'તમે ક્યાં રહો છો?' ભારતનું એ ગામ જ્યાંના લોકો આ પ્રશ્નનો જવાબ નથી આપી શકતા

    • લેેખક, વિષ્ણુકાંત તિવારી
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 8 મિનિટ

આ અહેવાલમાં ગામના જાતિસૂચક શબ્દોનો ઉલ્લેખ માત્ર સામાજિક ભેદભાવની વાસ્તવિકતાને દર્શાવવા માટે કરવામાં આવ્યો છે. તેનો હેતુ કોઈ પણ પ્રકારના જાતિગત ભેદભાવ કે પૂર્વગ્રહને ઉત્તેજન આપવાનો, તેને સમર્થન આપવાનો કે તેને સામાન્ય ગણવાનો નથી.

"તમે ક્યાં રહો છો?"

આ સવાલના જવાબમાં મેનકા ભારતી થોડી ક્ષણો માટે અટકી જાય છે. તેમની પાછળ ખેતરો તરફ જતો એક કાચો રસ્તો છે. ઘરની પાછળ કેરીના ઝાડ નીચે બેસીને મેનકા ફરીથી જવાબ આપે છે, "અમે અમારા ગામનું નામ બદલવા ઈચ્છીએ છીએ."

મધ્ય પ્રદેશના છત્તરપુર જિલ્લાના બગૌતા ગ્રામ પંચાયત હેઠળ ચમરુઆપુરવા ગામની ગલીઓમાં રોજિંદું જીવન પોતાની ગતિથી ચાલે છે.

રાજધાની ભોપાલથી લગભગ 330 કિલોમીટર દૂર વસેલા આ ગામના બાળકો શાળાએ જાય છે, લોકો કામ પર જાય છે અને ગામની પ્રાથમિક શાળા અહીં આવતા લોકોને તેનું નામ જણાવે છે. પરંતુ અહીં વસતા લોકોનું કહેવું છે કે આ "માત્ર એક નામ" નથી.

તેમના કહેવા પ્રમાણે ગામનું નામ સાંભળતાં જ ઘણા લોકો તેમની જાતિનું અનુમાન લગાવે છે. પરંતુ તેની અસર રોજિંદા જીવન જેમ કે ભણતર, ભાડાના મકાનની શોધ અને દરરોજની વાતચીત પર જોવા મળે છે.

મેનકા ખચકાટ સાથે કહે છે કે તેમને સૌથી પહેલાં આનો અનુભવ સ્કૂલમાં થયો હતો. "શાળામાં જે ગાડીવાળા ભાઈ હતા, તે શાળાની બહાર ઊભા રહીને જ્યારે બાળકોને બોલાવતા કે ફલાણા ગામના બાળકો આવી જાવ, ત્યારે સાંભળવામાં બહુ ખરાબ લાગતું હતું. તે વખતે એવું લાગતું જાણે કોઈ ગાળ આપે છે."

અમે જ્યારે પૂછ્યું કે શું લોકો તેમના ગામનું નામ સાંભળીને કોઈ અભિપ્રાય બાંધી લે છે, ત્યારે તેઓ કહે છે, "હા, અભિપ્રાય તો બાંધી લે છે. આ નામ એક ઓળખ જેવું છે. ગામનું નામ જ એક પ્રકારની ઓળખ બની જાય છે."

મેનકા એકલાં નથી. ગામના એક રહેવાસી સંજય અહિરવાર કહે છે કે તેમણે પહેલી વખત આનો અનુભવ ત્યારે કર્યો જ્યારે તેઓ ઉચ્ચ શિક્ષણ માટે ઉજ્જૈન ગયા હતા.

તેઓ કહે છે, "ત્યાં મારા સાથીઓએ મને પૂછ્યું કે હું ક્યાંથી છું. મેં જણાવ્યું કે હું છતરપુરથી છું. પછી તેમણે પૂછ્યું કે છતરપુરમાં ક્યાંથી? તો મેં કહ્યું કે હું બગૌતાથી છું. તેમણે પૂછ્યું કે ભાઈ, આ તમારા ગામનું નામ છે? હું ચૂપ રહ્યો, પરંતુ ત્યાર પછી મેં આગળ ન કહ્યું કે હું કયા ગામથી છું."

સંજય કહે છે કે આ માત્ર એક ઘટના ન હતી.

ગામની ઓળખ આપતાં ગામલોકો કેમ મુંઝાય છે?

કોઈ નવી વ્યક્તિને પોતાની કેવી ઓળખ આપવી?

સંજયના પડોશમાં રહેતા પ્રવેશ અહિરવાર કહે છે, "ચાર વ્યક્તિની વચ્ચે કોઈ નવું આવે, પૂછે કે ક્યાંથી છો, તો તે વાત આવી જ જાય છે. હું નહીં બોલું તો સામેવાળો બોલી દે કે તે ફલાણા ગામથી છે. ત્યારે સારું નથી લાગતું."

તેમના માટે આ રોજિંદો સવાલ માત્ર એક ગામના નામનો સવાલ નથી. સંજય કહે છે, "આ માત્ર નામ નથી, પરંતુ એક સિમ્બોલ એટલે કે એક પ્રકારની ઓળખ છે. જાતિ એ ગાળ તરીકે ઉપયોગ કરવાની ઓળખ. તમે ઇતિહાસ જોશો તો તેમાં ચમાર શબ્દનો ઉપયોગ અપમાન માટે કરવામાં આવતો હતો, આજે પણ તેવી જ રીતે અપમાન તરીકે ઉપયોગ થાય છે. તો અમારી અંદર એક ફીલિંગ આવે છે કે સામેની વ્યક્તિ અમને ગાળ આપે છે."

ગામના નામને લઈને સ્થાનિક લોકો અસહજ અનુભવે છે. મેનકા, પ્રવેશ અને સંજયની જેમ આ ગામના ઘણા લોકોને આ પ્રકારની સમસ્યા નડે છે.

સંજય કહે છે કે હવે તેમણે તેમાંથી બચવાનો પોતાનો રસ્તો બનાવી લીધો છે.

"આનો કોઈ કાયમી ઉપાય નથી. હું કોશિશ કરું છું કે પહેલાં પોતાના જિલ્લાનું નામ આપી દઉં. છતાં લોકો પૂછે તો પંચાયતનું નામ આપી દઉં છું. શક્ય હોય ત્યાં સુધી પ્રયાસ કરું કે મારા ગામનું નામ ન આવે."

પ્રવેશ અહિરવાર પણ કહે છે કે ગામનું નામ આવતાં જ લોકોનું વલણ બદલાઈ જવું એ અસામાન્ય નથી.

'ગામનું નામ સાંભળીને ફોન કાપી નાખ્યો'

'ગામનું નામ સાંભળીને ફોન કાપી નાખ્યો'

રૂમ શોધતી વખતે બનેલી એક ઘટનાનો ઉલ્લેખ કરતાં તેઓ કહે છે, "મેં જેવું મારું નામ આપ્યું, મારો પરિચય આપ્યો અને પોતાના ગામનું નામ આપ્યું, તેમણે તરત ફોન કાપી નાખ્યો."

અમે પૂછ્યું કે આવો અનુભવ તમને કેટલી વખત થયો છે, ત્યારે તેઓ કહે છે, "હમણાં જ તમારી સામે કેટલાક લોકોને ફોન કરું છું, તમે જાતે જોઈ લો."

ત્યાર બાદ તેમણે ભાડાના મકાન માટે અમારી સામે જ એક વ્યક્તિને ફોન લગાવ્યો. વાતચીત સામાન્ય રીતે શરૂ થઈ. બીજી તરફ હાજર વ્યક્તિએ તેમને બીજા દિવસે આવીને રૂમ જોઈ જવા કહ્યું. પરંતુ થોડી વાર પછી પ્રવેશે પોતાનો પરિચય આપ્યો અને પોતે કયા ગામથી છે તે કહ્યું, તો ફોન કટ થઈ ગયો.

પ્રવેશે ફરીથી ફોન લગાવ્યો. પછી ફરી એક વખત લગાવ્યો. પરંતુ આ વખતે કૉલનો કોઈ જવાબ ન મળ્યો. પ્રવેશનું કહેવું છે કે ઘણી વખત લોકો સીધેસીધું કંઈ નથી કહેતા, પરંતુ વ્યવહાર બદલાઈ જાય છે.

તેમણે કહ્યું, "હું જ્યારે મારું આખું સરનામું જણાવું ત્યારે સામેની વ્યક્તિનો વ્યવહાર બદલાઈ જાય છે. ગામનું નામ સાંભળતાં જ વાત કરવાની રીત, જોવાનું વલણ અને સમજવાનો ઢંગ બદલાઈ જાય છે. ઘણી વખત લોકો મારી સાથે વાત કરવાનું બંધ કરી દે છે અથવા સાવ ઓછી કરી દે છે."

આ સમસ્યા માત્ર એક સમુદાય પૂરતી મર્યાદિત નથી.

ગામમાં રહેતાં પ્રિયંકા સાહુ અને તેમના પતિએ લગભગ ત્રણ વર્ષ અગાઉ અહીં મકાન બનાવ્યું હતું. તેમના મકાનના એક હિસ્સામાં મરામતનું કામ ચાલી રહ્યું છે.

પ્રિયંકાએ શહેરની વચ્ચે રહેવા અહીં મકાન બનાવ્યું હતું. પરંતુ તેઓ કહે છે કે ગામના નામ સાથે સંકળાયેલી ધારણાઓના કારણે તેમનું રોજબરોજનું કામકાજ મુશ્કેલ બની જાય છે.

પ્રિયંકાએ પાછળ ચાલતા મશીનને બંધ કરાવીને કહ્યું, "અહીં આવવા રિક્ષા નથી મળતી. અમને તળાવ પાસે ઉતારી દેશે અથવા રોડ પર. અહીંના રિક્ષાવાળા જ અહીં આવે છે. મારું માનવું છે કે કોઈ વ્યક્તિને તેની જાતિ સાથે જોડીને બોલાવવી એ અપમાનજનક છે. પરંતુ અમારે દરરોજ આ અપમાન સહન કરવું પડે છે."

આ ગામથી થોડે દૂર રહેતા રુદ્રપ્રતાપ સિંહનું પણ માનવું છે કે આવા નામને બોલવામાં અથવા જણાવવામાં મુશ્કેલી પડે છે.

તેમણે કહ્યું કે, "જાતિસૂચક નામ તો ઘણી જગ્યાનાં છે, જેમ કે ચૌબેપુર કૉલોની. તે અહીં છતરપુર શહેરમાં છે. આ નામથી કદાચ કોઈને અપમાન ન અનુભવાય. પરંતુ બગૌતા ગ્રામ પંચાયતમાં જે ગામ છે તેનું નામ લેવામાં ત્યાંના લોકોને પણ ખરાબ લાગે છે અને અમને પણ. તેનું નામ તરત બદલવું જોઈએ અને આવાં નામ જ્યાં જ્યાં હોય તેને બદલી નાખવાં જોઈએ. તેનાથી ભેદભાવ ઘટશે."

હવે ગામના વડીલોને પણ ગામનું નામ લેવામાં અસહજતા થાય છે, જેના પર તેમણે અગાઉ ખાસ વિચાર કર્યો ન હતો.

ગામલોકોએ અગાઉ નામ કેમ ના બદલ્યું?

'અગાઉ આના વિશે વિચાર્યું ન હતું, હવે ખરાબ લાગે છે'

ગામના વડીલોનો અભિપ્રાય હંમેશાંથી આવો ન હતો. 67 વર્ષના ભુલ્લી અહિરવાર કહે છે કે અગાઉ તેમને ગામના નામમાં કંઈ ખોટું લાગતું ન હતું.

અમે તેમને પૂછ્યું કે શું તેમને પહેલાં પણ આ નામ અસહજ લાગતું હતું, ત્યારે તેઓ હસીને કહે છે, "નહીં, નહીં... તે વખતે નહોતું લાગતું." પછી થોડું અટકીને તેઓ કહે છે, "પહેલાં તો આવું નહોતું. અમારી જાત-બિરાદરીના આધારે આ નામ રખાયું હતું. પરંતુ ધીમે ધીમે માણસને જ્ઞાન આવ્યું. બાળકો ભણવા લાગ્યાં તેથી તેમને પરેશાની થવા લાગી. ત્યારે અમને પણ લાગ્યું કે આ ખોટું છે. ગામનાં નામ એવાં ન હોઈ શકે."

કેટલાક સ્થાનિક લોકો કહે છે કે આવાં નામ બહુ જૂનાં છે અને કેવા સંજોગોમાં નામ પડ્યાં તે સ્પષ્ટ નથી. પરંતુ તેમનું માનવું છે કે કોઈ નામ બોલવામાં લોકોને અસહજતા અનુભવાતી હોય તો તેના પર વિચાર થવો જોઈએ.

એક સ્થાનિક રહેવાસી કહે છે, "આ નામ આજથી નથી, કેટલાંય વર્ષોથી ચાલે છે. પરંતુ ક્યાંક બોલવામાં ખરાબ લાગે એવાં ઘણાં નામ છે, તો તેને સમય મુજબ બદલી નાખવાં જોઈએ." જોકે, આવાં નામો માત્ર આ ગામ પૂરતાં સીમિત નથી.

દેશના ઘણા ભાગોમાં આવાં ગામો છે

દેશના ઘણા ભાગોમાં એવાં ગામ, રસ્તા અને આવાસીય ફળિયાં છે જેના નામ જાતિસૂચક છે.

વર્ષ 2025માં મહારાષ્ટ્ર સરકારે એવાં ગામો, રસ્તા અને આવાસી વસ્તીઓનાં નામ બદલવા દિશાનિર્દેશ આપ્યાં હતાં. નવાં દિશાનિર્દેશમાં આવાં નામોના બદલે લોકતાંત્રિક મૂલ્યો અથવા પ્રતિષ્ઠિત વ્યક્તિત્વનાં નામ અપનાવવાની વાત કરવામાં આવી.

આ જ રીતે ઑક્ટોબર 2025માં તામિલનાડુ સરકારે જાતિસૂચક અથવા ભેદભાવપૂર્ણ માનવામાં આવતાં નામોની ઓળખ કરવા અને તેમને બદલવા માટે વિસ્તૃત દિશાનિર્દેશ જારી કર્યા હતા. તામિલનાડુ સરકારે કહ્યું કે આવાં નામ ધરાવતા રસ્તા, આવાસીય વિસ્તારો, બસ સ્ટેન્ડ, બજારો, જળાશયો અને ગ્રામ પંચાયતોમાં પણ બદલાવ કરવામાં આવે.

ઉત્તર પ્રદેશમાં પણ આ મુદ્દો રાજકીય સ્તરે ઉઠાવાયો છે.

માર્ચ 2026માં સત્તાધારી ભાજપના વિધાનપરિષદ સભ્ય લાલજી પ્રસાદ નિર્મલે મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરીને આવાં ગામો અને વિસ્તારોની યાદી આપી હતી જેના નામ દલિત સમુદાયો સાથે જોડાયેલાં છે.

તેમણે રાજ્યભરમાં આવાં ગામો અને વિસ્તારોની ઓળખ કરીને યાદી બનાવવા તથા નામ બદલવાની માંગણી કરી હતી.

ગામનું નામ બદલવાની માંગણી ઊઠી, હવે શું?

ગામનું નામ બદલવાની માંગણી ઊઠી

છતરપુરના આ ગામના લોકોએ પણ ઘણી વખત નામ બદલવાની માંગણી ઉઠાવી છે.

ગ્રામીણોનું કહેવું છે કે હાલના સમયમાં તેમણે વર્ષ 2022માં જિલ્લા કલેક્ટર અને મામલતદારને નામ બદલવાની અરજી કરી હતી. જોકે, હજુ સુધી કોઈ ફેરફાર નથી થયો. છતરપુર જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યપાલન અધિકારી નમઃશિવાય અરજરિયા કહે છે કે જિલ્લામાં એવાં ઘણાં ગામો છે જેનાં નામ જાતિસૂચક છે અને આવાં ગામોની યાદી તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી શકે છે.

તેમનું કહેવું છે કે "આ પ્રકારનાં નામ ધરાવતાં જે ગામો હશે, તેમને રજિસ્ટર કરવામાં આવશે. પછી ગ્રામ પંચાયતના પ્રસ્તાવ અને નિશ્ચિત પ્રક્રિયા પ્રમાણે આગળ કાર્યવાહી કરવામાં આવશે."

આ વિસ્તારના જિલ્લા કલેક્ટર પાર્થ જયસ્વાલે પણ આ વાત પર ખેદ વ્યક્ત કરતાં કહ્યું, "આજના સમયમાં પણ આવાં નામો હોય તે યોગ્ય નથી. અમે અમારી તરફથી કોશિશ કરીએ છીએ કે આવાં ગામોને ઓળખીને નિશ્ચિત પ્રક્રિયા પ્રમાણે ગ્રામજનોની સહમતિથી નામ બદલવામાં આવે."

પરંતુ સવાલ એ છે કે શું ગામનું નામ બદલવાથી ખરેખર કંઈ બદલાશે? સંજયને એવું લાગે છે. તેઓ કહે છે, "નામ બદલાઈ જશે તો ઘણું બદલાશે. લોકોનો દૃષ્ટિકોણ બદલાશે. ભવિષ્યમાં બાળકો જ્યારે બહાર જશે તો ખચકાટ વગર પોતાની ઓળખ જણાવી શકશે." મેનકાને પણ આવી જ આશા છે. તેઓ કહે છે, "ત્યાર પછી કદાચ મને 'તમે ક્યાં રહો છો?' એવા સામાન્ય સવાલનો જવાબ આપવામાં ખચકાટ નહીં થાય. હું ખુલીને મારી ઓળખ જણાવી શકીશ."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન