You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
યુકેના લેસ્ટરમાં હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે શ્રેણીબદ્ધ અથડામણનાં કારણે 47ની ધરપકડ
- લેેખક, ગગન સભરવાલ
- પદ, બીબીસી સાઉથ એશિયા ડાયસ્પોરા રિપોર્ટર
- પ્રકાશિત
- હિંદુ અને મુસ્લિમ લોકો વચ્ચે તણાવ સર્જાતા અશાંતિ ઉદ્ભવી હતી.
- કાયદો અને વ્યવસ્થા જાળવવા કેટલાક પોલીસકર્મીઓની રજાઓ રદ
- પોલીસ મુજબ પૂર્વ લેસ્ટરમાં વિરોધપ્રદર્શનના કારણે અવ્યવસ્થા સર્જાઈ
- 28 ઑગસ્ટથી અત્યાર સુધીમાં પોલીસ દ્વારા 47 લોકોની ધરપકડ કરાઈ
ઇંગ્લૅન્ડના ઈસ્ટ મિડલૅન્ડ્ઝમાં આવેલા લેસ્ટરમાં શનિવારે થયેલી સંખ્યાબંધ અથડામણ સંદર્ભે 47 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મૅચને પગલે અહીં 28 ઑગસ્ટે પહેલીવાર ઘર્ષણ થયું હતું. મુખ્યત્વે મુસ્લિમ તથા હિન્દુ સમુદાયના યુવકો વચ્ચેના ઘર્ષણના પગલે અશાંતિ સર્જાઈ હતી.
લેસ્ટરમાં રહેતા લોકો પૈકીના 37 દક્ષિણ એશિયન મૂળના છે અને એ 37 ટકા પૈકીના મોટાભાગના ભારતીયો છે.
લેસ્ટર પોલીસના ટેમ્પરરી ચીફ કૉન્સ્ટેબલ રૉબ નિક્સનના જણાવ્યા મુજબ, શનિવારે એકમેક પર હુમલા કરી રહેલા લોકોને અટકાવવા માટે ગયેલા પોલીસ દળના 16 અધિકારીઓ અને એક પોલીસ ડૉગ ઈજાગ્રસ્ત થયા હતા. સોમવારે રાણીની અંતિમયાત્રા માટે તહેનાત કરાયેલા પોલીસ અધિકારીઓને લેસ્ટરમાં સંભવિત અશાંતિને નિવારવા માટે અહીં ડાઈવર્ટ કરવામાં આવ્યા હતા.
રૉબ નિક્સને ઉમેર્યું હતું કે સમગ્ર કાર્યવાહીમાં મદદ માટે દેશભરમાંથી પોલીસ અધિકારીઓને અહીં લાવવામાં આવ્યા છે.
લેસ્ટર પોલીસે જણાવ્યું હતું કે ઈસ્ટ લેસ્ટર વિસ્તારમાં શનિવારે એક વિરોધપ્રદર્શનને પગલે વિખવાદની શરૂઆત થઈ હતી. એ પછી રવિવારે આશરે 100 લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું, પરંતુ ત્યાર બાદ સોમવારે રાત સુધી કોઈ અવ્યવસ્થા સર્જાઈ ન હોવાનું પોલીસે જણાવ્યું હતું.
સ્થાનિક લોકો શું કહે છે
લેસ્ટરના બેલગ્રેવ રોડ વિસ્તારમાં પાછલા કેટલાક દિવસમાં અનેક વખત અશાંતિ સર્જાઈ હતી. લેસ્ટરના બેલગ્રેવ રોડ પરના એક રેસ્ટોરાંના માલિક ધર્મેશ લાખાણીએ બીબીસીને જણાવ્યું હતું કે "અમે અમારા સાથીઓ, કર્મચારીઓ અને અમારા ગ્રાહકો બાબતે ચિંતિત છીએ. તેઓ ભયભીત હોવાથી બૂકિંગ્ઝ કેન્સલ કરી રહ્યા છે. તેમની મનોદશા સમજી શકાય, પરંતુ એ હતાશાજનક છે, કારણ કે જીવતર મોંઘું બન્યું છે ત્યારે આ રેસ્ટોરાં મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. તેથી આ બધું બહુ મુશ્કેલ અને પડકારરૂપ છે."
ધર્મેશ લાખાણી શનિવારે થયેલી અથડામણના જૂજ સાક્ષીઓ પૈકીના એક છે. તેમણે કહ્યું હતું કે "હિંસા અટકાવવા પોલીસે એ રાતે બહુ મહેનત કરી હતી અને શહેરમાં જે થયું તેનાથી હું ગમગીન છું."
તેમણે ઉમેર્યું હતું કે "આ પરિસ્થિતિના નિવારણ માટે બન્ને પક્ષ એકમેક સાથે વાતચીત કરે અને એકમેકનો સ્વીકાર કરે તે જરૂરી છે. તેનાથી લેસ્ટરમાં શાંતિ સ્થાપવામાં મદદ મળશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ધર્મેશની માફક લેસ્ટરમાં છેલ્લાં 40થી વધુ વર્ષોથી રહેતાં યાસમીન સુરતીએ જણાવ્યું હતું કે અહીં હિન્દુ, મુસ્લિમ, શીખ, અશ્વેત સહિતના તમામ સમુદાયના લોકો હંમેશા સાથે મળીને રહે છે, સાથે કામ કરે છે અને લેસ્ટરના હિત માટે સાથે મળીને કામ કરે છે. આવી અથડામણ અહીં અગાઉ ક્યારેય થઈ નથી.
બાળપણથી જ લેસ્ટરમાં રહેતા અહમદે યાસમીન તથા ધર્મેશની વાતમાં સૂર પૂરાવતાં કહ્યું હતું કે "આરએસએસ અથવા હિન્દુત્વના વિચારધારાને અનુસરતા લોકોનું એક નાનું જૂથ અહીં રહે છે. તેઓ અહીં તે વિચારધારાનો પ્રસાર કરવા અને લેસ્ટરમાં વિભાજન કરવા ઇચ્છે છે. એ જૂથ પ્રમાણમાં નવું છે અને લેસ્ટરમાં આવી ઘટના અગાઉ ક્યારેય બની નથી. 'મુર્ખાઓના' એક જૂથે અહીંની સંવાદિતા ડહોળી નાખી છે અને મારી માફક હિન્દુ સમુદાયના લોકો પણ આ બાબતથી નારાજ છે."
તેમણે ઉમેર્યું હતું કે "જે વિસ્તારમાં અશાંતિ સર્જાઈ હતી ત્યાં રહેતા લોકો ભયભીત છે અને લોકો ડરેલા રહે તે ઇચ્છનીય નથી. લોકોએ ડરવું ન જોઈએ."
સમુદાયોના નેતાઓએ શહેરમાં શાંતિ જાળવવાની હાકલ કરી છે.
લેસ્ટરસ્થિત ફેડરેશન ઑફ મુસ્લિમ ઑર્ગેનાઇઝેશનના સુલેમાન નાગડીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે "અમે શેરીઓમાં જે જોયું તે ખૂબ ચિંતાજનક છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મૅચ બાદ સમુદાયો વચ્ચે સમસ્યા સર્જાઈ છે. ક્રિકેટ મૅચને કારણે લોકો એકઠા ઘણીવાર થાય છે, પરંતુ પરિસ્થિતિએ આવું વરવું સ્વરૂપ ક્યારેય ધારણ કર્યું ન હતું."
તેમણે ઉમેર્યું હતું કે "અશાંતિ અટકે અને શાંતિ સ્થપાય તે જરૂરી છે. ઘર્ષણ હવે અટકવું જ જોઈએ. કેટલાક અસંતુષ્ટ યુવાનો આ સમસ્યા સર્જી રહ્યા છે. આપણે સ્પષ્ટ સંદેશો આપવો જોઈએ કે આ બધું બંધ થવું જોઈએ અને આ કામ માતા-પિતા, દાદા-દાદી તથા નાના-નાની તેમના પુત્રો સાથે વાત કરીને કરી શકે."
લેસ્ટરના ઇસ્કૉન મંદિરના પ્રમુખ પ્રદ્યુમ્ન પ્રદીપ ગજ્જરે કહ્યું હતું કે "લેસ્ટરમાં જે કંઈ થઈ રહ્યું છે તેનો પ્રતિભાવ હૃદયદ્રાવક અને ભયાનક છે. રાણીના અવસાનને કારણે રાષ્ટ્રીય શોક પાળવામાં આવી રહ્યો છે ત્યારે બનેલી આ ઘટનાથી સમગ્ર બ્રિટન શરમ અનુભવી રહ્યું છે. આવી ઘટનાઓ આવકાર્ય કે ઇચ્છનીય નથી. લેસ્ટરમાંની દક્ષિણ એશિયન સમુદાયે 40-50 વર્ષમાં સર્જેલી પ્રતિષ્ઠાને ખરડાતી જોવાનું અત્યંત પીડાદાયક છે."
ભારતીય સત્તાવાળાઓનો પ્રતિભાવ
લેસ્ટરમાં બનેલી ઘટનાઓને બ્રિટનમાંના ભારતીય હાઈ કમિશને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી. હાઈ કમિશને સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે "લેસ્ટરમાં ભારતીય સમુદાય વિરુદ્ધ આચરવામાં આવેલી હિંસા અને હિન્દુ ધર્મના પ્રતીકો તથા સ્થળોને નુકસાન પહોંચાડવાના કૃત્યોને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ."
આ નિવેદનમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે "અમે બ્રિટનના સત્તાવાળાઓ સમક્ષ આ બાબતે રજૂઆત કરી છે અને હુમલામાં સંડોવાયેલા લોકો સામે તત્કાળ પગલાં લેવાની માગ કરી છે. અસરગ્રસ્તોને સલામતી પૂરી પાડવાની હાકલ અમે સત્તાવાળાઓને કરી છે."
લેસ્ટરના સંસદસભ્યએ લોકોને ધરપત આપી અને એકતા જાળવવા જણાવ્યું છે.
લેસ્ટર સાઉથના સંસદસભ્ય જોનાથન એશવર્થે બીબીસીને જણાવ્યું હતું કે "એક વાત સ્પષ્ટ કરી દઉં કે લેસ્ટરમાં મોટાભાગના સંવાદિતાભર્યા વાતાવરણમાં રહે છે અને તેઓ એક છે. નાની ઘટનાઓથી અમને આંચકો લાગ્યો છે. એ ઘટનાઓથી બે મોટા ધાર્મિક જૂથોના લોકો નારાજ થયા છે. લેસ્ટરમાં એકતા કાયમ જળવાઈ રહી છે અને અમને અમારી એકતાનું ગૌરવ છે. હા, અમારી વચ્ચે મતભેદ જરૂર છે, પણ મને વિભાજિત કરે તેવા મનભેદ નથી અને લેસ્ટરના તમામ લોકોને હું આ સંદેશો આપવા ઇચ્છું છું."
તેમણે ઉમેર્યું હતું કે "લોકો ચિંતિત છે એ હું જાણું છું અને હું લોકોને ખાતરી આપું છું કે એકતા જાળવી રાખવા માટે મારા જેવા લોકો જોરદાર મહેનત કરી રહ્યા છે."
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો