T20 World Cup Final : ઑસ્ટ્રેલિયા જીતે કે ન્યૂઝીલૅન્ડ, મળશે નવી ચૅમ્પિયન ટીમ

    • લેેખક, મનોજ ચતુર્વેદી
    • પદ, ખેલ પત્રકાર
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 4 મિનિટ

ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડ બંને પરંપરાગત સ્પર્ધકો મનાય છે અને એ કારણસર બંને ટીમો આમનેસામને હોય ત્યારે જીતવા માટે ભરપૂર પ્રયાસો કરતી હોય છે.

આથી જ બંને ટીમો વચ્ચે દુબઈમાં રમાનારા ટી-20 વિશ્વકપ ફાઇનલમાં રોમાંચક ક્રિકેટ મૅચ જોવા મળશે.

ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડ બંને ટીમોની ક્રિકેટની દુનિયામાં ધાક છે, પરંતુ આજ સુધીમાં ક્રિકેટમાં સૌથી નાના સ્વરૂપ ટી-20ના વિશ્વકપમાં બેમાંથી એકેય ટીમ વિજેતા બની નથી. આથી બેમાંથી જે પણ ટીમ જીતે, દુનિયાને ટી-20 વર્લ્ડકપનો નવો ચૅમ્પિયન મળશે તે સ્પષ્ટ છે.

મજાની વાત એ છે કે આઈસીસી વન ડે વિશ્વકપ સૌથી વધુ પાંચ વાર જીતી જનારી ઑસ્ટ્રેલિયાની ટીમ ફક્ત એક જ વાર 2010માં ટી-20ની ફાઇનલ સુધી પહોંચી હતી.

ઓપનરો પર આવશે મોટી જવાબદારી

ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડ બંને ટીમોની પાસે દમદાર ઓપનિંગ જોડીઓ છે. ઑસ્ટ્રેલિયા માટે ડેવિટ વૉર્નર અને એરોન ફિન્ચ ઇનિંગની શરૂઆત કરે છે. વૉર્નર બંને ટીમોમાંથી સૌથી વધુ 236 રન બનાવી ચૂક્યા છે.

જોકે એ ખરું કે હજી સુધી ફિન્ચનું બેટ ધારણા પ્રમાણે એટલું ગાજ્યું નથી. પરંતુ અગત્યની મૅચ વખતે તેઓ રમી જાય છે.

બીજી બાજુ ન્યૂઝીલૅન્ડના ઓપનર્સ તરીકે માર્ટિન ગપ્ટિલ અને ડેરેલ મિશેલ બંને જબરદસ્ત ફૉર્મમાં છે. ગપ્ટિલે અત્યાર સુધીમાં 180 રન, જ્યારે ડેરેલ મિશેલે 197 રન બનાવ્યા છે.

આ બંને જોડીમાંથી જે પણ જોડી ખડ્યા વિના પાવરપ્લેની પ્રથમ છ ઓવર કાઢી શકશે તે સફળ થશે. સાથે જ સામેની ટીમ પર દબાણ પણ ઊભું થશે.

આ બંને જોડીઓ એવી છે કે છ અવર ટકી ગઈ તો બોર્ડ પર 50થી વધારે રન જોવા મળી શકે.

ટ્રૅન્ટ બોલ્ટ અને મિશેલ સ્ટાર્ક પર છે મદાર

આ વિશ્વકપમાં ડાબોડી ફાસ્ટ બૉલરોનો દેખાવ જોરદાર રહ્યો છે. ખાસ કરીને સ્ટ્રેઇટ રમતા બૅટ્સમૅન માટે અંદર આવતો બૉલ ખતરનાક સાબિત થઈ છે. આ બંને બૅટ્સમૅન જોકે આ પ્રકારના બૉલને રમવામાં માહેર છે. તેથી ટીમને શરૂઆતથી જ સફળતા અપાવવાનો આધાર તેમની પર રહેશે.

આ વિશ્વકપની વાત કરીએ તો ન્યૂઝીલૅન્ડના બોલ્ટ આ બાબતમાં સૌથી વધારે સારા બૅટ્સમૅન સાબિત થયા છે. બોલ્ટે અત્યાર સુધીમાં છ મૅચમાં 11 વિકેટ લીધી છે, જ્યારે સ્ટાર્કના નામે પણ 9 વિકેટ બોલે છે.

ન્યૂઝીલૅન્ડ ટીમમાં સાઉદીને સામાન્ય રીતે ટેસ્ટ માટેના બૉલર માનવામાં આવે છે, પરંતુ ઘણી વાર ન્યૂઝીલૅન્ડ માટે ક્રિકેટના સૌથી નાના સ્વરૂપમાં પણ તેઓ રમતા જોવા મળે છે. આ વિશ્વકપમાં પોતાની બૉલિંગનો પ્રભાવ દેખાવડામાં તેઓ સફળ થયા છે.

પાવર પ્લેમાં તેઓ વિકેટ લેવા માટે જાણીતા બૉલર છે. તેની સામે ઑસ્ટ્રેલિયાના ફાસ્ટ બૉલર સ્ટાર્ક ઉપરાંત જોસ હેઝલવૂડ અને પેટ કમિન્સ જેવા જોરદાર બૉલરો પણ છે. જોકે તેમાંથી કોઈને હજી સુધી ટી-20 ક્રિકેટમાં ન્યૂઝીલૅન્ડ સામે રમવાનો અનુભવ નથી.

જમ્પા અને ઈશ સોઢી હુકમના એક્કા

આ વખતના વિશ્વકપમાં સામાન્ય રીતે મધ્યની ઓવરોમાં રનની ગતિને રોકવા માટે અને વિકેટ લેવા માટેની જવાબદારી સ્પિનરો પર રહી છે.

ઑસ્ટ્રેલિયાના એડમ જમ્પા અને ન્યૂઝીલૅન્ડના ઈશ સોઢીએ આ જવાબદારી અત્યાર સુધી સારી રીતે નિભાવી છે.

જમ્પાએ તો 12 વિકેટ લઈને બંને ટીમમાં સૌથી સફળ બૉલરનું સ્થાન મેળવી પણ લીધું છે. આ બાજુ ઈશ સોઢીએ પણ 9 વિકેટો લીધી છે અને પોતાની સફળતા સાબિત કરેલી છે.

જોકે આ બંને બૉલરોમાંથી કોણ વધારે અસરકારક રહે છે તેનો આધાર એ બાબત પર રહેશે સામે છેડેથી બૉલિંગ કરનાર બૉલર કેટલું દબાણ બનાવી રાખે છે. ઑસ્ટ્રેલિયા પાસે સામો છેડો સંભાળવા માટે ગ્લૅન મેક્સવેલ છે, જ્યારે ન્યૂઝીલૅન્ડ પાસે સેન્ટરનર છે.

ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડ બંને ટીમોએ સેમિફાઇનલમાં આઈસીસી રૅન્કિંગમાં ટોચનું સ્થાન ધરાવતી બે ટીમોને હરાવી છે. બંનેનો જીતવાનો અંદાજ પણ લગભગ એકસમાન હતો. છેલ્લી ઓવરોમાં ફટાફટ રન બનાવીને બંને ટીમોએ મૅચ જીતી લીધી હતી.

અબુ ધાબીમાં રમાયેલી પહેલી સેમિફાઇનલમાં ન્યૂઝીલૅન્ડે ઇંગ્લૅન્ડ સામે જીતવા માટે છેલ્લી ચાર ઓવરોમાં 57 રનની જરૂર હતી. તેમાં જિમી નીશમે 11 બૉલમાં 27 રન બનાવ્યા હતા અને ડેરિલ મિશેલે 19મી ઓવરમાં છગ્ગો મારીને જીત મેળવી લીધી હતી.

જિમી નિશમ ગૌરવ લઈ શકે તેવો દેખાવ કરી શક્યો છે. 2019ના વિશ્વકપની ફાઇનલમાં છેલ્લી ઓવરમાં તેઓ ક્રીઝ પર હતા, પણ પોતાની ટીમને જીતાડી શક્યા નહોતા. તે પહેલાં 2017માં પણ તેમની સામે ડિપ્રેશનની સમસ્યા હતી. તેના કારણે ક્રિકેટ છોડવાની પણ તૈયારી કરી લીધી હતી. પરંતુ હવે તેઓ ટીમના હીરો બની ગયા છે.

આ જ રીતે ઑસ્ટ્રેલિયાએ પાકિસ્તાન સામે છેલ્લી ચાર ઓવરોમાં 50 રન બનાવવાના હતા. તે વખતે મૅચ પાકિસ્તાન જીતી જાય તેમ હતું.

પરંતુ મેથ્યુ વેડ અને સ્ટોઇનીશે આક્રમક બેટિંગ કરીને એક ઓવર બાકી રહી ત્યારે જ જીત મેળવી લીધી. પાકિસ્તાનના જોરદાર બૉલર શાહીનશાહ આફ્રિકીની 19મી ઓવરમાં વેડે ઉપરાઉપરી ત્રણ છગ્ગા ફટકારીને બાજી પલટી નાખી હતી.

કીવી ટીમને ફાઇનલ પહેલાં ફટકો

કીવી ટીમ માટે જરૂર હોય ત્યારે ઝડપથી રન બનાવવા માટે ડેવોન કૉનવે જાણીતા છે અને તેઓ પાસું પલટી શકે છે, પરંતુ તેમને હાથમાં ઈજા થઈ હોવાથી તેઓ ફાઇનલ મૅચમાં રમી શકશે નહીં.

ન્યૂઝીલૅન્ડને ફાઇનલમાં કૉનવેની ખોટ સાલી શકે છે. કૉનવેએ અત્યાર સુધીમાં 129 રન જ બનાવ્યા છે, પણ જે રીતે ફટાફટ રન તેઓ બનાવે છે તેનો ફાયદો થતો હોય છે.

બંને ટીમોને આશા છે કે ફાઇનલમાં તેમના દિગ્ગજ બૅટ્સમૅનો સારો દેખાવ કરશે. ન્યૂઝીલૅન્ડ માટે સૌથી દિગ્ગજ અને આશાસ્પદ બૅટ્સમૅન એટલે કૅપ્ટન કેન વિલિયમ્સન, જ્યારે ઑસ્ટ્રેલિયા છે માટે ભૂતપૂર્વ કૅપ્ટન સ્ટીવ સ્મિથ.

આ બંને દિગ્ગજો હજી સુધી પોતાનો પ્રભાવ દેખાડી શક્યા નથી. બંને ક્ષમતાવાન છે અને જરૂર પડે ત્યારે પરિણામ લાવી શકવાની ક્ષમતા ધરાવે છે.

ટૉસ સાબિત થશે બૉસ

દુબઈમાં બીજી ઇનિંગમાં બૉલિંગ કરવામાં ભેજને કારણે ટીમને મુશ્કેલી થતી હોય છે. અત્યાર સુધીમાં આ વિશ્વકપમાં ટૉસ જીત્યો હોય તે ટીમે પ્રથમ બૉલિંગ જ પસંદ કરી છે.

બીજી ઇનિંગમાં બૉલિંગ કરનારી ટીમના ફાસ્ટ બૉલરો કરતાંય સ્પિનરો માટે વધારે મુશ્કેલી થઈ શકે છે. બોલ ભેજને કારણે ભીનો થઈ જાય એટલે તેના પર પકડ આવે નહીં અને તેને સ્પિન કરવો મુશ્કેલ બને.

જોકે આ સમસ્યાને ધ્યાનમાં રાખીને પ્રથમ બેટિંગ મળે ત્યારે ટીમે 20-25 રન વધારે બનાવવા જરૂરી બની જાય છે.

બંને ટીમો આવું કરવામાં સક્ષમ છે એટલે પ્રથમ બેટિંગ આવે તો પણ તે માટેનો વ્યૂહ નક્કી કરીને જ મેદાનમાં ઊતરશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો