You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લેબનન : એ મહિલા જેણે પોતાના જ ખાતામાંથી પૈસા કાઢવા માટે બૅન્ક લૂટી
- લેબનનમાં સલી હફિઝે પોતાની 28 વર્ષનાં બહેનની કૅન્સરની સારવાર માટે તેમણે બૅન્કમાં લૂટ કરવી પડી હતી
- સલીએ કરેલી બૅન્ક લૂટની ચર્ચા સોશિયલ મીડિયા પર થઈ રહી છે. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર શૅર થતાંની સાથે જ તેઓ ઘણા લોકપ્રિય બની ગયાં અને તેમને 'હિરોઇન' તરીકે જોવામાં આવ્યાં
- સલી બૅન્કમાંથી પૈસા લૂટ્યા બાદ ગાયબ હતાં પરંતુ ગુરુવારે તેમણે પોતાને પોલીસના હવાલે કર્યાં. જોકે સલીને જામીન મળી ગયા છે.
એ મહિલાએ કાળો ડ્રેસ પહેર્યો હતો અને તેના હાથમાં બંદૂક હતી. બૅન્કના કર્મચારીઓ સામે બંદૂક તાણીને ઊભાં સલી હફીઝ પોતાના જ 20 હજાર અમેરિકન ડૉલર લેવા માટે અહીં પહોંચ્યાં હતાં.
લેબનનમાં પોતાના 20 હજાર ડૉલર લેવા માટે તેમણે કરેલી બૅન્ક લૂટમાં તેઓ સફળ થયાં હતાં. સલી હાફિઝ કોઈને ઈજા પહોંચાડ્યાં વિના કમ સે કમ 13 હજાર ડૉલર બૅન્કમાંથી લઈને ગયાં હતાં.
બૈરુતની બ્લોમ બૅન્કમાં 14 સપ્ટેમ્બરના બનેલી આ ઘટના સામાન્ય બૅન્ક લૂંટની ઘટના નહોતી. સલી હાફિઝે જે બંદૂક તાણીને પોતાના જ પૈસા બૅન્કમાંથી લૂટ્યા તે રમકડાંની બંદૂક હતી.
પોતાનાં 28 વર્ષનાં બહેનની કૅન્સરની સારવાર માટે તેમણે બૅન્કમાં લૂટ કરવી પડી હતી.
લેબનનમાં જ નહીં સલીએ કરેલી બૅન્ક લૂટની ચર્ચા સોશિયલ મીડિયા પર થઈ રહી છે. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર શૅર થતાંની સાથે જ તેઓ ઘણા લોકપ્રિય બની ગયાં અને તેમને 'હિરોઇન' તરીકે જોવામાં આવ્યાં.
લેબનનમાં જ્યાં લોકો ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે ત્યાં સલીએ જે કર્યું તેને લોકો તેમની તકલીફો અને હતાશાના પ્રતીક સ્વરૂપે જોઈ રહ્યા છે.
સલી બૅન્કમાંથી પૈસા લૂટ્યા બાદ ગાયબ હતાં પરંતુ ગુરુવારે તેમણે પોતાને પોલીસના હવાલે કર્યાં. જોકે સલીને જામીન મળી ગયા છે. તેમની પર 25 ડૉલરનો દંડ અને છ મહિના માટે પ્રવાસ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
'મેં જે કર્યું એ સહેલું નહોતું'
મધ્ય પૂર્વનો દેશ લેબનન છેલ્લા કેટલાક સમયથી ભારે આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે. આર્થિક સંકટને કારણે લાદવામાં આવેલા અનેક પ્રતિબંધોને કારણે લોકોમાં રોષ વધી રહ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મોટાભાગની વસતી પર 2019થી જ મહિને પોતાના બૅન્ક ખાતામાંથી 400 ડૉલરથી વધુ ઉપાડવા પર પ્રતિબંધ છે. 2019માં મોંઘવારી દર વધતાં સ્થાનિક ચલણ તળિયે આવી ગયું હતું.
દુનિયામાં જ્યાં અનેક દેશો આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે ત્યાં લેબનન એવો દેશ છે જે દુનિયામાં અત્યાર સુધીનાં સૌથી ગંભીર અને લાંબા આર્થિક સંકટમાંથી એકનો સામનો કરી રહ્યો છે.
બીબીસી સંવાદદાતા ડેવિડ ગ્રિટેન અનુસાર 80 ટકા વસતી ગરીબીમાં જીવી રહી છે અને અહીંના લોકોએ ભોજન તથા દવાઓ ખરીદવા માટે સંઘર્ષ કરવો પડે છે.
આર્થિક સંકટ વચ્ચે સલીએ કરેલી બૅન્ક લૂટ વિશે તેમણે બીબીસી ન્યૂઝના સંવાદદાતા રેચલ થૉર્ન સાથે વાત કરી હતી, તેમણે કહ્યું, "મેં જે કર્યું તે નક્કી કરવું સહેલું નહોતું, પરંતુ મારી પાસે બીજો વિકલ્પ જ નહોતો."
"મેં જે લોકોને ડરાવ્યા તેમની હું માફી માગું છું. પરંતુ અમે જે હતાશા, ગુસ્સો અને દુ:ખ દરરોજ સહી રહ્યા છીએ તેની સાથે તેની સરખામણી થઈ શકે? એ જાણીને કે મારી બહેન મરી રહી છે? "
તેઓ સ્વીકાર કરે છે કે બૅન્કમાં લોકો સામે બંદૂક તાણીને તેમણે લોકોને ખતરામાં નાખ્યા. પરંતુ તેમનું કહેવું છે કે, "આમાં દોષ બૅન્કનો છે, મારો નહીં,"
જે દિવસે સલીએ બૅન્કમાંથી પૈસા લૂટ્યા તે દિવસે જ એલેમાં પણ આવી જ એક ઘટના બની હતી. એલે લેબનનનું ચોથું મોટું શહેર છે. આ ઘટનામાં એક પુરુષે પોતાના પરિવારના ગુજરાન માટે પોતાના ખાતામાંથી પોતાની બચતના પૈસા કાઢવાનો પ્રયત્ન કર્યો હતો. તેણે પોતાની બચતમાંથી પૈસા કાઢવા માટે બૅન્કના કર્મચારીઓને કલાકો સુધી બંધક બનાવ્યા હતા.
"કોઈએ આની પાછળનાં કારણોમાં રસ દાખવ્યો નથી"
લેબનનમાં લોકોની બચતના નાણાંને ફ્રીઝ કરી દેવા સામે ઝુંબેશ ચલાવતા ડિપોઝિટર્સ આઉટક્રાયના ઇબ્રાહિમ અબ્દલ્લા કહે છે કે લોકો હવે પતન તરફ વધી રહ્યા છે.
અબ્દલ્લાહે રૉઇટર્સ ન્યૂઝ એજન્સીને કહ્યું, "અમે છેલ્લાં ત્રણ વર્ષથી રાજ્યને અરજી કરી રહ્યા છીએ, અમે શાંતિપૂર્ણ રીતે માંગણી કરી છે અને વિરોધ કર્યો છે, અને અમારા કારણમાં કોઈએ રસ દાખવ્યો નથી."
ગયા મહિને, એક જજે એક માણસને મુક્ત કરવાનો આદેશ આપ્યો જેણે બેરૂતની અન્ય બૅંકની શાખામાં સ્ટાફને સાત કલાક માટે બંધક બનાવીને તેમની બચતમાંથી 35,000 ડૉલર ઉપાડ્યા હતા, આમ કરવાનું કારણ બતાવતા તેણે કહ્યું કે તેણે તેના પિતાના હૉસ્પિટલના બિલ ચૂકવવાના હતા.
બ્લૂમ બૅંકના ડાયરેક્ટર સાદ અઝહરીએ બીબીસીને જણાવ્યું કે બળજબરીથી પૈસા વસૂલવાનો પ્રયાસ કરવો અથવા હિંસાનો આશરો લેવો તે યોગ્ય નથી.
"આપણો કાયદામાં માનનારો દેશ છે, આપણી પાસે કાયદાનો આશ્રય છે. હું ખરેખર તેમના ગુસ્સાને સમજી શકું છું અને અમે પણ પરિસ્થિતિને લઈને ચિતિત છીએ. પરંતુ અત્યાર સુધીની જવાબદારી આ દેશના રાજનેતાઓની છે."
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો