યુક્રેન-રશિયા યુદ્ધ : સંઘર્ષના આઠમા દિવસે શું શું થયું?

પ્રકાશિત
વાંચવાનો સમય: 7 મિનિટ

યુક્રેન પર રશિયાના આક્રમણનો ગુરુવારે આઠમો દિવસ હતો. આ દરમિયાન રશિયાની સેનાએ વધુ શક્તિ સાથે યુક્રેનનાં શહેરો અને અન્ય વિસ્તારો પર આક્રમણ ચાલુ રાખ્યું હતું.

આઠમા દિવસે જંગની તીવ્રતામાં વધારો થયો હોવાનું કહેવાઈ રહ્યું છે. દરમિયાન એક રાહતની વાત એ પણ છે કે રશિયા અને યુક્રેન વચ્ચે વાતચીત શરૂ થવાના સમાચાર સામે આવ્યા છે.

ઉપરાંત રશિયા પર આઠમા દિવસે પણ ચોમેરથી પ્રતિબંધો અને કાર્યવાહીઓની કામગીરી સતત ચાલુ રહેવા પામી હતી. સ્વિફ્ટ સિસ્ટિમમાંથી રશિયાની સાત બૅન્કોને હઠાવવાનો નિર્ણય કરાયો હતો.

તેમજ ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસ દ્વારા પણ ન્યાયિક કાર્યવાહીના સંકેત અપાયા હતા.

તેમજ આઠમા દિવસે પણ યુક્રેનના નાગરિકો અને રહેવાસીઓ અન્ય દેશોમાં શરણાગતિ માગવા માટે મજબૂર થયા હોવાના અહેવાલ સામે આવ્યા હતા.

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધની આઠમા દિવસની વધુ વિગતો જાણવા માટે વાંચો સમગ્ર અહેવાલ.

ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે રશિયા વિરુદ્ધ તપાસ શરૂ કરી

ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટના પ્રમુખ અભિયોજકે યુક્રેન પર આક્રમણ દરમિયાન સંભવિત યુદ્ધઅપરાધો માટે રશિયા વિરુદ્ધ તપાસ હાથ ધરી છે.

કરીમ ખાને લેખિત નિવેદનમાં જણાવ્યું, "યુક્રેનની પરિસ્થિતિની પ્રારંભિક તપાસમાં અમને એટલા પુરાવા તો મળ્યા જેથી સાબિત થાય કે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટના ન્યાયક્ષેત્રમાં અપરાધ થયા છે. અમે એવા સંભવિત મામલાની ઓળખ કરી છે જેને સ્વીકારી લેવાશે."

કરીમ ખાને સોમવારે કહ્યું હતું કે તેઓ કોર્ટ પાસેથી તપાસ શરૂ કરવા અનુમતિ માગશે પરંતુ હવે બ્રિટન સહિત 38 દેશોએ તપાસની માગ કરી દીધી છે. જેનો અર્થ છે કે તેઓ હવે તાત્કાલિક તપાસ શરૂ કરી શકે છે.

યુક્રેન કહે છે કે બૉમ્બમારામાં અત્યાર સુધી બે હજારથી વધુ નાગરિકોનાં મૃત્યુ થયાં છે. જ્યારે સંયુક્ત રાષ્ટ્ર પ્રમાણે, શરૂઆતના પાંચ દિવસોમાં 227 સામાન્ય નાગરિકોનાં મૃત્યુ અને 527 ઈજાગ્રસ્ત થયા હતા. જોકે, સાચો આંકડો ઘણો વધારે હોઈ શકે છે.

સ્વિફ્ટ બૅન્કિંગ સિસ્ટિમમાંથી હઠાવવામાં આવશે સાત રશિયન બૅન્કો

સ્વિફ્ટ બૅન્કિંગ સિસ્ટમનું કહેવું છે કે, તેઓ પોતાના વૈશ્વિક નેટવર્કમાંથી સાત રશિયન બૅન્કોને હઠાવી દેશે. આ કાર્યવાહી 12 માર્ચે પૂરી કરવામાં આવશે.

સ્વિફ્ટ બૅન્કિંગ સિસ્ટમ તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "યુક્રેન પર રશિયાના હુમલાના કારણે ત્રાસદી ભોગવી રહેલા લોકો પ્રત્યે અમારી સંવેદના છે."

આ સપ્તાહની શરૂઆતમાં અમેરિકા, યુરોપિયન સંઘ, બ્રિટન અને તેમના ઘણા સહયોગી દેશોએ રશિયાની બૅન્કોને આંતરરાષ્ટ્રીય વ્યવહાર માટેની મહત્ત્વપૂર્ણ સિસ્ટમ 'સ્વિફ્ટ'માંથી બહાર કરવાનો નિર્ણય લીધો હતો.

વિશ્વભરમાં હજારો નાણાકીય સંસ્થા 'સ્વિફ્ટ સિસ્ટમ'નો ઉપયોગ કરે છે. રશિયા ઑઇલ અને ગૅસની નિકાસ માટે ઘણી હદ સુધી આ સિસ્ટમ પર નિર્ભર રહ્યું છે.

કિએવમાં ગુરુવારે મળસકે ચાર મોટા વિસ્ફોટ

ગુરુવારે મળસકે યુક્રેનની રાજધાની કિએવમાં ચાર જેટલા વિસ્ફોટોના અવાજ સંભળાયા હતા.

બે શક્તિશાળી વિસ્ફોટો સિટી સૅન્ટરમાં અને અન્ય બે મેટ્રો સ્ટેશન પાસે થયા હતા.

ઓપન સોર્સ ઇન્ટેલિજન્સ શૅર કરતા એક ટ્વિટર ઍકાઉન્ટ દ્વારા આ વિસ્ફોટો પૈકી એકનો વીડિયો રજૂ કરવામાં આવ્યો હતો.

જોકે, બીબીસી આ વીડિયોની પુષ્ટિ કરી શક્યું નથી.

જોકે, આ વીડિયોમાં જે વિસ્ફોટ જોવા મળે છે, લગભગ તેવો જ એક વિસ્ફોટ સીબીએસ ન્યૂઝના લાઇવ બ્રોડકાસ્ટિંગમાં જોવા મળ્યો હતો.

સીબીએસ ન્યૂઝના આંતરરાષ્ટ્રીય સંવાદદાતા ચાર્લી ડિ'અગાતા ગુરુવારે મળસ્કે કિએવમાં એક છત પરથી લાઇવ રિપોર્ટિંગ કરી રહ્યા હતા.

તે જ સમયે વિસ્ફોટ થતા શરૂઆતમાં તેમને વિજળી પડી હોવાનું લાગ્યું હતું. જોકે, ગણતરીની સૅકન્ડોમાં અવાજ તેમના સુધી પહોંચતા તેઓ ચોંકી ઊઠ્યા હતા.

ખારકિએવ નજીક આવેલા શહેરમાં હુમલામાં 'બે બાળકો સહિત આઠ લોકોનાં મૃત્યુ'

યુક્રેનમાં ખાલકિએવથી બે કલાકના અંતર પ સ્થિત ઇઝિયુમ શહેરમાં રશિયાના હુમલામાં આઠ નાગરિકોનાં મૃત્યુ થયાં છે, આમાં બે બાળકો પણ છે. આ માહિતી યુક્રેનમાં અધિકારીઓએ આપી છે.

ડેપ્યુટી મેયર વોલોદિમીર મૅટ્સોકિને કહ્યું કે શેહરના મધ્ય ભાગમાં ભારે નુકસાન થયું છે અને એક સરકારી ઇમારત પર હુમલા બાદ પોલીસકર્મીઓ પણ ઈજાગ્રસ્ત થયા છે.

આની પહેલાં મૅટ્સોકિને ફેસબુક પર લખ્યું કે એક અપાર્ટમેન્ટ બિલ્ડિંગ પર હુમલામાં ત્યાંના રહેવાસીઓનું મૃત્યુ થઈ ગયું હતું.

અત્યાર સુધી 10 લાખ લોકોએ યુક્રેન છોડ્યું: UN

સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું કે યુક્રેનમાંથી અંદાજે દસ લાખ લોકો આસપાસના દેશો છોડીને ગયા છે.

આ સ્થળાંતર રશિયાના હુમલાના સાત દિવસ દરમિયાન જ થયું છે.

બીબીસીના લ્યુઇસ ગુડઑલ પ્રમાણે 2015માં અંદાજે 13 લાખ લોકો સ્થળાંતરિત થયા હતા. જેની સામે આ વખતે માત્ર એક અઠવાડિયામાં જ દસ લાખ લોકોએ સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે.

સંયુક્ત રાષ્ટ્રના શરણાર્થીઓ માટેના હાઇકમિશનર ફિલિપો ગ્રાન્ડીએ અપીલ કરી હતી કે બંદૂકો શાંત થવી જોઈએ જેથી દેશમાં રહેલા લાખો લોકો સુધી માનવતાવાદી સહાય પહોંચાડી શકાય.

એજન્સીએ અંદાજ લગાવ્યો છે કે કુલ 12 લાખ લોકો આંતરિક રીતે વિસ્થાપિત થયા છે.

ભારતીય વિદ્યાર્થીઓને બંધક બનાવવાના આરોપને ભારત સરકારે આપ્યો રદિયો

ભારત સરકારે યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીઓને બંધક બનાવવાના રશિયાના દાવાને રદિયો આપ્યો છે.

રશિયાએ કહ્યું હતું કે, "વિદ્યાર્થીઓને યુક્રેનના સશસ્ત્ર બળો 'માનવ ઢાલ' તરીકે ઉપયોગમાં લઈ રહ્યા છે અને તેમને રશિયા સુધી પહોંચવાથી રોકવામાં તમામ શક્ય પ્રયાસો હાથ ધરી રહ્યા છે."

જોકે, ભારત સરકારના વિદેશ મંત્રાલય તરફથી બુધવારે જારી કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, તેમને યુક્રેનમાં કોઈ પણ વિદ્યાર્થીને બંધક બનાવ્યા હોવા અંગે કોઈ માહિતી નથી.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારત સરકારે યુક્રેનના અધિકારીઓના સમર્થન માટે અનુરોધ કર્યો છે. એવો દાવો છે કે હજારોની સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ અત્યારે પણ ખારકિએવમાં ફસાયેલા છે.

બુધવારે રશિયાએ યુક્રેન પર ભારતીયોને બંધક બનાવવાનો આરોપ લગાવ્યો હતો. યુક્રેને તેનો વળતો જવાબ આપ્યો હતો.

રશિયાએ બુધવારે દાવો કર્યો હતો કે તેઓ ભારતીયોને યુક્રેનમાં યુદ્ધથી બહાર નીકાળવાના પ્રયત્નો કરી રહ્યા છે પરંતુ યુક્રેનની સેના ભારતીય વિદ્યાર્થીઓના એક સમૂહને બંધક બનાવીને માનવ-ઢાલની જેમ વાપરી રહી છે.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને બુધવારે ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીત કરી હતી. એક અઠવાડિયામાં બન્ને નેતાઓની આ બીજી વાતચીત છે.

આ અંગે રશિયાએ કહ્યું હતું કે બન્ને નેતાએ યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સહયોગ જારી રાખવા પર સહમતિ દર્શાવી હતી.

રશિયાને લઈને ભારત અને પાકિસ્તાનનું યુએનમાં એક જ વલણ કેમ?

સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભા (યુએસજીએ)માં રશિયા વિરુદ્ધ યુક્રેન પર હુમલાને લઈને નિંદા પ્રસ્તાવ 141-5 વોટથી પસાર થયો.

આ પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું કે રશિયા યુક્રેનથી પોતાના સૈનિકો કોઈ પણ શરત વગર પાછા બોલાવે.

યુએનજીએમાં કુલ 193 દેશોમાંથી 141 દેશોએ રશિયાની વિરુદ્ધ વોટિંગ કર્યું અને પાંચ દેશોએ રશિયાનો સાથ આપ્યો.

આ પાંચમાંથી એક પોતે રશિયા પણ છે. 35 દેશોએ મતદાનમાં ભાગ ન લીધો જેમાં ભારત, પાકિસ્તાન, ચીન,બાંગ્લાદેશ અને શ્રીલંકા પણ સામેલ છે.

આ પહેલાં પણ ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં રશિયાની વિરુદ્ધ નિંદા પ્રસ્તાવ પર વોટિંગમાંથી અનુપસ્થિત રહ્યું છે.

પુતિન પાસે જીતવાની કોઈ તક નથી : યુક્રેનના વિદેશમંત્રી દીમીત્રો કુલેબા

યુક્રેનના વિદેશમંત્રી દીમીત્રો કુલેબાએ એક તસવીર ટ્વીટ કરીને યુક્રેનિયન લોકોના જુસ્સાને બિરદાવ્યો છે.

તેમણે ટ્વિટર પર લખ્યું, "આ ખરા અર્થમાં યુક્રેનના લોકોનું યુદ્ધ છે. પુતિન પાસે જીતવાની કોઈ તક નથી. ગઈકાલે સામાન્ય લોકોએ રશિયન આક્રમણકારીઓનો રોકી રાખ્યો, એની આ તસવીર છે. આવાં અઢળક તસવીરો અને વીડિયો છે. યુક્રેનને એની રીતે આત્મરક્ષા કરવામાં મદદ કરે એવા સાથીદારોની અમારે જરૂર છે. ખાસ કરીને આકાશમાં. હવાઈ સીમા હવે બંધ કરી દો."

ફરી સામે આવ્યા ઝૅલેન્સ્કી, કહ્યું "અમે રશિયાને રોકી દીધું"

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીએ બુધવારે રાત્રે દેશના નાગરિકોને એક વીડિયો દ્વારા સંબોધિત કર્યા. ઝૅલેન્સ્કીએ લોકોને 'રશિયાના આક્રમણકારીઓ' વિરુદ્ધ લડવા આહ્વાન કર્યું છે.

ફેસબુક પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોનો સારાંશ કંઈક આવો, "દરેક આક્રમણકારીને એ ખબર હોવી જોઈએ કે તેને યુક્રેનમાં ભીષણ ટક્કર મળશે."

એક અજ્ઞાત સ્થળેથી વાત કરતા યુક્રેનનાં રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કીએ કહ્યું, "આપણે લોકોએ દુશ્મનોની યોજનાને એક અઠવાડિયામાં જ ઊંધી વાળી દીધી છે."

તેમણે કહ્યું કે પકડાયેલા રશિયન સૈનિકોને એ નથી ખબર કે તેઓ અહીં શું કરવા આવ્યા છે અને મોટી સંખ્યામાં રશિયન સૈનિકો પાછા ભાગી રહ્યા છે.

તેમણે એમ પણ કહ્યું કે રશિયાની સેનામાં બાળકો પણ શામેલ છે. જેમનો મૉસ્કોમાં રહેનારા તેમના નેતા ઉપયોગ કરી રહ્યા છે.

ઝૅલેન્સ્કીએ દેશનાં અલગઅલગ શહેરોમાં રશિયન સૈનિકોનો સામનો કરી રહેલા સામાન્ય નાગરિકોનો પણ આભાર માન્યો હતો.

તેમણે એમ પણ કહ્યું કે હાલમાં જ તેમને નૉર્વે, ઇઝરાયલ, કઝાખસ્તાન, કતાર, કૅનેડા, યુરોપીયન યુનિયન અને પૉલૅન્ડના નેતાઓ સાથે વાતચીત કરી હતી.

ખેરસન : રશિયાના કબજાવાળા શહેરમાં હાલ કેવી સ્થિતિ છે?

દક્ષિણ યુક્રેનના મહત્ત્વના બંદર ખેરસન પર હવે રશિયાનો કબજો છે. અહીં રહેતાં નિના (બીબીસીએ તેમનું આખું નામ જાહેર ન કરવાનું નક્કી કર્યું છે.) બીબીસીને જણાવે છે કે શહેરમાં નવા નિયમો લાગુ કરી દેવાયા છે.

નિના કહે છે, "હાલમાં શહેર શાંત છે. ગઈ કાલે પણ શાંત હતું. એ પહેલાં લડાઈ ચાલુ હતી અને ધમાકાઓ થતા હતા."

"ગઈકાલે ભારે જોખમ હતું એટલે કોઈ ઘરમાંથી બહાર નહોતું નીકળ્યું. પણ આજે લોકો બહાર નીકળ્યા છે. ખાવાનું ખરીદવાનો પ્રયાસ કરી રહ્યા છે."

જોકે, શહેરના બહારના ભાગમાંથી હજુ પણ લડાઈના અવાજો આવી રહ્યા હોવાનું તેઓ જણાવે છે.

"કેટલાક નિયમો અમારે પાળવા પડી રહ્યા છે. સરકારે જણાવ્યું છે કે અમારે રશિયન સૈનિકોને ઉશ્કેરવા નહીં."

"અમે ટોળે વળી શકતા નથી. ગાડીને ઝડપથી નથી ચલાવી શકતા.રશિયન સૈનિકો અમને ગમે ત્યાં અટકાવી શકે છે અને અમારી ગાડીમાં શું રાખ્યું એ અમારે એમને બતાવવું પડે છે. અમે એમને ઉશ્કેરી શકતા નથી. "

"એવી આશા રાખું છું કે આ લાંબું નહીં ચાલે અને સૌ સારાં વાનાં થશે. બધા જ સામાન્ય લોકો યુદ્ધની વિરુદ્ધ છે પણ અમે કંઈ શકીએ એમ નથી."

રશિયા અને યુક્રેન વચ્ચે ફરી વાતચીત શરૂ

રશિયાના પ્રતિનિધિમંડળના પ્રમુખ વ્લાદિમીર મેદિન્સ્કી દ્વારા અપાયેલ માહિતી પ્રમાણે મૉસ્કોના સમયાનુસાર ગુરુવારે ત્રણ વાગ્યે યુક્રેન અને રશિયાનાં પ્રતિનિધિમંડળોની વાતચીત શરૂ થઈ શકે છે. લેટેસ્ટ માહિતી અનુસાર આ વાતચીત શરૂ થઈ ગઈ હતી.

મેદિન્સ્કીએ એ વાત અંગે કોઈ સ્પષ્ટતા નહોતી કરી કે તેઓ ક્યાના સમયની વાત કરી રહ્યા છે. પરંતુ એટલી વાત તો પાકી છે કે બેલારુસને વાતચીત માટેના સ્થળ તરીકે પસંદ કરવામાં આવ્યું છે. ત્યાંનો સમય મૉસ્કોના સમયાનુસાર જ છે.

સલામતીનાં કારણસર વાતચીત માટેનું ચોક્કસ સ્થળ જાહેર કરાયું નહોતું.

યુક્રેનના રાષ્ટ્રપતિના સલાહકારે યુક્રેન અને રશિયાનાં પ્રતિનિધિમંડળો વચ્ચે બીજા તબક્કાની વાતચીત ચાલી રહી હોવ અંગે સમાચાર આપ્યા હતા.

ભારતીય વિદ્યાર્થીઓને મારવામાં આવ્યા, પાછા યુક્રેન મોકલવામાં આવ્યા: બેલારુસના રાજદૂત

બેલારુસે દાવો કર્યો છે કે પૉલૅન્ડની બૉર્ડર પર તહેનાત સુરક્ષાકર્મીઓએ અંદાજે 100 ભારતીય વિદ્યાર્થીઓને માર મારીને તેમને પાછા યુક્રેન મોકલી દીધા.

દાવો કરવામાં આવ્યો છે કે આ વિદ્યાર્થીઓને રોમાનિયાના એક શરણાર્થી કૅમ્પમાં જગ્યા આપવામાં આવી છે.

સંયુક્ત રાષ્ટ્રમાં બેલારુસના રાજદૂત વૅલેન્ટિન રયબાકોવે બુધવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પોતાના નિવેદનમાં આ જાણકારી આપી હતી.

રયબાકોવે કહ્યું, "પૉલેન્ડના બૉર્ડર સુરક્ષાકર્મીઓએ 26 ફેબ્રુઆરીએ લગભગ 100 ભારતીય વિદ્યાર્થીઓના એક જૂથને માર્યું અને પાછું યુક્રેન મોકલી દીધું."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો