ગુજરાતમાં નવરાત્રિ પહેલાં વરસાદની આગાહી, ત્રણ દિવસ કયા જિલ્લામાં વરસી પડશે?

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

ગુજરાતમાંથી ચોમાસું સત્તાવાર રીતે વિદાય લેવાની તૈયારીમાં છે, પરંતુ કેટલાક ભાગોમાં હજુ વરસાદ થાય છે અને આગામી ત્રણ દિવસ સુધી કેટલાક જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પડવાની આગાહી છે.

અમદાવાદસ્થિત હવામાન વિભાગનું બુલેટિન જણાવે છે કે છેલ્લા ચોવીસ કલાકમાં સુરત અને નવસારી સહિત સાઉથ ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટાંછવાયાં સ્થળે ભારે વરસાદ નોંધાયો છે.

સૌરાષ્ટ્રમાં કેટલીક જગ્યાએ ઝાપટાં પડ્યાં છે અને ઉત્તર ગુજરાત તથા કચ્છમાં વાતાવરણ એકંદરે સૂકું છે.

છેલ્લા ચોવીસ કલાકમાં અમરેલી, જાફરાબાદ, કપરાડા, ઉના, છોટા ઉદેપુર, ઉમરગાંવ અને ડાંગ આહવામાં એક ઇંચથી લઈને 1.77 ઇંચ સુધી વરસાદ પડ્યો છે. આ ઉપરાંત તાપી, ભરૂચ, રાજકોટ, અમરેલી, ડાંગ, જૂનાગઢ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, નવસારી, વલસાડ, ભાવનગરમાં પણ કેટલીક જગ્યાએ અડધા ઇંચથી લઇને એક ઇંચ સુધી વરસાદ નોંધાયો છે.

રાજસ્થાનમાંથી ચોમાસાની વિદાય શરૂ, ગુજરાતમાં ક્યારે?

દરમિયાન રાજસ્થાનમાંથી ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાં પણ ઉત્તર ભાગમાંથી ચોમાસું વિદાય લેવા લાગ્યું છે. ભટીંડા, ફતેહાબાદ, અજમેર, ડીસા અને ભુજ પરથી ચોમાસની વિદાય શરૂ થઈ છે.

રાજસ્થાન અને ગુજરાત ઉપરાંત પંજાબ અને હરિયાણામાં પણ કેટલાક ભાગમાંથી ચોમાસાએ વિદાય લીધી છે.

આગામી બેથી ત્રણ દિવસમાં આ ચારેય રાજ્યમાંથી ચોમાસું વિદાય લે તેના માટે અનુકૂળ સ્થિતિ છે. આ દરમિયાન પૂર્વ વિદર્ભ અને પડોશના વિસ્તારમાં એક અપર ઍર સાઈક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે જે સમુદ્રની સપાટીથી 5.8 કિમીની ઊંચાઈએ આવેલું છે.

નવરાત્રિ અગાઉ કયા જિલ્લાઓમાં વરસાદની આગાહી છે?

ઉલ્લેખનીય છે કે 22 સપ્ટેમ્બરથી ગુજરાતમાં નવરાત્રિની શરૂઆત થશે. હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે 17 સપ્ટેમ્બર, બુધવારે ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં હળવો વરસાદ થવાની શક્યતા છે.

આ દરમિયાન પવનની ઝડપ 30થી 40 કિમી પ્રતિ કલાક રહેવાની સંભાવના છે. આ ઉપરાંત વડોદરા, છોડા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગરહવેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં હળવો વરસાદ થવાની સંભાવના છે.

18 સપ્ટેમ્બર, ગુરુવારે ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોડા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગરહવેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં હળવો વરસાદ પડે તેવી શક્યતા છે.

19 સપ્ટેમ્બર, શુક્રવારે અમદાવાદ, આણંદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, પંચમહાલ, વડોદરા, છોડા ઉદેપુર, નર્મદા, ભરૂચ, દાહોદ, મહીસાગર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, તાપી, દમણ, દાદરા અને નગરહવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં હળવો વરસાદ પડે તેવી શક્યતા છે.

અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેશે અને છૂટોછવાયો વરસાદ પડે તેવી આગાહી છે.

સૌરાષ્ટ્રમાં વરસાદની ઘટ

ગુજરાતમાં અત્યાર સુધીમાં 108 ટકા કરતાં વધારે વરસાદ નોંધાયો છે.

કચ્છ જિલ્લામાં સૌથી વધારે 136 ટકા વરસાદ નોંધાયો છે જ્યારે ઉત્તર ગુજરાતમાં સરેરાશની તુલનામાં 119 ટકા વરસાદ થયો છે તેમ હવામાન વિભાગનો ડેટા દર્શાવે છે.

પૂર્વ મધ્ય ગુજરાતમાં 110 ટકાથી વધારે અને દક્ષિણ ગુજરાતમાં 111 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. છેલ્લી સ્થિતિ મુજબ સૌરાષ્ટ્રમાં લગભગ 94 ટકા વરસાદ પડ્યો છે એટલે કે સૌરાષ્ટ્રમાં હજુ સુધી વરસાદની ઘટ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન