You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમેરિકા : ડોનાલ્ડ ટ્રમ્પના નિવાસસ્થાને FBIના દરોડા, પૂર્વ રાષ્ટ્રપતિ ભડક્યા
- ડોનાલ્ડ ટ્રમ્પ પર જરૂરી દસ્તાવેજો નેશનલ આર્કાઇવ્ઝમાં જમા ન કરાવ્યાનો આરોપ
- ફ્લોરિડાસ્થિત ઘરે એફબીઆઈની ટુકડીઓએ સર્ચ ઑપરેશન હાથ ધર્યું
- સૂત્રો મુજબ, ઘરમાંથી 15 બૉક્સ ભરીને દસ્તાવેજો મળી આવ્યા
- દરોડો પડ્યો તે સમયે ડોનાલ્ડ ટ્રમ્પ ન્યૂયૉર્કસ્થિત ટ્રમ્પ ટાવરમાં હાજર
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ફ્લોરિડાના 'પામ બીચ'માં આવેલા તેમના ઘરે એફબીઆઈએ દરોડો પાડ્યો છે અને મોટી સંખ્યામાં ઉપસ્થિત એજન્ટોએ એક તિજોરી પણ તોડી નાંખી છે.થોડા સમય પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પ પર તેમના કાર્યકાળ દરમિયાન કેટલાક મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો નેશનલ આર્કાઇવ્ઝમાં જમા ન કરાવવાનો આરોપ લાગ્યો હતો. જેની તપાસના ભાગરૂપે આ દરોડો પાડવામાં આવ્યો હતો.
એક રીતે આ દરોડો તેમની ચિંતામાં નાટ્યાત્મક રીતે વધારો કરી શકે છે કારણ કે ટ્રમ્પ 2024માં ફરી એક વખત રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે.
બીબીસીના અમેરિકન પાર્ટનર સીબીએસ ન્યૂઝના જણાવ્યા અનુસાર, સોમવારે જ્યારે દરોડો પડ્યો ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ ન્યૂયૉર્કસ્થિત ટ્રમ્પ ટાવરમાં હતા.
ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના નિવેદનમાં કહ્યું, "આ આપણા રાષ્ટ્ર માટે અંધકારમય સમય છે. મેં તમામ સરકારી એજન્સીઓને તપાસ માટે સહકાર આપ્યો હતો. જેથી આ અઘોષિત દરોડો યોગ્ય ન હતો."
તેમનું કહેવું છે કે "ન્યાયપ્રણાલીના શસ્ત્રીકરણ થકી તેમને ચૂંટણી લડતાં અટકાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. આ પ્રકારના હુમલા માત્ર ત્રીજા-વિશ્વના દેશોમાં જ થઈ શકે. દુ:ખની વાત છે કે અમેરિકા તેમાંનો એક બની ગયો છે."
"તેમણે મારા ઘરમાં ઘૂસીને તિજોરી પણ તોડી નાંખી."
'15 બૉક્સ ભરીને દસ્તાવેજો મળી આવ્યા'
ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર ઍરિકે ફૉક્સ ન્યૂઝને જણાવ્યું કે એફબીઆઈ દ્વારા આ તપાસ નેશનલ આર્કાઇવ્ઝના રેકૉર્ડને લગતાં વિવાદને લઇને હાથ ધરાઈ છે.
અમેરિકામાં રાષ્ટ્રપતિના રૅકોર્ડનું વ્યવસ્થાપન કરતી સંસ્થા નેશનલ આર્કાઇવ્ઝે ન્યાય વિભાગને ડોનાલ્ડ ટ્રમ્પ પર તેમના કાર્યકાળ દરમિયાન સત્તાવાર દસ્તાવેજોની જાળવણીને લઈને તપાસ કરવા કહ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નેશનલ આર્કાઇવ્ઝે કહ્યું કે તેમને ડોનાલ્ડ ટ્રમ્પના ઘરેથી 15 બૉક્સ ભરીને દસ્તાવેજો મળી આવ્યા છે. જેમાં પત્રો, ફાઇલો અને કેટલીક ક્લાસિફાઇડ માહિતીનો પણ સમાવેશ થાય છે.
કાયદા પ્રમાણે, કાર્યકાળ પૂરો થયા બાદ અમેરિકન રાષ્ટ્રપતિએ પોતાના તમામ પત્રો, ચિઠ્ઠીઓ, ફાઇલો અને દસ્તાવેજો નેશનલ આર્કાઇવ્ઝમાં જમા કરાવવાના હોય છે.
પણ સત્તાધીશોનું કહેવું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ આ દસ્તાવેજો વ્હાઇટ હાઉસમાંથી પોતાની સાથે લઈ ગયા હતા.
આ પહેલાં પણ આ અંગેના અહેવાલો પ્રકાશિત થયા છે. જેને 'ફેક ન્યૂઝ' ગણાવીને ટ્રમ્પે આરોપોને રદિયો આપી દીધો હતો.
સિક્રેટ સર્વિસની એફબીઆઈને મદદ
પામ બીચમાં ડોનાલ્ડ ટ્રમ્પના સીનિયર સલાહકારે નામ ન આપવાની શરતે સીબીએસ સમક્ષ પુષ્ટિ કરી હતી કે આ દરોડો દસ્તાવેજોની તપાસને લઈને જ પાડવામાં આવ્યો હતો. એફબીઆઈ હાલમાં જ ત્યાંથી નીકળી છે અને તેમને ખૂબ ઓછી વસ્તુઓ હાથે લાગી છે.
આ પ્રકારના દરોડા પહેલાં ફૅડરલ જજની સહી સાથે સર્ચ વૉરન્ટ અનિવાર્ય હોય છે. આ સહી મેળવવા માટે કોર્ટમાં એજન્સીઓએ પુરવાર કરવું પડે કે દરોડા દરમિયાન વધુ પુરાવા મળવાની પૂરેપૂરી શક્યતા છે.
કાયદા વિભાગના એક અધિકારીએ સીબીએસ ન્યૂઝને જણાવ્યું કે તેમણે વૉરન્ટ મળ્યા બાદ થોડા જ સમયમાં સિક્રેટ સર્વિસને આ અંગે જાણ કરી હતી. જેથી ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષા કરી રહેલા સિક્રેટ સર્વિસના જવાનોએ પણ એફબીઆઈને દરોડા દરમિયાન મદદ કરી હતી.
અધિકારીએ એમ પણ કહ્યું, " બપોરના સમયે પાડવામાં આવેલા દરોડા દરમિયાન કેટલાક બૉક્સ કબજે કરવામાં આવ્યા છે પણ કોઈ દરવાજો તોડવામાં આવ્યો નથી."
વ્હાઇટ હાઉસના શૌચાલયોમાં ફ્લશ થતા હતા દસ્તાવેજો
ન્યૂયૉર્ક ટાઇમ્સના પત્રકાર મૅગી હબેર્મનના આવનારા પુસ્તક 'કૉન્ફિડન્સ મૅન'માં લખવામાં આવ્યું છે કે વ્હાઇટ હાઉસના સ્ટાફને ક્યારેક-ક્યારેક શૌચાલયમાં કાગળો મળતા હતા અને આ પ્રકારે કાગળ ભરાઈ જતા વારંવાર પાઇપ બ્લૉક થઈ જતી હતી. એવું માનવામાં આવે છે કે આ કાગળોને ટ્રમ્પ જ ફ્લશ કરતા હતા.
હબેર્મન પાસે તસવીરો પણ છે, જેમાં એક શૌચાલયમાં નષ્ટ કરાયેલા દસ્તાવેજો છે.
વ્હાઇટ હાઉસના સીનિયર અધિકારીઓએ સીબીએસને કહ્યું કે ટ્રમ્પના ઘરે પાડવામાં આવેલા દરોડા અંગે કોઈ નોટિસ આપવામાં આવી નથી.
આ મુદ્દા પર સાર્વજનિક રીતે બોલવાની સત્તા ન ધરાવતા વ્હાઇટ હાઉસના સીનિયર અધિકારીએ કહ્યું કે વ્હાઇટ હાઉસને આ અંગે પહેલેથી કોઈ જાણકારી ન હતી.
વ્હાઇટ હાઉસે કહ્યું કે કાયદા વિભાગ સાથે મર્યાદિત વાતચીત થઈ છે.
જો બાઇડને રાષ્ટ્રપતિ ચૂંટણીમાં પોતાના કૅમ્પેઇનમાં કહ્યું હતું કે તેઓ કાયદા વિભાગની કાર્યવાહીથી અંતર જાળવશે.
ટૅક્સ ચોરી મામલે તેમના પુત્ર હંટર બાઇડનને ફેડરલ એજન્સી દોષી ઠેરવે છે કે કેમ એની પણ ચર્ચા છે.
'ટ્રમ્પ પર અન્ય પણ કેસો ચલાવી શકાય તેમ છે'
અમેરિકાની હાઉસ ઑફ રિપ્રેઝેન્ટેટિવ્સની એક સિલેક્ટ કમિટીએ આરોપ લગાવ્યો છે કે છ જાન્યુઆરી 2021ના રોજ યુ. એસ. કૅપિટોલમાં ટ્રમ્પ સમર્થકોએ ત્યારે રમખાણો શરૂ કર્યાં જ્યારે બાઇડન ચૂંટણી જીતી રહ્યા હતા.
આ કમિટીએ કહ્યું છે કે ટ્રમ્પ સમર્થકોએ આવું એટલા માટે કર્યું કારણ કે ટ્રમ્પ પાસે સત્તા રહે. આ કમિટીના સાસંદોએ કહ્યું છે કે આ વાતનો પૂરતા પુરાવા છે કે ટ્રમ્પ પર કૉંગ્રેસની કાર્યવાહીને ખલેલ પહોંચાડવાનો કેસ ચલાવી શકાય તેમ છે.
કમિટીના સાંસદોએ કહ્યું છે કે ટ્રમ્પ પર છેતરપિંડીના પ્રયાસનો પણ કેસ ચલાવી શકાય છે. તેમણે પુરાવાઓ નાશ કરવાનો પણ પ્રયત્ન કર્યો છે.
યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ પેહેલાંથી કહી ચૂક્યું છે કે 2020ની રાષ્ટ્રપતિ ચૂંટણીનાં પરિણામો સામે ટ્રમ્પના પડકારની તપાસ ચાલી રહી છે.
ગયા મહિને ઍટર્ની જનરલ મિક ગારલેન્ડને એનબીસી ન્યૂઝે પૂછ્યું હતું કે પૂર્વ રાષ્ટ્રપતિને શું ચિંતા છે? જવાબમાં તેમણે કહ્યું, "તેમને હેતુ દરેકને જવાબદાર બનાવવાનો છે."
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો