You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બાંગ્લાદેશમાં પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારો : 'કદાચ હું રસ્તા પર ભીખ માગવાનું શરૂ કરી દઈશ'
- લેેખક, રજની વૈદ્યનાથન
- પદ, બીબીસી ન્યૂઝ, દિલ્હી
- પ્રકાશિત
- પાછલા એક અઠવાડિયામાં બાંગ્લાદેશમાં ઈંધણના ભાવમાં અભૂતપૂર્વ વધારો થયો છે
- સામાન્ય જનતા ભાવવધારાને ઘાતક ગણાવી રહી છે
- સરકારનો દાવો છે કે યુક્રેન યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય ભાવવધારાની અસરના કારણે ઈંધણમાં ભાવવધારો થયો છે
વિશ્વનાં સૌથી ઝડપથી વિકસતાં જતાં અર્થતંત્રોમાં સ્થાન પામતા બાંગ્લાદેશમાં પાછલા માત્ર એક જ અઠવાડિયામાં ઈંધણના ભાવોમાં 50 ટકાનો વધારો ઝીંકી દેવાયો છે. આ ભાવવધારા માટે યુક્રેન યુદ્ધને કારણે ક્રૂડ ઑઇલના વધેલ ભાવને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યો છે.
ટ્રકમાં શાકભાજીની હેરફેર કરવાનું કામ કરતાં ડ્રાઇવર મોહમ્મદ નુરુલ ઇસ્લામ પણ પોતાના ટ્રક માટે પેટ્રોલ મેળવવા માટેની લાઇનમાં લાગેલા છે. તેઓ કહે છે કે તેમને ડર છે કે તેમને જલદી જ ભીખ માગવાનો વારો આવશે.
બાંગ્લાદેશમાં ઈંધણના ભાવમાં અભૂતપૂર્વ વધારાના કારણે ભાવ 86 ટકા (બાંગ્લાદેશનું ચલણ) (72.48 રૂપિયા)થી 130 ટકા (109.12 રૂપિયા) સુધી પહોંચી ગયા છે.
ડીઝલ અને કેરોસીનના ભાવમાં પણ 42.5 ટકાનો વધારો થયો છે.
પાછલાં નવ વર્ષથી એક ટ્રાન્સપૉર્ટ કંપની માટે કામ કરતા મોહમ્મદ ભારે ભાવવધારાના કારણે પાયાની સુવિધાઓ મેળવવા માટે પણ ઝઝૂમી રહ્યા છે.
ઉત્તર બાંગ્લાદેશના દિનજપુર શહેરના રહેવાસી 35 વર્ષીય મોહમ્મદ તેમના શહેરથી દેશના પાટનગર ઢાકા સુધી તાજાં ઉત્પાદનો લઈ જતા હતા.
તેમનાં બે નાનાં બાળકો અને વૃદ્ધ માતાપિતા છે, જેમની તેમણે સારસંભાળ રાખવાની છે. પરંતુ તેઓ જણાવે છે કે તેમના માલિકો હવે આ ભાવવધારાના કારણે તેમને પૂરું વેતન ચૂકવી શકતા નથી.
તેઓ ભાવવધારા અંગે આગળ કહે છે કે, "જ્યારે હું બજાર જઉં છું ત્યારે હું મારા પરિવાર માટે પૂરતું ભોજન ખરીદી શકતો નથી. જો ઈંધણના ભાવ આવી જ રીતે વધતાં રહેશે તો હું મારાં માતાપિતાની સારસંભાળ નહીં કરી શકું કે મારાં બાળકોને સ્કૂલે નહીં મોકલી શકું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"જો હું મારી નોકરી ગુમાવી દઉં તો મારે રસ્તા પર ભીખ માગવાનું શરૂ કરવું પડશે."
16.8 કરોડની વસતિ ધરાવતા દેશમાં અસંખ્ય લોકો આવી જ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે.
અન્ય ઘણા દેશોની જેમ રશિયા દ્વારા યુક્રેન પરના આક્રમણની માઠી અસરો બાંગ્લાદેશ પણ સામનો કરી રહ્યું છે.
બીબીસી બાંગ્લા સાથે વાત કરતાં દેશના ઊર્જામંત્રી નસરુલ ઇસ્લામે જણાવ્યું હતું કે, "અમને ખબર છે કે આ વધારો ખૂબ જ મોટો છે, પરંતુ વિદેશમાં જો ઈંધણની કિંમત વધે તો તેમાં અમે શું કરી શકીએ?"
સરકાર દ્વારા અર્થતંત્રના ગેરવહીવટ અંગેના આરોપો નકારતાં તેઓ કહે છે કે, "ભૂતકાળમાં ભાવવધારાથી બચવા અમે પહેલાંથી જ સબસિડી આપી ચૂક્યા છીએ, પરંતુ હવે વધારો ટાળવો શક્ય નહોતું."
તેમણે ઉમેર્યું કે, "જો વૈશ્વિક સ્તરે આ મુદ્દે રાહત મળે તો અમે અમુક ગોઠવણ કરવાના પ્રયાસ કરીશું."
ગત અઠવાડિયે ભાવવધારો જાહેર કરાયા બાદ, હજારો લોકોએ પેટ્રોલ પંપો પર વિરોધપ્રદર્શન કર્યાં હતાં, જેના કારણે શ્રીલંકામાં સર્જાયેલી સ્થિતિની યાદો તાજી થઈ ગઈ હતી. પ્રદર્શનકારીઓ આ ભાવવધારો પાછો ખેંચવાની માગ કરી રહ્યા હતા.
પ્રદર્શનો બિનઆયોજિત અને અનિયમિત લાગી રહ્યાં છે, પરંતુ લોકોમાં ગુસ્સો અને અસંતોષની લાગણી વધતી જઈ રહી છે.
નસરુલ હામીદને યકીન છે કે ઓછા થતા જઈ રહેલા વિદેશી હૂંડિયામણના ભંડોળ છતાં તેમના દેશમાં શ્રીલંકાવાળી નહીં થાય.
વિશ્વના સૌથી ઝડપથી વધતા જઈ રહેલા અર્થતંત્ર તરીકે નામના મેળવનાર બાંગ્લાદેશ, જુલાઈ માસમાં આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ (IMF) પાસેથી લૉન માગનાર શ્રીલંકા અને પાકિસ્તાન બાદ દક્ષિણ એશિયાનો ત્રીજો દેશ બની ગયો છે.
મોસ્સમ્મદ ઝકીયા સુલતાના પાસે પોતાના બીમાર બાળકને ઇલાજ માટે લઈ જવા માટે બસભાડાના પણ પૈસા નથી, આવી વ્યક્તિ માટે ગમે તેવી મદદ, એ ઘણી મોડી ગણાશે.
ઈંધણના ભાવવધારા બાદ જાહેર ટ્રાન્સપૉર્ટના ખર્ચમાં પણ વધારો થયો છે, તેથી ઝકીયા માત્ર તાતી જરૂરિયાતવાળી મુસાફરી જ ખેડી રહ્યાં છે.
તેમણે બીબીસી સાથે હૉસ્પિટલ જવા માટે લીધેલી બસમાં રસ્તે વાતચીત કરી. તેમની સાથે તેમની પુત્રી હતી. તેઓ કહે છે કે હાલમાં ભોજનની કિંમતોમાં થયેલા વધારાના કારણે પહેલાંથી જ તેઓ મુશ્કેલીમાં મુકાયાં છે.
તેઓ કહે છે કે, "બસભાડાની સાથોસાથ બજારમાં બધી જ વસ્તુઓના ભાવ વધી ગયા છે, મારા માટે હવે ઘર ચલાવવું અઘરું બની ગયું છે."
"માત્ર બસનાં ભાડાં જ નહીં પરંતુ રિક્ષા અને અન્ય ટ્રાન્સપૉર્ટનાં સાધનોનાં પણ ભાડાં વધી ગયાં છે. તેથી હવે તો ઘરમાંથી નીકળવાનું પણ મુશ્કેલ બની ગયું છે."
દાનિજપુરના વધુ અંતરિયાળ વિસ્તારોમાં પણ લોકો આવી જ મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. શેઉલી હઝદા ચોખાની ખેતી માટે જાણીતા ફૂલબરી જિલ્લામાં મકાઈના ખેતરમાં કામ કરે છે.
તેઓ કહે છે કે તેઓ જે પાક ઉગાડે છે તે ખરીદવો પણ તેમને ભારે પડે તેવું છે.
તેઓ કહે છે કે, "ઈંધણની કિંમતોમાં અચાનક થયેલા વધારાના કારણે ખેતીના ખર્ચમાં પણ ભારે વધારો થયો છે."
"અમારા પગારમાંથી અમારી જરૂરિયાતો માંડમાંડ પૂરી થઈ શકે છે. બધું એટલું બધું મોંઘું થઈ ગયું છે કે અમે અમારાં બાળકો માટે ભોજન નથી ખરીદી શકતા."
બાંગ્લાદેશમાં વધતાં જતાં જીવનનિર્વાહના ખર્ચ સાથે શેઉલી જેવા લોકો કહે છે કે તેમની કમાણી હવે કોઈ કામની નથી રહી.
"જો સરકાર જલદી જ ઈંધણના ભાવ નહીં ઘટાડે તો અમે ભૂખ્યા મરી જઈશું."
સલમાન સઈદ દ્વારા વધારાનું રિપોર્ટિંગ
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો