You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
યુક્રેન સંઘર્ષ : યુક્રેનનાં મુખ્ય શહેરો પર રશિયાનો ભીષણ બૉમ્બમારો, અત્યાર સુધી શું-શું થયું?
યુક્રેનમાં આજે સંઘર્ષના સાતમા દિવસે પણ રશિયાના હુમલા ચાલુ રહ્યા છે, રશિયા યુક્રેનના બીજા મોટા શહેર ખારકિએવ પર સતત હુમલા કરી રહ્યું છે. અહીંનાં કેટલાંય સરકારી ભવનોને નિશાન બનાવાયાં છે.
યુક્રેનસ્થિત ભારતીય દૂતાવાસે ખારકિએવમાં રહેતા તમામ ભારતીય નાગરિકો માટે ઍડવાઇઝરી જાહેર કરી છે અને તત્કાળ નીકળવા માટે કહ્યું હતું.
તો ભારત સરકારે કહ્યું કે તે પૂર્વીય યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટેનો રસ્તો શોધી રહી છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ બુધવારે કહ્યું કે "ભારતની ટીમ એ વિચારી રહી છે કે ત્યાં કેવી રીતે પહોંચી શકાય. આ સમયે આ કામ સરળ નથી, કેમ કે રસ્તાઓ દરેક સમયે ખુલ્લા નથી રહેતા."
ખારકિએવમાં રશિયાનો મોટો હુમલો
રશિયા યુક્રેનના બીજા મોટા શહેર ખારકિએવ પર સતત હુમલા કરી રહ્યું છે. અહીંનાં કેટલાંય સરકારી ભવનોને નિશાન બનાવાયાં છે.
હવે ખારકિએવના નગરપરિષદભવન પર રશિયાએ ક્રૂઝ મિસાઇલથી હુમલો કર્યો છે.
ખારકિએવના ડેપ્યુટી ગવર્નરે આ જાણકારી આપી છે. ખારકિએવ રશિયન સરહદથી માત્ર 48 કિલોમીટરના અંતરે છે. ગત બે દિવસોથી રશિયન સૈન્ય અહીં ભારે બૉમ્બમારો કરી રહ્યું છે. શહેરના રસ્તાઓ પર રશિયન અને યુક્રેનિયન સૈન્ય વચ્ચે આમનેસામને લડાઈ થઈ રહી છે.
ગત રાતે રશિયાએ અહીં વિમાનમાંથી સૈનિકો ઉતાર્યા હતા. એ બાદ લડાઈએ વેગ પકડ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મંગળવારે એક મિસાઇલ સરકારી મુખ્યાલય પર છોડવામાં આવી હતી. જેનાથી આસપાસ આગના ગોટેગોટા જોવા મળ્યા હતા.
યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીનું કુદરતી મૃત્યુ
યુક્રેનમાં વધુ એક ભારતીયનું મૃત્યુ થયું છે. જોકે, ચંદન જિંદાલ નામના આ યુવકનું કુદરતી મૃત્યુ થયું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીને ટાંકીને સમાચાર સંસ્થા એએનઆઈએ આ સમાચાર આપ્યા છે.
સમાચાર અનુસાર 22 વર્ષના વિદ્યાર્થી ચંદન યુક્રેનના વિનિત્સિયાસ્થિત એક મેડિકલ કૉલેજમાં અભ્યાસ કરતા હતા.
એમને સ્ટ્રોક બાદ આઈસીયુમાં દાખલ કરાવાયા હતા, આજે એમનું મૃત્યુ થયું છે.
આ પહેલાં મંગળવારે કર્ણાટકના નવીનનું યુક્રેનના બીજા મોટા શહેર ખારકિએવમાં મૃત્યુ થયું હતું.
નવીનના મૃત્યુ બાદ તેમના મિત્રે બીબીસીને જણાવ્યું હતું કે તેઓ ખાવાનું લેવા માટે સુપરમાર્કેટ ગયા હતા અને પરત નહોતા ફર્યા.
નોંધનીય છે કે યુક્રેનમાં હજારોની સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ મેડિકલનો અભ્યાસ કરે છે. ગત ગુરુવારે રશિયન સૈન્ય યુક્રેનમાં દાખલ થયા બાદ વિદ્યાર્થીઓ ભારત પરત ફરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ભારતે પોતાના નાગરિકોને યુક્રેનના ખારકિએવમાંથી તત્કાલ નીકળવા માટે કહ્યું
યુક્રેનસ્થિત ભારતીય દૂતાવાસે ખારકિએવમાં રહેતા તમામ ભારતીય નાગરિકો માટે ઍડવાઇઝરી જાહેર કરી છે.
દૂતાવાસનું કહેવું છે કે જો ભારતીય નાગરિકો પાસે કોઈ વાહન ના હોય, બસ પણ ઉપલબ્ધ ના હોય અને તેઓ રેલેવેસ્ટેશને હોય ત્યાંથી જ પગપાળા જ ચાલવા લાગે.
દૂવાવાસે પોતાના ટ્વીટમાં ભારતીય નાગરિકોને સલાહ આપી છે કે તેઓ પોતાની સુરક્ષા માટે ખારકિએવ તત્કાલ છોડી દે.
ભારતીય દૂતાવાસે નાગરિકોને કહ્યું છે કે શક્ય બને એટલા વહેલા તેઓ PESOCHIN, BBAAYE અને BEZLYUDOVKA તરફ જતા રહે. દૂતાવાસે કહ્યું છે કે ભારતીય નાગરિકો આ વિસ્તારમાં યુક્રેનના સ્થાનિક સમયાનુસાર સાંજે છ વાગ્યા સુધીમાં ગમે તે રીતે પહોંચી જાય.
મહત્ત્વપૂર્ણ છે કે એક દિવસ પહેલાં જ ખારકિએવમાં એક ભારતીય નાગરિકનું મૃત્યુ થયું હતું. કર્ણાટકમાં રહેવાસી નવીન નજીકની દુકાનમાં ખરીદી માટે ગયા હતા. જોકે, ગોળીબારમાં એમણે પોતાનો જીવ ગુમાવ્યો હતો.
વિપક્ષી નેતા ઍલેક્સી નેવેલનીએ લોકોને શું અપીલ કરી?
જેલમાં બંધ રશિયાના વિપક્ષી નેતા ઍલેક્સી નેવેલનીએ કહ્યં છે કે રશિયા શાંતિપ્રિય દેશ બનવા માગે છે પણ બહુ ઓછા લોકો એને શાંતિપસંદ રાષ્ટ્ર ગણશે.
યુક્રેન પર રશિયાના હુમલાની ચર્ચા કરતાં તેમણે મંગળવારે એક બાદ એક કેટલાંય ટ્વીટ કર્યાં.
તેમણે કહ્યું, "આવો, આપણે ડરેલા અને ચૂપ થઈ ગયેલા લોકોનો દેશ તો ના બનીએ! આપણે એવા કાયરોનો દેશ ના બનીએ કે જે યુક્રેન વિરુદ્ધ આક્રમક યુદ્ધ પર ધ્યાન ના આપવાનું બહાનું કરે અને એ પણ એક એવું યુદ્ધ પર જે આપણા ઝારે શરૂ કર્યું છે."
તેમણે એવું પણ કહ્યું કે સો વર્ષ જૂની ઐતિહાસિક બકવાસ ઘટનાઓના આધારે યુક્રેનના લોકોને મારવામાં આવે અને યુક્રેનિયનો આત્મરક્ષામાં રશિયનોને મારે, એ વાત પર હવે મૌન ના રહી શકાય.
નેવેલનીએ ઉમેર્યું કે આપણે 21મી સદીના ત્રીજા દાયકામાં છીએ અને સમાચારમાં આપણે લોકોને ટૅન્કોને સળગાવતા અને ઘરો પર બૉમ્બમારો કરતા જોઈએ છીએ.
નેવેલનીએ કહ્યું, "હવે આપણે ટીવી પર પરમાણુ યુદ્ધ શરૂ થવાના વાસ્તવિક જોખમને જોઈ રહ્યા છીએ. હું પોતે સોવિયેટ સંઘનો છું. હું બાળપણથી જ એક વાક્ય સાંભળતો આવ્યો છું - શાંતિ માટે યુદ્ધ. હું સૌને અપીલ કરું છું કે તેઓ રસ્તા પર ઊતરે અને શાંતિ માટે લડે."
યુક્રેન અંગે ભારતના 'સમતોલ વલણ' માટે આભાર : રશિયન રાજદૂત ડેનિસ અલીપોવ
ભારતમાં રશિયાના નવા રાજદૂત ડેનિસ અલીપોવે કહ્યું છે કે યુક્રેનની સ્થિતિ પર ભારતનું નિષ્પક્ષ વલણ પરિસ્થિતિના આકલનના આધારે છે. તેમણે એવું પણ ઉમેર્યું કે ભારત રશિયાનાં હથિયારો પર નિર્ભર હોવાથી આવું નથી કરાયું.
તેમણે જણાવ્યું, "અમે ભારતના વ્યૂહાત્મક સહયોગી છીએ. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે જે સમતોલ વલણ અપનાવ્યું, એ માટે અમે ભારતના આભારી છીએ. ભારત આ સંકટની ગંભીરતા સમજે છે."
ડેનિસ અલીપોલે કહ્યું, "અમે ખારકિએવ અને પૂર્વ યુક્રેનના અન્ય વિસ્તારોમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષિત કાઢવા માટે ભારતીય અધિકારીઓના સંપર્કમાં છીએ."
"ભારતે રશિયાના વિસ્તારમાંથી થઈને ભારતીયનો બહાર કાઢવા માટે વિનંતી કરી છે." આવું જલદી કરાશે એવો વિશ્વાસ પણ રશિયાના રાજદૂતે અપાવ્યો છે.
આ પહેલાં મંગળવારે ભારતીય વિદ્યાર્થીનું યુક્રેનના ખારકિએવમાં મૃત્યુ નીપજ્યું હતું. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે કર્ણાટકના નવીનનું મૃત્યુ ગોળીબારમાં થયું હતું.
ગત દિવસોમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી હતી. એ વખતે તેમણે ભારતીયોની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો હતો.
યુક્રેન પર રશિયાના હુમલા માટે ઉત્તર કોરિયાએ અમેરિકાને જવાબદાર ઠેરવ્યું
સંયુક્ત રાષ્ટ્રમાં ઉત્તર કોરિયાના દૂતે યુક્રેન પર રશિયાના હુમલા માટે અમેરિકાને જવાબદાર ઠેરવ્યું છે.
આ સાથે તેમણે કહ્યું છે કે વૉશિંગ્ટનની આધિપત્યની નીતિ અન્ય દેશોની સુરક્ષા પર જોખમ ઊભું કરી રહી છે.
દક્ષિણ કોરિયાની સમાચાર એજન્સી યોનહાપે જણાવ્યું છે કે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં યોજાયેલા આપાતકાલીન સત્ર દરમિયાન કિમ સૉન્ગે આ વાત કહી હતી.
મંગળવારે આ સત્ર દરમિયાન સૉન્ગે કહ્યું, "અમેરિકા અને પશ્ચિમી દેશોએ રશિયાની સુરક્ષાની ગૅરન્ટીની માગને નકારી હતી. નેટોના પૂર્વમાં વિસ્તાર કરવા માટે હથિયારો તૈયાર કરવાના પ્રયત્નો અંતર્ગત યુરોપના સુરક્ષા વાતાવરણને વ્યવસ્થિત રૂપથી કમજોર કરવામાં આવ્યું."
આ પહેલાં 28 ફેબ્રુઆરીએ ઉત્તર કોરિયાના વિદેશ મંત્રાલયે પણ એક નિવેદન જારી કરીને અમેરિકાની આધિપત્યનીતિને રશિયા-યુક્રેન વિવાદ માટે જવાબદાર ઠેરવી હતી.
જ્યારે સંયુક્ત રાષ્ટ્રમાં દક્ષિણ કોરિયાના દૂત ચો હ્યુને કહ્યું કે યુક્રેન સંઘર્ષ રશિયાએ જાતે પસંદ કરેલું યુદ્ધ છે.
ખેરસન શહેર પર કબજો કર્યો હોવાનો રશિયાનો દાવો
રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે રશિયન સૈનિકોએ દક્ષિણ યુક્રેનના શહેર ખેરસન પર કબજો કરી લીધો છે.
જો દાવો સાચો હોય તો અત્યાર સુધી રશિયાના કબજામાં આવેલાં શહેરોમાં આ સૌથી મોટું શહેર હશે.
આખી રાત શહેરની શેરીઓમાં રશિયન સૈનિકો જોવા મળ્યા હતા અને શહેરના મેયરે જણાવ્યું છે કે રેલવેસ્ટેશન અને શહેરનું બંદર હાલ રશિયાના કબજામાં છે.
ખારકિએવ પર કબજો કરવાની લડાઈ શરૂ, રશિયન પૅરાટ્રૂપર્સ ઊતર્યા
યુક્રેનની સેનાએ પુષ્ટિ કરી છે કે રશિયન પૅરાટ્રૂપર્સ ખારકિએવમાં ઊતર્યા છે. આ શહેરને પહેલાંથી રશિયન સેનાએ ઘેરી લીધું છે.
યુક્રેનિયન સેના પ્રમાણે, ખારકિએવ અને તેની આસપાસના વિસ્તારોમાં ઍર રેડ સાયરન બાદ હવાઈ હુમલા શરૂ થયા છે.
આ નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે રશિયન સૈનિકોએ એક સૈન્ય હૉસ્પિટલ પર હુમલો કર્યો અને લડાઈ હજુ પણ ચાલુ છે.
આ શહેરમાં મોટાભાગે રશિયન ભાષા બોલાય છે અને હાલના દિવસોમાં યુક્રેનમાં સૌથી વધુ હિંસા ખારકિએવમાં જ જોવા મળી છે.
મંગળવારે એક સરકારી ઇમારત પર મિસાઇલ હુમલો થયો હતો. જેમાં ગાડીઓ અને આસપાસની ઇમારતોને નુકસાન પહોંચ્યું હતું.
રશિયાનાં તમામ વિમાનો પર અમેરિકામાં પ્રતિબંધ
અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને સંસદને સંબોધિત કરતાં પુષ્ટિ કરી છે કે રશિયાની તમામ ફ્લાઇટ્સ હવે અમેરિકન હવાઈક્ષેત્રનો ઉપયોગ નહીં કરી શકે.
તેમણે પોતાના ભાષણમાં દરમિયાન કહ્યું કે આમાં તમામ કૉમર્શિયલ અને પ્રાઇવેટ ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે.
બાઇડને કહ્યું છે કે આ પ્રતિબંધ રશિયાને વધુ દૂર કરશે અને તેની અર્થવ્યવસ્થા પર દબાણ ઊભું કરશે.
તેમણે એમ પણ કહ્યું કે રશિયન મુદ્રા રુબલ અને સ્ટૉકમાર્કેટ 30થી 40 ટકા નીચે પહોંચ્યાં છે.
રાષ્ટ્રપતિ બાઇડને અમેરિકન નાગરિકોને યુક્રેનિયન લોકો પાસેથી પ્રેરણા લેવા પણ કહ્યું છે.
તેમણે કહ્યું કે, "પુતિન ટૅન્કોથી યુક્રેનને ઘેરી શકે છે, પરંતુ તેઓ ક્યારેય યુક્રેનિયન લોકોનાં દિલોને નહીં જીતી શકે."
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને અમેરિકન સંસદને સંબોધિત કરતાં કહ્યું કે અમેરિકા અને નેટોએ દેખાડ્યું કે યુક્રેન સાથે પશ્ચિમી દેશો ઊભા છે.
તેમણે કહ્યું કે ઇતિહાસ દર્શાવે છે કે "જ્યાં સુધી સરમુખત્યાર પોતાના હુમલાની કિંમત ન ચૂકવે, ત્યાં સુધી તેઓ અરાજકતા ફેલાવતા રહે છે."
"જ્યારે ઇતિહાસ લખાશે, ત્યારે યુક્રેન વિરુદ્ધ પુતિનનું યુદ્ધ રશિયાને વધારે કમજોર બનાવશે અને દુનિયાને વધુ મજબૂત કરશે."
તેમણે કહ્યું, "છ દિવસ પહેલાં રશિયાના વ્લાદિમીર પુતિને આઝાદ દુનિયાના પાયાને હચમચાવાનો પ્રયત્ન કર્યો. તેમણે વિચાર્યું કે તેઓ પોતાના ખતરનાક પ્રયાસોથી હલાવી શકશે, પરંતુ તેમણે ખોટું આકલન કર્યું."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો