You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ફ્રાન્સના જંગલમાં ભીષણ 'દાવાનળ', હજારો લોકો ઘર છોડીને ભાગ્યા
- લેેખક, યારોસ્લાવ લુકોવ દ્વારા
- પદ, બીબીસી ન્યૂઝ
- પ્રકાશિત
- ફ્રાન્સના બોર્ડેક્સમાં ભીષણ 'દાવાનળ' ફાટી નીકળ્યો છે, પોર્ટુગલ અને સ્પેનમાં 1000થી વધુનાં મોત થયાં છે.
- દાવાનળે 7,000 હેક્ટર (17,300 એકર) જેટલા જંગલને બાળીને ખાખ કરી નાખ્યું છે.
- રાષ્ટ્રપતિ મેક્રોને ટ્વીટ કર્યું કે ઑસ્ટ્રિયા, જર્મની, ગ્રીસ, પૉલેન્ડ અને રોમાનિયા આગ સામે લડવામાં ફ્રાંસની "સહાય માટે આવી રહ્યા છે."
1,000થી વધુ અગ્નિશામકો દક્ષિણ-પશ્ચિમ ફ્રાન્સનાં જંગલોમાં લાગેલી "વિકરાળ" આગ સામે લડી રહ્યા છે. આ દાવાનળે 7,000 હેક્ટર (17,300 એકર) જેટલા જંગલને બાળીને ખાખ કરી નાખ્યું છે એમ અધિકારીઓ કહે છે.
બોર્ડેક્સ શહેરની નજીકના જંગલમાં લાગેલી પ્રચંડ આગથી સંખ્યાબંધ ઘરો બળીને ખાખ થઈ ગયાં છે અને 10,000 રહેવાસીઓને ભાગી જવાની ફરજ પડી છે.
અગ્નિશામક પ્રતિનિધિ ગ્રેગરી એલિઓને ફ્રાન્સના આરટીએલ રેડિયોને કહ્યું, "આ વિકરાળ દાવનળ છે, તે એક રાક્ષસ છે."
જોરદાર પવન અને ઊંચા તાપમાનને કારણે અગ્નિશામક કામગીરીમાં અડચણ આવી રહી છે.
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને ટ્વીટ કરતા લખ્યું હતું કે ઑસ્ટ્રિયા, જર્મની, ગ્રીસ, પૉલેન્ડ અને રોમાનિયા આગ સામે લડવામાં ફ્રાંસની "સહાય માટે આવી રહ્યા છે".
"કામમાં સોલિડ યુરોપિયન એકતા!"
આ ઉનાળામાં ફ્રાન્સ અને અન્ય સંખ્યાબંધ યુરોપિયન દેશોએ સમગ્ર ખંડમાં વિક્રમી તાપમાન અને દુષ્કાળને કારણે જીવલેણ દાવાનળની આંચ જોઈ છે.
પોર્ટુગલ અને સ્પેનમાં ગરમીને કારણે 1000થી વધુ લોકોનાં મોત થયાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
યુકેમાં ભારે ગરમીની ચેતવણી હવે અસલ રંગમાં જોવા મળે છે, આગામી ચાર દિવસમાં કેટલાક વિસ્તારોમાં તાપમાન 37C (99F) સુધી પહોંચવાની આગાહી છે. અધિકારીઓ ચેતવણી આપી રહ્યા છે કે હીટ વેવ આરોગ્ય, પરિવહન અને કામ કરવાની પરિસ્થિતિઓને અસર કરશે.
બોર્ડેક્સના દક્ષિણ-પૂર્વમાં લગભગ 30 કિલોમીટર (19 માઇલ) દૂર ફ્રાન્સના ગિરોન્ડે પ્રદેશમાં લેન્ડિરાસના કોમ્યુન નજીક બે દિવસથી વિનાશક દાવાનળ ફાટી નીકળ્યો છે.
શક્ય ઝડપે આગને ઠારવા માટે સંખ્યાબંધ અગ્નિશામકોને અન્ય પ્રદેશોમાંથી તાત્કાલિક બોલાવવામાં આવ્યા છે.
વધુમાં વિમાનો દ્વારા પણ આગને ઠારવા પાણી અને ફ્લેમ રિટાર્ડન્ટનો મારો ચલાવાઈ રહ્યો છે.
પરંતુ તમામ પ્રયાસો છતાં ગુરુવારે આગ હજુ પણ કાબૂમાં આવી નથી એમ સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું.
ફ્રેન્ચ ફાયર ફાઇટર જેરોમ જીને એક ન્યૂઝ વેબસાઈટ BFMTVને જણાવ્યું હતું કે, "અમે પ્રથમ વખત આ પ્રકારની આગ જોઈ છે."
અહેવાલો કહે છે કે જંગલની આગની જ્વાળાઓ ઝડપથી લોકોના ઘરો સુધી પહોંચી હોવાથી સ્થળાંતર પહેલાં કેટલાક સ્થાનિક રહેવાસીઓ બચવા માટે છત પર ચડી ગયા હતા.
શહેર ભૂતિયું બન્યું
BFMTV કહે છે કે બેલિન-બેલિએટ હવે ભૂતિયું શહેર બની ગયું છે, કારણ કે આ શહેરના તમામ 2,000 રહેવાસીઓએ બુધવારે ભાગી જવું પડ્યું હતું.
અહીં નજીક આવેલા હોસ્ટેન્સમાં એલિસન ફાયોલ અને તેના પિતાએ અન્યોથી વિપરીત ઘરે જ રહેવાનું નક્કી કર્યું છે.
એલિસનને ટાંકીને રોઇટર્સ ન્યૂઝ એજન્સી કહે છે, "હજુ પણ ઘણો ધુમાડો છે પરંતુ હાલ તે આ બાજુ આવી રહ્યો નથી."
ગુરુવારે તાપમાન 39C સુધી પહોંચવાની ધારણા છે.
વડા પ્રધાન એલિઝાબેથ બોર્ન અને ગૃહમંત્રી ગેરાલ્ડ ડારમેનિન નુકસાનીનું નિરીક્ષણ કરવા માટે અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચ્યા છે.
આબોહવા પરિવર્તન ગરમ, શુષ્ક હવામાનનું જોખમ વધારે છે જે દાવાનળની શક્યતા ઊભી કરે છે.
ઔદ્યોગિક યુગની શરૂઆત થઈ ત્યારથી વિશ્વ પહેલે કરતાં લગભગ 1.2C દ્વારા ગરમ થઈ ગયું છે અને જ્યાં સુધી વિશ્વભરની સરકારો કાર્બન ઉત્સર્જનમાં ભારે ઘટાડો નહીં કરે ત્યાં સુધી તાપમાન વધતું રહેશે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો