You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એશિયામાં આ વર્ષનું સૌથી શક્તિશાળી વાવાઝોડું ‘યાગી’ ચીન પર થઈને વિયેતનામ પર ત્રાટક્યું
એશિયામાં ઉદ્ભવેલું આ વર્ષનું સૌથી શક્તિશાળી વાવાઝોડું ‘યાગી’ હવે વિયેતનામના ઉત્તર ભાગ પર ત્રાટક્યું છે.
બીબીસી સંવાદદાતા મેગન ફિશરના અહેવાલ અનુસાર આ વાવાઝોડું વિયેતનામના હેઇ ફોંગ અને ક્વાંગ નિન્હ પ્રાંત પર આજે સવારે ત્રાટક્યું છે અને તેની ઝડપ તે સમયે 203 કિલોમીટર પ્રતિ કલાક હતી.
આ વાવાઝોડું ‘સુપર ટાયફૂન’ છે અને તેની કૅટેગરી-5ના વાવાઝોડા તરીકે ગણતરી થાય છે.
સમાચાર એજન્સી એએફપીએ નોંધ્યું છે કે આ વાવાઝોડાને કારણે હેઇ ફોંગ પ્રાંતમાં ચારેકોર પતરાં અને સાઇન-બૉર્ડ ઊડી ગયેલાં જોવાં મળે છે.
એજન્સી પ્રમાણે વિયેતનામમાં એક વ્યક્તિનું ઝાડ પડવાને કારણે મૃત્યુ પણ થયું છે.
આ વાવાઝોડું ચીનના હવાઈ પ્રાંતમાં આવેલ પ્રખ્યાત હૈનાન ટાપુમાં વિનાશ વેરીને આગળ વધ્યું છે.
ચીનમાં વેર્યો વિનાશ
આ વાવાઝોડાને કારણે ચીનમાં ઓછામાં ઓછી ત્રણ વ્યક્તિનાં મૃત્યુ થયાં છે અને 100 લોકો ઘાયલ થયા છે.
એ પહેલાં ચીનના હૈનાન ટાપુ પરથી ગઇકાલે ચાર લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. દેશના અમુક વિસ્તારોમાં ટ્રેન અને ફ્લાઇટની સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી તથા શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચીનના સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો દર્શાવે છે કે હૈનાન પ્રાંતના ટાવરોની બારીઓ ઉખડીને ઊડી ગઈ છે.
વીજળી બંધ થવાને કારણે 8.30 લાખ લોકોને અસર થઈ છે અને અનેક ખેતરોમાં પાકનો નાશ થઈ ગયો છે.
આ સુપર ટાયફૂન એ કેટેગરી-5નું વાવાઝોડું છે અને ઉત્તર ફિલિપીન્ઝમાં ત્રાટક્યાં પછી તેની શક્તિ બેગણી થઈ ગઈ હતી.
ઉત્તર ફિલિપીન્ઝમાં પણ આ વાવાઝોડાને કારણે પૂર તથા ભૂસ્ખલનથી 13 લોકોનાં મોત થયાં છે, જ્યારે હજારો લોકોએ સ્થળાંતર કરવું પડ્યું હતું.
ભારત પર થશે અસર?
ભારતથી સેંકડો કિલોમીટર દૂર પ્રશાંત મહાસાગર, ફિલિપાઇન્સ સાગર અને દક્ષિણ ચીન સાગરમાં આ મહિનાઓ દરમિયાન ખતરનાક વાવાઝોડાં સર્જાતાં હોય છે અને એમાં કેટલાંક વાવાઝોડાની અસર ભૂતકાળમાં ભારત સુધી પણ થયેલી છે.
ફિલિપીન્ઝ પાસે સર્જાયેલા 'યાગી' નામનું આ વાવાઝોડું એ 'સુપર ટાઇફૂન' બન્યું છે. તેણે એક કરતાં વધારે દેશોને તેની અસર પહોંચાડી છે.
આજે આ વાવાઝોડું ચીન થઈને વિયેતનામ પર ત્રાટક્યું છે. લાઓસ અને મ્યાનમાર સુધી આ વાવાઝોડાની અસર થાય તેવી શક્યતા છે એટલે કે નબળું પડ્યાં બાદ આ વાવાઝોડું આ બધા દેશોમાં ભારે વરસાદ લાવે તેવી સંભાવના દેખાઈ રહી છે.
ઘણી વખત પ્રશાંત મહાસાગરમાં બનતાં સુપર ટાઇફૂન બંગાળની ખાડી અને ભારત પરના હવામાન, પવનની ગતિ અને વરસાદને અસર કરતાં હોય છે.
હાલ બંગાળની ખાડીમાં એક લો-પ્રેશર એરિયા પણ બનેલો છે. અને તે આગામી દિવસોમાં ભારતના ભૂ-ભાગો પર આવશે અને જે બાદ તે મધ્ય ભારતના વિસ્તારોમાં અસર કરશે એટલે કે આ વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે.
ભારતના હવામાન વિભાગની સાથે ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ પણ દેશના હવામાન પર નજર રાખે છે. સ્કાયમેટના અહેવાલ પ્રમાણે વિયેતનામ પર લૅન્ડફૉલ બાદ આ વાવાઝોડું નબળું પડી જશે. જે બાદ તેના બાકી રહેલા અવશેષો એટલે કે નબળી પડેલી સિસ્ટમ લાઓસ અને મ્યાનમાર સુધી પહોંચે તેવી સંભાવના છે.
યાગી નામનું આ વાવાઝોડું ભારતને કોઈ સીધી અસર નહીં કરે અને તેના કારણે ભારતમાં પવનની ગતિમાં વધારો થવાની કોઈ શક્યતા હાલ દેખાતી નથી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન