હતી.
ભાજપે લદ્દાખ લોકસભા બેઠક પરથી વર્તમાન સંસદ સભ્યની ટિકિટ કાપીને તાશી ગ્યાલસનની ઉમેદવાર બનાવ્યા છે.
કૉંગ્રેસ અને નેશનલ કૉન્ફ્રેન્સ જમ્મુ-કાશ્મીરની પાંચ અને લદ્દાખની એક બેઠક પર સાથે મળીને ચૂંટણી લડી રહી છે.
કૉંગ્રેસના ભાગે લદ્દાખ સિવાય જમ્મુની બે બેઠકો પણ છે.
નેશનલ કૉન્ફ્રેન્સના ઉપાધ્યક્ષ ઉમર અબ્દુલ્લાએ ગુરૂવારે બારામૂલા લોકસભા બેઠક પરથી સોગંદનામું ભર્યું હતુ.