You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાનઃ ઇમરાન ખાન અને સેનાના નિવેદન અલગ-અલગ કેમ છે?
અમેરિકાનું નામ લીધા બાદ ઇમરાન ખાનને કદાચ લાગ્યું હશે કે તેઓ ભૂલ કરી બેઠા છે, તો તેમણે હસીને કહ્યું કે 'એક બહારનો દેશ છે'. પાકિસ્તાનની નેશનલ ઍસેમ્બલીમાં રવિવારે જ્યારે સ્પીકરે વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવી દીધો ત્યારે ઇમરાન ખાને તેનું સ્વાગત કર્યું અને કહ્યું કે વિદેશી એજન્ડા નિષ્ફળ ગયો છે.
જ્યારથી વિપક્ષે ઇમરાન ખાનની સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનો નિર્ણય કર્યો અને તેમના પોતાના સાથીઓ છોડી ગયા, ત્યારથી હવે ઇમરાન ખાન કહી રહ્યા છે કે તેમની સરકારને તોડવા માટે પશ્ચિમમાંથી ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. જોકે, અમેરિકાએ આ આરોપોને પાયાવિહોણા ગણાવીને નકારી કાઢ્યા છે.
31 માર્ચે ઇમરાન ખાને અમેરિકા પર ષડયંત્ર રચવાનો આરોપ મૂક્યો હતો અને બીજી એપ્રિલે પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાએ ઇસ્લામાબાદ સુરક્ષા સંવાદમાં કહ્યું હતું કે, "અમેરિકા સાથે પાકિસ્તાનના ગાઢ સંબંધોનો લાંબો ઇતિહાસ રહ્યો છે." જનરલ બાજવાએ કહ્યું કે, "અમેરિકા આજે પણ પાકિસ્તાનનું સૌથી મોટું નિકાસ બજાર છે."
પાકિસ્તાન આર્મી ચીફે કહ્યું કે, "બ્રિટન અને યુરોપિયન યુનિયન પાકિસ્તાનના હિત માટે બહુ મહત્ત્વ ધરાવે છે." જનરલ બાજવાએ ત્યાં સુધી કહ્યું કે યુક્રેન પર રશિયન આક્રમણ દુર્ભાગ્યપૂર્ણ અને મોટી કરુણાંતિકા છે.
ઇમરાન ખાને અમેરિકા અને પશ્ચિમી દેશો વિશે જે કંઈ કહ્યું હતું, જનરલ બાજવાએ તેનાથી એકદમ ઊલટું કહ્યું. આ સ્થિતિમાં એવું માનવામાં આવી રહ્યું છે કે ઇમરાન ખાન જે કરી રહ્યા છે, તેની સાથે પાકિસ્તાનની સેના સહમત નથી.
ઇમરાન ખાને ફૅબ્રુઆરીના છેલ્લા સપ્તાહમાં રશિયાની મુલાકાત લીધી હતી. ઇમરાન ખાન 24 ફેબ્રુઆરીએ રશિયા પહોંચ્યા અને તે જ દિવસે રાષ્ટ્રપતિ પુતિને યુક્રેનમાં રશિયન સૈન્ય કાર્યવાહીની જાહેરાત કરી હતી.
ત્યારે એવી ચર્ચા થઈ હતી કે ઇમરાન ખાને રશિયાની મુલાકાત માટે ખોટો સમય પસંદ કર્યો છે કારણ કે તેનાથી એવો સંદેશ જશે કે આખું પશ્ચિમ રશિયાની વિરુદ્ધ છે, ત્યારે પાકિસ્તાનના પીએમ પુતિનને મળવા જઈ રહ્યા છે. શીતયુદ્ધમાં પાકિસ્તાન અમેરિકાની છાવણીમાં હતું પરંતુ હવે સમય બદલાઈ ગયો છે.
ઇમરાન ખાનની સરકારે જાહેરમાં કહ્યું હતું કે, "સત્તામાં આવ્યા બાદ અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને પાકિસ્તાનના વડાપ્રધાનને ફોન સુદ્ધા કર્યો નથી. પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મોઈદ યુસુફે પણ ફોન ન કરવાની ફરિયાદ કરી હતી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ફરિયાદ બાદ પણ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનનો ઇમરાન ખાન પર ફોન ન આવ્યો અને હવે ઇમરાન ખાન આક્ષેપો કરી રહ્યા છે કે અમેરિકા તેમની વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યું છે.
શું ઇમરાન ખાનના નિર્ણયની સાથે સેના છે?
પાકિસ્તાનના જાણીતા અર્થશાસ્ત્રી કૈસર બંગાળીએ બીબીસીને કહ્યું, "ઇમરાન ખાને અમેરિકાનું નામ લઈને કહી દીધું તેઓ પોતાની ખુરશીને રાષ્ટ્રહિતની ઉપર રાખે છે. આવું નિવેદન કોઈ અપરિપક્વ નેતા જ આપી શકે. પાકિસ્તાન માટે અમેરિકા મહત્ત્વપૂર્ણ છે અને પાકિસ્તાન આર્મી ચીફે તે કહી દીધું છે."
કૈસર બંગાળીનું કહેવું છે કે ઇમરાન ખાનનું નહીં પરંતુ સેના પ્રમુખનું નિવેદન પાકિસ્તાનનું સત્તાવાર નિવેદન છે.
તેઓ વધુમાં કહે છે, "આ નિવેદનોને કારણે વિદેશી નેતાઓ સેનાને વધુ મહત્ત્વ આપે છે. વિદેશી નેતાઓને લાગે છે કે પાકિસ્તાનના નેતાઓ તો કંઈ પણ બોલે, એટલે જે કંઈ વાત કરવી હોય તે સેના સાથે કરવી. ઇમરાન ખાને મનમાં ઉગ્યું અને અમેરિકાનું નામ લઈ લીધું. મને ખાતરી છે કે તેમણે વિદેશ મંત્રાલયનો સંપર્ક કર્યો નહીં હોય."
શું ઇમરાન ખાન પોતાની ખુરશી બચાવવા ઇસ્લામ વિરોધી અને અમેરિકા વિરોધી ભાવનાનો ઉપયોગ કરી રહ્યા છે? આના જવાબમાં કૈસર બંગાળી કહે છે, "સત્તા મેળવવા માટે ધર્મનો ઉપયોગ પાકિસ્તાનના નેતાઓ દ્વારા લાંબા સમયથી કરવામાં આવી રહ્યો છે. પરંતુ ઇમરાન ખાને તો ઇસ્લામિક જગતમાં નેતા બનવાના અભરખા સેવ્યા છે. જોકે હકીકત એ છે કે ઇસ્લામિક જગતના નેતા ઇમરાન ખાનને બિલકુલ મહત્ત્વ નથી આપતા. ઇમરાન ખાને ભાષણબાજીથી દૂર રહેવું જોઈએ. પાકિસ્તાનમાં અમેરિકા વિરોધી લાગણીની વાત કરીએ તો આ 1980નો સમય નથી. ઇમરાન ખાન એ આધારે પોતાની સત્તા બચાવી શકતા નથી."
પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીને પણ કથિત અમેરિકન ષડયંત્રોના સવાલનો સામનો કરવો પડ્યો હતો. કુરેશીને એક પત્રકારે પૂછ્યું હતું- તમારી સરકાર કહી રહી છે કે અમેરિકા કાવતરું ઘડી રહ્યું છે, શું તમે પણ અમેરિકા મુર્દાબાદના નારા લગાવશો? આ સવાલના જવાબમાં કુરેશીએ કહ્યું કે, "હું એક જવાબદાર પદ પર છું, એવા બેજવાબદાર નિવેદનો નહીં આપું."
કુરેશીના જવાબનો વીડિયો ટ્વિટર પર પોસ્ટ કરતા પાકિસ્તાની પત્રકાર હસન ઝૈદીએ પૂછ્યું છે કે, "શું વડાપ્રધાનનું પદ જવાબદારીવાળું પદ નથી? આ પહેલા ઇમરાન ખાન કહેતા આવ્યા છે કે પાકિસ્તાનના ઇતિહાસમાં પહેલીવાર સેના અને સરકારનો એક જ સૂર છે. પરંતુ નિષ્ણાતો માને છે કે નિવેદનોથી એવું લાગતું નથી કે સેના અને સરકારનો એક જ સૂર છે."
ઇમરાન ખાન પાકિસ્તાનને નુકસાન પહોંચાડી રહ્યા છે?
ભારતમાં પાકિસ્તાનના હાઈ કમિશનર રહી ચૂકેલા અબ્દુલ બાસિતે સમગ્ર પ્રકરણ અંગે જર્મન પ્રસારક ડીડબ્લ્યુને કહ્યું છે કે, "આ રીતે વિદેશ નીતિને લોકો વચ્ચે મૂકવી વિનાશક સાબિત થઈ શકે છે. સરકારનું આ વલણ પાકિસ્તાનને નુકસાન પહોંચાડી રહ્યું છે. રાજદ્વારી નિયમો તો એમ કહે છે કે આ રીતે કોઈ પણ દેશ અને સરકાર વિરુદ્ધ ન બોલવું જોઈએ."
ઘણા વિશ્લેષકો માને છે કે, "ઇમરાન ખાન અમેરિકા વિરોધી લાગણીના મોજા પર સવાર થઈને ફરી સત્તા હાંસલ કરવા માગે છે." પાકિસ્તાનના રાજકીય વિશ્લેષક મુશર્રફ ઝૈદીએ લખ્યું છે કે, "રાજનીતિક કૅબલનો ઉપયોગ રાજકીય સાધન તરીકે થઈ રહ્યો છે. આગામી ચૂંટણી માટે વડા પ્રધાને પશ્ચિમ વિરોધી લાઈન પસંદ કરી છે."
વિરોધ પક્ષો ઇમરાન ખાનને સિલેક્ટૅડ વડા પ્રધાન ગણાવી રહ્યા છે. વિપક્ષી પાર્ટીઓએ આરોપ મૂક્યો છે કે, "તેમણે સેનાની મદદથી સત્તા મેળવી હતી. પાકિસ્તાનની નેશનલ ઍસેમ્બલીના ડૅપ્યુટી સ્પીકર કાસિમ સૂરીએ જૂન 2019માં સંસદમાં કહ્યું હતું કે વડાપ્રધાન માટે સિલેક્ટેડ શબ્દનો ઉપયોગ ન કરવો."
બિલાવલ ભુટ્ટો ઇમરાન ખાનને સિલેક્ટેડ પીએમ કહે છે. ત્રીજી એપ્રિલે એ જ કાસિમ સૂરીએ વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ ફગાવી દીધો.
ગયા વર્ષે નવેમ્બરમાં આઈએસઆઈના વડા તરીકે લૅફ્ટનન્ટ જનરલ નદીમ અંજુમની નિમણૂકને લઈને સેના અને સરકાર વચ્ચે વિવાદ થયો હોવાના અહેવાલ હતા.
કહેવાય છે કે ઇમરાન ખાન અંજુમને આઈએસઆઈની જવાબદારી સોંપવાના પક્ષમાં ન હતા. જોકે, બાદમાં ઇમરાન ખાને લૅફ્ટનન્ટ જનરલ નદીમ અંજુમને દેશની પાવરફૂલ ગુપ્તચર એજન્સીના નવા વડા તરીકે મંજૂરી આપી હતી. પરંતુ તેમને મંજૂરી મળતા ઘણો સમય લાગ્યો હતો.
6 ઑક્ટોબરે પાકિસ્તાની સેનાએ આઈએસઆઈના વડા તરીકે લૅફ્ટનન્ટ જનરલ નદીમ અંજુમની નિમણૂકની જાહેરાત કરી. પરંતુ તેમની નિમણૂકનું નોટિફિકેશન ત્રણ અઠવાડિયા પછી આવ્યું હતું. દરમિયાન આઈએસઆઈ ચીફની નિમણૂક પર મીડિયામાં ઘણી ટિપ્પણીઓ થઈ હતી. આ પદ પર નિમણૂક કરવાનો અધિકાર કોને છે તે અંગે પણ ચર્ચાઓ ચાલી હતી.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો