રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધના નવમા દિવસે શું-શું થયું?

પ્રકાશિત
વાંચવાનો સમય: 9 મિનિટ

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધનો શુક્રવારે નવમો દિવસ હતો.

બંને દેશો વચ્ચેનું યુદ્ધ હજુ પણ એ જ તીવ્રતા સાથે ચાલુ રહેવા પામ્યું હતું.

રશિયા અને યુકેનનાં પ્રતિનિધિમંડળો વચ્ચે થયેલી વાતચીતમાં બંને પક્ષો નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે માનવતાવાદી કૉરિડોર બનાવવાની યોજના મામલે સંમત થયા છે.

આ સિવાય બંને દેશો વચ્ચેના યુદ્ધમાં મધ્યસ્થી કરવા માટે સાઉદી અરેબિયાએ સંમતિ દર્શાવી છે.

તેમજ નવમા દિવસે રશિયાના હુમલા બાદ યુરોપના સૌતી મોટા ન્યૂક્લિયર પ્લાન્ટમાં આગ ફાટી નીકળતાં આંતરરાષ્ટ્રીય ચર્ચાનો મુદ્દો બન્યો હતો.

આ સિવાય ભારતીય વિદ્યાર્થીના ઈજાગ્રસ્ત થવાના પણ અહેવાલ જાણવા મળ્યા હતા.

યુદ્ધમાં નવમા દિવસની પરિસ્થિતિ અંગે વધુ જાણવા માટે સમગ્ર અહેવાલ વાંચો.

સાઉદી અરેબિયાએ યુક્રેન અને રશિયા વચ્ચે મધ્યસ્થી કરવાની તૈયારી બતાવી

સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મહમ્મદ બિન સલમાને રશિયા અને યુક્રેનના નેતાઓને કહ્યું છે કે તેઓ બંને દેશો વચ્ચે મધ્યસ્થી કરવા તૈયાર છે.

સાઉદી ક્રાઉન પ્રિન્સે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સ્કી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી હતી અને યુદ્ધના રાજકીય ઉકેલને સમર્થન આપ્યું હતું.

તેમણે વોલોદિમીર ઝૅલેન્સ્કીને કહ્યું કે સાઉદી અરેબિયામાં આવનારા પ્રવાસીઓ અને યુક્રેનના નાગરિકોના વિઝા વધુ ત્રણ મહિના માટે લંબાવવામાં આવશે.

સાઉદી મીડિયા અનુસાર પુતિને સાઉદી ક્રાઉન પ્રિન્સને ફોન કર્યો હતો. ફોન પર વાતચીત દરમિયાન સાઉદી ક્રાઉન પ્રિન્સે યુક્રેન યુદ્ધને લઈને સાઉદી અરેબિયાની સ્થિતિ સ્પષ્ટ કરી હતી.

દરમિયાન, રશિયા દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંને નેતાઓએ ઊર્જાને લઈને તેમની ચિંતાઓ વિશે વાત કરી હતી. બંને દેશો તેલ ઉત્પાદન અંગે 'એકબીજાના પક્ષ સાથે સંકલન' સાધવા સંમત થયા હતા. સાઉદી અરેબિયા અને રશિયા ઓપેક પ્લસ જોડાણના મહત્વના સભ્યો છે.

રશિયન નિવેદનમાં જણાવાયું છે કે "રશિયા સામે પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોની નોંધ લેતા, વ્લાદિમીર પુતિને વૈશ્વિક ઉર્જા પુરવઠાના મુદ્દાનું રાજકીયકરણ કરવાની અસ્વીકાર્યતા પર ભાર મૂક્યો છે."

બેલારુસે તેના સૈનિકોને યુક્રેનમાં પ્રવેશવાનો આદેશ આપ્યો - યુક્રેન

યુક્રેનના સૈન્યનું કહેવું છે કે તેમને એવું લાગે છે કે બેલારુસે તેના સૈનિકોને ગુરુવારે યુક્રેનમાં પ્રવેશવા અને યુદ્ધમાં જોડાવાનો આદેશ આપ્યો છે.

એક ફેસબુક પોસ્ટમાં, યુક્રેન આર્મીએ જણાવ્યું હતું કે "બેલારુસના લશ્કરી ટુકડીનેને યુક્રેનમાં ઘુસવાના આદેશ આપવામાં આવ્યા છે."

યુક્રેનનો આરોપ છે કે રશિયા મિસાઈલ છોડવા માટે બેલારુસની જમીનનો ઉપયોગ કરી રહ્યું છે.

પૂર્વ સોવિયેત રાષ્ટ્ર બેલારુસની સરહદ યુક્રેન સાથે વહેંચાયેલી છે.

એવું માનવામાં આવે છે કે બેલારુસની સરકાર પર રશિયાનો ભારે પ્રભાવ છે.

ઘણા વિશ્લેષકો બેલારુસને રશિયાનું આશ્રિત રાજ્ય માને છે.

કિએવ તરફ આગળ વધી રહેલો રશિયાનો વિશાળ સૈન્ય કાફલો પણ બેલારુસની સરહદેથી યુક્રેનમાં ઘૂસ્યો હતો.

યુરોપના સૌથી મોટા ન્યૂક્લિયર પ્લાન્ટમાં આગ ફાટી નીકળી

યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબાએ કહ્યું છે કે રશિયન સૈનિકો ઝેપોરઝિયા ન્યૂક્લિયર પ્લાન્ટમાં ચારેય તરફથી ગોળીબાર કરી રહ્યા છે. આ યુરોપનો સૌથી મોટો ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ છે.

સ્થાનિક અધિકારીઓનું કહેવું છે કે હુમલાના કારણે પ્લાન્ટમાં આગ લાગી ગઈ છે. કુલેબાએ ટ્વિટર પર કહ્યું કે, "રશિયા તાત્કાલિક ગોળીબાર બંધ કરે જેથી આગ ઓલવવાનું કામ શરૂ કરી શકાય."

ઓપન ન્યૂક્લિયર નેટવર્કનાં નિદેશક લૉરા રૉકવુડે બીબીસી રેડિયો 4ને જણાવ્યું કે યુદ્ધને કારણે યુક્રેનમાં ઇલેક્ટ્રિસિટી ગ્રિડ પ્રભાવત થઈ શકે છે. આ ગ્રિડ પ્લાન્ટ ન્યૂક્લિયર પ્લાન્ટ પર નિર્ભર છે. તેની આસપાસ સૈન્ય સંઘર્ષથી બે ખતરા છે - પ્લાન્ટને ભારે નુકસાન થશે અને ત્યાં કામ કરતા લોકો પ્રભાવિત થશે. તેનાથી ગંભીર વાત એ કે પ્લાન્ટ બંધ થશે અને પરમાણુ દુર્ઘટના થઈ શકે છે.

ધ ઇન્ટરનેશન એટૉમિક એનરજી એજન્સી (આઈએઈએ)એ કહ્યું કે તેઓ યુક્રેનના અધિકારીઓના સંપર્કમાં છે. પ્લાન્ટના એક પ્રવક્તાએ સોશિયલ મીડિયા પર રશિયન દળોને ગોળીબાર બંધ કરવાનું કહ્યું છે.

સમાચાર એજન્સી અનુસાર, ટેલિગ્રામ પર એક વીડિયોમાં એંડ્રી તુઝે કહ્યું કે, ''યુરોપના સૌથી મોટા ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ પર પરમાણુ ખતરાની આશંકા છે. રશિયા ભારે ગોળીબાર કરે છે અને ત્યાં આગ ઓલવવી મુશ્કેલ છે. જે રિએક્ટરમાં આગ લાગી છે, તેનું સમારકામ ચાલી રહ્યું છે પરંતુ હાલ તે ચાલુ નથી, પરંતુ આમાં પરમાણુ ઈંધણ છે.''

આ પાવર પ્લાન્ટથી યુક્રેનને તેની કુલ જરૂરિયાતની 25 ટકા વીજળી મળે છે. રશિયાએ યુક્રેનની રાજધાની કિએવથી લગભગ 100 કિલોમીટર દૂર ચેર્નોબિલ પ્લાન્ટને પોતાના નિયંત્રણમાં લઈ લીધો છે. આ પહેલેથી નિષ્ક્રિય છે.

ત્યારે ઇનરહોડાર શહેરના મેયર દિમિત્રો ઓર્લોવના જણાવ્યા અનુસાર, આગ "પ્લાન્ટની ઇમારતો અને એકમો પર દુશ્મનોના સતત બોમ્બમારા"ને કારણે લાગી હોવાનું જણાય છે.

દિમિત્રો ઓર્લોવે અગાઉ શહેરની બહાર રશિયન અને યુક્રેનિયન દળો વચ્ચે ભીષણ લડાઈની જાણ કરી હતી.

રશિયન સૈન્યએ ટેન્કોના કાફલા સાથે શહેરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો અને પ્લાન્ટ પર કબજો મેળવવાની કોશિશ કરી હતી. પરંતુ બુધવારે સ્થાનિક નાગરિકો અને પ્લાન્ટના કર્મચારીઓએ રસ્તો રોકીને પ્લાન્ટનો રસ્તો બ્લૉક કરી દીધો હતો.

યુક્રેનમાં હાલમાં ચાર પરમાણુ પ્લાન્ટ કાર્યરત છે, જેમાં ઇનરહોડારમાં ઝાપોરિઝિયા પ્લાન્ટનો સમાવેશ થાય છે.

ન્યૂક્લિયર પાવર પ્લાન્ટમાં આગ : ઝૅલેન્સ્કીએ કહ્યું 'યુરોપનો જાગવાનો સમય છે'

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીએ કિએવમાં એક સંદેશમાં કહ્યું કે "યુરોપે હવે જાગી જવું જોઈએ".

યુરોપના સૌથી મોટા પાવર પ્લાન્ટમાં આગ પછી તેમણે કહ્યું કે અરજન્ટ મદદની વિનંતી કરી છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન અને આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી -આઈએઈએના ડાયરેક્ટર જનરલ રાફેલ ગ્રોસીએ ઝૅલેન્સ્કીની ટીમ સાથે વાત કરી હતી.

આઈએઈએ ગંભીર ખતરાની ચેતવણી આપતા પરમાણુ પાવર પ્લાન્ટ પાસે સૈન્ય કાર્યવાહીને રોકવાની અપીલ કરી છે.

હજુ સુધી વિકિરણના સ્તરમાં કોઈ ફેરફાર નથી નોંધાયો પરંતુ રશિયન હુમલો ચાલુ રહે તો ખતરો વધવાનો ભય છે.

યુરોપના સૌથી મોટા પરમાણુ પાવર પ્લાન્ટમાં આગ, અમેરિકાએ લીધો મહત્ત્વપૂર્ણ નિર્ણય

અમેરિકાનાં ઊર્જા મંત્રી જેનિફર ગ્રાનહોલ્મે ટ્વીટ કરીને કહ્યું કે તેમણે યુક્રેનના ઝેપોરઝિયા ન્યૂક્લિયર પ્લાન્ટમાં આગની ઘટના બાબતે યુક્રેનના ઊર્જા મંત્રી સાથે વાત કરી હતી.

જેનિફરે કહ્યું કે તેમણે અમેરિકન પરમાણુ ઇન્સિડેન્ટ રિસ્પૉન્સ ટીમને સક્રિય કરવાનો નિર્ણય કર્યો છે.

તેમણે કહ્યું કે પરમાણુ પ્લાન્ટની પાસે રશિયાનું સૈન્ય અભિયાન બેદરકારી ભરેલું છે અને તે જલદી ખતમ થવું જોઈએ.

તેમણે કહ્યું કે રક્ષા મંત્રાલય, અમેરિકન ન્યૂક્લિયર રેગ્યુલેટરી કમિશન અને વ્હાઇટ હાઉસની સાથે આખા ઘટનાક્રમ પર નજર રાખી રહ્યાં છે. તેમણે કહ્યું કે રેડિએશનના સ્તરમાં કંઈ ફેરફાર નથી.

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીએ કહ્યું કે રશિયાના દળોએ યુરોપના સૌથી મોટા ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ પર હુમલો કર્યો છે.

તેમણે દુનિયા પાસે મદદની અપીલ કરી છે. એક વીડિયો સંદેશમાં તેમણે કહ્યું કે, યુરોપનો સૌથી મોટો ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ ખતરામાં છે.

ઝૅલેન્સ્કીએ કહ્યું કે રશિયન દળો જાણીજોઈને પરમાણુ પાવર પ્લાન્ટને નિશાન બનાવી રહ્યા છે.

તેમણે 1986માં ચેર્નોબિલ પરમાણુ દુર્ઘટનાને ટાંકતા કહ્યું કે ઝેપોરઝિયાના છ રિએક્ટરોમાં જો કંઈ અજુગતું થવા પામે તો ખરાબ પરિણામ આવશે. ઝૅલેન્સ્કીએ કહ્યું કે,''યુરોપના લોકો પ્લીઝ જાગો. તમારા નેતાઓને કહો કે રશિયન દળો યુક્રેનના ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ પર હુમલો કરી રહ્યા છે.''

ઝૅલેન્સ્કીએ કહ્યું કે તેઓ અમેરિકા, બ્રિટન અને ઈયુના નેતાઓના સંપર્કમાં છે. તેની સાથે જ તેમણે કહ્યું કે તેમની વાત ઇન્ટરનેશનલ એટૉમિક એનરજી એજન્સી સાથે પણ થઈ છે.

'યુક્રેનના ઝાપોરઝિયા પાવર પ્લાન્ટમાં આગ ઓલવવામાં આવી'

યુક્રેનની ઇમર્જન્સી સર્વિસનું કહેવું છે કે ન્યૂક્લિયર પાવર પ્લાન્ટમાં આગ ઓલવી દેવામાં આવી છે.

સોશિયલ મીડિયામાં સ્ટેટ ઇમર્જન્સી સર્વિસે લખ્યું છે કે, "સ્થાનિક સમયે 6.20 વાગ્યે ઇનેરગોડારમાં ઝાપોરઝિયા એનપીપીમાં આગ ઓલવવામાં આવી છે. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી".

શહેરના મેયર દિમિત્રો ઓર્લોવે બીબીસી યુક્રેનિયન સેવા કહ્યું કે પરમાણુ પાવર પ્લાન્ટ નજીક લડાઈ રોકી દેવામાં આવી છે.

પાવર પ્લાન્ટ નજીકર કલાકો સુધી ભારે બૉમ્બવર્ષા બાદ આ આગ લાગી ગઈ હતી.

યુક્રેનિયન અધિકારીઓ અનુસાર બૉમ્બવર્ષાને કારણે ન્યૂક્લિયર કૉમ્પલેક્સના ત્રીજા, ચોથા અને પાંચમા માળમાં આગ લાગી ગઈ હતી.

રાષ્ટ્રપતિ પુતિને ભારતીય વિદ્યાર્થીઓ વિશે શું કહ્યું?

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરુવારે સાંજે કહ્યું હતું કે ખારકિએવના એક ટ્રેન સ્ટેશન પર મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓને "બાનમાં" રાખવામાં આવ્યા હતા.

રશિયન રાષ્ટ્રપતિનું નિવેદન એ સંદર્ભમાં બહાર આવ્યું છે કે જ્યારે ભારતે કહ્યું હતું કે યુક્રેનિયન શહેર ખારકિએવમાંથી ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવાની યોજના ખોરવાઈ છે કારણ કે બુધવારે ટૂંકા વિરામ બાદ ફરી યુદ્ધ શરૂ થઈ ગયું હતું.

રશિયાના રાષ્ટ્રપતિ પુતિને રશિયાની સુરક્ષા પરિષદમાં પોતાના ભાષણમાં કહ્યું,

પુતિને કહ્યું કે યુક્રેનના સુરક્ષા દળો હજારો વિદેશી નાગરિકોને ખારકિએવ છોડતા અટકાવી રહ્યા છે. પુતિને કહ્યું કે યુક્રેનિયન દળોએ તેમને બંધક બનાવી રાખ્યા છે.

બુધવારે રાષ્ટ્રપતિ પુતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી હતી. બંને નેતાઓ વચ્ચે ખારકિએવની સ્થિતિ પર પણ ચર્ચા થઈ હતી. રશિયા આ શહેરમાં સૈન્ય અભિયાન ચલાવી રહ્યું છે. ખારકિએવમાં મોટી સંખ્યામાં ચીની, ભારતીય અને આફ્રિકન વિદ્યાર્થીઓ રહે છે. ગુરુવારની મોડી રાતે યુક્રેનિયન અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ વિદેશી નાગરિકોને બહાર કાઢવા માટે રશિયાના એક સુરક્ષિત માર્ગ પર સંમતિ સધાઈ છે.

બેલારુસમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધવિરામ પર બીજા તબક્કાની વાટાઘાટો પણ નિષ્ફળ રહી છે. યુક્રેનના રાષ્ટ્રપતિના સલાહકાર મિખાઈલો પોડોલિકે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું, "વાતચીતનો બીજો તબક્કો પૂરો થઈ ગયો છે. કમનસીબે, જે પરિણામો મળવા જોઈએ તે પ્રાપ્ત થયા નથી. વિદેશીઓના સુરક્ષિત સ્થળાંતર માટે સલામત માર્ગ તૈયાર કરવા પર સહમતિ સધાઈ છે.''

જોકે, ગુરુવારે ભારતના વિદેશ મંત્રાલયે યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીઓને બંધક બનાવવાની વાતને ફગાવી દીધી હતી. ભારતના વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેમની પાસે યુક્રેનમાં કોઈપણ ભારતીય વિદ્યાર્થીને બંધક બનાવાયા હોવાના કોઈ સમાચાર નથી.

'રશિયાએ યુરોપના સૌથી મોટા ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ પર કબજો કર્યો' - યુક્રેન

યુક્રેનિયન સત્તાવાળાઓનું કહેવું છે કે રશિયન સૈનિકોએ ઝાપોરઝિયા પરમાણુ પાવર પ્લાન્ટ કબજે કરી લીધો છે.

સ્થાનિક સત્તાવાળાને ટાંકીને રોઇટર્સ ન્યૂઝ એજન્સી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે "કર્મચારીઓ પાવર યુનિટની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે."

વધુમાં ઉમેરવામાં આવ્યું છે કે પાવર પ્લાન્ટના કર્મચારીઓએ કામ કરવાનું ચાલુ રાખ્યું છે અને પાવર પ્લાન્ટનું સંચાલન કરી રહ્યા છે.

યુરોપના સૌથી મોટા આ પ્લાન્ટમાં અગાઉ રશિયન તોપમારાને પગલે આગ ફાટી નીકળી હતી.

વિશ્લેષણ : 'યુક્રેનમાં પરમાણુ પાવર પ્લાન્ટમાં આગ અપવાદરૂપ'

યુક્રેનમાં રશિયાના હુમલા દરમિયાન ઝાપોરઝિયા ન્યૂક્લિયર પ્લાન્ટમાં થયેલી આગની ઘટના સંદર્ભે વાત કરતાં નિષ્ણાતો કહે છે કે પરમાણુ પ્લાન્ટ પર હુમલો એ એક અપવાદરૂપ ઘટના છે અને પરિસ્થિતિ ખૂબ ખતરનાક છે.

હાર્વર્ડ યુનિવર્સિટીમાં ન્યૂક્લિયર સિક્યૉરિટી ઍક્સપર્ટ ડૉ. ગ્રૅહામ ઍલિસન કહે છે, "સૌથી ખરાબ પરિસ્થિતિ"એ થઈ શકે કે પ્લાન્ટમાં મેલ્ટડાઉન થયું હોય તો તેમાંના રેડિયોધર્મી વિકિરણો આસપાસના વિસ્તારને વર્ષો સુધી દૂષિત કરી શકે છે. પરંતુ એવી શક્યતા છે કે "રશિયન સૈન્ય પ્લાન્ટ પર હુમલો કરવાને બદલે આસપાસના વિસ્તારમાં વીજળી ઠપ કરવા" માગતું હતું."

આ પ્લાન્ટ યુક્રનની રાજધાની કિએવથી દક્ષિણ-પૂર્વ દિશામાં લગભગ 550 કિલોમિટર દૂર સ્થિત છે.

અમેરિકા, બ્રિટન અને કૅનેડાની રશિયાને પરમાણુ પાવર પ્લાન્ટ પર સૈન્યકાર્યવાહી બંધ કરવાની અપીલ

યુક્રેનસ્થિત ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ પર રશિયા પર તોપમારાની વિશ્વ ટીકા કરી રહ્યું છે.

પશ્ચિમના નેતાઓએ રશિયા પર યુરોપની સુરક્ષાને ખતરામાં નાખવાનો આક્ષેપ કર્યો છે.

યુક્રેનમાં દક્ષિણમાં સ્થિત યુરોપના સૌથી મોટા પરમાણુ પાવર પ્લાન્ટ પર રશિયાના હુમલા બાદ આગ ફાટી નીકળી હતી.

અધિકારીઓ અનુસાર રેડિએશનમાં હજી ફેરફાર જોવા મળ્યો નથી અને પાવર પ્લાન્ટ સુરક્ષિત છે.

યુકેના વડા પ્રધાન બોરિસ જૉન્સને રશિયાના હુમલાને "બેજવાબદાર" હુમલો અને તેને સમગ્ર યુરોપ માટે સીધું જોખમ ગણાવ્યાં છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને મૉસ્કોને ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ આસાપસ કોઈ પણ સૈન્યકાર્યવાહી રોકવા અપીલ કરી છે.

કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ આ કાર્યવાહીને "ભયાવહ હુમલો" ગણાવીને તેને "તાત્કાલિક બંધ" કરવાની અપીલ કરી છે .

બોરિસ જૉન્સન, જો બાઇડન અને જસ્ટિન ટ્રુડોએ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કી સાથે ફોન પર વાત પણ કરી છે.

તેમણે રશિયા પર ન્યૂક્લિયર આતંક ફેલાવવાનો આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું કે, "જો વિસ્ફોટ થશે તો આ બધું ખતમ થઈ જશે. યુરોપનો અંત આવશે."

ચેર્નિહાઇવમાં રશિયાના હવાઈ હુમલા બાદ મૃતાંકમાં વધારો

ગુરુવારે ચેર્નિહાઇવ શહેરના રહેવાસી વિસ્તાર ઉપર રશિયાએ કરેલા હવાઈ હુમલા 47 લોકોનાં મૃત્યુ થયાં હોવાનું સ્થાનિક તંત્રે જણાવ્યું છે.

સ્થાનિક ઇમરજન્સી સેવાના જણાવ્યા અનુસાર ભારે બૉમ્બમારાને પગલે ગુરુવારે બચાવકાર્ય અટકાવવું પડ્યું હતું.

સ્થાનિક તંત્રે એવું પણ જણાવ્યું કે વિસ્તાર પર હુમલા શરૂ થયા ત્યારથી મોટા ભાગે સામાન્ય નાગરિકોનાં જ મૃત્યુ થયાં છે.

ઉત્તર યુક્રેનમાં આવેલું ચેર્નિહાઇવ રશિયા અને બેલારુસની સરહદથી એકદમ નજીક છે.

રશિયામાં નવા કાયદાનો પ્રસ્તાવ, સૈન્ય અંગે 'ખોટી' જાણકારી ફેલાવવા બદલ સજા

રશિયન સંસદના ડુમાના નીચલા ગૃહે સર્વસંમતિથી એક એવો કાયદો પાસ કર્યો છે જે બાદ હવે સશસ્ત્ર દળો અંગે 'ખોટી' જાણકારી ફેલાવવા બદલ જેલની સજા થઈ શકે છે.

ન્યૂઝ એજન્સી ઇન્ટરફેક્સના મતે કુલ 401 સાંસદોએ બિલના પક્ષમાં મત આપ્યો. કોઈએ પણ આના વિરુદ્ધમાં મત નથી આપ્યો. કોઈ સાંસદે મતદાનમાં ભાગ લેવાનો પણ ઇન્કાર નથી કર્યો.

હવે આ કાયદાને આતવીકાલે ઉપલા ગૃહમાં મંજૂરીની જરૂર પડશે.

નીચલા ગૃહ તરફથી જાહેર કરાયેલા એક નિવેદન અનુસાર, જો આ કાયદો પ્રભાવી બને તો સશસ્ત્ર દળો વિરુદ્ધ ખોટી જાણકારી ફેલાવવા બદલ 15 વર્ષ સુધીની સજા થઈ શકશે.

યુક્રેન છોડતી વખતે ભારતીયને ગોળી વાગી

યુક્રેનમાં એક ભારતીયને ગોળીઓ વાગતાં ઇજા પહોંચી છે. મૂળ દિલ્હીના હરજોતસિંહ કિએવથી પરત ફરી રહ્યા હતા ત્યારે તેમને ગોળીઓ વાગી હતી. હાલમાં કિએવની હૉસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે.

27 ફેબ્રુઆરીએ હરજોતસિંહ પોતાના મિત્ર સાથે કિએવમાંથી નીકળવીને લિએવ પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે તેમને ગોળી વાગી હતી.

બીબીસી સાથેની વાતચીતમાં હરજોતે કહ્યું, "મેં ત્રણ-ચાર ટ્રેન પકડવાનો પ્રયાસ કર્યો પણ મને મંજૂરી જ ના મળી."

"એ બાદ અમે એક હજાર ડૉલરમાં લિએવ માટે એક કૅબ બૂક કરી. અમે રસ્તા પર હતા ત્યારે ગોળીબાર શરૂ થયો હતો."

"એક ગોળી મારા ખભામાંથી આરપાર નીકળી ગઈ. બે ગોળીઓ મારા પગમાં વાગી."

હરજોતસિંહે એવું પણ કહ્યું કે તેમણે કેટલીય વખત તંત્ર અને દૂતાવાસનો સંપર્ક સાધવા પ્રયાસ કર્યો પણ તેઓ સફળ નહોતા થયા.

રશિયાએ ડ્રોનથી હુમલો કર્યો

રશિયાના સંરક્ષણ મંત્રાલયે એક રૅકોર્ડિંગ પ્રકાશિત કર્યું છે, જેમાં કથિત રીતે યુક્રેનિયન સૈન્યની એક કમાન્ડ પોસ્ટને નષ્ટ કરાતી દર્શાવાઈ છે. દોનેત્સ્ક વિસ્તારમાં રશિયન ડ્રોન દ્વારા આ હુમલો કરાયો હતો. જોકે, હજુ સુધી આ ઘટનાની સ્વતંત્ર પુષ્ટિ કરી શકાઈ નથી. યુક્રેન વિરુદ્ધના યુદ્ધમાં રશિયાએ ડ્રોનથી હુમલો કર્યો હોવાની આ પ્રથમ ઘટના છે.

યુક્રેનમાં રશિયા ક્લસ્ટર બૉમ્બનો પ્રયોગ : નેટો

નેટોના સચિવ જનરલ જૅન્સ સ્ટૉલટનબર્ગે જણાવ્યું છે કે રશિયા યુક્રેન વિરુદ્ધના આક્રમણમાં ક્લસ્ટર બૉમ્બનો ઉપયોગ કરી રહ્યું હોવાના પુરાવા મળ્યા છે.

એક પત્રકારપરિષદમાં તેમણે જણાવ્યું, "અમે ક્લસ્ટર બૉમ્બના ઉપયોગને જોયો છે.અમને અહેવાલો મળ્યા છે કે આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરનારાં અન્ય હથિયારોનો પણ પ્રયોગ થઈ રહ્યો છે. "

તેમણે એવું પણ કહ્યું કે પશ્ચિમના સૈન્ય ગઠબંધન યુક્રેન ઉપર 'નો ફ્લાયઝોન' જાહેર નહીં કરે અને પોતાનાં સૈન્યો પણ નહીં મોકલે. જોકે, તેમણે કિએવને અન્ય મદદ કરવાનું વચન આપ્યું છે.

તેમણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને રશિયાના સૈન્યઅભિયાનનો અંત લાવવા પણ ભલામણ કરી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો